CIA ALERT

Slider Archives - Page 346 of 492 - CIA Live

June 12, 2019
vayu-1280x720.jpg
1min7840

ગુજરાતના મહેસુલી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયા કાંઠે આવેલા 500થી વધુ ગામોને ખાલી કરાવાયાં છે અને સવા બે લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પંકજ કુમારે એવી પણ માહિતી આપી છે કે મધરાતથી જ પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવશે.

વાવાઝોડું ગુજરાત તરફ વધારે નજીક આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમિટર દૂર છે.

તા.12મી જુનની બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં વાયું વાવાઝોડું ગુજરાતના પોરબંદરના દરિયાકિનારાથી અંદાજે 360 કિલોમિટર દૂર છે. વાવાઝોડું દ્વારકા અને વેરાવળ વચ્ચેના દરિયાકિનારે ગુરુવારે બપોર બાદ ત્રાટકશે. વાવાઝોડાની તીવ્રતા વધી છે અને તે હવે અતિ તીવ્ર સાયક્લોનમાં ફેરવાઈ ગયું છે.

વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 155થી 165 કિલોમિટરની હશે.

ગુજરાતમાં મોડી સાંજથી જ વાયું વાવાઝોડાની અસર થવા માંડી છે. ગુજરાતમાં વાવાઝોડાં પહેલાં દરિયાકિનારે પવનની ગતિ વધવા લાગી છે. કોડીનાર, સોમનાથ, દીવ, પોરબંદર વગેરે જગ્યાએ છુટોછવાયો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. સોમનાથ અને દ્વારકામાં દરિયો વધારે તોફાની બની રહ્યો છે, અહીં ઊંચા ઊછળતાં દરિયાનાં મોજાં જોઈ શકાતા હોવાના રિપોર્ટસ મળ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વાવાઝોડામાં પવનની ગતિ કલાકના 155 કિલોમિટર સુધીની હોઈ શકે છે.

June 11, 2019
medical.jpg
1min16840

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોર્સના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની પ્રક્રિયા આગામી તા.15મી જુન 2019 સુધીમાં શરૂ થઇ જશે એવી જાહેરાત મેડીકલ એજ્યુકેશન ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર કરવામાં આવી છે.

પ્રવેશ પ્રક્રિયાની સઘળી માહિતી માટે હવે પછીના અખબારો જોતા રહેવું. પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન હશે. પ્રવેશ પ્રક્રિયા માટેની બુકલેટમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, કેટલા ડોક્યુમેન્ટસ રજૂ કરવા સમેતની વિગતો, પ્રવેશ પ્રક્રિયાનું ડીટેઇલ્ડ સમયપત્રક વગેરે સમાવિષ્ટ હશે એટલે બુકલેટ ખાસ વાંચવી.

ધો.12 પીસીબીના બોર્ડના પરીણામો તેમજ નીટ 2019ના પરીણામો પણ ઘોષિત થઇ ચૂક્યા છે અને બી ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

નીટ પ્રવેશ પરીક્ષા આપી હોય તો ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.

જે વિદ્યાર્થીઓ નીટમાં ક્વોલિફાઇડ નથી એવા વિદ્યાર્થીઓ અથવા જેમણે નીટ આપી નથી તેવા વિદ્યાર્થીઓ ફિઝિયોથેરાપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રી વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાયક ગણાશે.

ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરવામાં આવશે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ નીચે મુજબની વેબસાઇટ દરરોજ સતત જોતા રહેવું હિતાવહ છે.

http://www.medadmgujarat.org/ug/home.aspx

મેડીકલ કોલેજોનું પ્રાથમિક લિસ્ટ આ મુજબ છે.

નોંધ

મેડીકલ કોલેજોની બેઠકોમાં વધારો થઇ શકે છે.

 

ડેન્ટલ કોલેજોનું પ્રાથમિક લિસ્ટ આ મુજબ છે

 

June 11, 2019
third-party-insurance-500x500.png
1min9390

આગામી 16 જૂનથી કાર્સ અને ટુ-વ્હીલર્સ ઇન્શ્યોરન્સનો ખર્ચ વધશે કેમ કે વીમા નિયમનકાર ઇરડા એ વાહનોની ચોક્કસ કેટેગરીમાં ફરજિયાત થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સમાં 21 ટકા સુધીનો વધારો કર્યો છે. સામાન્ય રીતે ફરજિયાત ટીપી ઇન્શ્યોરન્સ કવરના દરમાં પહેલી એપ્રિલથી સુધારો થતો હોય છે. પરંતુ આ વખતે નાણાકીય વર્ષ 2019-’20 માટેના નવા દર 16 જૂનથી લાગુ પડશે.

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડાઇ)એ એક આદેશમાં જણાવ્યું હતું કે, નાની કાર્સ (1000 સીસી કરતાં ઓછી) માટેના નવા થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સનો ખર્ચ ₹2,012 થશે. જે હાલમાં અસ્તિત્વ ધરાવતાં ₹1,850 કરતાં 12 ટકા વધારે રહેશે. 1,000 સીસીથી 1,500 સીસીની એન્જિન ક્ષમતા ધરાવતી કાર્સ માટેના વીમા પ્રીમિયમ પણ 12.5 ટકા વધારીને ₹3,221 કરવામાં આવ્યા છે.

જોકે, વધારે ઊંચા એન્જિન ક્ષમતા ધરાવતી કાર્સ માટેના ટીપી પ્રીમિયમને ₹7,890 પર જાળવી રાખવામાં આવ્યા છે. 16 જૂનથી 75 સીસી કરતાં ઓછી ક્ષમતા ધરાવતાં ટુ-વ્હીલર માટેની નવી મોટર થર્ડ પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ કવર પણ 12.88 ટકા વધીને ₹482 થશે તથા 75 સીસીથી 150 સીસીના એન્જિન ધરાવતાં ટુ-વ્હીલર્સ માટેનો દર ₹752 રહેશે. ટુ-વ્હીલર વીમા પ્રીમિયમમાં સૌથી મોટો વધારો 150-350 સીસીના વાહનો માટે છે જે 21.11 ટકા વધીને ₹1,193 કરવામાં આવ્યો છે.

June 11, 2019
Girish-Karnad-21.jpg
1min8960

ઊંચા ગજાના સાહિત્યકાર તેમ જ બાહોશ અભિનેતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રખર બુદ્ધિજીવી તરીકેની ઓળખ ધરાવતા ગિરીશ કર્નાડનું ગઇ કાલે બૅન્ગલુરુમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. સાહિત્ય, રંગભૂમિ અને ફિલ્મોમાં પાંચ દાયકા દરમિયાન મૂઠી ઊંચેરું યોગદાન આપી અમીટ છાપ છોડી જનારા 81 વર્ષના કર્નાડ કેટલાક સમયથી બીમાર હતા. મુખ્યત્વે ક્ધનડ ભાષામાં લેખન, નાટ્યપ્રવૃત્તિ તેમ જ ફિલ્મોે કરનારા ગિરીશ કર્નાડે હિંદી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. આધુનિક નાટ્યલેખનમાં બંગાળીમાં બાદલ સરકાર અને મરાઠીમાં વિજય તેંડુલકરનું જે માતબર કક્ષાનું યોગદાન રહ્યું છે એવું યોગદાન ગિરીશ કર્નાડનું ગણાય છે. તેમના

