સુરતીઓની દુનિયા Archives - Page 63 of 76 - CIA Live

January 17, 2019
suratairport1.jpg
1min19890

સુરત એરપોર્ટ આજકાલ ચર્ચાના ચગડોળે છે અને તેમાં મોટા ભાગે હકારાત્મક ન્યુઝ કારણભૂત હતા, પરંતુ, આગામી તા.30મી જાન્યુઆર 2109ના રોજ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળવાનો છે તેવી સ્થિતિમાં એક નકારાત્મક ન્યુઝ એ આવ્યા છે કે સુરત એરપોર્ટ પર આજે તા.17મી જાન્યુઆરીના રોજ જોઇન્ટ જનરલ મેનેજર જેવી પોસ્ટ પર ખાસ નિયુક્ત કરાયેલા એક અધિકારી રાધા રમણ ગુપ્તાને એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે લાંચના છટકામાં આબાદ ઝડપી પાડ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.30 હજારની લાંચ લેવાના પ્રકરણમાં તેઓ આબાદ ઝલાયા છે અને તેમણે સુરત એરપોર્ટના ચાંદ રૂપી સ્વરૂપમાં કાળી ટીલી પણ લગાડી દીધી છે.

એસીબીની ટ્રેપ થયા બાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કેટલાક અધિકારીઓ સમગ્ર ઘટના અંગે ઢાંકપીછોડો કરવાની કોશીસ કરી હતી અને આ સમગ્ર પ્રકરણ અંગેની કોઇ વિગતો મિડીયાને આપવાનો ઇન્કાર કરી દીધો હતો. મળતી માહિતી મુજબ જોઇન્ટ જનરલ મેનેજરની સુરતમાં એક ખાસ પોસ્ટ ઉભી કરવામાં આવી હતી. એરપોર્ટ વિસ્તરણનું મહત્વનું કામ આ પોસ્ટ પર નિમાયેલા ગુપ્તા નામના એક અધિકારીને સોંપવામાં આવ્યું હતું. હાલ એરપોર્ટ પર વિસ્તરણ ચાલી રહ્યું છે ત્યારે અનેક કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુપ્તા નામના આ અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસે રૂ.30 હજારની લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટરે આ અધિકારને પાઠ ભણાવવા માટે એન્ટી કરપ્શનન બ્યુરોને ફરીયાદ કરીને આજે તેમને આબાદ છટકામાં પકડાવી દીધા હતા.

આ સાથે જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા પહેલા આ અધિકારી મહાશયે કાળી ટીલી લગાડી દીધી છે.

 

January 12, 2019
sachin.jpg
1min5070

સચીન જીઆઇડીસીમાં આવેલા ઉદ્યોગોને પાણી વિતરણમાંથી કરોડ રૂપિયાની કમાણી થાય તેવી ગણતરી માંડીને બેઠેલા કેટલાક લોકો યેનકેન પ્રકારે સચીન જીઆઇડીસીમાં પાણીની બૂમો પાડીને પાણી વિતરણનું સમગ્ર કામ ખાનગી હાથોમાં સુપરત કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે. હકીકતમાં સચીન જીઆઇડીસીના ઉદ્યોગોને ખાનગી સપ્લાયર પાણી વિતરણ કરશે તો હાલના સિંચાઇ વિભાગના દરથી અનેક ગણું મોંઘુ પાણી મળશે અને તો જ કરોડોની કમાણી શક્ય બનશે. આ સમગ્ર કારસામાં સિંચાઇ વિભાગના કેટલાક અધિકારીઓ પણ ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા છે. હકીકતમાં પાણીનો કોઇ મેજર પ્રોબ્લેમ હજુ સુધી જોવા મળી રહ્યો નથી પરંતુ, ઇશ્યુને મોટો દર્શાવીને મામલો પાણી સપ્લાયના ખાનગીકરણ સુધી લઇ જવાની પેરવી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટીએ બીજા નંબરની સૌથી મોટી જીઆઇડીસી સુરતની સચીન જીઆઇડીસીમાં પાણીની અછતની બૂમો પાડીને પાણી વિતરણનો કરોડોનો કોન્ટ્રાક્ટ ખાનગી હાથોમાં સોંપવાનો કારસો સિફતપૂર્વક રચાઇ ચૂક્યો છે. રાજ્ય સરકાર સામે પાણી અછતની બૂમો પાડીને ખુદ સરકાર જ સચીન જીઆઇડીસીમાં પાણી વિતરણનું કામ ખાનગી કોન્ટ્રક્ટરને સોંપવા અંગેના આદેશો જારી કરે તેવી ગેમ ગોઠવવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સચીન જીઆઇડીસીમાં પાણી વિતરણ કરતું સિંચાઇ વિભાગથી લઇને સચીન જીઆઇડીસીનો વહીવટ કરતા સત્તાધારીઓ તેમજ વિરોધી પેનલ તમામ એક પાટલે બેઠા છે અને તમામ એવા પ્રયાસો કરી રહ્યા છે કે સચીનમાં પાણીનો ધંધો ખાનગી હાથોમાં જતો રહે અને કરોડો રૂપિયાની કમાણી અને કમિશનની મલાઇદાર આવક ઉભી થાય. સિંચાઇ વિભાગ ઇરાદાપૂર્વક પાણી ઓછું આપીને પાણીની કુત્રિમ અછત ઉભી કરી રહી છે તો બીજી તરફ વર્તમાન વહીવટર્તાઓ, ભૂતકાળના વહીવટકર્તાઓ એવી બૂમો પાડી રહ્યા છે કે સચીન જીઆઇડીસીમાં પાણીની તંગીને લીધે ઉદ્યોગોને માઠી અસર પહોંચી રહી છે.

તાજેતરમાં સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે 750 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલી સચીન જીઆઇડીસી અમદાવાદના વટવાની જીઆઇડીસી બાદ ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી જીઆઇડીસી છે જેમાં 2350 નાના મોટા ઓદ્યોગિક એકમો સ્થપાયેલા છે અને કમસે કમ અઢી લાખ લોકો રોજગાર અહીંથી રોજગારી મેળવી રહ્યા છે. આ તમામ લોકોને પાણી પુરવઠો પર્યાપ્ત પ્રમાણમાં મળતો નથી. 22મી ફેબ્રુઆરી સુધી સિંચાઇ વિભાગ પાણી આપી શકે તેમ નથી. અને મોટા ભાગે પાણી પર નિર્ભર રહેતા ઉદ્યોગો મોટી નુકસાની વેઠી રહ્યા છે, પાણીના અભાવે કામદારોની પણ હિજરતની દહેશત પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.

આ પત્રને પહેલી સોગઠી ગણવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તપાસના નામે રિપોર્ટ તૈયાર કરીને બાદમાં સમગ્ર મામલો પાણી સપ્લાયના ટેન્ડરિંગની પ્રક્રિયા સુધી પહોંચાડી દેવામાં આવે તો નવાઇ નહીં.

January 12, 2019
patang1.jpg
1min15480

જયેશ બ્રહ્મભટ્ટ. સુરત

સુરતીઓની ઉતરાણ પહેલા જેવી ક્યાં રહી છે. દાયકા અગાઉ સુધી સુરતીઓ માટે ઉતરાણ એટલે જાણે પતંગ અને દોરી સિવાય બીજું કશું નહીં. હવે ઉતરાણ પતંગ-દોરાથી વિશેષ ખાણીપીણી અને પાર્ટીઓનો ફેસ્ટિવલ બની ગઇ છે. આ શબ્દો છે સુરતના સૌથી જૂના પતંગના વિક્રેતા શ્રી મનહરભાઇના. સી.આઇ.એ લાઇવ સાથે વાતચીતમાં મનહરભાઇએ જણાવ્યું કે પહેલા જેવા પતંગો ક્યાં સુરતીઓ ચગાવે છે, એવા ગ્રાહકો હતા જેઓ 500-500 પતંગ અને 6-7 ફિરકીઓ લઇને ધાબે ચઢી જતા અને બે દિવસ બસ અગાસી પર જ. હવે એ જ ગ્રાહકો 50 પતંગ માંડ ખરીદે છે અને ફક્ત ઉતરાણના દિવસે સાંજે 5 થી 7માં જે પતંગો ચગાવી શકાય એ ચગાવાના નહીં તો કંઇ નહીં.

symbolic photo

આવો જ માહોલ સર્વત્ર જોવા મળી રહ્યો છે. સુરતીઓની હાલની યુવા પેઢી એટલે કે યંગસ્ટર્સ, કિડ્ઝીસ્તાનને પતંગ દોરા પરત્વે ખાસ આકર્ષણ નથી. 7થી 18 વર્ષની વયના સુરતીઓ તેમના ડેડીની જેમ પતંગના રસીયા નથી એટલે માહોલ નિરસ બની રહ્યો છે, તબક્કાવાર ઉતરાણ હવે ખાણી-પીણીનો ફેસ્ટિવલ બની રહ્યો છે.

