
- માત્ર સર્વિસ પર્યાપ્ત નથી, IT કંપનીઓએ સોલ્યુશન અને પ્રોડક્ટ મોડલ અપનાવ્યે છુટકો: વત્સલ શાહ
- AIને કારણે કોડિંગ પદ્ધતિઓ બદલાઈ: IT સ્ટાફને ‘ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ એન્જિનિયર’ તરીકે તૈયાર કરવા વત્સલ શાહનું આહ્વાન
- મોટા વરાછા જેવી ‘ડિજિટલ વેલી’થી સુરતે દેશનું ધ્યાન ખેંચ્યું: AI ડિસ્રપ્શનથી બચવા કંપનીઓને 90 દિવસનો રી-સ્ટ્રક્ચરિંગ પ્લાન અપનાવવા સૂચન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના ઉપક્રમે પ્રમુખ શ્રી અશોક જીરાવાલાના માર્ગદર્શન હેઠળ સરસાણા સ્થિત ‘ઉષાકાંત મારફતિયા હોલ’ ખાતે ‘Restructuring IT Companies’ વિષય પર વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં બિઝનેસ કેટાલિસ્ટ, સીઇઓ કોચ અને મેજેન્ટો એસોસિએશનના બોર્ડ ડિરેક્ટર શ્રી વત્સલ શાહે IT કંપનીઓના રી-સ્ટ્રક્ચરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જાણીતા બિઝનેસ કોચ શ્રી વત્સલ શાહે જણાવ્યું હતું કે, “અત્યારે IT ઇન્ડસ્ટ્રી પોતાના સૌથી મોટા ટ્રાન્સફોર્મેશનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. હવે માત્ર ‘સર્વિસ’ પૂરી પાડવાથી નહીં ચાલે, કંપનીઓએ ‘સોલ્યુશન’ અને ‘પ્રોડક્ટ’ મોડલ તરફ વળવું પડશે. AIને કારણે પરંપરાગત કોડિંગની પદ્ધતિઓ બદલાઈ રહી છે. તેથી કંપનીઓએ પોતાના સ્ટાફને ‘ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ એન્જિનિયર’ તરીકે રી-સ્કિલ કરવા જોઈએ, જે ક્લાયન્ટના બિઝનેસને સમજીને AI ના માધ્યમથી ઝડપી અને સચોટ સોલ્યુશન આપી શકે.”
સુરતની તકો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, સુરત હવે માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડ હબ નથી, પરંતુ મોટા વરાછા જેવી ‘ડિજિટલ વેલી’ને કારણે IT ક્ષેત્રે પણ દેશભરમાં આગળ વધી રહ્યું છે. જો કંપનીઓ સમય સાથે બદલાશે નહીં, તો ગ્લોબલ રિસેસન અને AI ડિસ્રપ્શનને કારણે મોટું નુકસાન વેઠવું પડી શકે છે. તેમણે તમામ IT કંપનીઓને 90 દિવસનો રી-સ્ટ્રક્ચરિંગ પ્લાન અને ‘પ્રોફિટ-ફોકસ’ બિઝનેસ મોડલ અપનાવવા સલાહ આપી હતી.
IT કંપનીઓમાં રી-સ્ટ્રક્ચરીંગ બિઝનેસ મોડેલ એન્ડ માર્કેટીંગ, ઓફરિંગ/સર્વિસ, જીટીએમ સ્ટ્રેટર્જી, ઓર્ગનાઈઝેશન સ્ટ્રક્ચર, લીડરશીપ, ઓપરેટિંગ સિસ્ટમ, ફોક્સ એન્ડ પ્રોસેસ, સંસ્થાપકનો રોલ જેવા ક્ષેત્રમાં જરૂરી છે. રી-સ્ટ્રક્ચરીંગ દ્વારા રેવન્યુ ક્વોલિટી, માર્જિન ડિસિપ્લિન, પ્રાઈઝીંગ પાવર, ક્લાયન્ટ એકાઉન્ટ ગ્રોથ, કેશ ફ્લો કન્ટ્રોલ, લીડર્સ ઓનરશીપમાં સુધારો લાવવાનો મુખ્ય હેતુ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી સાથે રી-સ્ટ્રક્ચરિંગ કરનારી IT કંપનીઓ 15 થી 25% નો વાર્ષિક વિકાસ દર (Annual Growth Rate) હાંસલ કરી શકે છે. ચેમ્બરના ગ્રુપ ચેરમેન શ્રી ગણપત ધામેલિયાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.
સમગ્ર સેશનનું સંચાલન IT એન્ડ કોમ્યુનિકેશન કમિટીના ચેરમેન શ્રી રોમિત ગાબાણીએ કર્યું હતું, જ્યારે કમિટીના સભ્ય શ્રી મૌલિક વોરાએ વક્તાનો પરિચય આપ્યો હતો. અંતમાં ઉપસ્થિતોના પ્રશ્નોત્તરી સેશન બાદ કમિટીના કો-ચેરમેન શ્રી પૂર્વિન જયાણીએ આભાર વિધિ આટોપી હતી.












