CIA ALERT
18. May 2024
December 6, 20211min371

SGCCI : યાર્ન એક્ષ્પો 2021 સુરતના વીવર્સ-નીટર્સ માટે આશીર્વાદરૂપ

Share On :
Print Friendly, PDF & Email

યાર્ન એક્ષ્પોમાં અવનવા યાર્ન આવ્યા છે, જેના વિવિંગ મશીનો ઉપર સીધો ઉપયોગ થવાથી પ્રોડકટ કોસ્ટમાં પણ ઘટાડો થશે, જેથી કરીને સુરતના વિવર્સ નવા ફેબ્રિકનો આવિષ્કાર કરી શકશે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકશે : આશીષ ગુજરાતી

યાર્ન એક્ષ્પોમાં કેળાના અને મકાઇના રેસામાંથી બનાવવામાં આવેલું ફાઇબર આકર્ષણનું કેન્દ્ર, પ્રથમ દિવસે દેશભરમાંથી બાયર્સ એક્ષ્પોની મુલાકાતે ઉમટી પડયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. પ થી ૭ ડિસેમ્બર, ર૦ર૧ દરમ્યાન સવારે ૧૦ઃ૦૦થી સાંજે ૬ઃ૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૧’ યોજાયો છે. રવિવાર, તા. પ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે ભારતના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે યાર્ન એક્ષ્પોનું ભવ્ય ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી (આઇ.એ. એન્ડ એ.એસ.), સુરતના મેયર હેમાલી બોઘાવાલા અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારત, દેશની આઝાદીના ૭પ મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહયું છે. ચેમ્બરની સ્થાપનાને પણ ૮૧ વર્ષ પૂર્ણ થયા છે અને જોગાનુજોગ સિન્થેટિક યાર્નના ઉત્પાદનને પણ ૮૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સુરતનો વિકાસ સિન્થેટિક યાર્નને કારણે થયો છે તથા સિન્થેટિક યાર્નનો વિકાસ પણ સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને કારણે થયો છે. ભારતમાં કાપડનો વેપાર વિશ્વમાં બીજા ક્રમાંકે છે. જ્યારે સુરત, એમઇજીપીટીએથી લઇને ફેબ્રિકના ઉત્પાદનમાં ભારતમાં અગ્રેસર છે. ચીન પછી મોડર્ન વિવિંગના સૌથી વધુ એકમો સુરતમાં છે. ભારતમાં દર વર્ષે ૧૯ લાખ મેટ્રીક ટન પોલિએસ્ટર યાર્ન બને છે. એમાંથી પ૦ ટકાથી વધારેનો ઉપયોગ સુરતમાં થાય છે. નાયલોન અને વિસ્કોસ યાર્નનો ૯૦ ટકા જેટલો ઉપયોગ સુરતમાં થાય છે. ડેનીમ અને લિનન ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત, ભારતમાં બીજા ક્રમાંકે આવી ગયું છે.

સુરત લગભગ દરેક પ્રકારના યાર્નના વપરાશમાં અગ્રેસર છે. સુરતમાં વિવિધ પ્રકારના યાર્નનો ઉપયોગ કરીને ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે.  કેળાના અને મકાઇના રેસામાંથી ફાઇબર બનાવવામાં આવ્યું છે. આ રેસામાંથી યાર્ન બનાવવાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. બોટલમાંથી રિસાયકલ કરીને બનાવવામાં આવેલું યાર્ન પણ આ પ્રદર્શનમાં મુકાયેલું છે. સુરતના નીટર્સ અને વિવર્સને ઉત્પાદન માટે જરૂરી તમામ પ્રકારના યાર્ન પ્રદર્શનમાંથી મળી રહેશે. જેથી કરીને સુરતના વિવર્સ નવા ફેબ્રિકનો આવિષ્કાર કરી શકશે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકશે.