પારિવારીક અને ફ્રેન્ડસ સર્કલના મેળાવડા, પાર્ટીઓ થાય પણ પહેલાની જેમ પતંગ ચગાવવાનું કામ પ્રાયોરિટીમાં નહીં પણ આખા દિવસમાં શું ખાવા પીવાનું અને ડ્રેસિંગ બસ એટલા પૂરતી ઉતરાણ સિમીત બની ચૂકી છે. પતંગ દોરાના વિક્રેતા કરતા આજે ઉંધીયું, પૂરી, રેડીમેડ ખાણું વગેરેનું માર્કેટ ઉતરાણમાં ઉંચકાય જાય છે પણ પતંગ અને દોરાનો વેપાર પહેલા જેટલો પણ નહીં તેનાથી ઓછો થયો છે. હાલાકી વસતિ વધી છે પણ પતંગ દોરાનો કારોબાર 10 વર્ષ પહેલાની સરખામણીમાં વધવો જોઇએ તેવો વધ્યો ન હોવાનું રાંદેરના પતંગ વેપારીઓ જણાવી રહ્યા છે.

સોમવાર તા.14મી જાન્યુઆરીએ ઉતરાયણના દિવસે મોટા ભાગે અગાસીઓમાં ખાણીપીણીની જયાફતો યોજાવાની છે. આમેય ઉતરાણના દિવસે પહેલા જેવો પવન પણ વાતો નથી કે ફૂંકાતો નથી, એટલે તબક્કાવાર એવું નોંધાયું છે કે સુરતીઓની પતંગ ચગાવવાની મઝા પણ પવનની ગેરહાજરી કિરકીરી કરી રહી છે.

January 10, 2019
surat.jpeg
1min26060

સુરતનો વિકાસ કરતી મ્યુનિસિપલ કોર્પોરેશન હાંફી ગઇ છે, તિજોરી તળીયું દેખાતી થઇ છે ત્યારે શહેરમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓ સામે આવીને સુરતના માળખાગત સુવિધાઓ વિકસાવવામાં યોગદાન ક્યારે આપશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના અર્થતંત્રને સમગ્ર વિશ્વમાં ગણનાપાત્ર બનાવતા બે મુખ્ય ઉદ્યોગો હીરા અને ટેક્સટાઇલનું સમાજ પ્રત્યે પણ ઉત્તરદાયિત્વ હોય છે. સુરત મહાનગરપાલિકાની તિજોરી હવે સતત તળીયા ઝાટક બની રહી છે ત્યારે સુરતમાંથી કમાણી કરતા ઉદ્યોગોની નૈતિક ફરજ બને છે કે સામે આવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસમાં યોગદાન આપવું જોઇએ.

સુરતમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓએ આ શહેરના વિકાસમાં પણ યોગદાન આપવાનું થતું હોય છે. કોર્પોરેટ જગતમાં રાજ્ય સરકારે ફરજિયાત સી.એસ.આર. (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી) એક્ટવિટી કરાવે છે પરંતુ, સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા ભાગે વ્યક્તિગત કે ભાગીદારી પેઢીમાંથી વિકાસ પામ્યા છે ત્યારે સામાજિક ઉત્તરદાયિત્વ એટલે કે સુરતના વિકાસમાં પણ યોગદાન આપવાની બાબત વ્યક્તિગત બની ગઇ છે.

સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ સખાવતમાં પાછું વળીને જોયું નથી

છેલ્લા 25 વર્ષથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને સામાજિક ઉત્તરદાયિત્વમાં જે જોયું જાણ્યું છે એના પરથી લખી રહ્યો છું કે સુરત પાસેથી કમાણી કરીને સુરતને ઋુણ ચૂકવવામાં હીરા ઉદ્યોગપતિઓએ જબરદસ્ત ફાળો આપ્યો છે અને આપી રહ્યા છે. હીરા ઉધોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓએ સુરતના વિકાસમાં જ્યારે જ્યારે ટહેલ પડી છે ત્યારે રકમની સામું જોયા વગર કરોડો રૂપિયા આપ્યા છે અગર તો સુરતને પબ્લિક પ્રોજેક્ટ સમર્પિત કર્યા છે. કિરણ હોસ્પિટલ હોય કે સૌરાષ્ટ્ર પટેલ સમાજની લાઇબ્રેરી હોય કે પછી પબ્લિક દવાખાના હોય, હીરા ઉદ્યોગપતિઓએ સુરતના લોકો માટે આ પ્રોજેક્ટસ આપીને ઋુણ અદા કરવામાં કોઇ કચાશ છોડી નથી. બીજી તરફ, શહેરમાં સી.સી. ટીવી કેમેરાનું નેટવર્ક બિછાવવાનું હોય કે સરહદ પર શહીદ થતા વીર સૈનિકોના પરિવારજનોને આર્થિક સહયોગ આપવાનો હોય સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ આવા સામાજિક ઉત્તરદાયિત્વના કામો માટે અપેક્ષા કરતા મોટી રકમ આપી છે.

  • હીરા ઉધોગપતિઓ ન હોત તો આ મેગા પ્રોજેક્ટસના મીઠાં ફળ સુરતીઓને મળી શક્યા હોત
  • કિરણ હોસ્પિટલ
  • લોકસમર્પણ બ્લડ બેંક
  • લોકદ્રષ્ટી ચક્ષુબેંક
  • વરાછા કો.ઓ. બેંક
  • ડાયમંડ હોસ્પિટલ
  • જે.ડી. ગાબાણી લાઇબ્રેરી અને પુસ્તકાલય
  • ઓડીટોરીયમ અને આર્ટ ગેલેરી (પ્રપોઝ્ડ)
  • સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ
  • આવી તો કંઇ કેટલીય પ્રવૃતિઓ છે જેનો લાભ સમાજના દરેક વર્ગના લોકોને આજે મળી રહ્યો છે, આ પ્રવૃતિઓ હીરા ઉદ્યોગ સાથે કંળાયેલા ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે આપેલા દાનમાંથી ધમધમી રહી છે. આવા પ્રોજેક્ટસને કારણે સ્થાનિક વહીવટીતંત્રોને મોટી રાહત મળતી હોય છે. સુરતના વિકાસમાં આ પ્રોજેક્ટસ મહત્વની ભૂમિકા ભજવે છે.

બિનગુજરાતી ઉદ્યોગપતિઓની સખાવત સ્વકેન્દ્રી બની રહી

બીજી તરફ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ હિન્દીભાષીઓ કાર્યરત છે અને તેઓ કમાણી પણ કરી રહ્યા છે. રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, ઉત્તર પ્રદેશ વગેરેથી અહીં મોટા પ્રમાણમાં વર્કર્સ આવ્યા છે, તેઓ મર્યાદિત આવક રળી રહ્યા છે, રોજી રોટી માટે આવ્યા છે માની શકાય પરંતુ, સુરતમાં એવા અનેક હિન્દીભાષી, બિનગુજરાતી ટેકસટાઇલ ઉદ્યોગપતિઓ છે જેઓ કરોડો નહીં અબજો રૂપિયાની કમાણી સુરતમાંથી કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. પરંતુ, ઉડીને આંખે વળગે તેવા સોશ્યલ રિસ્પોન્સિબિલીટીના એકેય પ્રોજેક્ટ આ વર્ગમાંથી મળ્યા નથી. કહેવાનો મતલબ એવો હરગીઝ નથી કે બિનગુજરાતી ઉદ્યોગપતિઓ દાન-ધર્મ નહીં કરતા હોય પરંતુ, હોસ્પિટલ, સ્કુલ, કોમ્યુનિટી હોલ જે કંઇ પણ આ વર્ગે બનાવ્યું એમાં ટોપ પ્રાયોરિટી પોતાના વર્ગ પૂરતી સિમીત રાખી હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સુરતમાંથી લખલૂંટ કમાણી કર્યા પછી બિનગુજરાતી ઉદ્યોગપતિઓએ જે સખાવતો કરી એ પોતાના વર્ગ પૂરતી સ્વકેન્દ્રી કરી છે. સ્વકેન્દ્રી એટલા માટે લખવું પડી રહ્યું છે કેમકે બિનગુજરાતી કહો કે હિન્દીભાષી ઉદ્યોગપતિઓએ આ શહેરમાં જો પબ્લિક પ્રોજેક્ટસ આપ્યા હોય તો એ મહત્તમ સીબીએસઇ સ્કુલ્સ છે કે કોલેજો છે. સીબીએસઇ એટલા માટે કે આખા દેશમાં સીબીએસઇ બોર્ડ હોય અને આવી સ્કુલ્સમાં મિડીયમ ઓફ ટીચીંગ કોમન હોય એટલે એ વર્ગના પરિવારોના બાળકોની શિક્ષણની સુવિધાઓ સચવાય રહે. સીબીએસઇ સ્કુલ્સમાં પ્રાયોરિટી બિનગુજરાતી પરિવારોને પહેલા આપવામાં આવે છે પરીણામે સ્વકેન્દ્રી અભિગમ છતો થઇ રહ્યો છે.

