CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 20 of 76 - CIA Live

December 27, 2021
cia_multi-1280x1045.jpg
1min816

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાજેતરમાં સંપન્ન થયેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓમાં સુરત શહેર પાસે 5200 સી.એ.નું જંગી સંખ્યાબળ હોવા છતાં સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં સુરતના બન્ને ઉમેદવારો હાર્દિક શાહ અને બાલકૃષ્ણ અગ્રવાલ ચૂંટણી હારી ગયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાવા માટે 4100 મતોનો ક્વોટા હતો તેની સામે એકલા સુરત ચેપ્ટર-બ્રાન્ચમાં 5200થી વધુ સી.એ. (મતદારો) હોવા છતાં બન્ને ઉમેદવારો હારી જતા 9 વર્ષ પછી સુરત જેવા મહત્વના ચેપ્ટર-બ્રાન્ચનું પ્રતિનિધિત્વ સેન્ટ્રલ કાઉન્સિલમાં રહ્યું નથી. આ વખતે સુરતમાંથી વિક્રમી સંખ્યામાં 3500થી વધુ સી.એ.એ મતદાન કર્યું હોવા છતાં સુરતમાંથી એકપણ ઉમેદવાર સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી જીતી શક્યા નથી. આશ્ચર્યની વાત એ છે કે સુરતથી નાની બ્રાન્ચ ગણાતા વડોદરા કે જ્યાં ફક્ત 2500 સી.એ. (સુરતથી અડધા) અને ઔરંગાબાદ કે જ્યાં ફક્ત 1000 સી.એ. છે ત્યાંના સી.એ. પણ સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી જીતવામાં સફળ નિવડ્યા છે.

હાલમાં જય છૈરા છેલ્લા 9 વર્ષ (ત્રણ ટર્મ)થી આઇ.સી.એ.આઇ.ની સેન્ટ્રલ કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમની ટર્મ આગામી તા.12મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ રહી છે.

નેટવર્કિંગથી વેસ્ટર્ન કાઉન્સિલની ચૂંટણી જીત્યા ઇશ્વર જીવાણી

આઇ.સી.એ.આઇ.ની વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં સુરતમાંથી સી.એ. ઇશ્વર જીવાણી ચૂંટણી લડ્યા હતા, ગતરોજ જાહેર થયેલા પરીણામોમાં તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. એક તરફ સુરતમાંથી સેન્ટ્રલ કાઉન્સિલમાં હાર્દિક શાહ અને બાલકૃષ્ણ અગ્રવાલ બન્ને ઉમેદવારો ચૂંટણી હારી ગયા છે તો બીજી તરફ સુરતના ઇશ્વર જીવાણીએ વેસ્ટર્ન કાઉન્સિલની ચૂંટણી જીતીને સુરતનો રંગ રાખ્યો છે. ઇશ્વર જીવાણીએ સુરતમાંથી તો મતો મેળવ્યા સાથોસાથ તેમને સૌરાષ્ટ્રના સી.એ. તેમજ અમદાવાદ ખાતેથી પણ સારી સંખ્યામાં સી.એ.ના મતો મેળવી શક્યા છે જે તેમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શક્યા છે.

5200 મતો હોવા છતાં સુરતના ઉમેદવારોની સેન્ટ્રલ કાઉન્સિલમાં હારના અનેક કારણો

સુરતમાં હાલ કુલ 5200 સી.એ. સક્રિયા છે અને આ તમામ તાજેતરમાં યોજાયેલી આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીની મતદાર યાદીમાં સમાવિષ્ટ હતા. આ વખતની ચૂંટણીમાં સુરતમાંથી અંદાજે 3500 જેટલા સી.એ. એ રેકોર્ડ બ્રેક મતદાન કર્યું હતું. પરંતુ, હાર્દિક શાહ કે બાલકૃષ્ણ અગ્રવાલ મતદારોને રીઝવવામાં નિષ્ફળ નિવડ્યા છે. રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી શકે તેટલું ટેકનિકલ નોલેજ, એપીરીયન્સ, નેટવર્કિંગ અને એક્સેપ્ટન્સ હોય તેવા ઉમેદવારો જ આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીમાં જીતી શકે છે.

વડોદરા બ્રાન્ચમાં 2400 સી.એ. છતાં ત્યાંના ઉમેદવારનો વિજય

આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીમાં આ વખતે સુરતના સી.એ. ફ્રેટરનિટીએ વિચારવા જેવી સ્થિતિ પેદા થઇ છે. કેમકે સુરતથી નાની બ્રાન્ચ ગણાતા વડોદરામાં ફક્ત 2400 સી.એ. (વોટર) હોવાછતાં વડોદરાના સી.એ. સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે. સુરતના ઉમેદવારો અને વડોદરાના ઉમેદવાર વચ્ચે ફરક એટલો જોઇ શકાયો છે કે વડોદરાના ઉમેદવારએ અમદવાદ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાંથી અનેક મતદારોના મત મેળવવામાં સફળતા સાંપડી છે. અત્રે એ ઉલ્લેખનીય છેકે વડોદરા બ્રાન્ચમાંથી પહેલી વખત કોઇ ઉમેદવાર સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.

December 23, 2021
aap.jpg
1min612

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રેસિડેન્ટ ગોપાલ ઇટાલિયા સમેત 70થી વધુ કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય પર બબાલ કરવાના ગુનામાં હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી જેલમાં છે, અમદાવાદ સ્થિત આપના પ્રદેશ કાર્યાલય પર ઉપવાસ આંદોલન શરૂ થયું છે અને એ દરમિયાન આજે તા.23મી ડિસેમ્બરે સવારે સુરતમાં આપ ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.

આજે ગુરુવાર તા.23 ડિસેમ્બરની સવારે સુરતના આપ ના કેટલાક કાર્યકરો દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાના રાજીનામાની માગ સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં આપના કાર્યકરો- નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. મારામારી દરમિયાન ઉમરાના પીઆઈને પણ ઈજા પહોંચી હતી. બે દિવસ પહેલાં ગાંધીનગરમાં પણ પોલીસ-ભાજપના કાર્યકર્તાઓ અને આપ વચ્ચે મારામારીની ઘટના બની હતી.

આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોએ અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે ભેગા થયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાની યોજના હેઠળ તેઓ આવેદનપત્ર આપે તે પહેલા જ કચેરી સંકુલમાં પ્રવેશ દ્વારા પરથી જ તેમને ડિટેઈન કરી લેવાયા હતા. પેપર લીકમાં અસિત વોરા સહિતના દોષિતો સામે તાત્કાલિક પગલા લેવા માટે માંગ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા સહિતના અલગ-અલગ હોદ્દેદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા પહેલા જ પોલીસે ધરપકડ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. જિલ્લા સેવા સદનના ગેટ પર જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પોલીસની સામે પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમના અંદર જવા દેવામાં આવ્યા. ભાજપ પાર્ટી ચોર છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ચોર છે. આ પ્રકારના સતત નારાઓ લગાડવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ બૂમાબૂમ કરીને સુત્રોચ્ચાર પોકાર્યા હતા.

December 19, 2021
beirut-lebanon-explosions-1227910278.jpg
1min492

તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં બિલ્ડર હરસુખ વેકરિયાને હાઇકોર્ટે રૂ.35 લાખનું વળતર વાલીઓને આપવાની શરતે અઢી વર્ષે જામીન પર મુક્ત કર્યો છે. આ સાથે જ સમગ્ર કેસમાં સંડોવાયેલાં કુલ 14 આરોપીઓ પૈકી 12ને કોર્ટે જામીન આપી દીધા છે. હવે જેલમાં ટ્યુશન ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેકરિયા છે.

હાઇકોર્ટે આરોપી હરસુખ વેકરિયાને રૂ.35 લાખ 4 મહિનાના ગાળામાં જમા કરાવવાનો આદેશ કર્યો છે. આરોપી 26 મે 2019ના રોજથી જેલમાં છે. નોંધનીય છે કે, સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસે ગુનો નોંધી કુલ 14 આરોપીઓની ધરપકડ કરી હતી.

તક્ષશિલા કેસની ટ્રાયલ ચાલી રહી છે. આજે બે પંચોની ઉલટ-સરતપાસ લેવામાં આવી હતી. ત્યારબાદ મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ માંગુકિયાએ બંને પંચની ફેર તપાસની માંગ કરી હતી. જેની પર હવે 1લી જાન્યુઆરીના રોજ હુકમ આવશે.

