સુરત, હજીરા: નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ (શિવરામપુર) દ્વારા ‘તાપી પ્રાગટ્ય દિવસ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. પર્યાવરણીય જાગૃતિના હેતુથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હજીરા ખાતે તાપી નદીના કિનારે પહોંચીને તાપી મૈયાનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.
મુલાકાત પૂર્વે શિક્ષકોએ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના ભૌગોલિક મહત્વ, પ્રદૂષણના કારણો અને નદી સંરક્ષણ અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ જ્ઞાનને અમલમાં મૂકતા વિદ્યાર્થીઓએ નદી કિનારે ઉત્સાહભેર સફાઈ ઝુંબેશ ચલાવી હતી અને પ્લાસ્ટિકમુક્ત તાપીનો સંદેશ આપતી એક પ્રભાવશાળી મૂક રેલી યોજી હતી.
વિદ્યાર્થીઓએ સ્વહસ્તે બનાવેલા આકર્ષક પોસ્ટરો દ્વારા સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને રાહદારીઓને નદી બચાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ સરાહનીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા હજીરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.
કાર્યક્રમના અંતે સૌએ તાપી નદીને કચરામુક્ત રાખવા, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પર્યાવરણનું જતન કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રેરણાદાયી અભિયાન દ્વારા અદાણી વિદ્યાલયે વિદ્યાર્થીઓ સાથે સમાજમાં પણ પર્યાવરણીય સંવેદનશીલતા જગાવવાનો સશક્ત પ્રયાસ કર્યો છે.
માત્ર રૂ. 50માં સાત્વિક ભોજનની સુવિધા • હીરા ઉદ્યોગના વેપારીઓના સહયોગથી સામાજિક સેવાનું અનોખું મોડેલ • SDB માત્ર વેપાર નહીં, સંસ્કારનું પણ કેન્દ્ર બની રહ્યું છે
વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાતા સુરત ડાયમંડ બુર્સ (SDB)માં હવે માત્ર હીરાના વેપાર પૂરતો જ નહીં, પરંતુ સામાજિક સેવા અને માનવ કેન્દ્રિત સુવિધાઓનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. આજે SDB ખાતે ‘ચોવહાર હાઉસ અને ભોજનશાળા’નો પ્રારંભ કરવામાં આવ્યો, જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ, મુલાકાતીઓ તેમજ જૈન સમાજના લોકો માટે મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.
આ ભોજનશાળામાં દરરોજ બપોરે માત્ર રૂ. 50ના સેવામૂલ્યે સ્વચ્છ, સાત્વિક અને ભરપેટ શાકાહારી ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત સાંજના સમયે ચોવહારની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જૈન ધર્મના નિયમોનું પાલન કરતા લોકોને અનુકૂળતા મળશે.
પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ ચોવહાર હાઉસ અને ભોજનશાળા સમિતિના પ્રમુખ સેવંતીભાઈ શાહે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગના વેપારીઓ અને દાતાશ્રીઓના સ્વૈચ્છિક સહયોગથી આ સેવા શરૂ થઈ છે અને તેનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત તથા સાત્વિક ભોજન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.
SDBના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સ હવે માત્ર વૈશ્વિક હીરા વેપારનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું પણ પ્રતીક બની રહ્યું છે. ભવિષ્યમાં પણ વેપારીઓ અને દાતાશ્રીઓના સહયોગથી આવી સેવાઓ સતત ચાલુ રહેશે.
આ પ્રસંગે હીરા ઉદ્યોગના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રકલ્પ અનેક દાતાશ્રીઓના ઉદાર યોગદાનથી સાકાર થયો હોવાનું સમિતિએ જણાવ્યું હતું.
SDB માટે આ પહેલ કેમ મહત્વપૂર્ણ?
છેલ્લાં કેટલાક વર્ષોમાં સુરત ડાયમંડ બુર્સે પોતાની ઓળખ માત્ર ઓફિસ સ્પેસ પૂરતી સીમિત રાખી નથી. વેપારીઓને એક જ કેમ્પસમાં બેંકિંગ, કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ, સુરક્ષા, કોન્ફરન્સ સુવિધાઓ અને હવે ગુણવત્તાયુક્ત ભોજન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે. ‘ચોવહાર હાઉસ અને ભોજનશાળા’ જેવી પહેલ કર્મચારીઓ અને વેપારીઓ માટે સમય તથા ખર્ચની બચત સાથે કાર્યક્ષમતામાં વધારો કરશે.
