CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 4 of 82 - CIA Live

July 9, 2026
અશોક-જીરાવાલા.png
2min136

છેલ્લા કેટલાક દિવસોથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને ધંધા-રોજગારને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ, વણાટ ઉદ્યોગ, ડાયમંડ એકમો અને અસંખ્ય MSME સેક્ટરની ફેક્ટરીઓમાં પાણી ભરાઈ જવાને કારણે મશીનરી, કાચો માલ અને તૈયાર સ્ટોકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનીનો વ્યવસ્થિત, સત્તાવાર અને વાસ્તવિક અંદાજ મેળવવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા એક વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પ્રભાવિત ઉદ્યોગકારોને અપીલ કરતા જણાવ્યું છે કે, “અતિવૃષ્ટિને કારણે દક્ષિણ ગુજરાતના નાના-મોટા ઉદ્યોગો અત્યારે ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. ઉદ્યોગોને આ સંકટમાંથી બહાર લાવવા અને તેમને યોગ્ય સરકારી મદદ અપાવવા માટે આપણી પાસે નુકસાનનો એક વ્યવસ્થિત અને સત્તાવાર ડેટા હોવો અત્યંત અનિવાર્ય છે. આથી, દક્ષિણ ગુજરાતના જે પણ ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ કે વ્યાપારી પેઢીઓને નુકસાન થયું હોય, તેઓ વિગતો સાથે પોતાની રજૂઆત તાત્કાલિક ચેમ્બરને મોકલી આપે.”

ઉદ્યોગકારો પોતાની નુકસાનીનો વિગતવાર અહેવાલ (જેમાં અંદાજિત આર્થિક નુકસાન, મશીનરી કે માલસામાનની વિગત અને જે-તે વિસ્તારનું નામ સામેલ હોય) નીચે મુજબના માધ્યમથી ચેમ્બર સુધી પહોંચાડી શકે છે:

  • 1.એસોસિએશનો મારફતે:
    વિવિધ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનો અને વ્યાપારી સંગઠનો પોતાના સભ્યોની વિગતો એકત્રિત કરીને સામૂહિક રીતે ચેમ્બરને મોકલી શકે છે.
  • 2.સીધી રજૂઆત:
    જો કોઈ ઉદ્યોગકાર સીધી રીતે વિગતો મોકલવા માંગતા હોય, તો તેઓ લેખિત રજૂઆત અથવા ચેમ્બરના સત્તાવાર ઈ-મેઈલ પર સીધી માહિતી મોકલી આપશે.
  • પ્રભાવિત ઉદ્યોગકારોએ પોતાની વિગતો નીચે મુજબના નિયત ફોર્મેટમાં ભરીને ચેમ્બર ઓફ કોમર્સની કચેરીએ કે સત્તાવાર ઈ-મેઈલ dysec@sgcci.in પર મોકલી આપવાની રહેશે:
  • નુકસાનીગ્રસ્ત એકમોની માહિતી આ ફોર્મેટ મુજબ આપવી
  • એકમનું નામ:
  • સરનામું:
  • GST નંબર:
  • ઉદ્યોગનું ક્ષેત્ર:
  • MSME પ્રમાણપત્ર (જો ઉપલબ્ધ હોય તો):
  • નુકસાનનું વર્ણન (મશીનરી, કાચો માલ, સ્ટોક વગેરે):
  • નુકસાનની અંદાજિત રકમ (રૂપિયામાં):
  • નુકસાનના પુરાવારૂપ ફોટોગ્રાફ્સ:
  • ચેમ્બર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ ઔદ્યોગિક વિસ્તારોમાંથી વિગતો આવ્યા બાદ તેનો એક વ્યાપક અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને તેના આધારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સંબંધિત સત્તાવાળા સમક્ષ લોનના વ્યાજમાં રાહત, વીમા કંપનીઓ પાસેથી ઝડપી ક્લેમ સેટલમેન્ટ અને વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માટે ચેમ્બર દ્વારા સચોટ રજૂઆતો કરવામાં આવશે, જેથી દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને ફરી બેઠું કરી શકાય.

ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર પાઠવી રજૂઆતો કરી

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશન દ્વારા અમે આપના ધ્યાનમાં લાવવા માંગીએ છીએ કે, તાજેતરમાં સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં પડેલા અત્યંત ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને અત્યંત વ્યાપક નુકસાન થયું છે. સુરત ગુજરાતનું મુખ્ય ટેક્સટાઈલ હબ હોવાથી હજારો મિલો, પાવરલૂમ યુનિટ્સ, પ્રોસેસિંગ હાઉસ અને એમ્બ્રોડરી ઉદ્યોગો પૂરી રીતે પાણીમાં ડૂબી ગયા છે. મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે.