December 16, 2021
rapist.jpg
1min456

સુરતમાં બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને કોર્ટમાં તાબડતોડ રીતે ઝડપી કાર્યવાહી કરીને સજા સંભળાવાઈ રહી છે. ત્યારે ડીસેમ્બર-2020 દરમિયાન પાંડેસરા વિસ્તારની દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટના ઘા મારી હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણેને ગઈ તા.10મી ડીસેમ્બરના રોજ એડીશ્નલ સેશન્સ જજ એ.એન.અંજારીયાએ તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જ્યારે આજે તા.16મી ડિસેમ્બર 2021ના રોજ સજા સંભળાવતા દોષિતને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આરોપીને આકરી સજા માટે સરકાર પક્ષે રજૂઆત કરી હતી.

હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી તા.7-12-2020ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી હતી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યાર બાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળાએ પ્રતિકાર કરી આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. આરોપીએ ઉશ્કેરાઇ જઈને બાળકીને માથા પર ઈંટના 7 ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે 15 દિવસમાં જ 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

December 6, 2021
Cia_business_news-1280x936.jpg
1min598

યાર્ન એક્ષ્પોમાં અવનવા યાર્ન આવ્યા છે, જેના વિવિંગ મશીનો ઉપર સીધો ઉપયોગ થવાથી પ્રોડકટ કોસ્ટમાં પણ ઘટાડો થશે, જેથી કરીને સુરતના વિવર્સ નવા ફેબ્રિકનો આવિષ્કાર કરી શકશે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકશે : આશીષ ગુજરાતી

યાર્ન એક્ષ્પોમાં કેળાના અને મકાઇના રેસામાંથી બનાવવામાં આવેલું ફાઇબર આકર્ષણનું કેન્દ્ર, પ્રથમ દિવસે દેશભરમાંથી બાયર્સ એક્ષ્પોની મુલાકાતે ઉમટી પડયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. પ થી ૭ ડિસેમ્બર, ર૦ર૧ દરમ્યાન સવારે ૧૦ઃ૦૦થી સાંજે ૬ઃ૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૧’ યોજાયો છે. રવિવાર, તા. પ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે ભારતના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે યાર્ન એક્ષ્પોનું ભવ્ય ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી (આઇ.એ. એન્ડ એ.એસ.), સુરતના મેયર હેમાલી બોઘાવાલા અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારત, દેશની આઝાદીના ૭પ મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહયું છે. ચેમ્બરની સ્થાપનાને પણ ૮૧ વર્ષ પૂર્ણ થયા છે અને જોગાનુજોગ સિન્થેટિક યાર્નના ઉત્પાદનને પણ ૮૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સુરતનો વિકાસ સિન્થેટિક યાર્નને કારણે થયો છે તથા સિન્થેટિક યાર્નનો વિકાસ પણ સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને કારણે થયો છે. ભારતમાં કાપડનો વેપાર વિશ્વમાં બીજા ક્રમાંકે છે. જ્યારે સુરત, એમઇજીપીટીએથી લઇને ફેબ્રિકના ઉત્પાદનમાં ભારતમાં અગ્રેસર છે. ચીન પછી મોડર્ન વિવિંગના સૌથી વધુ એકમો સુરતમાં છે. ભારતમાં દર વર્ષે ૧૯ લાખ મેટ્રીક ટન પોલિએસ્ટર યાર્ન બને છે. એમાંથી પ૦ ટકાથી વધારેનો ઉપયોગ સુરતમાં થાય છે. નાયલોન અને વિસ્કોસ યાર્નનો ૯૦ ટકા જેટલો ઉપયોગ સુરતમાં થાય છે. ડેનીમ અને લિનન ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત, ભારતમાં બીજા ક્રમાંકે આવી ગયું છે.

સુરત લગભગ દરેક પ્રકારના યાર્નના વપરાશમાં અગ્રેસર છે. સુરતમાં વિવિધ પ્રકારના યાર્નનો ઉપયોગ કરીને ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે.  કેળાના અને મકાઇના રેસામાંથી ફાઇબર બનાવવામાં આવ્યું છે. આ રેસામાંથી યાર્ન બનાવવાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. બોટલમાંથી રિસાયકલ કરીને બનાવવામાં આવેલું યાર્ન પણ આ પ્રદર્શનમાં મુકાયેલું છે. સુરતના નીટર્સ અને વિવર્સને ઉત્પાદન માટે જરૂરી તમામ પ્રકારના યાર્ન પ્રદર્શનમાંથી મળી રહેશે. જેથી કરીને સુરતના વિવર્સ નવા ફેબ્રિકનો આવિષ્કાર કરી શકશે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકશે.

