
ભણેલા-ગણેલા લોકો રાજકારણમાં આવતા નથી કે ચૂંટણીમાં ઝંપલાવતા હોતા નથી. રાજકીય પાર્ટીઓ પણ મતદારોને રીઝવી શકે તેવા નહીં પરંતુ, પોતાના સમીકરણોમાં સેટ થાય તેવા ઉમેદવારોની જ પસંદગી કરતી હોય છે. કોંગ્રેસે સુરત સંસદીય બેઠક માટે જે ઉમેદવાર પસંદ કર્યા છે એ અશોક અધેવાડાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવતા એફિડેવિટ પણ રજૂ કરી હતી. એ એફિડેવિટમાંથી મળતી વિગતો મુજબ અશોક અધેવાડાની શૈક્ષણિક લાયકાત ફક્ત ધો.9 પાસ છે. અશોક અધેવાડાએ તેમનો મુખ્ય વ્યવસાય ખેતી ગણાવ્યો છે અને તેમની પાસે જંગમ મિલક્તો રૂ.38.32 લાખની છે. વાહનોમાં એક કાર અને એક બાઇક ધરાવતા અશોક અધેવાડા પાસે હાથ પર રોકડ રૂ.25 લાખની હોવાનો એકરાર સોગંદનામાંમાં કરવામાં આવ્યો છે. તેઓ દોઢ કરોડની વેલ્યુ ધરાવતી મિલકતના માલિક હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
સુરત બેઠક પર 22 ઉમેદવારોએ ઝુકાવ્યું, મુખ્ય લડાઇ ભાજપ-કોંગ્રેસ
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી તા.23મી એપ્રિલ એ ગુજરાતમાં યોજાનારા મતદાન પૂર્વે આજે તા.4 એપ્રિલ 2019ના રોજ ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ મુદતે સુરત લોકસભા સીટ પર કુલ 22 ઉમેદવારોએ ઝુકાવ્યું છે. સુરત બેઠક માટે કુલ 32 ઉમેદવારી પત્રો ભરાયા છે. જોકે, સુરતમાં મુખ્ય ચૂંટણી જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે જ જોવાય રહ્યો છે.
અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદનમાં આજે સવારથી જ ભીડભાડ જોવા મળી હતી. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિન હોઇ, ભાજપ-કોંગ્રેસ અને અન્ય વિપક્ષો દ્વારા તેમના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.
દર્શના જરદોષના ડમી તરીકે અજય ચોક્સીએ ફોર્મ ભર્યું
ભાજપાના સત્તાવાર ઉમેદવાર દર્શના જરદોષએ તા.3 એપ્રિલના રોજ મેન્ડેટ વગર ફોર્મ ભર્યું હતું, આજે તેઓ પાર્ટીના મેન્ડેટ સાથે અને હજારો કાર્યકર્તાઓ સાથે વાજતે ગાજતે ઉમેદવારી કરવા માટે આવ્યા હતા. દર્શનાબેન જરદોષના ડમી તરીકે પૂર્વ ધારાસભ્ય અજય ચોક્સીએ ફોર્મ ભર્યું હતું.
અશોક અધેવાડાના ડમી તરીકે ભારતી પટેલએ ફોર્મ ભર્યું
એવી જ રીતે કોંગ્રેસ તરફે અશોક અધેવાડાએ પણ છેક વરાછા રોડથી અઠવાલાઇન્સ જિલ્લા સેવા સદન સુધી હજારો કાર્યકર્તાઓ સાથે રેલી કાઢીને વાજતે ગાજતે ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. અશોક અધેવાડાએ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ સાથે ઉમેદવારી નોધાવી હતી. અશોક અધેવાડાના ડમી તરીકે ભારતીબેન પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું.
3 વાગ્યા સુધીમાં ફોર્મ મેળવ્યા અને ભરવાની વિધી 4.30 સુધી ચાલી
આજે ઉમેદવારી પત્ર નોંધાવવાની અંતિમ મુદતે તમામ ઉમેદવારો એક સાથે જ ફોર્મ ભરવા આવ્યા હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર મેળવી લેનાર ઉમેદવાર કામકાજના કલાક પૂર્ણ થાય ત્યાં સુધી ફોર્મ ભરી શકે. પરીણામે 3 વાગ્યે ફોર્મ મેળવનાર ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે 4.30 વાગ્યા સુધી જહેમત ઉઠાવી હતી. જિલ્લા કલેક્ટરેટના અધિકારી-કર્મચારીઓએ ચુસ્ત પણે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરાવ્યું હતું.
એક ઉમેદવાર 3.10 કલાકે ફોર્મ ભરવા આવ્યો
સુરતના ચોર્યાસી પ્રાતંની કચેરીમાં આજે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ મુદત બપોરે 3 વાગ્યા પછી એટલે કે બપોરે 3.10 કલાકે એક ઉમેદવાર ફોર્મ ભરવા માટે આવ્યો હતો. જોકે, મુદત પૂર્ણ થઇ ચૂકી હોઇ, સિટી પ્રાંત અધિકારી શ્રી પી.આર. જાનીએ નિયમાનુસાર એ ઉમેદવારને ફોર્મ નહીં ભરી શકે એમ જણાવી દીધું હતું.
સુરત બેઠક પર કુલ 22 ઉમેદવારો મેદાનમાં
દર્શના જરદોષ
અજય ચોક્સી
અશોક અધેવાડા
ભારતી પટેલ
ગૌતમ રાજ હિન્દુસ્તાની
સુરવાડે સંતોષ અવધુત
તુલસીભાઇ ડાંખરા
વિજય જયકિશન તાલીયા
અશોક વલ્લભ પટેલ
દિનેશ ચતુરભાઇ જીકાદરા
જોગીયા અમિષા વિક્રમભાઇ
અશોક રમેશભાઇ સોલંકી
સુરેનું ગોપાલસિંગ અરોરા
મો.અલાઉદ્દીન શેખ
એક ઉમેદવાર ડિપોઝીટ વગર ફોર્મ ભરી ગયો
સુરત સંસદીય મત વિસ્તારમાં આજે મો. અલાઉદ્દીન શેખએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે, ચૂંટણી તંત્રવાહકોએ આપેલી માહિતી મુજબ આ અપક્ષ ઉમેદવારી ઉમેદવારીપત્ર સાથે જમા કરવાની થતી ડિપોઝીટની રકમ જમા કરાવી ન હતી.
ચૂંટણી પંચના નિયમાનુસાર ઉમેદવાર કોઇપણ રીતે ફોર્મ આપી જાય તો તેને સ્વીકારી લેવું. આ રૂએ સ્થાનિક તંત્રએ મો. અલાઉદ્દીન શેખનું અપક્ષ તરીકેનું ઉમેદવારી પત્ર સ્વીકારી લીધું હતું. પરંતુ, હવે તા.5મી એપ્રિલ 2019ના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી દરમિયાન ડિપોઝીટ વગર ભરવામાં આવેલું ઉમેદવારીપત્ર રદ બાતલ કરી દેવામાં આવશે.
આજે ઉમેદવારીપત્રોની ચકાસણી અને 8મીએ બપોરે 3 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે
તા.23મીએ યોજનારા મતદાન પૂર્વે ઉમેદવારી પ્રક્રિયા યોજાય છે. આજે ઉમેદવારી નોંધાવવાની મુદત પૂર્ણ થયા બાદ હવે આવતીકાલ તા.5 એપ્રિલ 2019ના રોજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારીપત્રોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે તા.8મી એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે.