CIA ALERT

Slider Archives - Page 24 of 491 - CIA Live

November 22, 2025
indian-rupee-vs-us-dollar-symbols-HY0EN3-1280x993.jpg
1min101

Date 21/11/25 વિદેશી હુંડીયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ૮૯.૪૯ના નવા તળીયે પટકાયો હતો. જોકે, કામકાજના અંતે તે ૮૯.૪૨ના મથારે બંધ રહ્યો હતો. ડોલરના ભાવ આજે રૂપિયા સામે ઝડપી ૭૧ પૈસા વધી જતાં ડોલર સામે રૂપિયો ૦.૭૯ ટકા ગબડયો હતોે.

શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં આજે રૂપિયા પર દબાણ વધ્યું હતું સામે રૂપિયાને તૂટતો અટકાવવા માટે રિઝર્વ બેન્કના પ્રયત્નો પણ આજે અપેક્ષા કરતાં ધીમા રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૮.૭૧ વાળા આજે સવારેે રૂ.૮૮.૬૯ ખુલી નીચામાં ભાવ રૂ.૮૮.૬૦ સુધી ઉતર્યા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૮૯ની સપાટી પાર કરી રૂ.૮૯.૪૯ની નવી ટોચ બતાવી છેલ્લે રૂ.૮૯.૪૨ બંધ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટતાં ઘરઆંગણે કરન્સી બજારમાં આજે આરંભના સોદાઓમાં ડોલર સામે રૂપિયો ઉંચો રહ્યો હતો પરંતુ ત્યારબાદ શેરબજાર તૂટતાં રૂપિયો બપોર પછી ઝડપી ગબડતો જોવા મળ્યો હતો. દરમિયાન, કરન્સી બજારમાં ચર્ચાતી વાતો મુજબ ઈરાનના ક્રૂડ ઓઈલના ટ્રેડના સંદતર્ભમાં અમેરિકાએ ભારતની અમુક કંપનીઓ સામે વિવિધ અંકુશો લાદતાં કરન્સી બજારમાં રૂપિયામાં તીવ્ર પીછેહટ દેખાઈ હતી.

આ પૂર્વે રૂપિયામાં રૂ.૮૮.૮૦ના તળિયાના ભાવ સપ્ટેમ્બરમાં દેખાયા હતા અને આજે રૂપિયો ઝડપી તૂટી રૂ.૮૯ના નવા તળિયાને તોડી રૂ.૮૯.૪૯ સુધી ઉતરી જતાં કરન્સી બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે તથા તેના પગલે ફુગાવો તથા મોંઘવારી વધી જવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

ભારતમાં વેપાર ખાધ વધતાં તથા નિકાસમાં ઘટાડો નોંધાતાં તેની અસર પણ રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. સોનાની આયાત વધતાં તેની અસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારમાં થઈ રહેલા વિલંબના પગલે પણ રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા ઘટતાં તેની અસર ડોલર પર પોઝીટીવ તથા રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. આગળ ઉપર ડોલરના ભાવ વધુ વધી રૂ.૯૦ થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૨થી ૧૦૩ સુધી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાંથી ડોલરનો આઉટફલો પણ વધ્યાની ચર્ચા બજારમાં આજે સંભળાઈ હતી.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૧૯ થઈ ૧૦૦.૦૭ રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૧ પૈસા વધી ૧૧૬.૧૩ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૯ પૈસા વધી રૂ.૧૦૨.૪૫ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે ૦.૩૩ ટકા ઘટી હતી.ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૭ ટકા ઉંચકાઈ હતી.