સૌથી કંજૂસ હજીરાના ઉધોગો, સુરતની તાપી નદીનું પાણી લીધું એટલા રૂપિયા પણ આપતા નથી

એવું નથી કે સુરતને ધંધાકીય સિટીની ઓળખ હજીરાના ઉદ્યોગોથી મળી હોય. દાયકાઓ પૂર્વેથી સુરત વેપાર-વણજ માટે પ્રખ્યાત હતુ અને છે. અને આ જ કારણે દેશના ઉદ્યોગપતિઓ સુરત નજીક હજીરામાં આવ્યા. હજીરા ખાતે પ્લાન્ટસ નાખીને દેશની અગ્રણી હરોળની બનેલી અનેક કંપનીઓએ સુરતના તટેથી વેપાર કરીને અબજો રૂપિયા બનાવ્યા. સી.એસ.આર. એક્ટિવિટીના નામે આ ઉધોગોએ હજીરાના આસપાસના ગામોમાં થોડી ઘણી સખાવતો કરી છે, એ સિવાય તાપી નદીમાંથી રોજેરોજ કરોડો લિટર પાણી ઉલેચી રહેલી હજીરાની કંપનીઓ જો સુરતને પાણી લીધા બરાબર પણ ઋુણ અદા કરે તો સુરતમાં અનેક માળખાગત સુવિધાઓ વિકસી શકે. સુરતના વિશાળ હિતમાં જ્યારે જ્યારે કોઇ પ્રોજેક્ટ હાથ ધરાય અને પબ્લિક પાર્ટિશિપેશનની જરૂર પડે ત્યારે સ્થાનિક અધિકારીઓએ દમ મારીને દાનના રૂપિયા હજીરાના ઉધોગો પાસેથી કઢાવવા પડે એ સિવાય સ્વયંભુ સુરતને કશું આપવા માટે હજીરાના ઉદ્યોગો ક્યારેય આગળ આવતા નથી.

હવે એવો સમય આવી ગયો છે કે સુરતના વિકાસ માટે એક્સ્ટ્રા એટેમ્પ્ટ કરવો પડશે. એકલી સુરત મહાનગરપાલિકા પાસે જ સુરતના વિકાસની અપેક્ષા રાખી શકાય નહીં. ઉધોગો અને ઉધોગપતિઓએ સામાજિક ઉત્તરદાયિત્વ સમજવું પડશે. સુરત એવા લેવલમાં આવી ચૂક્યું છે કે અહીંથી આયોજનબદ્ધ રીતે વિકાસને દિશા મળી શકે અન્યથા મુંબઇની જેમ અણઘડ રીતે એ વિકાસના નામે ફેલાતું રહેશે. એકલા ઉદ્યોગપતિઓ નહીં સમગ્ર ઉદ્યોગે સાથે મળીને સુરતના વિકાસના પ્રોજેક્ટસની જવાબદારી ઉપાડી લેવાનો વખત આવી ચૂક્યો છે.

January 9, 2019
singing.jpg
1min22210

સુરતીઓમાં ખાસ કરીને મિડલ એજ્ડ (મધ્યમવયી)  સુરતીઓ ખાસ કરીને વ્યવસાયિકોમાં હાલ એક પ્રશંસનીય ટ્રેન્ડ પ્રવર્તમાન જોવા મળી રહ્યો છે. આ ને ટ્રેન્ડ કહો કે મ્યુઝિક મેનિયા કહો. પણ શહેરના અનેક તબીબો, એન્જિનિયર્સ, બિઝનેસ પર્સન્સ, પ્રોફેશ્નલ્સ, વર્કિંગ વુમન, પ્રોફેસર્સ..ઇન શોર્ટ વ્યાવસાયિકો પોતાના કામ-ધંધા સાથે પોતાનામાં રહેલી ગાયન ક્ષમતા (સિંગીંગ ટેલેન્ટ)ને ઉજાગર કરી રહ્યા છે.

સી.આઇ.એ. લાઇવ પરિવાર સાથે સંકળાયેલા અનેક મિત્રો એવા ગ્રુપ્સ સાથે સંકળાયેલા છે જેઓ પોતાનામાં રહેલી ગાયન પ્રતિભાને બહાર લાવવા માટે પ્રયત્નશીલ છે. પધનિશા ગ્રુપ હોય કે પછી શહેરમાં એના જેવા બીજા ગ્રુપ કે શહેરના તબીબોનું બનેલું મલ્હાર ગ્રુપ હોય, આ ગ્રુપ સાથે જોડાયેલા મોટા ભાગના સભ્યોની વચ્ચે જો કોઇ સેતુ (બ્રિજ) રચાયો હોય તો એ સિંગીંગ છે. સૌથી આશ્ચર્યની વાત એ પણ છે કે અહીં સિંગીંગ માંથી કમાણી કરતા લોકો બહું ઓછા છે, સિંગીંગને મેડીટેશન, ગમતી પ્રવૃત્તિ, સ્ટ્રેસ ફ્રી રહેવા માટે ગાયનને અપનાવનારાઓ સુરતીઓ પ્રોફેશનલ સિંગર્સને ટક્કર મારે તેવું ગાય રહ્યા છે.

પધનિશા ગ્રુપ 10મીએ ગાંધીસ્મૃતિમાં પરફોર્મ કરશે

શહેરના જાણીતી બિઝનેસ પર્સન હિમલ દેસાઇએ સી.આઇ.એ લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું કે સિંગીંગ ક્ષેત્રમાં હાલ તેઓ પધનિશા ગ્રુપ સાથે જોડાયેલા છે. હિમલ દેસાઇ અને સત્યેન જગીવાલા એવા સુરતી સિંગર્સ છે જેમને નીતિન રાયકવાર જેવા આતી ક્યા ખંડાલા ફેમ મ્યુઝિક ડાયરેક્ટરની સાથે પ્લેબેક સિંગર તરીકે પણ ગીતો રેકોર્ડ કર્યા છે. મુવીનું નામ છે લૂઝ મોશન… તેમની સાથે મેહુલ ધનિક, સત્યેન જગીવાલા, નીતા કદમ, શિવાની દેસાઇ, પાયલ મોદી, ડો.હાર્દિક શ્રોફ, માનસી સાવંત, રિદ્ધીશ મોદી, વિકેશ પટેલ, ડો.અતુલ ભગત વગેરેનું ગ્રુપ છે અને આ તમામ પોતાના કામકાજમાં અતિવ્યસ્ત રહેતા હોય પણ જ્યારે જ્યારે સિંગીંગનો સાદ પડે એટલે બધા એક સ્થળે હાજર..ગીત ગાવાની મજા જ કંઇક ઔર છે. હિમલ દેસાઇ કહે છે તેઓનું આ ગ્રુપ શહેરીજનો માટે ગાંધીસ્મૃતિ ભવન કે અન્ય સ્થળોએ મ્યુઝિકલ ઇવેન્ટ પણ કરે છે. ઇનફેક્ટ તા.10મી જાન્યુઆરી 2019ના રોજ પણ આવી એક ઇવેન્ટ ગાંધી સ્મૃતિ ભવન ખાતે યોજવામાં આવી છે.

(તસ્વીરમાં દ્રશ્યમાન મેલ કરાકારો, હિમલ દેસાઇ અને સત્યેન જગીવાલા કે જેમને ફિલ્મ આતી ક્યા ખંડાલા ના મ્યુઝિક ડાયરેક્ટર નીતિન રાયકવારની આગામી ફિલ્મ લુઝ મોશનમાં પ્લેબેક સિંગર તરીકે કામ કરવાની તક મળી અને તેમણે ગીતો રેકોર્ડ પણ કરી લીધા છે.)

