વીમાની નિયામક ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે વાહનોની લાંબાગાળાની થર્ડ પાર્ટી વીમા પૉલિસી ફરજિયાત બનાવતા શનિવારથી કાર અને બે પૈડાંવાળા વાહન ખરીદવા મોંઘાં થશે.
એન્જિનની ક્ષમતા 1,000 સીસીથી ઓછી હોય એવી કારના ત્રણ વર્ષના થર્ડ પાર્ટી વીમાનો ખર્ચ અંદાજે રૂપિયા 5,286 થશે, 1,000થી 1,500 સીસીની કારનો રૂપિયા 9,534 અને 1,500 સીસી કે તેથી વધુની ક્ષમતવાળી કારનો રૂપિયા 24,305 થશે.

બે પૈડાંવાળા વાહનોમાં 75 સીસીથી ઓછી ક્ષમતાવાળા એન્જિનના પાંચ વર્ષના થર્ડ પાર્ટી વીમાના અંદાજે રૂપિયા 1,045 થશે, 75થી 150 સીસીની બાઇકના રૂપિયા 3,285, જ્યારે 150થી 350 સીસીની બાઇકના રૂપિયા 5,453 અને 350 સીસીથી વધુની ક્ષમતાવાળું એન્જિન ધરાવતી બાઇકના રૂપિયા 13,034 થશે.
મોટર વાહન ધારા મુજબ થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે.
વાહનોની ચોરી અને નુકસાન સહિતની બાબતને આવરી લેતા કૉમ્પ્રિહેન્સિવ ઇન્સ્યુરન્સમાં કાર ખરીદનારી વ્યક્તિ માટે એક કે ત્રણ વર્ષનો અને બે પૈડાંવાળા વાહન માટે પાંચ વર્ષનો વિકલ્પ અપાય છે.
અદાલતના આદેશ મુજબ નવી કાર માટે બધી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવો ફરજિયાત રહેશે. બે પૈડાંવાળા નવા વાહન માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવાનો રહેશે.
ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ પહેલી સપ્ટેમ્બરથી આ નવા આદેશનો અમલ કરવાની સૂચના આપી છે.






