આ નુકસાનથી અસંખ્ય ઉદ્યોગપતિઓ, કામદારો અને તેમના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજારો મજૂરોની રોજી-રોટી પર અસર પડી છે અને ઉદ્યોગની પુનઃસ્થાપના માટે તાત્કાલિક આર્થિક સહાયની જરૂર છે.

અમારી વિનંતી છે કે, ટેક્સટાઈલ ઉદ્યોગને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવે. પ્રભાવિત ઉદ્યોગોને આર્થિક સહાય, સબસિડી, લોનમાં છૂટ અને પુનઃનિર્માણ માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે. કામદારોને તાત્કાલિક રાહત અને વળતર આપવામાં આવે. ઉદ્યોગને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે.

અશોક જીરાવાલાએ મુખ્યમંત્રીને જણાવ્યું કે આપના નેતૃત્વમાં ગુજરાત વિવિધ આપત્તિઓમાંથી ઝડપથી બહાર આવ્યું છે. અમે આપના પર પૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ કે આ વખતે પણ આપ ટેક્સટાઈલ ઉદ્યોગ અને સુરતના આર્થિક વિકાસ માટે ત્વરિત અને સકારાત્મક નિર્ણય લેશો.

July 9, 2026
Cia_business_news-1280x936.jpg
1min136
  • ભેદવાડ ખાડીના ઓવરફ્લોથી પાંડેસરા જીઆઇડીસીમાં ઉત્પાદન ઠપ
  • 20થી વધુ ડાઇંગ-પ્રિન્ટિંગ મિલોમાં 5થી 7 ફૂટ પાણી ઘૂસ્યાં, સીઇટીપી અને પમ્પિંગ સ્ટેશન બંધ થતાં 125થી વધુ મિલો ત્રણ દિવસથી બંધ

પાંડેસરા જીઆઇડીસીને અડીને આવેલી ભેદવાડ ખાડીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગત 6 જુલાઇથી પાણીનો આવરો શરૂ થયો હતો. જોતજોતામાં છેલ્લા અંદાજે 75 વર્ષમાં ન આવ્યું હોય તેટલું પાણી ખાડીમાં આવતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ભેદવાડ ખાડીની વહન ક્ષમતા વર્ષોથી ઘટી જવા ઉપરાંત અનેક સ્થળોએ થયેલા દબાણો અને બોટલનેક જેવી સ્થિતિના કારણે પાણીનો નિકાલ ઝડપી થઈ શક્યો નહોતો. પરિણામે ખાડીમાંથી પાણી ઓવરફ્લો થઈ પાંડેસરા જીઆઇડીસીના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી વળ્યું હતું.

આ અચાનક આવેલા પૂરના કારણે પાંડેસરા જીઆઇડીસીની 20થી વધુ ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોમાં પાંચથી સાત ફૂટ સુધી પાણી ઘૂસી જતાં મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમને વ્યાપક નુકસાન થયું છે. અનેક મિલોમાં ઉત્પાદન માટે જરૂરી સાધનો પાણીમાં ડૂબી જતાં ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.

પૂરની સૌથી ગંભીર અસર પાંડેસરા જીઆઇડીસીના પમ્પિંગ સ્ટેશન તથા કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી) પર જોવા મળી છે. પમ્પિંગ સ્ટેશન અને સીઇટીપીમાં ચાર ફૂટથી લઈને છથી સાત ફૂટ સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. પાણી પમ્પિંગ માટે ઉપયોગમાં લેવાતા સબમર્સિબલ પંપ, મોટરો અને અન્ય મહત્વપૂર્ણ મશીનરી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં સમગ્ર પમ્પિંગ વ્યવસ્થા બ્રેકડાઉન થઈ ગઈ છે.

સીઇટીપીની ઓફિસોમાં પણ પાણી ઘૂસી જતાં ફર્નિચર, દસ્તાવેજો તથા અન્ય ઓફિસ સાધનોને નુકસાન થયું છે. પ્લાન્ટની મશીનરી ઉપરાંત ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમને પણ પારાવાર નુકસાન પહોંચ્યું હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. મશીનરીને ફરી કાર્યરત કરવા માટે મોટા પાયે સમારકામ અને ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગની જરૂર પડશે.

સીઇટીપી અને પમ્પિંગ સ્ટેશન છેલ્લા ત્રણ દિવસથી સંપૂર્ણપણે બંધ હોવાથી પાંડેસરા જીઆઇડીસીની 125થી વધુ ડાઇંગ, પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ મિલો પાસે ઉત્પાદન બંધ રાખવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. એફ્લ્યુએન્ટના નિકાલની વ્યવસ્થા બંધ હોવાથી પર્યાવરણના નિયમોનું પાલન કરવા તમામ એકમોએ કામગીરી સ્થગિત કરી છે. ત્રણ દિવસથી ઉત્પાદન ઠપ રહેતાં ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ઉદ્યોગકારોએ ભેદવાડ ખાડીનું ડીપનિંગ, પહોળાઈ વધારવાની કામગીરી અને દબાણો દૂર કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના મતે જો ખાડીની વહન ક્ષમતા સમયસર વધારવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ ભારે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે.