તાજેતરમાં જ સ્વરમ્ ગ્રુપ નો કાર્યક્રમ યોજાઇ ગયો

(સિંગીંગ રિયાઝ કરી રહેલા સ્વરમ્ ગ્રુપના સભ્યો)

સ્વરમ્ ગ્રુપ પણ સંગીતપ્રેમીઓનું એક એવું ગ્રુપ છે જેમાં એન્જિનિયર્સ, તબીબો, બિઝનેસમેન બધા છે અને દરેક પોતાની વ્યવસાસિયક વ્યસ્તતા વચ્ચેથી સંગીત, ગાયન માટે સમય કાઢીને નિયમિત રીતે પોતાની કળાને ઉજાગર કરતા રહે ચે. સ્વરમ્ ગ્રુપના કેતન દેસાઇએ જણાવ્યું કે કરાઓકે પર એક વખત ગીત ગાયું અને એ દિવસથી સિંગીંગ પ્રત્યે મને અનહદ ચાહત ઉદભવી. આજે તેઓ એક્સપર્ટ સિંગર પાસેથી ટ્રેનિંગ લઇને પોતાના ગાયન શોખને ડેવલપ કરી રહ્યા છે. કેતનભાઇએ કહ્યું સંગીત, ગાયનમાં એવી શક્તિ છે જેને યોગને સમકક્ષ મૂકી શકાય. આ ગ્રુપમાં કેતન દેસાઇ ઉપરાંત સંજય ધનિક, નિખીલ શેઠ, ઉત્સવ શેઠ, સેજલ મહેતા, અનુપા શાહ, નિર્લેપ દેસાઇ, મહેશ ચૌધરી, સારીકા શાહ, ભાવના શાહ અને હેતવી પંડ્યાએ પરફોર્મન્સ આપ્યું હતું.

(SMC  એન્જિનિયર તરીકે જોબ કરતા કેતન દેસાઇ આ ઉંમરે મ્યુઝિક શીખી રહ્યા છે, તેઓ કહે છે મ્યુઝિકમાં અદભૂત મેન્ટલ પીશ ધરબાયેલું છે, અહીં તેમના સિંગીંગ ટેલેન્ટનો લેટેસ્ટ વિડીયો પ્રસ્તુત છે.)

First time I tried to sing new Zohar qawwali Chadta-Suraj dheere dheere dhalta hey dhal jayega in our yesterday‘s program of Swaram group in Gandhi Smruti Bhavan with symphony Orchestra . I would be obliged to receive your valuable feedbacks.

Posted by Ketan Desai on Sunday, 6 January 2019

કેમેરા-ફોટોગ્રાફીનો બિઝનેસ કરતા સંજય ધનિક કહે છે મ્યુઝિક હૈ તો જહાન હૈ…

ફોટોગ્રાફી અને કેમેરા ટેકનિકસ વિષે જબરદસ્ત નોલેજ ધરાવતા સંજય ધનિક ખૂબ સારા સિંગર છે. સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે હું દ્રઢ પણે માનું છું કે મ્યુઝિક હૈ તો જહાન હૈ. કરાઓકે પરથી શરૂ કરેલી મ્યુઝિકની સફર હવે પ્રોફેશનલ સ્ટેજ સુધી પહોંચી ગઇ છે પણ હજુ પણ અમે સંગીતના વિદ્યાર્થીઓ જ છીએ. દરેક ગાયન વખતે હું કંઇકને કંઇક નવું શીખી રહ્યો છું. જીવનના આ પડાવમાં મ્યુઝિક, સંગીત મળ્યું એ બહુ જ મોટો આનંદ મળ્યા બરાબર છે.

 

વધુ એક પ્રોગ્રામ તા.11મી જાન્યુઆરીએ 

પધનિશા ગ્રુપના મેહુલ ધનિક ગાંધીસ્મૃતિના મંચ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે લેવાયેલો વિડીયો

sunahaarii yaade nita kadam presents and empowerd by pa dha ni sa group surat singers mehul dhanik payel modi

Posted by Mehul D Dhanik on Monday, 29 October 2018

ટૂંકમાં કહીએ તો શહેરમાં આજે સિંગીંગનો ટ્રેન્ડ જબરદસ્ત વાઇરલ થયો છે. પરિવારોમાં થતી નાની મોટી પાર્ટીઓમાં હવે સભ્યો કરાઓકે માઇક પર ગીતો ગાઇને એકેમેકનું મનોરંજન કરી રહ્યા છે, કરાઓકે માઇકથી લઇને અનેક પરિવારોએ પોતાના ઘરમાં મ્યુઝિક સિસ્ટમ વિકસાવી છે જેના પર નિયમિત રીતે ફેમિલી ફ્રેન્ડસ સાથે મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરતા રહે છે. સુરતીઓમાં સિંગીંગનો આ ટ્રેન્ડ આવકાર દાયક છે.

January 5, 2019
SGCCI.jpg
1min6840

ચેમ્‍બરના ‘સીટેક્ષ- ર019′ પ્રદર્શન દરમિયાન‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાયો

 ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે યોજાયેલા સીટેક્ષ ર019 પ્રદર્શન દરમિયાન ‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. જેમાં ટેક્ષટાઇલ મશીનરી મેન્‍યુફેકચર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ શ્રી સચિન અરોરા, શ્રી ઇસ્‍માઇલ શરીફ (આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર), શ્રી સિદ્ધેશ્વર ડોમ્‍બે (આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર) અને શ્રી પરેશ શાહ (સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ, સ્‍મોલ એન્‍ટરપ્રાઇઝીસ બેન્‍કીંગ, યસ બેન્‍ક લિ.)એ ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીમાં જુદા-જુદા સેકટરની અદ્યતન મશીનરી, સરકારની વિવિધ યોજનાઓ અને ફાયનાન્‍શીયલ બાબતો વિશે માર્ગદર્શન આપ્‍યુ હતુ.

સચિન અરોરાએ સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી ઉપર વકતવ્‍ય રજૂ કર્યુ

શ્રી સચિન અરોરાએ સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી ઉપર વકતવ્‍ય રજૂ કર્યુ હતુ. તેમણે કહયુ હતુ કે, ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝના જુદા-જુદા સેકટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દ્વારા રૂપિયા 6 હજાર કરોડથી 7 હજાર કરોડ સુધીની મશીનરી ભારતમાં આયાત કરવામાં આવે છે. જેમાં સ્‍પીનીંગ, વિવિંગ, પ્રોસેસિંગ અને ગારમેન્‍ટીંગ સુધીના તમામ ઇકવીપમેન્‍ટનો સમાવેશ થાય છે.તેમણે ગ્‍લોબલ માર્કેટમાં ટેકનીકલ ટેક્ષટાઇલમાં વર્ટીકલ એમ્‍બ્રોઇડરી મશીન, હાઇસ્‍પીડ શટલ બેઇઝ મશીન, હાઇસ્‍પીડ શટલ લેસ રેપીયર લૂમ્‍સ તથા તેમના થકી થતુ પ્રોડકશન અને ઇકો ફ્રેન્‍ડલી સોલ્‍યુશન સિસ્‍ટમ વિશે માહિતી આપી હતી.

ઇસ્‍માઇલ શરીફે ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીમાટે ભારત સરકારની એમએસએમઇ સ્‍કીમ વિશે માહિતી આપી

શ્રી ઇસ્‍માઇલ શરીફે ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ભારત સરકારની એમએસએમઇ સ્‍કીમ વિશે માહિતી આપી હતી. તેમણે કહયુ હતુ કે નવી વિવીંગ, નીટીંગ અને પ્રોસેસિંગ મશીનરી માટે સરકાર 10 ટકા સબસિડી આપે છે. કમ્‍પોઝીટ યુનિટ્‍સ માટે સરકાર 15 ટકા સબસિડી આપે છે. તેમણે ગૃપ વર્કશેડ સ્‍કીમ વિશે જણાવ્‍યુ હતુ કે નાના વેપારીને 4 યુનિટ્‍સ માટે સરકાર તરફથી સહાયતા મળી શકે છે. આ સ્‍કીમમાં 4 વેપારીઓની જરૂર હોય છે, જેઓ ચાર – ચાર અથવા છ – છ યુનિટ્‍સ એકસાથે મળીને એકજ સ્‍થળે નાંખી વેપાર શરૂ કરી શકે છે. આ સ્‍કીમમાં કન્‍સ્‍ટ્રકશન માટે પણ સહાયતા મળે છે.