November 22, 2025
image-14.png
1min156
  • માર્ચ 2024 પછી ફાઈટર જેટ તેજસનો બીજો અકસ્માત
  • એર શોના અંતિમ દિવસે હવાઈ કરતબ કરતાં અચાનક ફાઈટર જેટમાંથી ધૂમાડો નીકળતા બંધ થયા પછી અકસ્માત સર્જાયો
  • તેજસના અકસ્માતનું કારણ જાણવા એરફોર્સે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો

દુબઈ : દુનિયાના સૌથી મોટા એર શોમાંના એક દુબઈ એર શોમાં શુક્રવારે ભારતનું સ્વદેશી મલ્ટી-રોલ લાઈટ કોમ્બેટ ફાઈટર જેટ તેજસ હવામાં કરતબ બતાવતા અચાનક તૂટી પડયું હતું. આ વિમાન અકસ્માતમાં ભારતીય એરફોર્સના પાઈલટ નયન સ્યાલનું પણ મોત નીપજ્યું હતું. ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના ફાઈટર વિમાનના અકસ્માત અંગે ભારતીય એરફોર્સેે તપાસનો આદેશ આપી દીધો છે. આ પહેલાં માર્ચ ૨૦૨૪માં જેસલમેરમાં તેજસ ફાઈટર જેટનો પહેલો અકસ્માત થયો હતો.

દુબઈમાં પાંચ દિવસના એર શોનો શુક્રવારે અંતિમ દિવસ હતો. દુનિયાના ૨૦૦ જેટલા ફાઈટર જેટ અહીં આવ્યા હતા. અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સ્વદેશી તેજસ ફાઈટર જેટ હવાઈ કરતબ કરતું હતું ત્યારે અચાનક જ બપોરે ૨.૧૦ કલાકે વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેજસ વિમાન ઉપર જાય છે અને હવામાં કરતબ કરતું નીચે આવે છે. પછી ફરીથી ઉડ્ડયન કરતા ઉપર જાય છે. ત્યાં સુધી તેજસ જેટમાંથી ધૂમાડો નીકળતો રહે છે. પછી અચાનક તેમાંથી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય છે. ત્યાર પછી અચાનક ફાઈટર જેટ નીચે પડવા લાગે છે અને થોડીક જ સેકન્ડમાં તૂટી પડે છે. આ સમયમાં પાયલટને બહાર નીકળવાનો પણ સમય મળતો નથી. જમીન પર પડતાં જ તેજસ આગના ગોળામાં ફેરવાઈ ગયું અને થોડીક જ વારમાં ત્યાં માત્ર રાખનો ઢગલો બચ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ તેજસના અકસ્માતના લગભગ દોઢ કલાક પછી એર શો માં રશિયન નાઈટ ફ્લાઈગ સાથે ફ્લાઈટ ડેમોસ્ટ્રેશન્સ ફરી શરૂ થયું હતું. આ વિમાન અકસ્માતમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાયલટ નયન સ્યાલનું મોત નીપજ્યું હતું તેમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે પાયલટના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ભારતીય એરફોર્સના પ્રવક્તાએ કહ્યંર કે, દુબઈ એર શોમાં એરફોર્સનું એક તેજસ ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. એરફોર્સ પાયલટના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરે છે અને આ દુ:ખના સમયમાં સંપૂર્ણ રીતે પાયલટના શોકગ્રસ્ત પરિવારની સાથે છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે. અકસ્માતનું કારણ વ્યાપક તપાસ પછી સામે આવશે.

પાયલટ એર શો જોવા આવેલા લોકો માટે ડેમોસ્ટ્રેશન ફ્લાઈટ ઉડાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિમાન અકસ્માતની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જન. અનિલ ચૌહાણ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાયલટના મોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને પાયલટના પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ આ મુશ્કેલ સમયમાં સમગ્ર રાષ્ટ્ર તેમની સાથે છે તેમ કહ્યું હતું.

વર્ષ ૨૦૦૧માં પહેલી ટેસ્ટ ફ્લાઈટથી લઈને ૨૪ વર્ષના ઈતિહાસમાં સિંગલ સીટર ફાઈટર જેટ તેજસના માત્ર બે જ અકસ્માત થયા છે, જેમાં પહેલો અકસ્માત ગયા વર્ષે માર્ચમાં રાજસ્થાનના જેસલમેરમાં થયો હતો. તે સમયે પોખરણના રણમાં ત્રણેય સૈન્યના સૈન્ય અભ્યાસ ‘ભારત શક્તિ’માં ભાગ લઈને તેજસ પાછં ફરતું હતું ત્યારે અકસ્માત થયો હતો. તેજસનો બીજો અકસ્માત શુક્રવારે દુબઈમાં થયો હતો. જોકે, કોઈ આંતરરાષ્ટ્રી એર શોમાં તેજસનો આ પહેલો અકસ્માત હતો. તેજસ ફાઈટર જેટે ૨૦૦૧માં પહેલું ઉડ્ડયન કર્યા પછી ૨૩ વર્ષ સુધી તેના અકસ્માતનો એક પણ કેસ નોંધાયો નહોતો.

November 14, 2025
image-12.png
1min205

લાલ કિલ્લા નજીક દસમી નવેમ્બરના કાર વિસ્ફોટની તપાસનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટ તો એક ખતરનાક ષડયંત્રનો નાનો ભાગ હતો. આતંકવાદીઓનો મૂળ ઉદ્દેશ તો બાબરી મસ્જિદ ધ્વંસની વરસી એટલે છઠ્ઠી ડિસેમ્બરના દિલ્હી સહિત દેશમાં 32 કારમાં બોમ્બ મૂકીને શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનો હતો. બાબરી ધ્વંસનો બદલો લેવાની યોજના હતી. આ શ્રેણીબદ્ધ ધડાકા માટે બ્રેન્ઝા, સ્વિફ્ટ ડિઝાયર અને i20 જેવી 32 કારનો ઉપયોગ કરવાના હતા.

દસમી નવેમ્બરના i20 કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં ચાર કાર મળી ચૂકી છે, જ્યારે કેન્દ્ર સરકારે પણ આ હુમલાને આતંકી માન્યો છે. એની વચ્ચે તપાસ એજન્સીએ તપાસ પણ વધુ સઘન બનાવવાના અહેવાલ વચ્ચે હરિયાણાના ખંદાવલી ગામમાં વધુ એક લાવારિસ કાર મળતા ખળભળાટ મચી ગયો છે, જ્યારે તેની તપાસ પણ એનએસજી કરી રહી છે.

સમગ્ર મોડ્યુલનું કેન્દ્ર ફરિદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી બની હતી. આસિસ્ટંટ પ્રોફેસર ડોક્ટર મુઝમ્મિલ ગનીએ પોતાના રુમમાં વિસ્ફોટક જમા કર્યો હતો. 20 દિવસ પહેલા પડોશીઓએ પૂછ્યું ત્યારે તેને ચાલાકીથી ‘ખાતરની ગૂણી’ને કાશ્મીરથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવા માટે જપ્ત કર્યા છે, જ્યારે ધરપકડ કરવામાં આવેલા આઠ આરોપીમાંથી છ ડોક્ટર છે. શ્રીનગરનો અન્ય શંકાસ્પદ ડોક્ટર નિસાર ફરાર છે, જે ડોક્ટર્સ એસોસિયેશન ઓફ કાશ્મીરનો પ્રમુખ છે.

વિસ્ફોટનું ષડયંત્ર જાન્યુઆરીમાં રચ્યું હતું. ડોક્ટર મુઝમ્મિલ ગની અને ધમાકામાં માર્યા જનારા ઉમર અલી જાન્યુઆરીમાં લાલ કિલ્લાની રેકી કરી હતી. તેનો મુખ્ય પ્લાન છઠ્ઠી ડિસેમ્બરના હુમલો કરવાનો હતો, પરંતુ મુઝમ્મિલની ધરપકડે યોજનાને ઊંધી પાડી હતી. પોલીસે પચાસથી વધુ સીસીટીવી કેમેરા ઉમરની છેલ્લી મૂવમેન્ટ ટ્રેક કરી હતી. નવમી નવેમ્બરના રાતના ફરિદાબાદથી નીકળ્યા પછી નૂંહમાં રાતમાં વીતાવી, સવારે દિલ્હી આવ્યો અને બપોરના 3.19 વાગ્યે કાર લાલ કિલ્લા નજીક પાર્ક કરી હતી, જે સાંજના 6.52 વાગ્યા જબરદસ્ત ધમાકામાં નાશ થઈ હતી.