વિશેષ કરીને હજારો કર્મચારીઓ અને મુલાકાતીઓ દરરોજ SDBમાં આવે છે. આવી સ્થિતિમાં ઓછી કિંમતમાં સ્વચ્છ અને વિશ્વસનીય ભોજન મળવાથી સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમને સીધો લાભ મળશે. આ પહેલ SDBને ‘વર્કપ્લેસથી આગળ વધીને સંપૂર્ણ બિઝનેસ કમ્યુનિટી’ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
કેન્સર સર્જરીમાં આધુનિક ટેકનોલોજીથી દર્દીઓ માટે ઝડપી રિક્વરી શક્ય
હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી મહત્વની
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રવિવારે તા. 19 જુલાઈ 2026ના રોજ સવારે 10:30 કલાકે, સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘નાનું કટ.. કેન્સર પર મોટી જીત’ વિશે સેશન યોજાયું હતું, જેમાં પીપી મણિયા હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ સર્જન ડો. મિશાલ શાહે કેન્સર સર્જરી વિશે અને ડો. મૃદુલ પટેલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ વિસ્તૃત સમજ આપી હતી.
હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી મહત્વનીઃ ડો. મિશાલ શાહ સીનિયર કન્સલ્ટન્ટ સર્જન ડો.મિશાલ શાહે કેન્સર સર્જરીમાં આવેલા પરિવર્તનો વિશે વાત કરતા જણાવ્યું કે, હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી અને પેશન્ટ કેટલી વહેલી તકે સામાન્ય જીવનમાં પરત ફરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે લેપ્રોસ્કોપી (દૂરબીનથી થતી સર્જરી) દ્વારા પેટના અને છાતીના મોટાભાગના કેન્સરના ઓપરેશન હવે શક્ય છે, જેનાથી પેશન્ટને ઓછામાં ઓછો દુખાવો થાય છે.
ડો.મૃદુલ પટેલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ સમજાવતા કહ્યું કે,
પરંપરાગત 15-20 સે.મી.ના મોટા ચીરાને બદલે માત્ર 1 સેમીના નાના કાણાં દ્વારા જટિલ ઓપરેશનો કરવામાં આવે છે.
3D અને 4K કેમેરા સિસ્ટમ દ્વારા ડોક્ટર્સને પેટની અંદરનું 360 ડિગ્રી સ્પષ્ટ દ્રશ્ય દેખાય છે, જે વધુ ચોકસાઈપૂર્વક સર્જરી કરવામાં મદદ કરે છે.
નાના ચીરાને કારણે પેશન્ટ 24 કલાકમાં ચાલતું થઈ જાય છે અને 4 થી 5 દિવસમાં રજા મેળવી શકે છે.
કેન્સરની સર્જરી બાદ કીમોથેરાપી કે રેડિએશનની જરૂર હોય તો દર્દી ઝડપથી રિક્વર થવાને કારણે સમયસર બીજી સારવાર શરૂ કરી શકાય છે.
સેમિનારમાં ICG ડાઈ જેવી નવી ટેકનોલોજી અને ચોથા સ્ટેજના કેન્સર માટે ‘પાઈપેક’ (PIPAC) જેવી અત્યાધુનિક પદ્ધતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેના દ્વારા પેટમાં ભરાતા પાણીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. નિષ્ણાંતોએ સ્પષ્ટ કર્યું હતું કે દૂરબીનથી થતા ઓપરેશન કોઈ પ્રયોગ નથી, પરંતુ આજના સમયમાં તે ‘સ્ટાન્ડર્ડ ઓફ કેર’ છે.
આ સેશનમાં ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, ડો.સોહમ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના કો-ચેરમેન ડો.ભાવિની દીક્ષિતે વક્તાનો પરિચય આપ્યો હતો. અંતે, ઉપસ્થિતોને મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો વક્તાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના ચેરમેન ડો.જગદીશ વઘાસિયા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તેમજ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.
સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં પહેલી હરોળમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે હીરા ઉદ્યોગના આગેવાન અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડીયાની વરણી કરવાનો ઠરાવ કરીને વરાછા બેંક મેનેજમેન્ટ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મંજૂરી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જેના પ્રતિસાદમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી દિનેશ નાવડીયાની વરણીને મંજૂરી આપવામાં આવી છે. બેંકના ચેરમેન નરેન્દ્રભાઇ કુકડીયા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દિનેશ નાવડીયાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકેનો ચાર્જ અખત્યાર કર્યો હતો.