ભારતના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ત્રણ જેટલી નીતિ જાહેર કરવામાં આવી છે અને તેમાં સૌથી વધુ લાભ સુરતના ઉદ્યોગકારોને જ થવાનો છે. ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન આ બધામાં ફાઇવ એફની ટેકનોલોજીમાં સુરત જ મદદરૂપ થવાનું છે. તેમણે પીએલઆઇ સ્કીમમાં સુરતના ઉદ્યોગકારોને જોડાવવા માટે અનુરોધ કર્યો હતો. બે વર્ષ દરમ્યાન સરકારની રોડટેપ અને આરઓટીસીએલ યોજનાનો લાભ લેવાના છે. ત્રીજા વર્ષથી સરકારની સબસિડી મળતી થશે. ટફની સ્કીમના સરવે કરી ડેટા બનાવ્યા છે. ત્યારબાદ સ્ટેક હોલ્ડરની સાથે મિટીંગ કરી હતી. જેમાં કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ પણ ઉપસ્થિત રહયા હતા. લાંબી ચર્ચા વિચારણાને અંતે લેવાયેલા નિર્ણય મુજબ ઉદ્યોગકારોના ટફની સબસિડી રિલીઝ થતી જશે.

ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જીએસટી ટેકસ રેટમાં થયેલા ફેરફારને કારણે ઉભી થયેલી ઉદ્યોગકારોની સમસ્યાનું નિરાકરણ સરકાર દ્વારા જ લાવવામાં આવશે. ટેકસટાઇલ વેલ્યુ ચેઇનમાં કઈ રીતે આગળ વધવું તે અંગે મનોમંથન ચાલી રહયું છે. સરકાર કાયમ સુરતની ઇન્ડસ્ટ્રી સાથે રહી છે. હમેશા ઇન્ડસ્ટ્રીના ફેવરમાં જ કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. સુરતમાં દરેક ઇન્ડસ્ટ્રી એકબીજા સાથે મળીને કામ કરી રહી છે ત્યારે ટેકસટાઇલ વેલ્યૂ ચેઇનમાં ઉદ્યોગકારોને એકબીજાને મદદરૂપ થવાની સલાહ તેમણે આપી હતી. તેમણે બુલેટ ટ્રેન, વંદે ભારત ટ્રેનો અને દેશમાં બની રહેલા નવા ૭પ રેલ્વે સ્ટેશનોની માહિતી આપી કહયું હતું કે, સુરત માટે ગોલ્ડન પિરીયડ છે અને સરકાર ઉદ્યોગકારોની સાથે છે.

દેશના ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોની મુલાકાત દરમ્યાન જુદા–જુદા પ્રકારના યાર્ન તથા તેની કવોલિટી વિશે જાણવા મળ્યું છે. આ યાર્નને લોકો સુધી પહોંચાડવાનું મહત્વનું કામ એક્ષ્પો દ્વારા કરવામાં આવી રહયું છે, જે ખૂબ સારી બાબત છે. તેમણે કહયું કે, ઇન્ડસ્ટ્રીને પડતી વિવિધ સમસ્યાના ઉકેલ માટે ડેટાની જરૂર પડે છે. આથી તેમણે ઉદ્યોગકારોને ઇન્ડસ્ટ્રીના ડેટા આપવા માટે અનુરોધ કર્યો હતો.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા બે વર્ષ પહેલા યોજાયેલી યાર્ન એક્ષ્પોની બીજી આવૃત્તિમાં નવું યાર્ન શોધાયું હતું. આ યાર્નનું નામ જ વિચિત્ર યાર્ન છે. આ યાર્ન છેલ્લા બે વર્ષથી ચાલે છે. છેલ્લા બે વર્ષથી રોજનું પ૦ લાખ મીટર કપડું આ યાર્નમાંથી બને છે. આ યાર્નમાંથી બનતા ફેબ્રિકની રૂપિયા ર૦ની કોસ્ટીંગ છે. એટલે કે રોજના ૧૦ કરોડ રૂપિયા. એક વર્ષની વાત કરીએ તો રૂપિયા ૭૩૦ કરોડ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લાવવા માટે ચેમ્બરનો યાર્ન એક્ષ્પો આભારી છે. અંતે તેમણે સુરત શહેરને વધુ યાર્ન આપવાની દિશામાં પ્રયાસ કરવા ઉદ્યોગકારોને સૂચન કર્યું હતું. કારણ કે યાર્નને કારણે જ વિવિંગ ઉદ્યોગનો વિકાસ વધુ ઝડપી ગતિએ થશે. તેમણે ઉદ્યોગકારોને ઇલેકટ્રીક વ્હીકલ ખરીદવા અનુરોધ કર્યો હતો.