દસમી નવેમ્બરના લાલ કિલ્લાના વિસ્ફોટમાં તુર્કીયે કનેક્શન બહાર આવ્યું છે, જ્યાં ઉકાસા નામનો હેન્ડલર પોતાના સાગરિતોને નિર્દેશ આપી રહ્યો હતો. આ બધું કામ સેશન એપ પર ચેટ મારફત કર્યું હતું. સમગ્ર કેસની સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે ત્યારે બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ ઉમર અને શાહિનને કોઈ સાધારણ વ્યક્તિ ગાઈડ કરી રહ્યો નહોતો, પરંતુ તુર્કીયેમાં રહેલ હેન્ડલરના ઈશારે કામ કરતા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ડોક્ટર ઉમર તુર્કીયે સ્થિત અંકારામાં બેઠેલા એક હેન્ડલરના સંપર્કમાં હતા, જેનું કોડનેમ ઉકાસા જાણવા મળ્યું છે. ફોરેન્સિક તપાસમાં મળેલી ચેટ હિસ્ટ્રી આ કનેક્શનને સૌથી મહત્ત્વની કડી માને છે, જેના આદેશ, ટાઈમિંગ અને ટાર્ગેટ પણ ત્યાંથી મળ્યા હોવાનું કહેવાય છે. આ હેન્ડલરનો કોન્ટેક્ટ JeM (જૈસ-એ-મોહમ્મદ) સાથે છે, જે વિદેશથી નિર્દેશ આપવાની સાથે આર્થિક અને વ્યૂહાત્મક મદદ કરતો હતો. જોકે, તુર્કીયે આ રિપોર્ટનો વિરોધ કર્યો છે, પરંતુ તપાસ એજન્સી તપાસ કરે છે.

તપાસમાં ઉમરના ફોન અને લેપટોપથી એન્ક્રિપ્ટેડ મેસેન્જર Sessionની ચેટ હિસ્ટ્રી મળી છે. એજન્સી માને છે કે આ એપ્લિકેશન મારફત ઉકાસા અને ઉમરની વચ્ચે નિયમિત સંપર્કમાં રહેતા હતા અને ઓપરેશન સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા હતા. એન્ક્રિપ્ટેડ ચેટ વિદેશી હેન્ડલર્સ અને સ્થાનિક કાર્યકર્તાઓની વચ્ચે ગુપ્ત મેસેજનું આદાન-પ્રદાન કરે છે, જે તપાસને અવરોધે છે. ડિજિટલ પુરાવાની ડીક્રિપ્શન અને ટાઈમલાઈન આ બંને બાબત તપાસનો મુખ્ય ઉદ્દેશ છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આઠ શંકાસ્પદો દ્વારા ચાર અલગ અલગ શહેરમાં એક સાથે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્લાન અનુસાર નાની-નાની ટીમ દ્વારા અલગ અલગ લોકેશન પર જઈને આઈઈડી પ્લાન્ટ કરવા ઈચ્છતા હતા, જેથી વિનાશ સર્જાય. કહેવાય છે કે સૌથી મોટો હુમલો રોકવા માટે બારમી તારીખના એલર્ટ જારી કર્યું હતું. આ એલર્ટ અને ટાઈમલાઈનને કારણે તમામ એજન્સી સતર્ક હતી, જેનાથી મોટી જાનહાનિ ટળી ગઈ.

November 12, 2025
image-11.png
1min232

સિંગર પલક મુચ્છલે પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારત અને તેની બહારના વંચિત ૩૮૦૦ બાળકોને હૃદયની શશ્ત્રક્રિયા માટે પૈસા ભેગા કરી આપવામાં સહાય કરી હતી. આ સદ્કાર્ય માટે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિતની રેકોર્ડ બુક્સમાં સ્થાન મળ્યું છે. તે પોતાના દરેક સંગીત કાર્યક્રમની કમાણી અને પોતાની બચતને જીવન રક્ષક ચિકિત્સા કાર્યોમાં ઉપયોગમાં લે છે.