સિદ્ધેશ્વર ડોમ્‍બેએ યાર્ન બેન્‍ક સ્‍કીમ અને કારીગરો માટે યુનિવર્સલ ઇન્‍સ્‍યુરન્‍સ કવરેજ સ્‍કીમ વિશે માહિતી આપી

શ્રી સિદ્ધેશ્વર ડોમ્‍બેએ યાર્ન બેન્‍ક સ્‍કીમ અને કારીગરો માટે યુનિવર્સલ ઇન્‍સ્‍યુરન્‍સ કવરેજ સ્‍કીમ વિશે માહિતી આપી હતી. યુનિવર્સલ ઇન્‍સ્‍યુરન્‍સ કવરેજ સ્‍કીમમાં કારીગરે વર્ષે રૂપિયા 80 ભરવાના હોય છે અને તેની સામે સરકાર તેમને રૂપિયા બે લાખનો વીમો આપે છે. સાદા લૂમ્‍સને અપગ્રેડ કરવા માટે પણ સરકાર સબસિડી આપે છે. આ ઉપરાંત સોલાર પ્‍લાન્‍ટ માટે આપવામાં આવતી સબસિડી વિશે પણ તેમણે માહિતી આપી હતી.

શ્રી પરેશ શાહે એમએસએમઇ ફાયનાન્‍સીંગમાં વોકીંગ ફાયનાન્‍સીંગ અને પ્રોજેકટ ફાયનાન્‍સીંગ અંગે માહિતી આપી હતી.

સેમિનારમાં ચેમ્‍બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલ અને સીટેક્ષ ર019ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ પ્રાસંગિક વિધીઓ કરી હતી. સેમિનારમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓના સવાલોના જવાબ આપવામાં આવ્‍યા હતા અને ત્‍યારબાદ સેમિનારનું સમાપન થયુ હતુ.

January 4, 2019
smc.jpg
3min13340

સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી થેન્નારાશને આજે ચાલુ હિસાબી વર્ષ 2018-19ના રિવાઇઝ્ડ બજેટ અને 2019-20 માટેના રૂ.5599 કરોડનું સૂચિત બજેટ રજૂ કર્યું હતું. આંકડાઓ ભલે વધ્યા હોય કે મોટા થયા હોય પરંતુ, સૂચિત અંદાજપત્ર એ વાતની ચાડી ખાય રહ્યું છે કે શહેરનો વિકાસ કરતા કરતા વધેલા વસતિના ભારણને સેવા-સુવિધાઓ પૂરી પાડતા પાડતા સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાંફી ગયું છે. નથી કોઇ મેગા પ્રોજેક્ટ, નથી કોઇ ઉડીને આંખે વળગે તેવી નવીન વાત કે નથી રેવન્યુ આવક કે ખર્ચમાં અસાધારણ વધઘટ. લોકસભાની ચૂંટણીમાં દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં અગ્રેસર સુરતનું બજેટ જોઇને કોઇપણ એક્સપર્ટ પ્રથમદર્શી નજરે જ બોલી ઉઠે કે સાવ કંગાળ બજેટ છે. ચૂંટણીના વર્ષમાં આવું નબળું બજેટ રજૂ કરીને કહ્યાગરા કંથ સમાન મ્યુનિસિપલ કમિશનર થેન્નારાશને ભાજપ શાસકોને છગ્ગાબાજી ફટકારવાનો ચાન્સ આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સ્થાયી સમિતિ મારફતે ભાજપ શાસકો લોકસભાની ચૂંટણીના વર્ષમાં દેશની સૌથી વિકસીત ગણાતી સુરત મહાનગરપાલિકાના બજેટને કેવી રીતે ડેકોરેટ કરે છે.

છેલ્લા 15 વર્ષમાં સુરત મહાનગરપાલિકાનું સૌથી નબળું બજેટ

સુરત મહાનગરપાલિકાના છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં સૌથી નબળું અને સામાન્ય બજેટ લેખાવાય રહ્યું છે. સાવ સામાન્ય કે કંગાળ બજેટ એટલા માટે લેખાય રહ્યું છે કેમકે આખા વિશ્વમાં જે શહેરનું નામ સૌથી ઝડપે વિકસી રહેલા શહેર તરીકે લેવાતું હોય એ શહેરમાં આજે રજૂ થયેલું પ્રપોઝ્ડ બજેટ જો ન બને તો પણ જે કામગીરી થવાની છે એ તો થવાની જ છે. કમિશનર હોય કે ન હોય, શાસકો હોય કે ન હોય, જે કામગીરી યંત્રવત રીતે થવાની જ હોય તેને જ બજેટરી પ્રોવિઝન તરીકે લેખાવાઇ છે.

2019ના મધ્યભાગમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આખા ભારતમાં ભાજપ જેને મોડેલ સિટી, વિકસિત શહેર કહે છે એ સુરતના સાવ જ નબળા બજેટમાં આગામી દિવસોમાં ભાજપ શાસકો અનેક રંગો પૂરીને આકર્ષક બનાવશે એ વાતમીન મેખ છે. એવું પણ જણાય છે કે વહીવટી પાંખે વેનિલા આઇસ્ક્રીમ જેવા રજૂ કરેલા બજેટમાં મહાનગરપાલિકાના ભાજપ શાસકોને મનગમતી ફ્લેવર એડ કરીને બજેટ રૂપી આઇસ્ક્રીમને મનપસંદ બનાવવાનો અવકાશ આપ્યો છે.

રૂ.5599 કરોડના સૂચિત બજેટમાં સૌથી ધ્યાનાકર્ષક બાબતો પર નજર કરીએ તો રૂ.2515 કરોડની રકમ વિકાસ કામો માટે એટલે કે કેપિટલ પ્રોજેક્ટસ ઉભા કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે પણ અહીં ઉડીને આંખે વળગે તેવો એકપણ નવો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો નથી. કમિશનર શ્રી થેન્નારાશને બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે શહેરને વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને રાખીને વિકાસકામોની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા. બસ આ ફક્ત શાબ્દિક વાત છે, હકીકતમાં બજેટમાં એવી કોઇ જોગવાઇ નથી કે જે વિકાસની હરણફાળ ભરતા સુરતની શોભા વધારશે.

આગામી વર્ષે સૌથી વધુ રૂપિયા ગટરમાં નાંખવાની જોગવાઇ

સૌથી વધુ રૂપિયા સુરત મહાનગરપાલિકા આગામી બજેટમાં ગટરમાં નાંખશે એમ મનાય છે. ગટરમાં નાંખશે એનો મતલબ એમ કે સૌથી વધુ રૂપિયા ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ ડ્રેનેજ લાઇન બિજાવવા માટે માટે ખર્ચવાની જોગવાઇ કરવામાં આવી છે, કુલ રૂ.617 કરોડ કે જે કુલ કેપિટલ ખર્ચના 15 ટકા જેટલો થાય છે તે ગટરના કામોમાં ઉપયોગમાં લેવામાં આવશે.

આ રહ્યા આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાં રૂપિયા ખર્ચવાની છે એના

સુરત મનપાની તિજોરી પર સૌથી મોટો બોજો પગાર ખર્ચનો રૂ.1609 કરોડ

સુરત મહાનગરપાલિકાને જે રેવન્યુ આવક થવાની છે તેમાંથી પ્રોજેક્ટ કરવાની વાત તો દૂર રહી પરંતુ, પોતાનો ખર્ચો પણ સુરત મહાનગરપાલિકા કાઢી શકવાની નથી. રૂ.2939 કરોડની રેવન્યુ આવકની સામે 3084 કરોડનો રેવન્યુ ખર્ચ થશે તેવો અંદાજ વહીવટીતંત્રે મૂક્યો છે. જેમાં સૌથી મોટો રેવન્યુ ખર્ચ પગારનો છે. કર્મચારીઓના પગાર અને ભથ્થ વગેરે માટે રૂ.1609 કરોડની જરૂરીયાત રહેશે. રૂ.727 કરોડનો તોતિંગ ખર્ચ પ્રોજેક્ટ મેઇન્ટેનન્સ તેમજ વિજળીના ખર્ચ તરીકે જરુર પડશે.