December 3, 2021
Cia_business_news-1280x936.jpg
2min690

Jayesh Brahmbhatt 98253 44944

ટેક્ષટાઇલ સિટી સુરતમાં રવિવાર તા.5 ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે યાર્ન એક્ષ્પો યોજાઇ રહ્યો છે. કપડું બનાવવા માટે સૌથી પાયાની જરૂરીયાત અને સૌથી પહેલું પગલું જ યાર્ન ટ્વીસ્ટ કરવાનું હોય છે. સુરતનો કપડા ઉદ્યોગ અને યાર્ન બન્ને એકબીજાના પર્યાય છે, આવી સ્થિતિમાં સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાનાર યાર્ન એક્ષ્પોની આ ત્રીજી આવૃતિ છે અને જેમાં એક એકથી ચઢીયાતી વેરાઇટીના યાર્નની કુલ 150થી વધુ જાતોનું ડિસ્પ્લે કરવામાં આવશે.

સુરતના અંદાજે 25 હજાર જેટલા વીવીંગ કારખાનેદારો, યાર્નના વેપારીઓ, યાર્ન દલાલો વગેરે ત્રણ દિવસમાં એક્ષ્પોની મુલાકાત લે તેવા અંદાજ સાથે આયોજન કરવામાં આવ્યું છે.યાર્ન એક્ષ્પોમાં સૌથી વધુ આકર્ષણ 100 ટકા રિસાઇકલ યાર્ન બનશે એમ મનાય છે. પ્લાસ્ટીકની વપરાય ચૂકેલી બોટલોને રિસાઇકલ કરીને તેમાંથી યાર્ન તૈયાર કરવામાં આવે છે અને એ યાર્નમાંથી જુદી જુદી જાતના ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે. આ યાર્નને પહેલી વખત સુરતમાં ડિસ્પ્લે થવા જઇ રહ્યું છે.

Welcome to Yarn Expo 2021 - An International Trade Show - Organized By  SGCCI - 05 to 07 December, 2021

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે દર વર્ષે યોજાતા જુદા જુદા એક્ષ્પોની શ્રેણી અંતર્ગત ચાલુ વર્ષના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૧’નું આયોજન રવિવાર તા.પથી ૭ ડિસેમ્બર દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે પ્રદર્શનમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે અને તેને કારણે દરેક વેરાયટીના યાર્ન જેવા કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેનું એકજ સ્થળે પ્રદર્શન કરાશે.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, યાર્ન પ્રદર્શનમાં બનાના ફાયબર તથા તેમાંથી બનેલા વિવિધ કાપડ તથા અન્ય પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત રિસાયકલીંગ યાર્નના મેન્યુફેકચરર્સ પણ યાર્ન પ્રદર્શનમાં તેમની પ્રોડકટનું પ્રદર્શન કરશે.

યાર્ન એક્ષ્પો– ર૦ર૧ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન અંદાજે ૧૦,પ૦૦ ચો.મી. વિસ્તારમાં યોજાનાર છે અને એમાં ૭પથી વધુ એકઝીબીટર્સ ભાગ લઈ રહયા છે. સુરત ઉપરાંત મુંબઇ, અમદાવાદ, દાદરાનગર હવેલી, નવસારી, કોઇમ્બતુર, ફરીદાબાદ, તામિલનાડુના પોલાચી અને ઇરોડે, સિકંદરાબાદ, ચેન્નાઇ અને પાણીપતના એકઝીબીટર્સોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે. આશરે ૧પ હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

આ પ્રકારના યાર્ન આકર્ષણનું કેન્દ્ર બનશે

  • 1. ટેનસેલ લકસ યાર્ન (અહિંસક સિલ્ક, વિગન સિલ્ક)
  • 2. બનાના યાર્ન (કેળાનો કાંતો)
  • 3. બામ્બુ યાર્ન (વાંસનો કાંતો)
  • 4. પ્લાસ્ટીકની બોટલમાંથી બનાવવામાં આવેલું ૧૦૦ ટકા રિસાયકલ પોલિએસ્ટર યાર્ન
  • 5. એન્ટીમાઇક્રોબિઅલ યાર્ન – મેડીકલ ઉપયોગ માટે
  • 6. વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (ડાઇડ યાર્ન)
  • 7. નાયલોન રિસાયકલ યાર્ન (જીઆરએસ પ્રમાણિત ૧૦૦ ટકા રિસાયકલ યાર્ન)
  • 8. વિસ્કોસ સ્પન યાર્ન
  • 9. પોલિએસ્ટર સ્પન યાર્ન
  • 10. નાયલોન એન્ડ પોલિએસ્ટર હાઇટેનાસિટી યાર્ન – ઔદ્યોગિક ઉપયોગ માટે
  • 11. ડાઇડ યાર્ન, ફેન્સી યાર્ન
  • 12. કોટન તથા અન્ય નેચરલ યાર્ન

ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ માટે અત્યંત ઉપયોગી બની રહેશે

યાર્ન એક્ષ્પોમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેનમેડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે. એ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબર પણ જોવા મળશે.

નવસારી કૃષિ યુનિવર્સિટીને યાર્ન સંશોધન માટે ખાસ સ્ટોલ ફાળવાયો

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી કેળા અને મકાઇના ફાયબરમાંથી બનાવવામાં આવેલા યાર્નને પણ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે, ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રવૃત્તિને વેગ આપવા માટે આ પ્રોડકટને પ્રદર્શિત કરવા માટે  ચેમ્બર દ્વારા સ્ટોલ બિલકુલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યો છે. 

December 3, 2021
income-tax-raid.jpg
1min494

સુરતમાં લાંબા અરસા બાદ ઇન્કમ ટેક્સ વિભાગે આજે જાણિતા બિલ્ડર વેલજી શેટાની બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કંપની તેમજ કેટલાક જ્વેલર્સને ત્યાં દરોડા પાડવાની કાર્યવાહી આજે તા.3 ડિસેમ્બરે વહેલી સવારથી હાથ ધરી હતી. ઇન્કમ ટેક્સ વિભાગની અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા આજે સંયુક્ત રીતે આ તપાસ હાથ ધરવામાં આવી છે. આઇ.ટી. દરોડાની કાર્યવાહી શહેરના જાણિતા બિલ્ડીંગ ગ્રુપ, સંગીની ગ્રુપ, અરિહંત ગ્રુપ, અશેષ દોષી, મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે ઈન્કમ ટેક્સ ડીડીઆઈ વિંગના દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બધુ મળીને સુરત શહેર સહિત અંદાજે 30 સ્થળો પર ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

વેલજી શેટા શહેરના બિલ્ડર્સમાં સૌથી મોટું માથું ગણાય છે અને તેમનું ગ્રુપ પણ મોટું છે. શહેરમાં મોટા ગજાના લગભગ દરેક બિલ્ડર્સ સાથે તેમના વ્યવહારો હોઇ શકે. તદુપરાંત તાજેતરમાં જ તેઓ ક્રેડાઇ સુરત બ્રાન્ચના પ્રમુખ પદેથી નિવૃત થયા છે. તેમને ત્યાં ઇન્કમટેક્સના દરોડાની વાત સાંભળીને શહેરના અનેક નાના મોટા બિલ્ડર્સ તથા દલાલાઓ આજે તેમની ઓફિસો બંધ રાખવાનું મુનાસિબ માન્યું હતું.

November 27, 2021
fires.jpg
1min479
Gujarat: Fire Breaks Out At Rani Sati Dyeing Mill in Surat (Watch Video) |  ???? LatestLY

સુરતના ઇન્ડસ્ટ્રીટલ એરીયા, પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી ટેક્ષટાઇલ મિલમાં આજે તા.27મી નવેમ્બર 2021ની સવારે 10 વાગ્યાના સુમારે ભીષણ આંગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં હોહા મચી ગઇ હતી. આગને જોતા તેને મેજર કોલ તરીકે ગણીને ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા બે કિલોમીટર સુધી જોઇ શકાતા હતા. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી 2 કલાકેની જહેમતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે રાની સતિ મિલમાં રાબેતા મુજબ બોઇલર પાસે રૂટીન કામ ચાલતું હતું. એ દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં સ્પાર્ક થતાં જ જોતજોતાંમાં ભીષણ આગ ફાટી નીકળી હોઇ શકે.

પાંડેસરા જીઆઇડીસીની રાણી સતી ડાઇંગ મિલમાં આગ લાગતાં ફાયર વિભાગને પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો અને આગને કાબૂમાં લેતા બે કલાક થયા હતા. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે એ પેટ્રોલિયમ પદાર્થોથી તૈયાર થતો હોય છે અને એને કારણે એ ખૂબ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ પર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે, તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો કર્યો હતો.

સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલિંગનું કામ ચાલી રહ્યો છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગે ત્યારે ફાયર વિભાગના જવાનો આવે એ પહેલાં મિલના કેટલાક કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. શહેરની મોટા ભાગની ફાયર વિભાગની ટીમોએ પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં જ ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મિલ ચાલુ કરવા સમયે ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. રાની સતિ મિલનું સ્ટ્રક્ચર અંદાજે 30 વર્ષ કરતાં પણ જૂની હોવાથી નબળું પડી ગયુ હોવાને કારણે ફાયરબ્રિગેડે સિફતપૂર્વક ઓગ ઓલવવાનું મુશ્કેલ બની રહ્યું હતું.

November 26, 2021
sumullogo.jpg
1min420

ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ વર્ગીસ કુરિયનની આજે તા.26મી નવેમ્બર 2021ના રોજ 100મી જન્મ જયંતિના ઉપલક્ષમાં સુરતમાં સુમુલડેરી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. વર્ગીસ કુરિયને દુધ ક્રાંતિ કરવા માટે આપેલું યોગદાન અને ભારતને વિશ્વમાં સૌથી મોટા દુધ ઉત્પાદક બનાવવા પાછળ રહેલી તેમની દીર્ઘદ્રષ્ટી અંગે સુરતના લોકો વાકેફ થાય તેમને જાણકારી મળે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઇના હસ્તે રેલીને ફ્લેગ ઓફ

સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે રેલી યોજાઈ. - Divya Bhaskar

સમગ્ર દેશમાં દર વર્ષે આજનો દિવસ તા.26મી નવેમ્બર ડો. વર્ગીસ કુરીયનના જન્મદિનને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. આ પ્રસંગે આજે સુમુલ ડેરીના મુખ્ય દરવાજેથી ચેરમેન શ્રી માનસિંગભાઇએ 100 બાઈકની રેલીને પ્રસ્તાન કરાવ્યું હતું. આ પ્રસંગે નિયામક મંડળ તથા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીના સયુંકત ઉપક્રમે યોજાયેલી આ રેલી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી.

સાત વિસ્તારમાં ફરી રેલીનું સમાપન થશે.

સવારે 8 કલાકે પ્રસ્થાન પામેલી સુમુલ ડેરીની બાઇક રેલી સુમુલડેરીએથી નીકળીને કિરણ હોસ્પિટલ થઇને ચંદ્રશેખર આઝાદ પુલ પરથી નવયુગ કોલેજ રાંદેર રોડ પર આગળ વધી હતી. માર્ગમાં ઠેરઠેર રાહદારીઓ, વાહનચાલકોએ સુમુલ ડેરીની બાઇક રેલી તથા તેને યોજવાના કારણ અંગે પૂચ્છા કરતા ડો.વર્ગીસ કુરીયનની યાદો તાજી થઇ હતી. નવયુગ કોલેજ પાસે રેલીએ થોડા વિરામ ત્યાંથી આનંદ મહલ રોડ, પ્રાઇમ આર્ખેડ થઇને હની પાર્ક રોડથી વાયા એલપી. સવાણી રોડ ટીજીબી સર્કલ પાસે પહોંચી હતી. માર્ગમાં ઠેરઠેર લોકોને સુમુલ ડેરીની આ બાઇક રેલી અંગે કૂતુહલ સર્જાયું હતું.