આ ઉપરાંત તે વરસોથી કારગિલ શહિદોના પરિવારોની મદદ કરી હતી અને ગુજરાત ભૂકંપ પીડિતોની રાહત માટે ૧૦ લાખ રૂપિયાનું યોગદાન પણ આપ્યું હતું.

પલકે મેરી આશિકી, કૌન તુઝે અને પ્રેમ રતન ધન પાયો જેવા ગીતો સાથે પોતાની સંગીતની કારકિર્દી શરૂ કરી હતી.

November 12, 2025
image-9.png
1min155

બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ગઈ કાલે યોજાયેલા બીજા તબક્કામાં લગભગ 69 ટકા મતદાન નોંધાયું, બંને તબક્કા મળીને કુલ લગભગ 66 ટકા મતદાન નોંધાયું, જે ગત વિધાનસભા ચૂંટણી કરતા લગભગ 9.6 ટકા વધુ છે. પરિણામ શુક્રવારે જાહેર થશે એ પહેલા કેટલાક એક્ઝિટ પોલ્સમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)ની જીતની આગાહી કરવામાં આવી છે, NDA નેતા એક્ઝિટ પોલ્સને આવકારી રહ્યા છે, તો મહાગઠબંધનના નેતાઓ તેને નકલી ગણાવી રહ્યા છે.

11 નવેમ્બર 2025ના રોજ બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ મેટ્રિઝ, પી-માર્ક, પીપલ્સ પલ્સ, ભાસ્કર, પીપલ્સ ઇનસાઇટ, JVC અને પોલ ડાયરી જેવા એક્ઝિટ પોલ્સમાં અંદાજ લગાવવામાં આવ્યો કે બિહારની કુલ 243 વિધાનસભા બેઠકોમાંથી NDA ને 130થી વધુ બેઠકો મળી શકે છે, જે બહુમતના આંકડા 122થી વધુ છે. જ્યારે એક ન્યુઝ પોર્ટલ જર્નો મિરરે અંદાજ આપ્યો કે મહાગઠબંધનને ઓછામાં ઓછી 130-140 બેઠકો મળી શકે છે, જયારે NDAને 100-110 બેઠકો મળશે.

ભાજપે એક્ઝિટ પોલ્સને આવકાર્યા:

જાહેર થયેલા એક્ઝિટ પોલ્સને કારણે ભાજપ અને સાથી પક્ષોનો ઉત્સાહ વધ્યો છે. ભાજપના સાંસદ દિનેશ શર્માએ એક્ઝિટ પોલ્સનું આવકાર્યા, તેમણે કહ્યું કે બિહારમાંથી આરજેડી અને કોંગ્રેસની સફાઈ શરૂ થઈ ગઈ છે. આ વખતના પરિણામો સૌને ચોંકાવી દેશે.

ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે મહાગઠબંધને ચૂંટણી પરિણામો પહેલા જ હાર સ્વીકારી લીધી છે. પ્રચાર દરમિયાન અમને જે સમર્થન મળ્યું એ એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે.

બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય કુમાર સિંહાએ કહ્યું કે એક્ઝિટ પોલ દર્શાવે છે કે લોકોને વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર વિશ્વાસ છે. તેમણે કહ્યું કે NDAને એક્ઝિટ પોલ્સ કરવા વધુ બેઠકો મળશે.

મહાગઠબંધને એક્ઝિટ પોલ્સને નકાર્યા:

NDA નેતા એક્ઝિટ પોલનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે મહાગઠબંધને એક્ઝિટ પોલને ફગાવી દીધા છે. મહાગઠબંધનનું માનવું છે કે બિહાર ચૂંટણીના બંને તબક્કામાં રેકોર્ડ મતદાન સત્તા પરિવર્તનના સંકેત આપે છે.