પરિવારમાં પત્ની સરસ્વતી, લેખક-પત્રકાર પુત્ર રઘુ કર્નાડ તેમ જ પુત્રી રાધા છે. તેમની અંતિમ ઇચ્છા અનુસાર કોઇ પણ પ્રકારની ધાર્મિક વિધિ નહીં કરવામાં આવે. મુખ્ય પ્રધાનના કાર્યાલય દ્વારા તેમના માનમાં ગઇ કાલે રજા જાહેર કરવામાં આવી હતી તેમ જ ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા કર્નાડને જ્ઞાનપીઠ અવૉર્ડ ઉપરાંત પદ્મ શ્રી તેમ જ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1960ના દાયકામાં ઑક્સફર્ડ યુનિવર્સિટી તરફથી પ્રતિષ્ઠિત ર્હોડ્સ સ્કૉલરશિપ એનાયત થયા બાદ તેમણે ફિલોસોફી, પોલિટિકલ સાયન્સ અને ઇકોનૉમિક્સમાં માસ્ટર્સ ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. ક્ધનડ ભાષામાં લખેલાં તેમનાં નાટકોનો અનુવાદ અંગ્રેજી ઉપરાંત બીજી અન્ય ભાષાઓમાં પણ થયો હતો. ઐતિહાસિક અને પૌરાણિક કથાઓને સમકાલીન સંદર્ભમાં રજૂ કરવામાં તેમની હથોટી હતી.

ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને ચૅરમૅન એમ બેઉ પદ સંભાળનારા તેઓ એકમાત્ર વ્યક્તિ હતા. 2000થી 2003 દરમિયાન તેમણે લંડન સ્થિત નહેરુ સેન્ટરના ડિરેક્ટરની પણ જવાબદારી સંભાળી હતી. હિંદી અને ક્ધનડ ભાષાની ફિલ્મો માટે તેમને લેખક અને દિગ્દર્શક તરીકે નૅશનલ અવૉર્ડ સુધ્ધાં મળ્યા હતા. સાઉથના ફિલ્મફેર અવૉર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પષ્ટવક્તા હોવાને કારણે તેઓ ઘણી વખત વિવાદમાં સપડાયા હતા. ટાગોરના નાટકોની ટીકા તેમ જ 2014ની ચૂંટણી વખતે વડા પ્રધાનના પદ માટે નરેન્દ્ર મોદીના વિરોધના પ્રસંગે વિવાદ થયો હતો.

મોટા ભાગના લોકોમાં તેમની પ્રમુખ ઓળખ હિંદી ફિલ્મોના એક ઊચ્ચ કક્ષાના અભિનેતાની છે. જોકે, રંગભૂમિ પર તેમનું યોગદાન વિશાળ ફલકનું છે. તેમનું પહેલું નાટક ‘યયાતિ’ 1961માં આવ્યું હતું. ત્યાર બાદ ‘તુઘલખ’ અને ‘હયવદન’ આ બે નાટકોએ તેમને મૂઠી ઊંચેરા સાબિત કરી દીધા હતા. ક્ધનડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે. ક્ધનડ ભાષાની ફિલ્મો ઉપરાંત તેમણે વખણાયેલી કેટલીક હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 1975માં આવેલી ‘નિશાંત’થી તેમની હિંદી ફિલ્મ કારકિર્દીની વિધિવત્ શરૂઆત થઇ હતી. ત્યાર બાદ ‘મંથન’ અને ‘નિશાંત’ જેવી પૅરેલલ સિનેમાની ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત ‘મેરી જંગ’ અને ‘મનપસંદ જેવી કમર્શિયલ ફિલ્મો પણ કરી હતી. સલમાનની ‘એક થા ટાઇગર’ તેમ જ ‘ટાઇગર ઝિંદા હૈ’ ફિલ્મોમાં અભિનય કરનારા ગિરીશ કર્નાડ ‘શિવાય’ અને ‘ચૉક એન ડસ્ટર’માં પણ જોવા મળ્યા હતા. નાગેશ કુકુનરની ચાર ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો જેમાં ‘ઇકબાલ’, ડોર’, એઇટ બાય ટેન તસવીર’ તેમ જ ‘આશાએં’નો સમાવેશ છે. તેમના નાટકો ઇબ્રાહિમ અલકાઝી, અલેક પદમસી તેમ જ સત્યદેવ દુબે જેવા રંગભૂમિના દિગ્ગજ ડિરેક્ટરોએ દિગ્દર્શિત કર્યા હતા. ‘વંશવૃક્ષ’ નામની ક્ધનડ ફિલ્મમાં તેમણે પહેલી વખત દિગ્દર્શન પર હાથ અજમાવ્યો હતો. ત્યાર બાદ શશી કપૂર નિર્મિત ‘ઉત્સવ’નું તેમ જ 1977ની ‘ગોધૂલિ’નું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું હતું.