સીઇટીપી અને અમૃતવનમાં 60 હજારથી વધુ છોડ-ઝાડ પાણીમાં ગરકાવ

ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે પાંડેસરા જીઆઇડીસીના સીઇટીપી કેમ્પસ તેમજ અમૃતવન વિસ્તારમાં મળીને અંદાજે 60 હજારથી વધુ છોડ અને ઝાડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં હરિયાળી પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાણી ઓસર્યા બાદ છોડને બચાવવા માટે વિશેષ જાળવણી અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવશે.

તમામ મિલોને એક મહિના માટે સીઇટીપીના ઓપરેશન-મેઇન્ટેનન્સ ચાર્જમાં 50 ટકા રાહત

ભારે વરસાદ અને પૂરના કારણે પાંડેસરા જીઆઇડીસીના ઉદ્યોગોને પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સીઇટીપી સંચાલન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી તમામ મિલોને એક મહિના માટે સીઇટીપીના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (ઓ. એન્ડ એમ.) ચાર્જિસમાં 50 ટકા રાહત આપવામાં આવશે. આ રાહત માટે કોઈ મિલને નુકસાન થયું છે કે નહીં તે માપદંડ રાખવામાં આવ્યો નથી. પાણી ભરાવાની સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીઆઇડીસીની તમામ મિલોને સમાન રીતે આ રાહતનો લાભ આપવામાં આવશે. આ નિર્ણયથી પૂરગ્રસ્ત ઉદ્યોગોને આર્થિક રીતે થોડી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

July 7, 2026
cia_multi-1280x1045.jpg
2min821

તા.8મી જુલાઇને બુધવારે સુરત શહેર જિલ્લામાં તમામે તમામ શાળા કોલેજોમાં શૈક્ષણિક કામ બંધ રહેશે

ભારે વરસાદની આગાહીને પગલે આજે મંગળવારની જેમ આવતીકાલ તા.8મી જુલાઇને બુધવારે પણ સુરત શહેર જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જારી કરી છે.

વીર નર્મદ યુનિવર્સિટીના કુલસચિવની 8 જુલાઇના રોજ રજા અંગેની જાહેરાત

તા.7મી જુલાઇ, આજરોજ સવારે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ કોલેજ આવનારા-જનારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં આવેલી કોલેજોમાં માત્ર વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે તથા ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોલેજએ બોલાવવા કે ન બોલાવવા અંગેનો નિર્ણય કૉલેજના આચાર્યશ્રી/વિભાગીય વડા શ્રી એ વિવેકબુદ્ધિપૂર્વક તથા વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખી કરવો.સુરત જિલ્લા ઉપરાંત ના દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ના વિસ્તાર માં આચાર્ય શ્રી વિધાર્થી ઓને રજા આપવા બાબતે વિવેકબુદ્ધિ ને આધિન યોગ્ય નિર્ણય લઈ શકે છે

નોંધ :જો કોલેજ ખાતે કોઈ પરીક્ષા ચાલતી હોય તો યુનિવર્સિટી સાથે યોગ્ય સંકલન/પરામર્શન કરવું પરીક્ષા બાબતે અને પછી રજા અંગે નિર્ણય કરવાનો રહેશે અથવા યુનિ એ પરીક્ષા સંબંધિત કરેલ જાહેરાત મુજબ કરવું

આજે તા.7મી જુલાઇના રોજ વહેલી સવારથી સુરતમાં વરસાદ ત્રાટક્યો હતો. સવારે 8થી સાંજે 4 સુધીના 8 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. સરથાણા, જકાતનાકા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા. BRTS અને ST બસ વ્યવહાર ઠપ થયો. ફાયર વિભાગે 21 લોકોને બોટ દ્વારા બચાવ્યા. હવામાન વિભાગે સુરત સહિત 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.

સુરત શહેરમાં ગઈકાલથી શરૂ થયેલો અવિરત ભારે વરસાદ આજે પણ આફત બનીને વરસી રહ્યો છે, છેલ્લા 8 કલાકમાં 10 ઈંચ વરસાદના કારણે સમગ્ર શહેરના જનજીવન પર માઠી અસર પડી છે. સિટી, BRTS અને એસટી બસ વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે ખાસ કરીને સરથાણા અને જકાતનાકા વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, અને રસ્તાઓ પર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત, લાલદરવાજા અને પટેલ વાડી વિસ્તાર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

સુરત શહેરમાં વરસી રહેલા અવિરત ભારે વરસાદના કારણે પાંડેસરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંડેસરાના શિવમ નગર, કૃષ્ણનગર અને પ્રેમ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. અસરગ્રસ્ત વિસ્તારના તમામ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીના ભાગરૂપે નજીકમાં આવેલી ઓડીસા પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બોટ દ્વારા કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ

અનરાધાર વરસાદને પગલે સુરત સર્વોદય બેંક અને રેલવે સ્ટેશન ગરનાળા (અંડરપાસ) વિસ્તારમાં કમરબૂડ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ વણસતાં જ સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનની રાહત ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પાણીના ભારે પ્રવાહ વચ્ચે ફસાયેલા નાગરિકોની વહારે આવીને ફાયર બ્રિગેડની ટીમે બોટ તૈનાત કરી હતી અને ભારે જહેમત બાદ કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા.