ઓક્ટ્રોલની અવેજીમાં રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં કોઇ વધારો નહીં

સુરત મહાનગરપાલિકા માટે ઓકટ્રોયની આવક જબરદસ્ત હતી. પણ ગુજરાત સરકારે ઓક્ટ્રોય નાબૂદ કરતા રાજ્ય સરકારે ઓક્ટ્રોયની આવકની અવેજીમાં ગ્રાન્ટ આપવાની શરૂઆત કરી હતી. આ ગ્રાન્ટ ચાલુ વર્ષે રૂ.795 કરોડ મળવાની છે, આગામી વર્ષ માટે આ પણ ઓક્ટ્રોયના વિકલ્પ રૂપ ગ્રાન્ટની રકમ માટે રૂ.795 કરોડની જ જોગવાઇ કરવામાં આવી છે. વહીવટીતંત્રે રજૂ કરેલા ડ્ર્રાફ્ટ બજેટમાં રેવન્યુ આવકમાં સૌથી વધુ 27 ટકા હિસ્સો જ ઓક્ટ્રોયની અવેજીમાં રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો છે. જો સુરત મહાનગરપાલિકા આજની તારીખે ઓક્ટ્રોય વસુલ કરતી હોત તો શું ઓક્ટ્રોયની આવકમાં વધારો ન થયો હોત, રાજ્ય સરકાર ઓક્ટ્રોયની જે આવક થતી હતી તેના આધારે ગ્રોથરેટ સાથે ગ્રાન્ટ આપી શકતી નથી. મનપામાં ભાજપ શાસકોની જ સરકાર રાજ્યમાં હોવા છતાં સ્થાનિક વામણી નેતાગીરી કશું બોલી શક્તી નથી.

પાંચ વર્ષમાં શહેરના એકેએક નળ જોડાણો પર મીટર લાગી જશે, શરુઆત આ વર્ષથી થશે

સુરત મનપાનું બજેટ રજૂ કરતા મ્યુનિ. કમિશનરે એક અગત્યની જાહેરાત એ કરી હતી કે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી પુરવઠાને નિયંત્રિત કરવા માટે, લોકો પીવાના શુદ્ધ પાણીનો દુરુપયોગ કરતા અટકે, ટ્રીટેડ પાણીનું મૂલ્ય સમજાય તે માટે દરેકે દરેક નળ જોડાણ પર મીટર લગાડવામાં આવશે. પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એકેય પાણી જોડાણ નહીં હોય જેના પર મીટર ન લગાડેલું હશે. આ વર્ષથી જ નળ જોડાણો પર મીટર લગાડવાની યોજના શરૂ કરી દેવામાં આવશે. પહેલા 100 ચો.મી. કે તેનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતી મિલક્તોના નળજોડાણો પર મીટર લગાડવામાં આવશે. એ પછી તબક્કાવાર 50થી 100 ચો.મી. સુધીની મિલક્તો અને એ પછી બધા જ પ્રકારની મિલ્કતોના નળ જોડાણો પર મીટર લાગી જશે. પાણીની કિંમત લોકોને ત્યારે સમજાશે.

ઉમરા-ભાઠા વચ્ચે તાપી નદી પર બરાજની જોગવાઇ ફરીથી બજેટમાં આવી

પાલિકાના વહીવટીતંત્રે રજૂ કરેલા 19-20 વર્ષના ડ્રાફ્ટ બજેટમાં ભાઠા-ઉમરા વચ્ચે તાપી નદી પર બરાજ બનાવવાની યોજના માટે ફરીથી જોગવાઇ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રૂ.50 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. ચાલુ વર્ષના કયા પ્રોજેક્ટ આગામી વર્ષે હાથ ધરાશે, તેમાં કેટલી રકમની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે તેની માહિતી અત્રે પ્રસ્તુત છે.

લોલીપોપ પ્રોજેક્ટસ જુઓ કોના માટે કેટલી જોગવાઇ  થઇ છે બજેટમાં

અહીં પાંચ પ્રોજેક્ટના ફોટા રજૂ કરવામાં આવ્યા છે, સુરતવાસીઓને નજીકના ભવિષ્યમાં નહીં બલ્કે આગામી પાંચ વર્ષમાં આમાંથી એકાદ પ્રોજેક્ટ પણ જોવા મળે તો નવાઇ લાગશે.

સુરત મહાનગરપાલિકાના બજેટના મુખ્ય અંશો

  • સુરત મહાનગરપાલિકાની પોતાની આવક રૂ.844 કરોડ થવાનો અંદાજ જ્યારે ગ્રાન્ટની આવક પેટે રૂ.1295 કરોડ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળવાનો આશાવાદ
  • રૂ.2515 કરોડનું કેપિટલ બજેટ
  • કુલ આવક 18-19માં રૂ.4917 કરોડના અંદાજની સામે 19-20માં રૂ.5078 કરોડ
  • કુલ જાવક 18-19માં રૂ.5033 કરોડની સામે 19-20માં રૂ.5599 કરોડનો અંદાજ
  • આઉટકમ બેઝ્ડ બજેટ રૂ.1666 કરોડ
  • સિટી બ્યુટિફિકેશન, સ્કીલ અપગ્રેડેશન
  • રેવન્યુ આવક 18-19માં રિવાઇઝડ રૂ.2791 કરોડથી વધીને 19-20માં રૂ.2939 કરોડ થવાનો અંદાજ
  • ઓક્ટ્રોય અવેજ પેટે રાજ્ય સરકાર તરફથી રૂ.795 કરોડની આવકનો અંદાજ
  • યુઝર ચાર્જ રૂ.634 કરોડ
  •  સૌથી વધુ રૂપિયા ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેનેજ માટે ખર્ચાશે, રૂ.617 કરોડ, કુલ કેપિટલ ખર્ચના 15 ટકા ખર્ચશે.
  • 16 નવા કેપિટલ કામો 19-20 રિવાઇઝ બજેટમાં સૂચિત કરાયા
  • આખા શહેરમાં પાંચ વર્ષમાં નળ જોડાણો પર વોટર મિટર સાથે જોડી દેવાશે
  • રિચાર્જ બોરવેલ સબસિડી રૂ.20 હજારથી વધારીને રૂ.30 હજાર સુધી કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • તાપી નદીમાં 5 જગ્યાએ રીયલ ટાઇમ વોટર ક્વોલિટી મોનિટરીંગ સેન્સર લગાડવામાં આવશે
  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક વખત વપરાયેલા પાણીને રિસાયકલ કરીને પુનઃ ઉપયોગમાં લઇને કુલ 10 ટકા પાણીનો જથ્થો બચાવશે. વર્ષે 1140 કરોડ લિટર પાણીની બચત
  • તાપી નદી પર ઉમરા-ભાઠા વચ્ચે બરાજ માટે રૂ.25 કરોડની જોગવાઇ
  • તમામ પ્રકારના બજારો માટે એક મેગા માર્કેટ હોલ બનાવશે
  • 113.7 રનિંગ કિલોમીટરના સિમેન્ટ કોંક્રિટ રોડ સુરત મહાનગરપાલિકાએ બનાવી દીધા
  • જંકશનો પર કોબલ બ્લોકથી કામગીરી કરવામાં આવશે. જંકશનો પર વધુ ટ્રાફિક અને રોડ ખરાબ થતા હોવાથી કોબલ બ્લોક જંકશન બનાવવામાં આવશે
  • 1019-20ના વર્ષમાં વેડ-વરીયાવને જોડતા રૂ.107.75 કરોડના નવો બ્રિજ તૈયાર કરવાની યોજના
  • 50 ઇલેક્ટ્રોનિક બસ ખરીદીને શહેરના માર્ગો પર દોડાવવામાં આવશે, આ ઇલેક્ટ્રીક બસ પ્રદૂષણ મુક્ત અને બિનખર્ચાળ હોવાથી તેનો તબક્કાવાર ઉપયોગ વધારવામાં આવશે
  • હાલમાં 275 સિટી બસ ચાલી રહી છે જેમાં વધુ 155 બસ ઉમેરવામાં આવશે, એવી જ રીતે 116 બીઆરટીએસ બસમાં વધુ 50 બસ ઉમેરવામાં આવશે.
  • 2382 બેઘર લોકો માટે લેબર ટ્રાંઝિટ એકોમોડેશન સેન્ટર ઉભા કરવામાં આવશે, જેનો ખર્ચ 22.90 કરોડ રૂપિયા
  • 84,715 આવાસો સુરત મહાનગરપાલિકા બનાવી ચૂકી છે જેનો ખર્ચ રૂ.1847.92 કરોડ
  • આગામી વર્ષ માટે કુલ 10 લાખ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવશે, સુરત મહાનગરપાલિકાની પ્રોપર્ટીઓમાં ગ્રીન ટોપ, ગ્રીન સ્કેપ, ગ્રીન રૂફટોપ બનાવવામાં આવશે.
  • મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફક્ત રૂ.50 લાખની જોગવાઇ, જેમાંથી ફક્ત કાગળ પરની કામગીરી એટલે કે (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) ડીપીઆર બનાવાશે.
  • ઉમરા બ્રિજ ભલે તૈયાર હોય પરંતુ, હજુ ત્રણ-ચાર મહિના આ બ્રિજનો મેળ નહીં પડે. કમિશનરે ચોખ્ખા શબ્દોમાં લેખિત સ્વરૂપે આપ્યું છે કે 2019-20માં ઉમરા-પાલ વચ્ચેનો બ્રિજ ખુલ્લો મૂકી શકાશે.