સાઉથની તેમ જ હિંદી ફિલ્મોમાં અભિનય કરનારા કર્નાડ ટેલીવિઝનના ટચૂકડા પડદા પર પણ જોવા મળ્યા હતા. ‘માલગુડી ડેઝ’ અને ‘ઇન્દ્રધનુષ’ સિરિયલોમાં તેમનો અભિનય ટીવીના દર્શકોને યાદ હશે. દૂરદર્શન પર અઠવાડિયામાં એક વાર આવતા ‘ટર્નિંગ પોઇન્ટ’ નામના સાયન્સ પ્રોગ્રામનું સંચાલન તેઓ કરતા હતા. લોકો સમજી શકે એવી સાદી ભાષામાં વિજ્ઞાનની આધુનિક શોધો રજૂ કરવામાં આવતી હતી.

June 11, 2019
kathua-rape.jpg
1min15790

જાન્યુઆરી, 2018માં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં હાહાકાર મચાવનાર આઠ વર્ષીય છોકરીના બળાત્કાર અને હત્યાના બનાવ સાથે સંકળાયેલા સાતમાંથી છ આરોપીઓને સોમવારે અહીંની એક સ્થાનિક અદાલતે ગુનેગાર ઠરાવ્યા હતા અને ત્યાર બાદ સજા જાહેર કરવામાં આવી હતી. મુખ્ય ત્રણ આરોપીઓને જનમટીપની સજા ફરમાવવામાં આવી હતી તેમ જ એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમને આ સજા છોકરીની હત્યા બદલ કરવામાં આવી છે, જ્યારે હત્યા પહેલાં કરાયેલા

બળાત્કાર બદલ ત્રણેય માટે પચીસ-પચીસ વર્ષની સજા પણ જાહેર કરવામાં આવી હતી, એમ ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.

અદાલતે જે મુખ્ય ત્રણ ગુનેગારોને આજીવન કારાવાસની સજા કરી છે એમાં મંદિરના કર્તાહર્તા સાંઝી રામ, સ્પેશિયલ પોલીસ ઑફિસર દીપક ખજુરિયા તથા પરવેશ કુમાર નામના સામાન્ય નાગરિકનો સમાવેશ છે.

આ વકીલોએ મુખ્ય ત્રણેય આરોપીઓને મૃત્યુદંડની સજા કરવાની માગણી કરી હતી.

આ હિચકારો બનાવ જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બન્યો હતો. અદાલતે સાતમો આરોપી વિશાલ કે જે મુખ્ય આરોપી સાંઝી રામનો પુત્ર છે તેને ‘બેનિફિટ ઑફ ડાઉટ’ને આધારે નિર્દોષ જાહેર કર્યો હતો. મૃત કિશોરીના પરિવાર વતી અદાલતમાં કેસ લડનાર વકીલ ફારુકી ખાને આ જાણકારી આપી હતી.

ઘણા મહિનાઓથી આ ચુકાદાની રાહ જોવાઈ રહી હતી અને સોમવારે ન્યાયમૂર્તિએ એની જાહેરાત કરી ત્યારે અદાલતની બહાર અસંખ્ય મીડિયામેન રાહ જોતા ઊભા રહ્યા હતા અને ફેંસલાની વિગતો આવતાં જ તેમણે એને વાયુવેગે પ્રસરાવી દીધી હતી.