આ પ્રસંગે દિનેશ નાવડીયાએ મિડીયા કર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે મારી વરણીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી મળતાં હું બેંકના તમામ સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શેરહોલ્ડરો અને બોર્ડના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને હું એક મોટી જવાબદારી તરીકે સ્વીકારું છું.
વરાછા કો-ઓપરેટિવ બેંકે છેલ્લા ઘણા વર્ષોથી પારદર્શિતા, વિશ્વસનીયતા અને ગ્રાહકકેન્દ્રિત સેવાઓના આધારે ગુજરાતની અગ્રણી સહકારી બેંકોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવાનો અમારો સંકલ્પ રહેશે.
આગામી સમયમાં બેંકના વહીવટમાં સુશાસન (Good Governance), પારદર્શિતા, નિયમનકારી માળખાનું સંપૂર્ણ પાલન, જોખમ વ્યવસ્થાપન (Risk Management) અને આધુનિક બેંકિંગ સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ડિજિટલ બેંકિંગને વધુ સશક્ત બનાવવાની સાથે ગ્રાહકોને ઝડપી, સુરક્ષિત અને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું અમારી પ્રાથમિકતા રહેશે. સહકારી ક્ષેત્રની મૂળ ભાવના અનુસાર નાના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો, મહિલાઓ, યુવાનો, વ્યાવસાયિકો તથા સામાન્ય ગ્રાહકોની
નાણાકીય જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પૂરી કરી શકાય તે માટે નવા આયામો પર કામ કરવામાં આવશે. બેંકના મજબૂત નાણાકીય પાયા, થાપણદારોના હિતોની સુરક્ષા અને સતત વિકાસ માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, કર્મચારીગણ અને તમામ હિતધારકો સાથે ટીમભાવનાથી કાર્ય કરવામાં આવશે.
વરાછા કો-ઓપરેટિવ બેંકને વધુ આધુનિક, વધુ મજબૂત, વધુ વિશ્વસનીય અને ગ્રાહકોની પ્રથમ પસંદગી બને તેવી સંસ્થા તરીકે આગળ લઈ જવાનો અમારો સ્પષ્ટ રોડમેપ રહેશે. બેંકના વિકાસની સાથે સમાજ અને અર્થતંત્રના વિકાસમાં પણ વધુ સકારાત્મક યોગદાન આપી શકાય તે દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવશે.
મને વિશ્વાસ છે કે બેંકના કર્મચારીઓ, ગ્રાહકો, સભાસદો અને તમામ શુભેચ્છકોના સહયોગથી આપણે વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરી શકીશું.
સરસાણા ચેમ્બર ઓફ કોમર્સ સંકુલના પ્લેટિનમ હોલ ખાતે 19 જુલાઇએ કોન્કલેવ સાથે ફેશનોવા 2026 ફેશન શોનું પણ આયોજન
ટેક્ષટાઇલ ઉદ્યોગના આગેવાન અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ અજોય ભટ્ટાચાર્ય અને કેટલાક ઉદ્યોગપતિઓએ ત્રણેક મહિના પૂર્વે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેલપમેન્ટ એસોસીએશન TAADAની રચના કરી છે અને આ સંગઠનની સૌથી પહેલી ઇવેન્ટ, નેશનલ ટેક્ષટાઇલ એક્સપોર્ટ કોન્કલેવનું આયોજન આગામી તા.19મી જુલાઇને રવિવારના રોજ સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સ સંકુલના પ્લેટીનમ હોલ ખાતે કરવામાં આવ્યું છે.
વધુ વિગતો આપતા TAADAના પ્રેસિડેન્ટ અજોય ભટ્ટાચાર્ય તેમજ મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે દૈનિક 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરત ટેક્ષટાઇલ ક્લસ્ટરમાંથી ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની નિકાસ વધે તે માટેના પ્રયાસો TAADA હાથ ધરવામાં આવ્યા છે. સુરતની પોતાની ઓળખ મેનમેડ ફાઇબર ઉપરાંત ડેનિમ, વિસ્કોસ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને એમ્બ્રોઇડરી જેવા ક્ષેત્રોમાં સુરતમાં જે કામ થાય છે તેને જો વૈશ્વિક બજારમાં મૂકવામાં આવે તો વિદેશી ખરીદારો તેને ફટાફટ ખરીદી કરી શકે. પરંતુ, ચોક્કસ કારણોસર એક્સપોર્ટ થઇ શકતું નથી. સુરતના ટેક્ષટાઇલ ઉદ્યમીઓમાં નિકાસને પ્રોત્સાહન મળે તે માટે આ કોન્કલેવમાં તમામ પ્રકારના પાસાઓને આવરી લઇને નોલેજ શેરીંગ સેશન રાખવામાં આવ્યા છે, જેનાથી કોન્કલેવમાં જોડાનારા એમ.એસ.એમ.ઇ.થી લઇને મોટા ઉદ્યોગપતિઓ સુધી તમામને નિકાસ માટે જરૂરી ગાઇડન્સ મળી રહે.
અજોય ભટ્ટાચાર્યએ જણાવ્યું કે આ કોન્કલેવમાં દેશના કાપડ ઉદ્યોગના આગેવાનો ખુદ ગાઇડન્સ આપશે.કોન્કલેવ બપોરે 2.30 કલાકથી શરૂ થશે અને એ પછી સાંજે 7 વાગ્યે ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી (આઇ.ડી.ટી.)ના વિદ્યાર્થીઓ દ્વારા ફેશનોવા 2026 ફેશન શો યોજાશે. આ ફેશન શોમાં સસ્ટેનેબિલિટી આધારીત વિશિષ્ટ થીમ્સ રજૂ કરવામાં આવશે.
તા.18મી જુલાઇને શનિવારે સુરતના વિકસેલા કાપડ ઉદ્યોગની સૌથી પહેલા અસ્તિત્વમાં આવેલી સુરત ટેક્ષટાઇલ માર્કેટની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં બે પેનલ વચ્ચે હરીફાઇ છે. એક પેનલનું નામ એકતા પેનલ છે જે સત્તાધારી પક્ષના ઉમેદવારોની પેનલ છે જેમાં સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, વિક્રેતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે. જ્યારે એકતા પેનલની સામે ટેક્ષટાઇલ માર્કેટના અસંતુષ્ઠ શોપ ઑનર્સની બનેલી પેનલ છે, જેનું નામ પ્રગતિ પેનલ છે.
સુરત ટેક્ષટાઇલ માર્કેટની પૂર્વ સંધ્યાએ જે પ્રકારનો માહોલ માર્કેટમાં અને શોપ ઑનર્સમાં જોવા-જાણવા મળ્યો એ મુજબ ચૂંટણીમાં સત્તાધારીઓની એકતા પેનલનો વિજય નિશ્ચિત મનાય છે. માર્કેટના મોટાભાગના દુકાનદારોએ કહ્યું કે તેઓ વર્તમાન મેનેજમેન્ટમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને અત્યાર સુધી એકતા પેનલના ઉમેદવારોએ જે પણ કંઇ કર્યું છે એ સંપૂર્ણપણે પારદર્શી અને દુકાનદારોના હિતમાં કર્યું છે. કેટલાક દુકાનદારોને તેમના વહીવટથી વિરોધ છે, તેનો મતલબ એ નથી કે સુરત ટેક્ષટાઇલ માર્કેટના બધા વેપારીઓમાં વિરોધ છે. જે લોકોને સુરત મહાનગરપાલિકા સાથે થયેલી લીઝ એગ્રિમેન્ટ સામે વિરોધ છે તેમણે એકતા પેનલના ઉમેદવારો સામે એલફેલ અને મનઘડંત આરોપો લગાડ્યા અને ચૂંટણીમાં માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો પરંતુ, એકતા પેનલના ઉમેદવારો સહેજ પણ વિચલિત થયા વગર સુરત ટેક્ષટાઇલ માર્કેટના દુકાનદારોમાં ફર્યા અને પ્રચાર કર્યો. એકતા પેનલના ઉમેદવારો સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના મનઘડંત આક્ષેપો કરવામાં આવ્યા, જે માની શકાય તેવા નથી એવું મોટા ભાગના દુકાનદારો જાણે છે અને એટલે જ ટેક્ષટાઇલ માર્કેટની ચૂંટણીમાં એકતા પેનલના ઉમેદવારોનો વિજય નિશ્ચિત જણાય રહ્યો છે.
મતદાનની પૂર્વ સંધ્યાએ સુરત ટેક્ષટાઇલ માર્કેટના મોટા ભાગના વેપારીઓમાં એ વાત પહોંચી ચૂકી છે કે સમાજના શ્રેષ્ઠીઓની બનેલી એકતા પેનલ જ સુરત ટેક્ષટાઇલ માર્કેટનો ભાવિ વિકાસ કરી શકવા માટે સમર્થ છે, કેટલાક લોકોનો દુષ્પ્રચાર એકતા પેનલે કરેલી કામગીરીને કલંકિત કરી શકે નહીં.