રાષ્ટ્રીય જનતા દળ(RJD) સાંસદ સુધાકર સિંહે જણાવ્યું હતું “વધુ મતદાનને હંમેશા સત્તાધારી સરકાર સામે લોકોના જનાદેશ તરીકે જોવામાં આવે છે. આપણે અંતિમ પરિણામની રાહ જોવી જોઈએ. મને વિશ્વાસ છે કે ‘મહાગઠબંધન’ બિહારમાં સરકાર બનાવશે. એક્ઝિટ પોલ વાસ્તવિક નથી”.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક્ઝિટ પોલ્સને “પૂર્વયોજિત” અને “બનાવટી” ગણાવ્યા. તેમણે બિહારમાં સત્તા પરિવર્તન માટે મતદાન કરવા બદલ બિહારની જનતાના વખાણ કર્યા.

યાદવે એક્ઝિટ પોલના ડેટા અંગે મીડિયા પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું, “‘જીસકા દાના ઉસકા ગાના’”

અખિલેશ યાદવે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાનના એક્ઝિટ પોલની આગાહીઓ ખોટી સાબિત થઈ હતી.

November 11, 2025
image-7.png
1min171

Delhi Blast: લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક દિલ્હીમાં થયેલા ધમાકાના તાર ફરીદાબાદ ટેરર મૉડ્યૂલ સાથે જોડાતા જણાય છે. રાજધાનીમાં થયેલા આ વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. નોંધનીય છે કે પોલીસે ફરીદાબાદમાંથી 2900 કિલોગ્રામ બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી, જેમાં એમોનિયમ નાઇટ્રેટ પણ સામેલ હતું.

બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે આ મૉડ્યૂલ સાથે સંકળાયેલા ડૉક્ટર ઉમર મોહમ્મદે ધરપકડના ડરથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, આ બાબતે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે. સોમવારે સાંજે થયેલા આ વિસ્ફોટમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

એમોનિયમ નાઇટ્રેટના ઉપયોગની આશંકા

પીટીઆઈ અનુસાર ધમાકામાં વપરાયેલી i20 કારના તાર ફરીદાબાદ મૉડ્યૂલ સાથે જોડાયેલા હતા. ખાસ વાત એ છે કે કારનો નંબર પણ હરિયાણાનો જ હતો. એજન્સીને સૂત્રોએ જણાવ્યું છે કે ધમાકા સમયે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કથિત રીતે પુલવામાનો રહેવાસી ઉમર મોહમ્મદ હ્યુન્ડાઈ i20 કાર ચલાવી રહ્યો હતો.

પોલીસ સૂત્રોએ એ પણ કહ્યું કે આ ધમાકામાં એમોનિયમ નાઇટ્રેટ, ફ્યુઅલ ઓઇલ અને ડેટોનેટર્સનો ઉપયોગ થયો હોઈ શકે છે. જોકે, હજી તપાસના અંતિમ રિપોર્ટ્સ આવવાના બાકી છે.

ડૉક્ટર સાથીઓની ધરપકડથી હુમલો?

દિલ્હી પોલીસ તરફથી મળેલી જાણકારી મુજબ, એક સીસીટીવી ફૂટેજમાં માસ્ક પહેરેલો એક વ્યક્તિ કાર ચલાવતો જોવા મળે છે. પોલીસે કહ્યું કે, ઉમર મોહમ્મદ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદના ટેરર મૉડ્યૂલનો એક ભાગ હતો. સૂત્રોના રિપોર્ટ અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પુલવામાના રહેવાસી તારિકે ઉમર મોહમ્મદને આ કાર આપી હોવાનું કહેવાય છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ટેરર મૉડ્યૂલમાં સામેલ ઉમર મોહમ્મદના અન્ય ડૉક્ટર સાથીઓની ધરપકડ થતાં, તેણે પોતાની ધરપકડના ડરથી આ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ પત્રકારોને માહિતી આપી કે, મોડી સાંજે લગભગ 6:52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ જતી કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સમયે કારની અંદર કેટલાક લોકો સવાર હતા અને અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું.

ફરીદાબાદમાંથી શું મળ્યું?