કઠુઆના એક મંદિર ખાતે આ ગુનો આચરવામાં આવ્યો હતો. અદાલતે જાહેર કરેલા ગુનેગાર જાહેર થયેલી પાંચમી, છઠ્ઠી તથા સાતમી વ્યક્તિઓમાં સબ ઇન્સ્પેક્ટર આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સ્પેશિયલ પોલીસ ઑફિસર સુરેન્દ્ર વર્માનો સમાવેશ છે. પોલીસ તંત્રના આ ત્રણ જણે પુરાવાનો નાશ કર્યો એ બદલ તેમને ગુનેગાર ઠરાવવામાં આવ્યા છે. તેમને પાંચ-પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી કિશોરીના પરિવાર વતી કેસ લડનાર વકીલોની ટીમમાં જે. કે. ચોપડા, એસ. એસ. બસરા, હરમિન્દર સિંહ અને ભુપિન્દર સિંહનો સમાવેશ છે. તેમણે કહ્યું હતું કે તેઓ અદાલતના ફેંસલાનો અભ્યાસ કર્યા બાદ નિર્દોષ ગણાવીને છોડી દેવામાં આવેલા સાતમા આરોપી વિરુદ્ધ કદાચ અદાલતમાં અપીલ નોંધાવશે.

જમ્મુ અને કાશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક કિશોર સહિત કુલ આઠ જણ વિરુદ્ધ આરોપનામું નોંધાવ્યું હતું. આરોપો રણબીર પીનલ કોડ (આરપીસી) હેઠળ ઘડવામાં આવ્યા હતા.

ગયા વર્ષના એપ્રિલમાં નોંધાવાયેલા આરોપનામા મુજબ ગયા વર્ષની 10મી જાન્યુઆરીએ કઠુઆમાં આ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સાંઝી રામ દ્વારા સંચાલિત મંદિરમાં તેને ચાર દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછીથી તેના પર દંડૂકાના વાર કરીને મારી નાખવામાં આવી હતી.

ગયા વર્ષે 7મી મેએ સુપ્રીમ કોર્ટે આ ઘટનાના કેસને જમ્મુ અને કાશ્મીર રાજ્યની બહાર લઈ જવાનો આદેશ બહાર પાડ્યો ત્યાર બાદ જૂનના પહેલા અઠવાડિયામાં કઠુઆથી 30 કિલોમીટર અને જમ્મુથી 100 કિલોમીટર દૂર પંજાબના પઠાણકોટ શહેરની ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે રોજબરોજની સુનાવણી શરૂ કરી હતી.

કઠુઆમાંના ધારાશાસ્ત્રીઓએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આ સનસનાટી ભરેલા બનાવમાં આરોપનામું ઘડવા સામે રોક્યા એને પગલે સર્વોચ્ચ અદાલતે કેસને પઠાણકોટની અદાલતમાં લઈ જવાનો આદેશ બહાર પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે સાંઝી રામની તેમ જ તેના કિશોર વયના ભત્રીજા તથા પુત્ર વિશાલની ધરપકડ કરી હતી. બે સ્પેશિયલ પોલીસ ઑફિસરો ખજુરિયા તથા વર્માને પણ પકડવામાં આવ્યા હતા. રાજ અને દત્તા જેમણે કથિતપણે સાંઝી રામ પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા અને પુરાવાનો નાશ કર્યો હતો, તેમની પણ ધરપકડ કરાઈ હતી.

ફેબ્રુઆરી, 2018માં હિન્દુ એક્તા મંચે એક આરોપીના ટેકામાં જમ્મુમાં દેખાવો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીર રાજ્યની યુતિ સરકારમાંના ભાજપના બે પ્રધાનોએ મંદિરના કર્તાહર્તા સાંઝી રામના કિશોર વયના ભત્રીજાની ધરપકડ કરાઈ એના વિરોધમાં આ મંચની રૅલીમાં હાજરી આપી હતી.