સુરતમાં ધોધમાર વરસાદે ગોડાદરા વિસ્તારની ANTM માર્કેટને જળબંબાકાર બનાવી દીધી હતી. માર્કેટ બહાર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાના માલસામાન પર સંકટ તોળાતાં વેપારીઓએ દુકાનોના દરવાજા આગળ લાકડાં અને અન્ય સામગ્રીની આડાશ ઊભી કરીને પાણી અંદર ઘૂસતું અટકાવવાનો યુદ્ધના ધોરણે પ્રયાસ કર્યો હતો. રસ્તા પર એટલું પાણી ભરાયું કે ટ્રક સહિત અનેક વાહનો વચ્ચે રસ્તામાં જ બંધ પડી ગયા અને વાહનો અડધા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ કામરેજ 8.31 ઇંચ, સુરત સિટી 6.93 ઇંચ, પલસાણા 5.94 ઇંચ, નવસારી 5.71 ઇંચ, ડાંગના સુબિરમાં 5.31 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના જલાલપોરમાં 5.16 ઇંચ), બારડોલીમાં 5.08 ઇંચ તેમજ મહુવા અને તાપીના વાલોડમાં 3.94 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે. વલસાડના કપરાડામાં પણ 3.78 ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાનની ગંભીર પરિસ્થિતિને જોતા હવામાન વિભાગ દ્વારા રાજ્યના 8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ‘રેડ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ખરાબ હવામાન અને પ્રચંડ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના તમામ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.

બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ તેમજ ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્રને એલર્ટ કરી દેવાયું છે. આ ઉપરાંત, રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત જૂનાગઢ, બોટાદ, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

July 6, 2026
WhatsApp-Image-2026-07-06-at-17.27.38-1280x853.jpeg
1min113
  • SGCCI અને CAIT ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવા’ વિશે સેશન યોજાયું
  • બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ અને વેપાર વૃદ્ધિના માર્ગો જાણવા ઉદ્યોગકારો માટે અનિવાર્ય: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
  • સરકાર ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાવવા પ્રયત્નશીલ, ટેક્સટાઇલ ઉદ્યોગકારોને PLI સ્કીમનો લાભ લેવા હાકલ

સુરત, ૬ જુલાઈ ૨૦૨૬: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે તા. ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે, સરસાણા સ્થિત ‘ઉષાકાંત મારફતિયા હોલ’ ખાતે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવાઃ સરકારની યોજનાઓ, વ્યવસાય વિકાસ અને નવી તકો’ વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં લોકસભાના સાંસદ અને CAIT ના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે ઉપસ્થિત રહીને વેપારીઓને વર્તમાન સમયની ટેકનોલોજી અને સરકારી નીતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વેપાર વૃદ્ધિ માટે અપગ્રેડેશન જરૂરી: પ્રમુખ અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “ભારતના આર્થિક વિકાસમાં વેપાર અને ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક નવી યોજનાઓ, સુધારા અને નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આજના સ્પર્ધાત્મક યુગમાં બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ તેમજ વેપાર વૃદ્ધિના માર્ગો વિશે જાણવું ઉદ્યોગકારો માટે ખૂબ જરૂરી છે.”

૯૦% વેપારીઓ ML અને AIના જ્ઞાનથી વંચિત: પ્રવીણ ખંડેલવાલ
સાંસદ અને CAITના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “ઉદ્યોગકારોએ હંમેશા વેપારમાં વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. વેપાર કરતી વખતે સમયની સાથે અપગ્રેડ થવું આવશ્યક છે. હાલમાં સમગ્ર વેપાર ML (મશીન લર્નિંગ) અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થકી થઈ રહ્યો છે, પરંતુ ભારતમાં ૯૦% વેપારીઓને ML અને AI વિશેનું પૂર્ણ જ્ઞાન નથી. ઉદ્યોગકારોએ વેપાર ચલાવવાના જરૂરી ટૂલ્સની સમગ્ર માહિતી રાખવી જોઈએ.”

તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મુદ્રા યોજના, વિશ્વકર્મા યોજના, લખપતિ દીદી યોજના અને ડિજી સખી યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે, ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ PLI સ્કીમ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને આગામી સમયમાં ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાગુ થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

દિલ્હીમાં ભારતીય વેપાર મહોત્સવ: શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, CAIT અને ITPOના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હીના ભારત મંડપમ્‌ ખાતે તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘ભારતીય વેપાર મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ ૭,૦૦૦ સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટોલ રાખ્યા છે. આ મહોત્સવની 40થી વધુ દેશોના ઉદ્યોગકારો મુલાકાત લેશે, જે વેપારની નવી તકો ઊભી કરશે.

આ સેશનમાં ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, પૂર્વ પ્રમુખ અને ટેક્સટાઇલ ટાસ્કફોર્સ કમિટીના ચેરમેન શ્રી આશિષ ગુજરાતી, CAIT ગુજરાતના પ્રમુખ શ્રી પ્રમોદ ભગત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા ગ્રૂપ ચેરમેન શ્રી મનોજ અગ્રવાલે આપી હતી, સંચાલન શ્રી મિતેશ શાહે કર્યું હતું અને અંતમાં માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ આભારવિધિ કરી હતી.

July 6, 2026
Cia_business_news-1280x936.jpg
1min116

સાઉથ ગુજરાત શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશન દ્વારા ૯ મી એજીએમ મળી હતી. જેમાં તમામ મેમ્બરો અને હોદ્દેદારો હાજર રહ્યાં હતાં જેમાં પ્રમુખ પદે અશોકભાઈ મહેતા, ઉપપ્રમુખ પદે નરેશભાઇ લાખાણી , વજુભાઈ પટેલ, સુભાષભાઈ ગંગવાણી, ગોપાલભાઈ હુરિયા , સેક્રેટરી પદે સંજયભાઈ અગ્રવાલ , જોઈન્ટ સેક્રેટરી પદે જતીનભાઇ વાધાણી અને ખજાનચી પદે મનોજભાઈ અગ્રવાલ ની નિમણૂંક કરવામાં આવી હતી.

સંસ્થાના ઉપપ્રમુખ નરેશભાઇ લાખાણી એ કહ્યું હતું કે, છેલ્લાં ૯ વર્ષથી શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશન કાર્યરત છે. સંસ્થામાં ૧૪૨ રજીસ્ટ્રર મેમ્બરો છે જ્યારે શહેરમાં શિફલી એમ્બ્રોઈડરી ના ૨૦૦ જેટલા યુનિટો કાર્યરત છે.

હાલ શિફલી વર્કની ડિમાન્ડ ભારત સહિત આંતરાષ્ટ્રીય માર્કેટમાં છે. એક્સપોર્ટમાં શિફલી વર્કનો હિસ્સો ખુબ જ મોટી માત્રામાં છે.

ખાસ કરીને હાલ પેમેન્ટનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે શિફલી એમ્બ્રોઈડરી એસોસએશન દ્વારા પણ મેમ્બરોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ સભ્યોને પરેશાની હોય તો સંસ્થા દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે.આ ઉપરાંત જે વેપારીઓ કારણ વગર ક્લેઈમ કરશે તો તેમની સાથે એસોસિએશનના મેમ્બરો કામ કરશે નહીં તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા તમામ સભ્યોને ઓછા ભાવે કામ ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

July 4, 2026
Cia_business_news-1280x936.jpg
1min137

દેશના અગ્રણી વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય પ્રમુખ તથા દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના વેપારીઓને આગામી 12થી 15 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા ભારત વ્યાપાર મહોત્સવમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત દેશનું અગ્રણી વેપાર અને ઉદ્યોગ કેન્દ્ર હોવાથી મહોત્સવમાં સુરતની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કૈટના સુરત પ્રમુખ પ્રમોદ ભગત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોક જીરાવાલા સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારત વ્યાપાર મહોત્સવ દેશભરના ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ, સેવા ક્ષેત્ર અને એમએસએમઈ એકમોને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ મહોત્સવ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો, માર્કેટિંગની તકો અને વેપારના વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે.

તેમણે જણાવ્યું હતું કે સુરતમાંથી અત્યાર સુધીમાં અંદાજે 7 હજાર સ્ક્વેર ફૂટ જેટલી પ્રદર્શન જગ્યાના સ્ટોલનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમાં સૌથી વધુ ભાગીદારી ટેક્સટાઇલ ઉદ્યોગની છે, જે સુરતના કાપડ ઉદ્યોગની રાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ દર્શાવે છે. આગામી દિવસોમાં ડાયમંડ, જ્વેલરી, કેમિકલ, એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય સેવા ક્ષેત્રના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાનના **’સ્વદેશી વેચો, સ્વદેશી ખરીદો’**ના સંદેશને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે, રોજગારીમાં વધારો થશે અને નાના-મધ્યમ વેપારીઓને નવી તકો મળશે. ભારત વ્યાપાર મહોત્સવ આ દિશામાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આ મહોત્સવ નવા બજારો સુધી પહોંચવાનો ઉત્તમ અવસર છે. ચેમ્બર દ્વારા પણ સભ્યોને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સુરતના ઉત્પાદનો અને સેવાઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ મળી શકે.