સોમવારે દેશના અનેક ભાગોમાંથી પોલીસે 3 ડૉક્ટરો સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. સાથે જ 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી. પોલીસનો દાવો છે કે આ ધરપકડો અને જપ્તીથી જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવાતુલ હિંદના આતંકવાદી મૉડ્યૂલનો પર્દાફાશ થયો છે.

જમ્મુ કાશ્મીર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીમાં એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર સામેલ છે, જેમાં ફરીદાબાદમાં ગનીના ભાડાના મકાનમાંથી મળેલી 360 કિલોગ્રામ જ્વલનશીલ સામગ્રીનો પણ સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટક સામગ્રી એમોનિયમ નાઇટ્રેટ હોવાની શંકા છે.

November 11, 2025
image-6.png
1min448

Bollowood veteren Actor ધર્મેન્દ્રને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ટીમે જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ છે અને યોગ્ય તબીબી તપાસ કરાવી શકે તે માટે તેમણે હોસ્પિટલમાં તેમનો રોકાણ લંબાવવાનું હતું.

બોલીવુડના સર્વકાલીન પ્રિય સદાબહાર સુપરસ્ટાર ધર્મેન્દ્ર (Dharmendra) હવે નથી રહ્યા તેવા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ ધર્મેન્દ્ર પત્ની હેમા માલિની અને પુત્રી ઈશા દેઓલએ સમાચારને નકાર્યા છે, અને ટ્વીટર શેર કરી છે, તેઓ 89 વર્ષના છે. અહેવાલો અનુસાર, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સુપરસ્ટાર ધર્મેન્દ્ર નિધન થયું છે તેવા સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા, ત્યારે ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ તેમની મુલાકાત લેવા પહોંચ્યા હતા, આ સાથે તેમના ચાહકોનો સમૂહ પણ તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતિત અને ચિંતિત હતો. સુપરસ્ટાર ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ સોસાચીયલ મીડિયા ટ્વીટર પર પોસ્ટ શેર કરી જેથી ધર્મેન્દ્રના નિધનની અફવાઓનો અંત આવ્યો છે. લગભગ આખો દેશ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો હતો. સદાબહાર સુપરસ્ટાર છેલ્લે ધમાકેદાર ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં જોવા મળ્યો હતો, હવે એક્ટર ફિલ્મ ‘ઇક્કીસ’ માં જોવા મળશે, જેમાં તેમનું દમદાર પાત્ર જોવા મળ્યું હતું.

November 11, 2025
image-5.png
1min157

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 122 બેઠકનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. આ મતદાનમાં 3.70 કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરેરિયા અને કિશનગંજ સહિત 11 જિલ્લામાં મતદાન થશે. બધા વિસ્તાર નેપાળની સાથે સરહદ ધરાવતા ક્ષેત્ર છે.

બિહાર ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વહેલી સવારે મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.55% મતદાન થયું છે.

બીજા તબક્કાના મતદાનમાં કુલ ચાર લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ 45399 મતદાન મથકો પર મતદાન થશે, તેમાથી 40073 મતદાન મથક ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે. કુલ મતદાતાઓમાં અડધા ઉપરાંતના એટલે કે 2.28 કરોડ જેટલા મતદાતા 30 થી 60 વર્ષની વયના છે. જ્યારે ફક્ત 7.69 લાખ મતદાતા જ 18 થી 19 વર્ષના વયજૂથમાં છે.

122 મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા 1.75 કરોડ છે. 3.67 લાખ મતદારો સાથે નવાડા જિલ્લાની હિસુઓ બેઠક સૌથી મોટો મતવિસ્તાર છે. જ્યારે લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખીમાં સૌથી વધુ 22-22 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 121 મતવિસ્તારોમાં 65 ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.