June 11, 2019
vayu-1280x720.jpg
1min10100

અરબી સમુદ્રમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને સમુદ્રી વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે ગુજરાતમાં ‘એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. મંગળવાર સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં એનડીઆરએફના 15 ટીમ તૈનાત કરી દેવામાં આવશે. સૈન્ય, નૌકાદળ અને કોસ્ટગાર્ડને એલર્ટ કરવામાં આવશે. અરબી સમુદ્રમાં વેરાવળથી 930 કિમી દૂર દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થશે. જેને લઇને સૌરાષ્ટ્રના દરેક બંદરો પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ આપી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી હતી. 12થી 14 જૂન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી માછીમારો દ્વારા હાથ ધરવામાં આવી હતી. હવામાન ખાતાની આગાહી અનુસાર તા. 11-6-2019 થી તા. 14-6-2019 દરમ્યાન અરબી સમુદ્રમાં લો પ્રેસર ઉદભવવાની શક્યતા છે. જે 70થી 80 કિ.મી. ઝડપે પવન ફુકાવાની શક્યતા છે.

દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે જેના કારણે જાફરાબાદ, ઊના, વેરાવળ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના બંદરો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

વાવાઝોડાની શક્યતાના પગલે ગીર-સોમનાથ જિલ્લાનાં તમામ તાલુકાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તકેદારીનાં ભાગરૂપે રાઉન્ડ ધી ક્લોક તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત કરી નાયબ મામલતદારને હાજર રાખી જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા આવશે. માછીમારો જો દરિયામાં હોય તો બોલાવી લેવા અને દરિયો ન ખેડવા હવામાન ખાતાએ સૂચના આપી છે. અત્યારે 930 કિલોમીટર દૂર પ્રેસર સર્જાવાની વાત સામે આવી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેસરના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત બંદરોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. મોટાભાગની બોટો પણ જાફરાબાદ બંદરે પહોંચી ગઇ છે. પોરબંદર અને દ્વારકા સહિતના દરિયા કાંઠાના કલેક્ટરો અને મહેસૂલ વિભાગ દ્વારા વિશેષ સૂચના આપવામાં આવી રહી છે. સંભવિત તકેદારીના પગલાં લેવા અને એનઆરડીએફની ટીમો જરૂર પડે તૈનાત કરવાની પણ સૂચના અપાઇ છે.

June 10, 2019
vayu-1280x720.jpg
1min6130

હવામાન નિષ્ણાંતોએ જે વાવાઝોડાંને ‘વાયુ’ નામ આપ્યું છે એ આગામી બે દિવસમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને ઘમરોળશે એવી દહેશત વચ્ચે ગુજરાત સરકારે હાઇએલર્ટની પરિસ્થિતિ જાહેર કરી છે.

વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં આર્મી, હવાઈદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓેને સ્ટેન્ડબાય કરી દેવાઈ હોવાનું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.

વેરાવળથી 930 કિમી દૂર વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ‘વાયુ’ વાવાઝોડાને પગલે બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની ગતિ પ્રતિ કલાક 80થી 100 કિમીની રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ પડવાની પણ શક્યતા છે.

વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં 930 કિમી દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી 12મી તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ લઈ લે તેવી પૂરી શક્યતા છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારાના વિસ્તારોને વધુ અસર કરશે એમ મનાય છે.
વાવાઝોડા દરમિયાન દરિયાના મોજા બે મીટરથી વધુ ઊંચા ઉછળવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. કેટલાક વિસ્તારોમાં 5થી 7 ઈંચ વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મંગળવારે તેના કારણે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દરિયામાં છ મીટર જેટલા ઉંચા મોજાં ઉછળવાની શક્યતા છે. સામાન્ય રીતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં વાવાઝોડાં આવતા હોય છે, અને સૌથી વધુ વાવાઝોડાં એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં આવે છે.