આ એવા પ્રોજેક્ટ છે કે ચાલુ વર્ષ અને આગામી વર્ષ બન્ને વર્ષ માટે નાણાંકીય જોગવાઇઓ ધરાવે છે

મેજર કામો માટે આ મુજબની જોગવાઇ કરવામાં આવી છે

ઝોનવાઇઝ બજેટ આ પ્રમાણે ફાળવવામાં આવ્યું

હવા-પાણી પ્રદૂષણ માટે આ પ્રકારના પગલાંઓ ભરવાની જોગવાઇ કરવામાં આવી છે

 

 

 

 

 

 

 

 

January 3, 2019
pp_main.jpg
3min6890

તાજેતરમાં ઉમરા પોલીસ મથકના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પેરન્ટિંગ ફોર પીસની ટીમમાં ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝની રોકથામ માટે બિલકુલ સ્વૈચ્છીક અને સમાજસેવી રીતે કાર્ય કરી રહેલા તમામ ટ્રેઇનર્સનું પ્રશસ્તિ આપીને જાહેર બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમારોહ એટલા માટે ખાસ બની રહ્યો કેમકે પેરેન્ટિંગ ફોર પીસની આ ટીમે 25000 જેટલા વિદ્યાર્થીઓની સીધી જ ચાઇલ્ડ એબ્યુઝ અંગેની ઉપયોગી ટીપ્સ આપી હતી.

સુરત શહેરના પેરેન્ટિંગ ફોર પીસના સુરક્ષા (સુરત સિટીઝન્સ અગેન્સ્ટ ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ) સેફ હોમ-સેફ સ્ટ્રીટ પ્રોજેક્ટ થકી કુલ 25000 બાળકો અને 3000 પુખ્ત વયના લોકોમાં બાળકોની શોષણવૃત્તિ અંગે જાગૃતિ આવે અને આવા ગુનાઓની રોકથામ કરી શકાય તે માટે ખાસ ઉપયોગી માહિતી પ્રત્યક્ષ રીતે આપવામાં આવી હતી.

સુરત શહેરના પેરેન્ટિંગ ફોર પીસના સુરક્ષા (સુરત સિટીઝન્સ અગેન્સ્ટ ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ) સેફ હોમ-સેફ સ્ટ્રીટ પ્રોજેક્ટ ગ્રુપના ડો.કેતન ભરડવાએ જણાવ્યું હતું કે શહેર પોલિસ કમિશ્નર શ્રી સતીષ શર્મા, ડીસીપી શ્રી વિધી ચૌધરીના પ્રોત્સાહન અને શહેર ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસરો, ચાઇલ્ડ લાઇન વર્કર્સના સહકારથી 110 જેટલા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. બાળ જાતિય સતામણી અનેક રીતે જટિલ સમસ્યા હોવાની વાતનો સામનો કરતા તેને કેવી રીતે નિવારી શકાય તે માટે જાગૃતિ અભિયાન કારગત નિવડ્યું છે.

 

(સુરત શહેર પોલીસ, સેતુ સુરક્ષા તેમજ પેરન્ટિંગ ફોર પીસ સંગઠન દ્વારા સેફ હોમ મિશન અંતર્ગત ચાઇલ્ડ અબ્યુઝની વિરુદ્ધમાં હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અન્વયે યોજાયેલા ખાસ સમારોહની તસ્વીર.)

 

 

 

January 3, 2019
kiran_hospital-1280x720.jpg
1min18470

હેલ્થ ચેકઅપનું સ્થળ અને તારીખ અને સમય

સુરતના કતારગામ સ્થિત અને 17 મહિનામાં જ દેશ-દુનિયામાં જાણીતી બનેલી કિરણ હોસ્પિટલ (મેનેજ્ડ બાય સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ)ના સંચાલકોએ આગામી તા.6 જાન્યુઆરી 2019ના રોજ બપોરે 3 વાગ્યે ડી.એમ.ડી. પાર્ટી પ્લોટ, જોલી પાર્ટી પ્લોટની સામે, ઉધના-મગદલ્લા રોડ, વેસુ – સુરત ખાતે એક મેગા મિશન હેલ્થ કેર કાર્યક્રમનું આયોજન કર્યું છે.

6 જાન્યુઆરી 2019ના મિશન હેલ્થકેર માટે નોંધણી કરાવો અને હેલ્થ ચેકઅપ પેકેજમાં મેળવો 50 ટકા ડિસ્કાઉન્ટ

કિરણ હોસ્પિટલ આયોજિત મિશન હેલ્થ કેરની વિશેષતા એ છે કે વક્તાઓ તરીકે 17 એક્સપર્ટસ તબીબો જ સામાન્ય લોકોને કેવી રીતે તંદુરસ્ત રહી શકાય તેની માહિતી આપશે. અને એથી વિશેષ આ હેલ્થ ચેક અપ માટે ઓનલાઇન રજિસ્ટ્રશેન કરાવનાર 12 હજારથી વધુ લોકોને કિરણ હોસ્પિટલના રૂ.1000થી લઇને રૂ.25000 સુધીના હેલ્થ ચેકઅપ પેકેજીસમાં સીધા 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

(Photo of Press conference held At Kiran Hospital on 3 Jan. 2019)

પત્રકાર પરિષદમાં કિરણ હોસ્પિટલના મેનેજમેન્ટ પૈકી શ્રી મથુરભાઇ સવાણીએ માહિતી આપી હતી જ્યારે વહીવટી મંડળમાં શ્રી મનજીભાઇ, શ્રી બી.એન. ગુજરાતી, શ્રી જયેશભાઇ લાઠીયા, શ્રી રવજીભાઇ મોણપરા, શ્રી રાજેશભાઇ મકવાણા, શ્રી સુરેશભાઇ કુકડીયા, શ્રી રાજુભાઇ વાનાણી સમેત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિકરીઓને જન્મ આપનારી માતાઓનું વિશિષ્ટ સન્માન

કિરણ હોસ્પિટલના મિશન હેલ્થ કેર અંગે માહિતી આપતા પત્રકાર પરિષદમાં સંસ્થાના સુકાની શ્રી મથુર સવાણીએ જણાવ્યું કે તા.6 જાન્યુઆરી 2019નું આ અભિયાન અનેક હેતુઓ સર કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોને તંદુરસ્ત કેવી રીતે રહી શકાય, રોગથી દૂર કેવી રીતે રહી શકાય તે અંગે જાણકારી તો આપવામાં આવશે જ સાથોસાથ આ જ સમારોહમાં બેટી બચાવો અભિયાનના ભાગરૂપે કિરણ હોસ્પિટલના ઉદઘાટન સમારોહ  પ્રસંગે કરાયેલી જાહેરાત કે જેમાં એક દિકરી હોવા ઉપરાંત બીજી પણ દિકરીને જન્મ આપનાર 300 જેટલી માતાઓને દિકરીના નામે રૂ.1 લાખના કિરણ સુકન્યા બોન્ડ, તેમજ બે દિકરીઓના જન્મ પછી ઓપરેશન કરાવનાર 9 માતાઓને રૂ.5 લાખના કિરણ સુકન્યા બોન્ડના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવશે. બોન્ડની રકમ દિકરીઓની ઉંમર 1 વર્ષની થશે ત્યારે રોકડમાં રૂપાંતરીત થઇ શકશે.