July 2, 2026
smc.jpg
1min85

સુરતના નાસીર નગર ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. 30/05/2026ના રોજ થયેલી આ કામગીરી વિવાદમાં આવતા, તપાસ સમિતિના અહેવાલ બાદ 5 એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા છે. જેમાં કાર્યપાલક ઈજનેર સુજલકુમાર પ્રજાપતિ અને જ્યાંગ જીવનરામજીવાલા સહિત ડેપ્યુટી, આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દ્વારા પાલિકાએ કડક શિસ્તનો સંદેશ આપ્યો છે.

Surat Nasir Nagar demolition : સુરતના નાસીર નગર ડિમોલિશન ને લઈને ઉઠેલા સવાલો સામે આખરે સુરત મહાનગરપાલિકાને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા પછી આખરે સુરત મહાનગરપાલિકાની ઊંઘ ઉડી છે. નાસીર નગર ડિમોલિશન મામલે તપાસ સમિતિના અહેવાલ બાદ બે કાર્યપાલક ઈજનેર સહિત પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે શહેરમાં ચર્ચા એ છે કે માત્ર પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી સમગ્ર ઘટનાની જવાબદારી પૂરી થઈ જશે કે પછી આ વિવાદના પડછાયા ઉચ્ચ અધિકારી- રાજકારણીઓ કે અન્ય વિભાગા અધિકારીઓ સુધી પણ પહોંચશે?

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે તા. 30 મે, 2026ના રોજ કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી ભારે વિવાદમાં સપડાઈ હતી. સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યા બાદ પાલિકાએ તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં સામે આવેલા મુદ્દાઓના આધારે હવે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સાથે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની અસર ન પડે અને કાર્યવાહી નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે પાલિકાએ પાંચ ઈજનેરોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય લીધો છે.

પાલિકાએ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કાર્યપાલક ઈજનેર સુજલ કુમાર ધરમશીભાઈ પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેર જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા અને જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચરનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝોનલ ઓફિસર તરીકે ડિમોલિશન દરમિયાન હાજર રહેલા કાર્યપાલક ઈજનેર જયાંગ જીવનરામજીવાલાની ભૂમિકા તપાસના કેન્દ્રમાં છે. બીજી તરફ, રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિને આ ડિમોલિશન કામગીરી સાથે સીધી જવાબદારી ન હોવા છતાં તેઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તેમની હાજરી અને ભૂમિકાને લઈને પણ તપાસમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ ઈજનેર, ડેપ્યુટી ઈજનેર અને જુનિયર ઈજનેરની કામગીરી પણ તપાસના દાયરામાં આવી છે. બે કાર્યપાલક ઈજનેર ક્લાસ-વન અધિકારી હોવાથી તેમના સસ્પેન્શન માટે મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ જાણ માટેની દરખાસ્ત રજૂ કરશે. ત્યારબાદ સામાન્ય સભાની મંજૂરી માટે મોકલવામાં આવશે.

નાસીરનગર ડિમોલિશન દરમિયાન માત્ર પાલિકાની કામગીરી જ નહીં, પરંતુ રાજકારણીઓની સંભવિત દખલગીરી અને પોલીસની ભૂમિકાને લઈને પણ અનેક ગંભીર સવાલો ઉભા થયા હતા. હવે પાંચ ઈજનેરો સામે કાર્યવાહી થતાં ચર્ચા એ છે કે તપાસનો વ્યાપ માત્ર અધિકારીઓ સુધી જ સીમિત રહેશે કે પછી સમગ્ર ઘટનામાં જેની સામે આક્ષેપો થયા છે તે તમામની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ થશે. તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

July 2, 2026
image-1.png
1min85

અનુપમસિંહ ગેહલોત અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેઓ અમદાવાદ શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેઓ અમદાવાદ શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

તત્કાલિન અમદાવાદ કમિશનર જી. એસ. મલિકે રાજ્યના ડીજીપી (DGP) તરીકેનો પદભાર સંભાળ્યા બાદ અમદાવાદ પોલીસ વડાની મહત્વની જગ્યા ખાલી પડી હતી. આ ખાલી પડેલા સ્થાને સરકારે સુરતના વર્તમાન પોલીસ કમિશનર અને 1997 બેચના IPS અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરી છે. ગેહલોતની અમદાવાદ બદલી થવાને કારણે હવે સુરત પોલીસ કમિશનરની જગ્યા ખાલી થઈ છે, જેના પર હજુ સુધી સરકારે કોઈ નવા અધિકારીના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. અગાઉ અનુપમસિંહ ગેહલોત સુરત ઉપરાંત વડોદરા અને રાજકોટ જેવા મોટા મહાનગરોમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.