June 10, 2019
bumrah-bails.png
1min11660

બૅટ્સમૅનના સ્ટમ્પ્સને બૉલ વાગવા છતાં બેલ્સ ન પડી હોય એવો પાંચમો કિસ્સો ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની શરૂઆતમાં ડેવિડ વૉર્નર સાથે બન્યો હતો. જસપ્રીત બુમરાહની પ્રથમ ઓવરના પહેલા જ બૉલમાં વૉર્નર શૉટ મારવાનું ચૂકી જતાં બૉલ સ્ટમ્પ્સને વાગ્યો હતો, પણ એક પણ બેલ નહોતી પડી.

bails not dropped, icc world cup માટે છબી પરિણામ

અગાઉ ઇંગ્લૅન્ડના આદિલ રશીદના બૉલમાં સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડી’કૉક, ન્યૂ ઝીલૅન્ડના ટ્રેન્ટ બૉલ્ટ સામે શ્રીલંકાનો કૅપ્ટન દિમુથ કરુણારત્ને, ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક સામે વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેઇલ અને ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સ સામે બંગલાદેશનો મોહંમદ સૈફુદ્દીન સાથે આવું બન્યું હતું.

June 10, 2019
npa-1-1280x720.jpg
1min6840

ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિના કારણે નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) વધી હોવાનો મત બેન્કર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નબળા ચોમાસાની અસર વધુ જોવા મળી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ પાછલા ગુરુવારે નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટેના આંકડા જાહેર કાર્યા હતા, જે મુજબ કૃષિ ક્ષેત્રે સૌથી વધુ નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) જોવા મળી હતી.

બેન્કર્સના મતે ગુજરાતમાં નબળા ચોમાસાને કારણે એગ્રીકલ્ચર સેક્ટરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આમ થયું છે. ગુજરાતમાં એગ્રીકલ્ચર એનપીએ રૂ. ૫,૬૯૦ કરોડના સ્તરે પહોંચી ગઇ હતી, જે તેના આગલા વર્ષે રૂ. ૩,૯૭૨ કરોડના સ્તરે હતી.

એક અહેવાલમાં જણાવાયું છે કે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ પુરા થતા નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રે કુલ રૂ. ૮૩,૧૫૭ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે જે ગયા વર્ષના રૂ. ૭૯,૪૮૮ કરોડ કરતાં ૪.૬૧ ટકા વધારે છે. ખરાબ ચોમાસાની અસરથી કૃષિમાં એનપીએ વધ્યો છે. અહેવાલમાં જણાવાયું હતું કે, રાજ્યમાં સામાન્ય કરતા વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું. આથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ હતી. આની સીધી જ અસર કૃષિ ક્ષેત્રને થતા એગ્રીકલ્ચર એનપીએમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આમાં પણ એગ્રીકલ્ચર ટર્મ લોનમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં અપાયેલા કુલ ધિરાણ સામે એનપીએ ૬.૮૪ ટકા નોંધાયો છે જયારે ગત વર્ષની તુલનામાં તેમાં ૪૩.૨૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

ગુજરાતમાં કુલ એનપીએ ૬.૫૪ ટકા પર સ્થિર છે. ગુજરાત રાજ્યમાં અલગ અલગ ક્ષેત્રે કુલ ૫.૯૦ લાખ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું જે આગલા વર્ષના રૂ. ૫.૩૯ લાખ કરોડ કરતા ૯.૫૦ ટકા વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં રાજ્યમાં અપાયેલા કુલ ધિરાણમાં એનપીએ ૬.૫૪ ટકા નોંધાયું હતું જે ૨૦૧૮માં ૬.૫૩ ટકા હતું.