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સુરતની પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થા, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT) સહયોગથી આજે (16મી જુલાઇ 2026)ના રોજ એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ (EEP)નું આજે કાર્યાન્વિત કર્યો છે. આ એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સનો મુખ્ય હેતુ યુવા એન્જિનિયરિંગ પ્રતિભાને શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરીને રોજગાર માટે વધુ સક્ષમ બનાવવાનો છે. આ કાર્યક્રમ ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોના યુવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા ધારકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુરત કલેક્ટર તેજસ પરમાર તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે સુડાના ચીફ એક્ઝિક્યુટિવ રાજ સુથાર ઉપસ્થિત રહ્યા હતા. એસવીએનઆઇટીના ડિરેક્ટર પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, સાથે એએમએનએસના વાઇસ પ્રેસિડેન્ટ એચ.આર. અને એડમિનિસ્ટ્રેશન આશુતોષ તેલંગ, SVNITના વરિષ્ઠ અધ્યાપકો, AM/NS Indiaના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક ગામોના સરપંચો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના પ્રથમ બેચમાં કુલ 80 તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 40 એન્જિનિયરિંગ સ્નાતકો અને 40 ડિપ્લોમા ધારકોનો સમાવેશ થાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ તમામ ઉમેદવારો SVNIT સુરત અને AM/NS ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સમાં તાલીમ મેળવશે. કાર્યક્રમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ભાગ લેનારાઓને ઉદ્યોગ સંબંધિત વ્યવહારુ જ્ઞાન, ટેક્નિકલ કુશળતા, ઔદ્યોગિક સલામતી અંગેની સમજ, ગુણવત્તા વ્યવસ્થાપન (Quality Management) સંબંધિત પદ્ધતિઓ તેમજ આધુનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જરૂરી વ્યવસાયિક કૌશલ્યો પ્રાપ્ત થાય છે.
વર્ષ 2030 સુધીમાં ભારતને આશરે 115 મિલિયન નવી રોજગારીની તકોનું સર્જન કરવું પડશે અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો તથા નવી ટેક્નોલોજીની માંગને પહોંચી વળવા માટે દેશના અંદાજે 63 ટકા કાર્યબળને કૌશલ્ય ઉન્નતિ (Skill Upgradation)ની જરૂર પડશે. આ અંતરને દૂર કરવા માટે આધુનિક તાલીમ પ્રણાલીઓ તથા સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત સહયોગ અનિવાર્ય છે.
એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ આ પડકારનો વ્યવહારુ ઉકેલ પૂરું પાડવાના હેતુથી રચવામાં આવ્યો છે, જે ગુજરાત અને ભારત માટે ભવિષ્યલક્ષી, કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર માનવબળનું નિર્માણ કરવામાં સહાયરૂપ બનશે.
આ પ્રસંગે સુરત કલેક્ટર તેજસ પરમારએ જણાવ્યું હતું કે, “સુરતની વિકાસ ગાથા કુશળ સ્થાનિક પ્રતિભાના બળ પર આગળ વધવી જોઈએ. AM/NS India અને SVNITની આ પહેલ આપણા યુવાનો માટે અર્થપૂર્ણ તકોનું સર્જન કરે છે અને કુશળ તથા વિકસિત ભારતના વ્યાપક વિઝનને પણ આગળ ધપાવે છે.
આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, “AM/NS Indiaમાં અમે માનીએ છીએ કે ઔદ્યોગિક વિકાસ અને સમુદાયનો વિકાસ સાથે-સાથે આગળ વધવો જોઈએ. આ કાર્યક્રમ દ્વારા અમે સ્થાનિક યુવાનોની રોજગારક્ષમતા વધારવા, તેમના માટે નવી તકોનું સર્જન કરવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે વધુ મજબૂત પ્રતિભા આધાર (Talent Pipeline) તૈયાર કરવાનો હેતુ ધરાવીએ છીએ.”
પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNITએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગનું ઉત્તમ પ્રતિબિંબ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવના સમન્વય દ્વારા અમે તાલીમાર્થીઓને ઉદ્યોગની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દેશના વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર કરી રહ્યા છીએ.
એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ AM/NS Indiaની સમુદાય વિકાસ, કૌશલ્ય વિકાસ અને સુરત સહિતના વિસ્તારોના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ગત અઠવાડિયે AM/NS Indiaની ભારત સરકારની ફ્લેગશિપ પહેલ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs (PM-SETU) અંતર્ગત સુરત ITI ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ક્લસ્ટરમાં ITI સુરતને હબ સંસ્થા તરીકે તેમજ ITI હજીરા, બારડોલી, સચિન અને સુરત (મહિલા)ને સ્પોક સંસ્થાઓ તરીકે સામેલ કરવામાં આવી છે, જેથી ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ વ્યાવસાયિક તાલીમ અને રોજગારક્ષમતાને વધુ મજબૂત બનાવી શકાય.
આ બંને પહેલ AM/NS Indiaના એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચેનો સહયોગ જ ભારતના મેન્યુફેક્ચરિંગ વિકાસને વેગ આપવા સક્ષમ કુશળ માનવબળનું નિર્માણ કરી શકે છે અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ જીતતાં બોર્ડ પર બહુમતી નિશ્ચિત, છતાં નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડમાં કાંટાની ટક્કર; 710 મતદારો નક્કી કરશે 6,600 કરોડના ટર્નઓવર ધરાવતી ડેરીનું ભાવિ
ધી સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (સુમુલ ડેરી)ની 16 બેઠકોમાંથી 9 બેઠકો માટેનો ચૂંટણી જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 9 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર સીધો અને ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. બુધવાર, તા.15 જુલાઈએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાં કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
વ્યારા અને મહુવા બેઠકો પર સૌથી વધુ ચાર-ચાર ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં સૌથી વધુ રસાકસી જોવા મળશે. જ્યારે કુકરમુંડા બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. અન્ય બેઠકો પર ભાજપ સમર્થિત અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.
ચૂંટણી મતદાન પૂર્વેથી જ 16માંથી 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત થનારી ત્રણ બેઠકોને ધ્યાનમાં લેતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે સુમુલ ડેરીના બોર્ડમાં બહુમતી સુનિશ્ચિત કરી લીધી છે. તેમ છતાં બાકીની 9 બેઠકોની ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.
ખાસ કરીને નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો સામે કોંગ્રેસ તેમજ પશુપાલક હિતરક્ષક સમિતિના ઉમેદવારો ઉપરાંત ભાજપના બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે. કેટલીક બેઠકો પર ભાજપના આંતરિક અસંતોષે ચૂંટણીને વધુ કાંટાની બનાવી છે.
સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી અને વાર્ષિક આશરે ₹6,600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આ ચૂંટણીને માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી નહીં પરંતુ રાજકીય પ્રતિષ્ઠાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસમુક્ત અથવા વિપક્ષમુક્ત સુમુલનું સ્વપ્ન સંપૂર્ણ રીતે સાકાર થશે કે વિરોધ પક્ષ પોતાની હાજરી નોંધાવશે, તેના પર સૌની નજર છે.
મતદાન પૂર્વે ઉમેદવારો દ્વારા નિયુક્ત મતદારોને પોતાના પક્ષે કરવા માટે ‘ડિનર ડિપ્લોમસી’ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ સ્થળોએ બપોર અને રાત્રિના ભોજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં મતદારોને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ ચૂંટણીમાં કુલ 710 મતદારો મતદાન કરશે. તેમાં સોનગઢ બેઠકમાં સૌથી વધુ 176 મતદારો, ત્યારબાદ માંડવીમાં 129, વ્યારામાં 80, મહુવામાં 65, ઉમરપાડામાં 61, ડોલવણમાં 53, નિઝરમાં 51, કુકરમુંડામાં 43 અને ઓલપાડમાં 42 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
પૂર અને પાણી ભરાવા સામે રક્ષણ આપતી વિશેષ વીમા યોજના પણ શરૂ
સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત બનેલા વેપારીઓ, ઉદ્યોગકારો અને નાગરિકોને આર્થિક રાહત પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્યની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ સહકારી બેંક – ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત દ્વારા માત્ર 9% વ્યાજદરે રૂ|. 5 લાખ સુધીની વિશેષ “ફ્લડ લોન” યોજના જાહેર કરવામાં આવી છે. આ સાથે પૂર અને પાણી ભરાવાના કારણે વેપારીઓના માલસામાન, સ્ટોક અને મિલકતને થતા નુકસાન સામે રક્ષણ આપતી વિશેષ ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ બંને લોકહિતકારી યોજનાઓનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે યુદ્ધના ધોરણે પૂર્ણ કરી અસરગ્રસ્તોને ઝડપથી રાહત પહોંચાડવા પ્રતિબદ્ધ છે. કુદરતી આફતના સમયમાં સરકાર હંમેશા લોકોની પડખે ઊભી રહે છે અને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોની સાથે વરાછા બેંકે પણ સામાજિક જવાબદારી નિભાવી પૂરગ્રસ્તોને તાત્કાલિક આર્થિક સહાય મળે તે માટે વિશેષ ફ્લડ લોન યોજના અને ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના શરૂ કરી છે, જે અત્યંત પ્રશંસનીય અને સમયોચિત પહેલ છે. તેમણે બેંકના ચેરમેનશ્રી નરેન્દ્ર કુકડીયા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સમગ્ર મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પૂરગ્રસ્ત પરિવારોને ઝડપથી સહાય પહોંચાડવા માટે સતત કાર્યરત છે અને વરાછા બેંક દ્વારા કરવામાં આવેલી આ લોકહિતકારી પહેલ સમાજ માટે પ્રેરણાદાયી છે.
બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ફ્લડ લોન યોજના હેઠળ અસરગ્રસ્તોને રૂ. 5 લાખ સુધીની લોન માત્ર 9 % વ્યાજદરે અને 60 મહિનાની સરળ ચુકવણી મુદત સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. લોનની મંજૂરી ઝડપથી મળી રહે તે માટે વરાછા બેંકની મુખ્ય કચેરી ખાતે વિશેષ Dedicated Flood Assistance Counter શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં અરજદારોને માર્ગદર્શન તથા જરૂરી સહાય ત્વરિત ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત, ભવિષ્યમાં પૂર અને પાણી ભરાવાની પરિસ્થિતિમાં વેપારીઓના સ્ટોક, ગોડાઉન, દુકાન તથા અન્ય વ્યવસાયિક મિલકતને થતા નુકસાન સામે આર્થિક રક્ષણ મળે તે માટે વિશેષ ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોને બેંકની શાખાઓ મારફતે જ બેંકિંગ તથા વીમા – બંને સેવાઓનો લાભ એક જ સ્થળે મળશે.
ચેરમેનશ્રી નરેન્દ્ર કુકડીયાના નેતૃત્વ હેઠળ વરાછા બેંકે પૂરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓને ઝડપથી આર્થિક સહાય ઉપલબ્ધ કરાવી સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા સુરતમાં ખાડીપૂરના કાયમી ઉકેલ માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશડોલ સહાય ચૂકવવાની કામગીરી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વરાછા બેંકની ફ્લડ લોન યોજના વેપારીઓ અને નાગરિકોને ફરી આર્થિક રીતે સશક્ત બનવામાં મહત્વપૂર્ણ સહાયક બનશે.
આ યોજના અંગે વધુ માહિતી માટે ગ્રાહકો સુરત, નવસારી, અંકલેશ્વર, અમદાવાદ તથા રાજકોટ ખાતે આવેલી વરાછા બેંકની કોઈપણ શાખાનો સંપર્ક કરી શકશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, સામાજિક અગ્રણી શ્રી દિનેશભાઈ નાવડીયા, ઉદ્યોગપતિ શ્રી જયંતીભાઈ એકલારા, સામાજિક અગ્રણી શ્રી મુકેશ પટેલ, બેંકના તમામ ડિરેક્ટર્સશ્રીઓ, જનરલ મેનેજર શ્રી વિઠ્ઠલ ધાનાણી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એજીએમ શ્રી શૈલેષભાઈ ભૂત દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ડિરેક્ટર શ્રી વલ્લભભાઈ ચોથાણી દ્વારા કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને ધંધા-રોજગારને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ, વણાટ ઉદ્યોગ, ડાયમંડ એકમો અને અસંખ્ય MSME સેક્ટરની ફેક્ટરીઓમાં પાણી ભરાઈ જવાને કારણે મશીનરી, કાચો માલ અને તૈયાર સ્ટોકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનીનો વ્યવસ્થિત, સત્તાવાર અને વાસ્તવિક અંદાજ મેળવવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા એક વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પ્રભાવિત ઉદ્યોગકારોને અપીલ કરતા જણાવ્યું છે કે, “અતિવૃષ્ટિને કારણે દક્ષિણ ગુજરાતના નાના-મોટા ઉદ્યોગો અત્યારે ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. ઉદ્યોગોને આ સંકટમાંથી બહાર લાવવા અને તેમને યોગ્ય સરકારી મદદ અપાવવા માટે આપણી પાસે નુકસાનનો એક વ્યવસ્થિત અને સત્તાવાર ડેટા હોવો અત્યંત અનિવાર્ય છે. આથી, દક્ષિણ ગુજરાતના જે પણ ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ કે વ્યાપારી પેઢીઓને નુકસાન થયું હોય, તેઓ વિગતો સાથે પોતાની રજૂઆત તાત્કાલિક ચેમ્બરને મોકલી આપે.”