  • 1997 બેચના IPS અધિકારી, ઉત્તર પ્રદેશના વતની
  • બી.ઈ. (B.E.) તેમજ એમ.ટેક. (M.Tech.) સુધીનો ઉચ્ચ અભ્યાસ
  • સૌપ્રથમ ભાવનગર અને ત્યારબાદ પાટણ જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) તરીકે ફરજ
  • પ્રમોશન બાદ રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર
  • વડોદરા બાદ તેમની બદલી સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં કરવામાં આવી હતી
  • અમદાવાદ કમિશનર તરીકે નિમણૂક પહેલા તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા
June 27, 2026
WhatsApp-Image-2026-06-27-at-17.54.05.jpeg
2min141

૩ દિવસમાં ૩૫,૦૦૦ વિઝિટર્સે લીધી મુલાકાત

દેશની ૧૫ થી વધુ મુખ્ય કાપડ મંડીઓ અને કોર્પોરેટ હાઉસીસના ૨,૫૦૦ થી વધુ જેન્યુન બાયર્સે પ્રદર્શનની લીધી મુલાકાત: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

લેટેસ્ટ વિસ્કોસ પોઝિશન પ્રિન્ટ, સાલસા પ્લેન-બુટી, નાયલોન અને વોટરજેટના હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની બજારમાં ભારે ડિમાન્ડ

ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ, ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં ચેમ્બર સફળ

સુરત, ૨૮ જૂન ૨૦૨૬ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૬ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાયેલા ત્રણ દિવસીય ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આજે રવિવારે ભવ્ય સમાપન થયું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને સુરત શહેરની સાથે જ સમગ્ર દેશ અને વિદેશમાંથી આવેલા જેન્યુન બાયર્સ તરફથી અભૂતપૂર્વ અને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.

દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસ અને ખરીદદારો એક જ મંચ પર: પ્રમુખ અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ એક્ષ્પોની સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભારત અને વિદેશના ફેબ્રિક ઉત્પાદકો, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, ફેશન ડિઝાઇનર્સ, નિકાસકારો અને હોલસેલર્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો હતો, જેમાં ચેમ્બરને મોટી સફળતા મળી છે. ભારતની મુખ્ય કાપડ મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઇરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી ફેબ્રિક્સના મોટા ગજાના જેન્યુન બાયર્સ તેમજ દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસના પર્ચેઝ મેનેજરોએ આ પ્રદર્શનની ખાસ મુલાકાત લીધી હતી.”

તેમણે ઉમેર્યું કે, પ્રદર્શનના શરૂઆતના બે દિવસ દરમિયાન ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી હતી, જ્યારે આજે રવિવારની રજાના દિવસે વધુ ૧૫,૦૦૦ લોકો ઉમટી પડ્યા હતા. આમ, ત્રણ દિવસમાં કુલ ૩૫,૦૦૦ જેટલા વિઝીટર્સ અને ૨,૫૦૦ થી વધુ અલગ-અલગ શહેરોના જેન્યુન બાયર્સે આ એક્ઝિબિશન નિહાળ્યું હતું.

વિસ્કોસ, સાલસા અને હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની ધૂમ ડિમાન્ડ

ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬ના ચેરમેન ડૉ. હરેશ પટેલે વ્યાપારી ટ્રેન્ડ્સ અંગે જણાવ્યું કે, બહારથી આવેલા મોટા ગજાના બાયર્સમાં લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત વિસ્કોસ ફેબ્રિક ઉપર પોઝિશન પ્રિન્ટ, એરજેટ મશીન પર બનેલા સાલસા પ્લેન અને સાલસા બુટીના ફેબ્રિક્સમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત નાયલોન ફેબ્રિક અને ટોપ ડાયડ સાડીઓની જેમ જ વોટરજેટ લૂમ્સ પર તૈયાર થયેલા હોમ ફર્નિશિંગના પ્લેન ફેબ્રિક તથા ડોબી ફેબ્રિકની પણ બજારમાં ખૂબ ડિમાન્ડ રહી હતી.

પ્રદર્શનમાં વોટરજેટના વેલ્યુ એડિશન ફેબ્રિક્સ અને ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ અને ઓર્ડર્સ જોવા મળ્યા હતા. બાયર્સ તરફથી મળેલા આ શાનદાર પ્રતિસાદને કારણે પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો સ્પોટ અને પ્રોસ્પેક્ટિવ બિઝનેસ મળ્યો છે, જે સુરતના કાપડ ઉદ્યોગ માટે આગામી દિવસોમાં ખૂબ જ આશાસ્પદ સાબિત થશે.