તાપી નદીનું પ્રદૂષણ અટકાવવામાં સહાયભૂત થનારા ગણેશ મંડળોને પ્રશસ્તિ પત્રો તેમજ 100 મંડળોને રૂ.11 હજારની સહાય

કિરણ હોસ્પિટલના મિશન હેલ્થ કેર કાર્યક્રમમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને તાપી નદીમાં ગણેશજીની પ્રતિમાનુંં વિસર્જન નહીં કરનારા ગણેશ આયોજકોને બિરદાવવા માટે તેમને પ્રશસ્તિ પત્રો એનાયત કરવામાં આવશે. તેમજ આ માટે ઓનલાઇન રજિસ્ટ્રશન કરાવનાર ગણેશ આયોજકો પૈકી ડ્રોથી 100 જેટલા આયોજકોને સિલેક્ટ કરીને તેમને સમારોહમાં જ રૂ.11000ની સહાય આપવામાં આવશે.

17 મહિનામાં કિરણ હોસ્પિટલ એક વટવૃક્ષ બની ગયું

આજથી 17 મહિના અગાઉ કિરણ હોસ્પિટલને લોકસમર્પિત કરવામાં આવી હતી. આ 17 મહિનાની સફર દરમિયાન કિરણ હોસ્પિટલે દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરી.550 બેડની હોસ્પિટલમાં 66 ટકા બેડ જનરલ વોર્ડ માટે ફાળવી દેવાયા છે. જનરલ વોર્ડ એટલે ત્યાં સામાન્યમાં સામાન્ય દર્દીઓ રહી શકે અને એક જનરલ વોર્ડમાં 5થી વધુ બેડ નહીં. કિરણ હોસ્પિટલ કેમ એક વટવૃક્ષ બન્યું એની એટ અ ગ્લાન્સ વિગતો આ રહી.

  • 550 બેડની સંપૂર્ણ હોસ્પિટલ
  • કીડની ટ્રાન્સપ્લાન્ટની માળખાગત સુવિધાઓને પગલે સરકાર દ્વારા મંજૂરી
  • 66 ટકા બેડ જનરલ વોર્ડ માટે ફાળવાયા, એક જનરલ વોર્ડમાં પાંચથી વધુ પેશન્ટ નહીં.
  • 3.5 લાખ જેટલા આઉટ ડોર પેશન્ટસની સારવાર કરાઇ
  • 30મી નવેમ્બર 2019ની સ્થિતિએ કુલ 26,622 દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપરાંત રૂ.300 આપીને ઘરે પરત મોકલાયા
  • 3789 દર્દીઓને માં અમૃતમ યોજના અન્વયે મોટા મોટા ઓપરેશનનો ખર્ચ બિલકુલ ફ્રીમાં આપવામાં આવ્યો
January 2, 2019
sg_main.jpg
1min12450

સીટેક્ષ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારંભ શુક્રવારે, તા. 4 જાન્‍યુઆરી ર019ના રોજ સવારે 10:30 કલાકે સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે તા. 4/1/ર019થી 6/1/ર019 દરમિયાન સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે સમગ્ર ટે1ટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ‘સુરત ઈન્‍ટરનેશનલ ટેક્ષટાઇલ એકઝીબીશન-19′ (સીટેક્ષ-ર019) યોજાશે.

શું શું હશે સિટેક્ષ-2019માં

  • ટેક્ષટાઇલ મશીનરી
  • ટેક્ષટાઇલ એન્‍સીલરી અને મશીનરીઓ
  • એમ્‍બ્રોઇડરી એન્‍ડ બ્રાઇડીંગ મશીનરી
  • એસેસરીઝ
  • ટેક્ષટાઇલ એન્‍જીનિયરીંગટેકનીકલ ટેક્ષટાઇલ સંબંધીત મશીનરી
  • એસેસરીઝ
  • યાર્ન
  • ફેબ્રિકસ

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, ચેમ્‍બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષટાઇલ સેકટરને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ચોથું પ્રદર્શન છે. આ પ્રદર્શનમાં ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીના ટેક્ષટાઇલ મશીનરી, ટેક્ષટાઇલ એન્‍સીલરી અને મશીનરીઓ, એમ્‍બ્રોઇડરી એન્‍ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષટાઇલ એન્‍જીનિયરીંગ, ટેકનીકલ ટેક્ષટાઇલ સંબંધીત મશીનરી અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્‍યા છે. આથી જ અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્‍યો છે.

સીટેક્ષ પ્રદર્શનના આયોજનમાં એસોસિએટ તરીકે ભારત સરકારના ટેક્ષટાઇલ વિભાગનું ટેક્ષટાઇલ કમિશ્‍નર કાર્યાલય, ગુજરાત સરકારનું ઇન્‍ડસ્‍ટ્રીઝ કમિશ્‍નરેટ અને સુરત મહાનગરપાલિકા ચેમ્‍બરની સાથે જોડાયા

હેતલ મહેતાએ વધુમાં કહયુ હતુ કે, સીટેક્ષ પ્રદર્શનના આયોજનમાં એસોસિએટ તરીકે ભારત સરકારના ટેક્ષટાઇલ વિભાગનું ટેક્ષટાઇલ કમિશ્‍નર કાર્યાલય, ગુજરાત સરકારનું ઇન્‍ડસ્‍ટ્રીઝ કમિશ્‍નરેટ અને સુરત મહાનગરપાલિકા ચેમ્‍બરની સાથે જોડાયા છે. સપોર્ટર્સ તરીકે યસ બેન્‍ક પણ જોડાઇ છે.

ચેમ્‍બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્‍યુ હતુ કે, સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે 1 લાખ 10 હજાર ચોરસ ફૂટ વિસ્‍તારમાં સીટેક્ષ પ્રદર્શન યોજાશે. જેમાં ટેક્ષટાઇલના વિવિધ સેકટરના 130થી વધુ એકઝીબીટર્સ લેટેસ્‍ટ ટેક્ષટાઇલ મશીનરી અને એન્‍સીલરીનું તથા મેન્‍યુફેકચરર્સ તેમના યાર્ન અને ફેબ્રિકસના ઉત્‍પાદનો પ્રદર્શિત કરનાર છે. આ મશીનરીમાં શટર લૂમ્‍સ, રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, નીડલ લૂમ્‍સ મશીન, ટીએફઓ, ટ્‍વીસ્‍ટર મશીન, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ, યાર્ન ડાઈંગ પ્‍લાન્‍ટ, વોટર રિસાયકલીંગ પ્‍લાન્‍ટ અને સકર્યુલર નીટીંગ મશીનનો સમાવેશ થાય છે.

ટેક્ષટાઇલના વિવિધ સેકટરના 130થી વધુ એકઝીબીટર્સ લેટેસ્‍ટ ટેક્ષટાઇલ મશીનરી અને એન્‍સીલરીનું તથા મેન્‍યુફેકચરર્સ તેમના યાર્ન અને ફેબ્રિકસના ઉત્‍પાદનો પ્રદર્શિત થશે

સીટેક્ષ- ર019ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ જણાવ્‍યુ હતુ કે, ત્રણ દિવસ ચાલનારા સીટેક્ષ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારંભ શુક્રવારે, તા. 4 જાન્‍યુઆરી ર019ના રોજ સવારે 10:30 કલાકે સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે યોજાશે. આ સમારંભમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી મનોહર સેમ્‍યુલ (સિનિ. પ્રેસિડેન્‍ટ, ગ્રાસીમ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ., મુંબઇ), શ્રી હંસરાજ એ. ગોંડલીયા (ચેરમેન, અલીફ ગૃપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ), શ્રી સૌરભ સિન્‍હા (ડેપ્‍યુટી ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, અમદાવાદ) અને માનનીય ધારાસભ્‍ય શ્રી વિવેક એન. પટેલ (સુરત – ઉધના) પધારનાર છે.

મશીનરીમાં શટર લૂમ્‍સ, રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, નીડલ લૂમ્‍સ મશીન, ટીએફઓ, ટ્‍વીસ્‍ટર મશીન, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ, યાર્ન ડાઈંગ પ્‍લાન્‍ટ, વોટર રિસાયકલીંગ પ્‍લાન્‍ટ અને સકર્યુલર નીટીંગ મશીનનો સમાવેશ

આ પ્રદર્શન દરમિયાન તા. 4 જાન્‍યુઆરી ર019ના રોજ સાંજે 4:00 કલાકે ‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાશે. જેમાં તજજ્ઞો ટેક્ષટાઇલ મશીનરી ઉપર માહિતીપ્રદ વકતવ્‍ય રજૂ કરશે. આ પ્રદર્શન તા. 4 થી 6 જાન્‍યુઆરી ર019 સુધી સવારે 10:00 થી સાંજે 6:00 કલાક સુધી ટેક્ષટાઇલ ઉદ્યોગમાં રસ ધરાવતા મુલાકાતીઓ માટે ખુલ્‍લુ રહેશે.