ઉદ્યોગકારો પોતાની નુકસાનીનો વિગતવાર અહેવાલ (જેમાં અંદાજિત આર્થિક નુકસાન, મશીનરી કે માલસામાનની વિગત અને જે-તે વિસ્તારનું નામ સામેલ હોય) નીચે મુજબના માધ્યમથી ચેમ્બર સુધી પહોંચાડી શકે છે:
1.એસોસિએશનો મારફતે: વિવિધ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનો અને વ્યાપારી સંગઠનો પોતાના સભ્યોની વિગતો એકત્રિત કરીને સામૂહિક રીતે ચેમ્બરને મોકલી શકે છે.
2.સીધી રજૂઆત: જો કોઈ ઉદ્યોગકાર સીધી રીતે વિગતો મોકલવા માંગતા હોય, તો તેઓ લેખિત રજૂઆત અથવા ચેમ્બરના સત્તાવાર ઈ-મેઈલ પર સીધી માહિતી મોકલી આપશે.
પ્રભાવિત ઉદ્યોગકારોએ પોતાની વિગતો નીચે મુજબના નિયત ફોર્મેટમાં ભરીને ચેમ્બર ઓફ કોમર્સની કચેરીએ કે સત્તાવાર ઈ-મેઈલ dysec@sgcci.in પર મોકલી આપવાની રહેશે:
નુકસાનીગ્રસ્ત એકમોની માહિતી આ ફોર્મેટ મુજબ આપવી
એકમનું નામ:
સરનામું:
GST નંબર:
ઉદ્યોગનું ક્ષેત્ર:
MSME પ્રમાણપત્ર (જો ઉપલબ્ધ હોય તો):
નુકસાનનું વર્ણન (મશીનરી, કાચો માલ, સ્ટોક વગેરે):
નુકસાનની અંદાજિત રકમ (રૂપિયામાં):
નુકસાનના પુરાવારૂપ ફોટોગ્રાફ્સ:
ચેમ્બર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ ઔદ્યોગિક વિસ્તારોમાંથી વિગતો આવ્યા બાદ તેનો એક વ્યાપક અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને તેના આધારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સંબંધિત સત્તાવાળા સમક્ષ લોનના વ્યાજમાં રાહત, વીમા કંપનીઓ પાસેથી ઝડપી ક્લેમ સેટલમેન્ટ અને વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માટે ચેમ્બર દ્વારા સચોટ રજૂઆતો કરવામાં આવશે, જેથી દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને ફરી બેઠું કરી શકાય.
ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશન દ્વારા અમે આપના ધ્યાનમાં લાવવા માંગીએ છીએ કે, તાજેતરમાં સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં પડેલા અત્યંત ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને અત્યંત વ્યાપક નુકસાન થયું છે. સુરત ગુજરાતનું મુખ્ય ટેક્સટાઈલ હબ હોવાથી હજારો મિલો, પાવરલૂમ યુનિટ્સ, પ્રોસેસિંગ હાઉસ અને એમ્બ્રોડરી ઉદ્યોગો પૂરી રીતે પાણીમાં ડૂબી ગયા છે. મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે.
આ નુકસાનથી અસંખ્ય ઉદ્યોગપતિઓ, કામદારો અને તેમના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજારો મજૂરોની રોજી-રોટી પર અસર પડી છે અને ઉદ્યોગની પુનઃસ્થાપના માટે તાત્કાલિક આર્થિક સહાયની જરૂર છે.
અમારી વિનંતી છે કે, ટેક્સટાઈલ ઉદ્યોગને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવે. પ્રભાવિત ઉદ્યોગોને આર્થિક સહાય, સબસિડી, લોનમાં છૂટ અને પુનઃનિર્માણ માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે. કામદારોને તાત્કાલિક રાહત અને વળતર આપવામાં આવે. ઉદ્યોગને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે.
અશોક જીરાવાલાએ મુખ્યમંત્રીને જણાવ્યું કે આપના નેતૃત્વમાં ગુજરાત વિવિધ આપત્તિઓમાંથી ઝડપથી બહાર આવ્યું છે. અમે આપના પર પૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ કે આ વખતે પણ આપ ટેક્સટાઈલ ઉદ્યોગ અને સુરતના આર્થિક વિકાસ માટે ત્વરિત અને સકારાત્મક નિર્ણય લેશો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.