Dated 27 June 2026

SGCCIના ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોને મળ્યો જબ્બર રિસ્પોન્સ, 2 દિવસમાં 20 હજાર ખરીદારોની વિઝીટ

નામને સાર્થક કરતા ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરના બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સે એક્ઝિબિશનની મુલાકાત લીધીઃ ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલા

સુરતઃ ધી સધર્નગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ ને બાયર્સનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નામને સાર્થક કરતા આ એક્ઝિબિશનમાં બે દિવસ દરમિયાન કુલ ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી, જેમાં ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરમાંથી આવેલ બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સેનો સમાવેશ થાય છે. આ એક્ઝિબિશન યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ્સ, વેલ્વેટ અને પાઈલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ એક્ષ્પોમાં હોસ્પિટલ કર્ટેન્સ, શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્‌સ, કમ્ફર્ટર ફેબ્રિક,માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ્‌સ અને ડ્‌યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્‌ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવી રહી છે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.

ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનને નિહાળવા લોકો આવી રહ્યા છે. આ ઉપરાંત, લક્ઝરી, કમ્ફર્ટ અને ટ્રેન્ડી ફેશનનું અનોખું સંયોજન પશ્મિના બોમ્બર જેકેટ ફેબ્રિક, લૂમ પર સીધું એમ્બ્રોઈડરી ઈફેક્ટ આપતું પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ લપેટ એમ્બ્રોઈડરીડ ફેબ્રિક (Lappet Embroidered Fabric), ટેક્ષ્ટાઈલ વેસ્ટમાંથી તૈયાર થયેલું ઈકો-ફ્રેન્ડલી રિસાયકલ કોટન ફેબ્રિક જોવા મળી રહ્યું છે.

અગ્રણી ટેક્સ્ટાઈલ ગૃહો અને ડિઝાઇનરો પરંપરાગત-એથનિક અને ફેશન વસ્ત્રોના જીવંત કલેક્શન રજૂ કરી રહ્યા છે. પરંપરાગત સાડીઓથી માંડીને અત્યાધુનિક ફ્યુઝન વસ્ત્રો સુધી, આ પ્રદર્શન સ્થાનિક તેમજ નિકાસ બજારોને આકર્ષતા ઉત્પાદનોની વિવિધ શ્રેણી રજૂ કરે છે.

June 18, 2026
Cia_business_news-1280x936.jpg
1min217
  • ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ્સ એસોસીએશન્સ (ફોસ્ટા)ના નવનિર્વાચિત બોર્ડની પહેલી મિટીંગમાં
  • કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની વરણી,પૂર્વ કૈલાશ હાકિમે નવી ટીમને કાર્યભાર સોંપી દીધો
  • ગીરીશ મિત્તલની સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ

સુરત, તા.18
તાજેતરમાં નવનિર્વાચીત થયેલા ફોસ્ટા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પહેલી મિટીંગ આજે યોજાઇ હતી અને આ મિટીંગમાં દેશમાં ટેક્ષટાઇલ વેપારીઓના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ એસોસીએસન્સ (ફોસ્ટા)ના નવા પ્રમુખ તરીકે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા અને કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. ફોસ્ટાના વિદાય લેતા પ્રમુખ કૈલાશ હાકીમે નવી ટીમને કાર્યભાર સુપરત કરી દીધો હતો.

ફોસ્ટાના તત્કાલિન પ્રમુખ કૈલાશ હાકીમે જણાવ્યું હતું કે આજે સાંજે 5 કલાકે ફોસ્ટા કાર્યાલય ખાતે ફોસ્ટાની નવ નિર્વાચીત ટીમની પહેલી બોર્ડ મિટીંગ યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ પદે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા તેમજ કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલ તેમજ સંગઠન મહામંત્રી તરીકે ગીરીશ મિત્તલના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને સર્વાનુંમતે મંજૂર કરવામાં આવી હતી.
ફોસ્ટાના નવા વરાયેલા પ્રમુખ હંસરાજ જૈન તેમજ સેક્રેટરી દિનેશ કટારીયાએ મિડીયા કર્મીઓને પોતાના પહેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે તેઓ સુરતના 75 હજારથી વધુ ટેક્ષટાઇલ વેપારીઓ માટે જે રીતે વિતેલા ત્રણ વર્ષ દરમિયાન આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી, વેપારીઓને સ્પર્શતા પ્રશ્નોને ટોપ પ્રાયોરિટી પર રાખીને તેનું નિરાકરણ લાવવાની અપનાવેલી સિસ્ટમને આગળ વધારવામાં આવશે. તેમજ આગામી ત્રણ વર્ષ દરમિયાન વધુને વધુ વેપારીઓ ફોસ્ટા સંગઠનના મેમ્બર બને તે માટે મુહિમ ચલાવવામાં આવશે.