બીજા તબક્કામાં મોટાભાગના જિલ્લા સીમાંચલના

મોટાભાગના જિલ્લા સીમાંચલમાં આવેલા છે અને અહીં મુસ્લિમોની વસ્તી મોટાપાયા પર હોવાથી ઇન્ડિયા બ્લોકના સારા પર્ફોર્મન્સની જવાબદારી તેના શિરે છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને શાસક પક્ષના કેબિનેટ પ્રધાન બિજેન્દ્રપ્રસાદ યાદવ સળંગ રેકોર્ડ બ્રેક સળંગ આઠમી વખત તેમની સુપૌલની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે.આ જ રીતે તેમના કેબિનેટના સહયોગી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમકુમાર પણ આઠમી વખત તેમની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે. અન્ય જાણીતા ચહેરોઓમાં જોઈએ તો ભાજપના મંત્રી બેટ્ટિયાના રેણુદેવી અને છતપુરના નીરજકુમાર જેવા જાણીતા ચહેરાની પણ બરોબરની કસોટી થશે. આ સિવાય જેડીયુના લેશીસિંહની ધમદાહા, શીલા મંડલની ફુલપારસ અને ચૈનપુરમાં ઝમાખાનના બળાબળના પારખા થશે.

કયા કયા દિગ્ગજ મેદાને?

ભાજપના જ અન્ય જાણીતા ચહેરાઓમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ સળંગ પાંચમી ટર્મ માટે તેમની કટિહાર સીટ જાળવવા ચૂંટણીના જંગમાં ઉતરશે. કટિહાર જિલ્લો બલરામપુર અને કડવા વિધાનસભા બેઠકો પણ ધરાવે છે. અહીં સીપીઆઈ-એમએલના મહેબૂબ આલમ અને શકીલ એહમદ ખાન તેમની સીટ જાળવવા ત્રીજી વખત ઉતરશે.

November 11, 2025
image-4.png
1min134

દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે 10/11/2025 સાંજે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ અનેક કાર બળીને ખાક થઈ ગઈ હતી. દિલ્હી કાર બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયાં છે, જ્યારે 30થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટના અંગે અમિત શાહે કહ્યું કે, આજે સાંજે, લગભગ 7 વાગ્યાની આસપાસ, દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSL સાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સમગ્ર બ્લાસ્ટ અંગે વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરીને જાણકારી લીધી હતી. આ સાથે સાથે અમિત શાહ પણ આ ઘટના મામલે સતત પોલીસ અને સુરક્ષા અધિકારીઓ પાસેથી અપડેટ લઈ રહ્યાં છે. બ્લાસ્ટ બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

દિલ્હી વિસ્ફોટમાં સત્તાવાર રીતે 8 લોકોના મોત, પીએમ મોદીએ મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટ અંગે પ્રતિક્રિયા આપી છે. એક્સ પર પીએમ મોદીએ વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કહ્યું, સત્તાવાળાઓ વિસ્ફોટથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધી સત્તાવાર રીતે 8 લોકોના મોત થયા છે. તેમજ મળતી માહિતી મુજબ એક પોલીસે એક શંકાસ્પદ વ્યકિતની અટકાયત પણ કરી છે.

અમિત શાહે દિલ્હીના બ્લાસ્ટ સ્થળની મુલાકાત લીધી

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. તેમજ તેની બાદ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે અમિત શાહે કહ્યું કે, આજે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે.

દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી

આ વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSLસાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

November 8, 2025
image-2.png
1min144

કમોસમી વરસાદન માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે રૂ. 10,000 કરોડનું જંગી પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોના ઊભા પાકને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે શુક્રવારે સાંજે આ નિર્ણય સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર જાહેર કર્યો હતો.

અગાઉ મુખ્ય પ્રધાને કૃષિ, મહેસૂલ અને નાણા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. જોકે અગાઉ પણ તેમણે સતત બેઠકો કરી પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. હવે સરકાર પેકેજના માપદંડો, જોગવાઈઓ વગેરેને અંતિમ રૂપ આપી દરેક પાત્ર ખેડૂતને સહાય મળી રહે તે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરશે.

માવઠા બાદ સરકારે સર્વે કર્યો હતો અને મુખ્ય પ્રધાન સહિત કેબિનેટના પ્રધાનોએ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. એક અહેવાલ પ્રમાણે લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.

મુખ્ય પ્રધાને તેમના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.

આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

અગાઉ રાજ્ય સરકારે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.