સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રિયંકા શર્માને છોડવાના મુદ્દા પર પશ્ર્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી હતી. પ્રિયંકા શર્માએ મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો ફોટો મોર્ફ કરીને (ચેડાં કરીને) સોશિયલ મીડિયા પર રજૂ કર્યો હતો. ૧૦મી મેના દિવસે તૃણમૂલ કૉંગ્રેસના નેતા વિભાસ હાજરાની ફરિયાદના આધારે પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી હતી અને ટ્રાયલ કોર્ટે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં ૧૪ દિવસ રાખવાનો આદેશ આપ્યો હતો. પ્રિયંકા શર્મા ભાજપની યુવા પાંખની કાર્યકર છે.
પ્રિયંકા શર્માને છોડી દેવા સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ર્ચિમ બંગાળ સરકારને આદેશ આપ્યો હતો. પ્રિયંકા શર્માના ભાઈ રાજીવ શર્માના એડ્વોકેટે બુધવારે સુપ્રીમમાં રજૂઆત કરી હતી કે પ્રિયંકાને છોડવામાં આવી નથી. ન્યાયમૂર્તિ ઈંદિરા બેનરજી અને સંજીવ ખન્નાની વેકેશન ખંડપીઠે પશ્ર્ચિમ બંગાળના એડ્વોકેટને પૂછયું હતું કે, ‘આજે સવારના ૯.૪૦ કલાકે કેમ છોડી? તમારી હાજરીમાં ઓર્ડર પસાર કરવામાં આવ્યો હતો.’ એડ્વોકેટે જવાબ આપ્યો હતો કે, જેલ મેન્યુઅલના કારણે વિલંબ થયો હતો. ખંડપીઠે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના આદેશની સામે જેલ મેન્યુઅલનું કારણ નહીં આપી શકાય. આ રીતે નહીં ચાલે. ધરપકડ પ્રથમદર્શી નજરે મનસ્વી હતી.’ ખંડપીઠે અરજદારના એડ્વોકેટને પ્રિયંકાને છોડી કે નહીં તેની તપાસ કરવા કહ્યું હતું. જો છોડવામાં નહીં આવી હોય તો અવમાનનાની નોટિસ આપવામાં આવશે તેવી ચેતવણી ખંડપીઠે આપી હતી.
દરમિયાન પ્રિયંકાના ભાઈના એડ્વોકેટે ખંડપીઠને કહ્યું હતું કે, ૧૩મી મેએ ટ્રાયલ કોર્ટમાં ‘ક્લોઝર રિપોર્ટ’ રજૂ કરાયો હતો તે બાબત પશ્ર્ચિમ બંગાળ સરકારના એડ્વોકેટે સુપ્રીમ કોર્ટને જણાવી ન હતી. એડ્વોકેટે કહ્યું કે, આ અંગે તેમણે જુદી અરજી રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટે ઉનાળુ વેકેશન પછી એટલે કે જુલાઈમાં તે બાબતની સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, મુક્ત થયા પછી પ્રિયંકાએ પોસ્ટ શેર કરવા બાબતમાં દિલગીરી વ્યક્ત કરવાની રહેશે. સોશિયલ મીડિયા પર પોસ્ટ અથવા મીમ શેર કરનારાની ધરપકડ થઈ શકે કે કેમ તે બાબતમાં પ્રતિભાવ આપવા પશ્ર્ચિમ બંગાળ સરકારને નિર્દેશ આપ્યા હતા.
હું માફી નહીં માગું: પ્રિયંકા શર્મા

કોલકાતા: ભાજપની યુવા પાંખની કાર્યકર પ્રિયંકા શર્માએ કહ્યું કે, તે માફી નહીં માગશે. ભાજપ ઑફિસમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેણે કહ્યું કે, ‘મને કોઈ પસ્તાવો નથી. મારે માફી માગવી પડે તેવું મેં કંઈ કર્યું નથી. પ્રિયંકાને પાંચ દિવસ પછી આલીપોર જેલમાંથી સુપ્રીમના આદેશના પગલે બુધવારે સવારે ૯.૪૦ કલાકે જેલમાંથી છોડવામાં આવી હતી. પ્રિયંકાને જયારે જેલમાંથી છોડવામાં આવી ત્યારે તેની માતા અને ભાજપના સ્થાનિક નેતા હાજર હતા. પ્રિયંકાએ કહ્યં કે, ‘જેલમાં મારા પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેલરે મને ગઈકાલે ધક્કો માર્યો હતો.’ પ્રિયંકાના ભાઈ રાજીવ શર્માએ આક્ષેપ કર્યો હતો કે, ‘જેલ સત્તાવાળાઓએ સુપ્રીમના આદેશની ‘હાર્ડ કોપ’ માગ કરી હતી. તરત જ છોડી મૂકવાના સુપ્રીમના આદેશનું તેમણે પાલન ન કર્યું હતું.’ પ્રિયંકાએ પ્રિયંકા ચોપરાના ફોટામાં મમતા બેનરજીનો ચહેરો ‘મોર્ફ’ કરી જોડયો હતો. તેની ધરપકડ પછી ભાજપ કાર્યકરો અને સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.


