એલપી સવાણી રોડ ટીજીબી સર્કલથી રેલી પાલ આરટીઓ, ઉમરા પુલ પર થઇને એસવીએનઆઇટી સુધી પહોંચી હતી. એસવીએનઆઇટીથી પારલે પોઇન્ટ થઇને સાયન્સ સેન્ટર પહોંચી હતી. જ્યાં પાંચ મિનિટના વિરામ બાદ સાયન્સ સેન્ટરથી સિટીલાઇટ, કેનાલ રોડ, જોગર્સ પાર્ક થઇને વાયા ઘોડદોડ રોડ, મજૂરાગેટ થઇને પરત સ્ટેશન, સુમુલ ડેરી પર વિરામ પામી હતી.

ડો.વર્ગીસ કુરીયન

ડો. વર્ગીસ કુરિયનની દીર્ઘદ્રષ્ટિના કારણે શ્વેતક્રાંતિનુ સર્જન થયું હતું. આજે વિશ્વભરમાં અમુલ પ્રોડક્ટનું એક ડેરી ઉદ્યોગમાં અલગ જ સ્થાન છે. ડેરી પ્રોડક્ટ આજે વિશ્વની સમકક્ષ આપણે આવીને ઊભા છીએ. શ્વેતક્રાંતિના કારણે દેશભરમાં કરોડોની સંખ્યામાં લોકોને રોજગારી ઊભી થઈ છે. પશુપાલકને એક ઉદ્યોગ તરીકે સ્થાપિત કરવામાં તેમણે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. નાના નાના ગામોમાં પણ આજે આધુનિક રીતે પશુપાલકો અને અમૂલ ડેરીના સંચાલકો સંકલન કરીને વધુમાં વધુ ગુણવત્તા સભર દૂધ મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

November 25, 2021
Cia_business_news-1280x936.jpg
1min564

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના લિડરશીપમાં સુરતના વીવીંગ ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા છેલ્લા બે મહિનાથી ચલાવવામાં આવેલી પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ નહીં કરવા સંદર્ભની લડત રંગ લાવી છે અને હવે એ વાત નિશ્ચિત બની ચૂકી છે કે આખા ભારતના વીવીંગ ઉદ્યોગકારો પૈકી સુરતના વીવર્સ જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે એ પોલિએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવાની કેન્દ્ર સરકારની કોઇ યોજના નથી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રજૂઆત તથા ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયત્નને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ – નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત

ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ડીજીટીઆર દ્વારા ભલામણ થઇ હતી. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થઇ, નાણાં મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નહીં

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી જણાવે છે કે, ડીજીટીઆર દ્વારા તા. ૧૯ ઓગષ્ટ, ર૦ર૧ના રોજ ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફિઆસ્વી દ્વારા ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ, દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધી, અગ્રણી મયુર ગોળવાલા વગેરેએ કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂઆતો કરીને પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની ભલામણનો પૂરજોશથી વિરોધ કર્યો હતો

દરમ્યાન તા. ૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ નવી દિલ્હી ખાતે ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ દ્વારા એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી મયુર ગોળવાલા તથા ડીજીટીઆરમાં આ અંગે અરજી કરનારા આઠ મેન્યુફેકચરર્સ પણ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બર દ્વારા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે સંદર્ભે તમામ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

મિટીંગના અંતે ચેમ્બરે, અધિકારીઓ અને એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે અરજી કરનારાઓને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે સહમત કર્યા હતા. તા. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થતી હતી. કસ્ટમના નિયમ અનુસાર ડીજીટીઆરનું ફાઇનલ ફાઇન્ડીંગ રજૂ થયાના ત્રણ મહિનાની અંદર નાણાં મંત્રાલય દ્વારા કાર્યવાહી કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. પરંતુ આ સંદર્ભે ત્રણ મહિના વિતિ ગયા બાદ પણ નાણાં મંત્રાલય દ્વારા કોઇ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. એનો સીધો મતલબ એ થાય છે કે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવામાં આવી નથી.

ચેમ્બર તથા ફિઆસ્વીની સતત રજૂઆતો તથા મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયાસોને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ અને નિટીંગ ઉદ્યોગને ઘણી મોટી રાહત થઇ છે. આથી ચેમ્બરના સૂચનોને ધ્યાનમાં લેવા માટે ચેમ્બર દ્વારા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીનો આભાર માનવામાં આવ્યો હતો.