ખેડૂતોને વીમાના રૂ. ૨,૦૫૦ કરોડ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના અંતર્ગત રાજ્યના ૧૦.૫૪ લાખ ખેડૂતોને રૂ. ૨,૦૫૦ કરોડ વિમાની રકમ ચુકવવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યમાં કુલ ૧૭.૫ લાખ ખેડૂતોને આવરી લેવાયા છે અને કુલ રૂ. ૩,૧૩૭ કરોડનું પ્રીમીયમ વીમા કંપનીઓને ચૂકવાયું હતું.

ચૂકવાયેલા કુલ પ્રીમીયમમાંથી અંદાજે રૂ. ૨૫૦ કરોડ ખેડૂતો દ્વારા અપાય હતા જયારે બાકીની રકમ રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા આપવામાં આવી હતી.

June 10, 2019
1min6590

શિક્ષણ વિભાગે કબૂલાત કરી હતી કે, વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધા બાદ ૭૩,૫૪૭ જેટલા બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. ભણવાનું છોડી દીધેલા આ બાળકો શું કરે છે તેની કોઈ જાણકારી ન હોવાની પણ કબૂલાત કરી હતી.

ગુજરાતની ભાજપ સરકાર સર્વ શિક્ષણ અભિયાન હેઠળ રાજ્યમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા દર વર્ષે મોટી મોટી જાહેરાતો કરી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી પ્રવેશના મોટા આંકડા બતાવવાની વાતો કરતી ભાજપ સરકાર પ્રવેશ લીધેલ બાળકની શિક્ષણની કોઈ જ ખબર રાખતી ન હોવાનું સામે આવ્યું હતું. વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રવેશ લીધા બાદ જે બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. તેવા બાળકોએ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવી લીધો હોય અને સ્કૂલો દ્વારા તેની કોઈ વિગતો રાખવામાં આવી ના હોય તો પણ આ બાળકો મિસિંગ હોઈ શકે છે તેવું પણ શિક્ષણ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી નવા શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક શાળામાં અને ત્યાર બાદ ધોરણ.૮ પછી તેમ જ ધોરણ.૧૦ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી કઈ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે પણ શિક્ષણ વિભાગે સૂચના આપી છે. ધોરણ.૮ કે ધોરણ.૧૦ પછી કોઈ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્ષમાં પ્રવેશ મેળવે તો તેની જાણકારી પણ સ્કૂલોએ મેળવી ડેટા ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે, આ સિવાય કોઈ વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે તો તેના કારણો જાણી ભણવાનું શરૂ થાય તેના પ્રયાસો કરવાની પણ સૂચના અપાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હવે જે બાળકો પ્રવેશ મેળવે છે તેમનો ડેટા ઓનલાઈન અપલોડ કરવા ઉપરાંત દર વર્ષે વર્ષના અંતે તે બાળકોનો ડેટા ફરીથી રિ-કોલ કરાવામાં આવે છે. જ્યારે હવે નવા વર્ષથી ધોરણ.૫ અને ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ થશે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે, અંદાજે ૩૦ ટકા જેટલા બાળકો નાપાસ થશે.

વર્ષ-૨૦૨૦માં ધોરણ.૫માં અને ધોરણ.૮માં નાપાસ થનાર ૩૦ ટકા બાળકોની સંખ્યા વધશે જ્યારે ધોરણ.૬ અને ધોરણ.૯માં ૩૦ ટકા બાળકોની સંખ્યા ઘટશે. જેના કારણે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના આ વર્ગોમાં મહેકમ તેમ જ વહીવટી બાબતોમાં પણ ફેરફાર થશે. રાજ્ય સરકાર ચાલુ વર્ષે નવા શૈક્ષણિક વર્ષમાં ૧૦૦ ટકા પ્રવેશ આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે બાળકોની સંખ્યાનો આંકડો જન્મના આંકડા પ્રમાણે ૧૨,૦૯,૦૦૦ જેટલા બાળકોને આ વખતે પ્રવેશ આપવાનો ટાર્ગેટ નક્કી રહ્યો છે.