ભારતના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ત્રણ જેટલી નીતિ જાહેર કરવામાં આવી છે અને તેમાં સૌથી વધુ લાભ સુરતના ઉદ્યોગકારોને જ થવાનો છે. ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન આ બધામાં ફાઇવ એફની ટેકનોલોજીમાં સુરત જ મદદરૂપ થવાનું છે. તેમણે પીએલઆઇ સ્કીમમાં સુરતના ઉદ્યોગકારોને જોડાવવા માટે અનુરોધ કર્યો હતો. બે વર્ષ દરમ્યાન સરકારની રોડટેપ અને આરઓટીસીએલ યોજનાનો લાભ લેવાના છે. ત્રીજા વર્ષથી સરકારની સબસિડી મળતી થશે. ટફની સ્કીમના સરવે કરી ડેટા બનાવ્યા છે. ત્યારબાદ સ્ટેક હોલ્ડરની સાથે મિટીંગ કરી હતી. જેમાં કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ પણ ઉપસ્થિત રહયા હતા. લાંબી ચર્ચા વિચારણાને અંતે લેવાયેલા નિર્ણય મુજબ ઉદ્યોગકારોના ટફની સબસિડી રિલીઝ થતી જશે.

ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જીએસટી ટેકસ રેટમાં થયેલા ફેરફારને કારણે ઉભી થયેલી ઉદ્યોગકારોની સમસ્યાનું નિરાકરણ સરકાર દ્વારા જ લાવવામાં આવશે. ટેકસટાઇલ વેલ્યુ ચેઇનમાં કઈ રીતે આગળ વધવું તે અંગે મનોમંથન ચાલી રહયું છે. સરકાર કાયમ સુરતની ઇન્ડસ્ટ્રી સાથે રહી છે. હમેશા ઇન્ડસ્ટ્રીના ફેવરમાં જ કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. સુરતમાં દરેક ઇન્ડસ્ટ્રી એકબીજા સાથે મળીને કામ કરી રહી છે ત્યારે ટેકસટાઇલ વેલ્યૂ ચેઇનમાં ઉદ્યોગકારોને એકબીજાને મદદરૂપ થવાની સલાહ તેમણે આપી હતી. તેમણે બુલેટ ટ્રેન, વંદે ભારત ટ્રેનો અને દેશમાં બની રહેલા નવા ૭પ રેલ્વે સ્ટેશનોની માહિતી આપી કહયું હતું કે, સુરત માટે ગોલ્ડન પિરીયડ છે અને સરકાર ઉદ્યોગકારોની સાથે છે.

દેશના ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોની મુલાકાત દરમ્યાન જુદા–જુદા પ્રકારના યાર્ન તથા તેની કવોલિટી વિશે જાણવા મળ્યું છે. આ યાર્નને લોકો સુધી પહોંચાડવાનું મહત્વનું કામ એક્ષ્પો દ્વારા કરવામાં આવી રહયું છે, જે ખૂબ સારી બાબત છે. તેમણે કહયું કે, ઇન્ડસ્ટ્રીને પડતી વિવિધ સમસ્યાના ઉકેલ માટે ડેટાની જરૂર પડે છે. આથી તેમણે ઉદ્યોગકારોને ઇન્ડસ્ટ્રીના ડેટા આપવા માટે અનુરોધ કર્યો હતો.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા બે વર્ષ પહેલા યોજાયેલી યાર્ન એક્ષ્પોની બીજી આવૃત્તિમાં નવું યાર્ન શોધાયું હતું. આ યાર્નનું નામ જ વિચિત્ર યાર્ન છે. આ યાર્ન છેલ્લા બે વર્ષથી ચાલે છે. છેલ્લા બે વર્ષથી રોજનું પ૦ લાખ મીટર કપડું આ યાર્નમાંથી બને છે. આ યાર્નમાંથી બનતા ફેબ્રિકની રૂપિયા ર૦ની કોસ્ટીંગ છે. એટલે કે રોજના ૧૦ કરોડ રૂપિયા. એક વર્ષની વાત કરીએ તો રૂપિયા ૭૩૦ કરોડ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લાવવા માટે ચેમ્બરનો યાર્ન એક્ષ્પો આભારી છે. અંતે તેમણે સુરત શહેરને વધુ યાર્ન આપવાની દિશામાં પ્રયાસ કરવા ઉદ્યોગકારોને સૂચન કર્યું હતું. કારણ કે યાર્નને કારણે જ વિવિંગ ઉદ્યોગનો વિકાસ વધુ ઝડપી ગતિએ થશે. તેમણે ઉદ્યોગકારોને ઇલેકટ્રીક વ્હીકલ ખરીદવા અનુરોધ કર્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :