
કેન્દ્રના રક્ષા પ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં બારમીની પરીક્ષાને લઈને ગ્રુપ ઑફ મિનિસ્ટરની જે મીટિંગ યોજાઈ હતી એમાં સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન)ની પરીક્ષા લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પણ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી નહોતી.
મીટિંગમાં સીબીએસઈ બોર્ડ તરફથી બે ઑપ્શન આપવામાં આવ્યા હતા, જેમાં પહેલા વિકલ્પમાં પાંચ મેઇન વિષયની રાબેતા મુજબ પરીક્ષા લઈને બાકીના વિષયના માર્ક આ પાંચ વિષયમાં આવ્યા હોય એની ઍવરેજ મુજબ આપવાની વાત હતી અને બીજા વિકલ્પમાં ત્રણને બદલે દોઢ કલાકની જ એમસીક્યુ (મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન) એક્ઝામ લઈને મુખ્ય વિષયને બાદ કરતાં બીજા બધા વિષયમાં ઇન્ટર્નલ અસેસમેન્ટના આધારે માર્ક્સ આપવા. જોકે આ આખી પ્રોસેસ પૂરી કરતાં સપ્ટેમ્બર મહિનો આવવાની શક્યતા સીબીએસઈએ વ્યક્ત કરી છે.
સીબીએસઈની મીટિંગમાં બે તબક્કામાં પરીક્ષા લેવાની વાત કરી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ૧૫ જુલાઈની આસપાસ અને ત્યાર બાદ ૧થી ૧૩ ઑગસ્ટ વચ્ચે બીજા તબક્કામાં પરીક્ષા લેવાની તેમણે તૈયારી બતાવી છે.
ધો. 12ની પરીક્ષા અને એન્ટ્રેસ પરીક્ષા માટે યોજાયેલી ડિજીટલ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારે બે પ્રસ્તાવ રાખ્યા હતા, સીબીએસઈએ ધો.12ની પરીક્ષા માટે બે વિકલ્પો આપ્યા હતા. સીબીએસઈએ જણાવ્યું કે રાજ્યોના શિક્ષણ બોર્ડને તેમનો નિર્ણય લેવાની મંજૂરી છે.
સીબીએસઈએ પ્રથમ ઓપ્શન આપ્યો કે, ધો. 12ના ફક્ત મુખ્ય વિષયોની પરીક્ષા જુદા જુદા કેન્દ્રોમાં યોજવામાં આવે. સીબીએસઈ 174 વિષયમાં પરીક્ષાનું આયોજન કરે છે જે પૈકી લગભગ 20 વિષયો મહત્વના માનવામાં આવે છે. બીજા વિકલ્પ હેઠળ પરીક્ષાના આયોજનમાં 45 દિવસ લાગશે. સીબીએસઈના ધો. 12ના વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ વિષયની પરીક્ષા પોતાની જ શાળામાં (સેલ્ફ સેન્ટર)માં આપી શકે અને પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરી 1.5 કલાકનો ગાળો કરવામાં આવે.
સીબીએસઈ બોર્ડની પાંચ સપ્ટેમ્બરે રિઝલ્ટ જાહેર કરવાની ઇચ્છા છે.
કોરોના કાળમાં ધો. 12ની પરીક્ષા તેમજ ત્યારબાદ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ પરીક્ષા યોજવા અંગે કેન્દ્રિય મંત્રીઓ અને રાજ્યોના શિક્ષણમંત્રીઓ તેમજ અધિકારીઓ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને 25 મે સુધીમાં લેખિત સુચન આપવા જણાવ્યું છે. સીબીએસઈ બોર્ડના ધો. 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ આગામી 1લી જૂને જાહેર થઈ શકે છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જણાવ્યું કે, તમામ રાજ્યો પાસેથી લેખિતમાં સુચનો મંગાવાયા છે. પ્રવર્તમાન વિકટ પરિસ્થિતિમાં પરીક્ષા યોજવા માટેની આજરોજ મળેલી હાઈ લેવલ મીટિંગ ઉપયોગી રહી છે અને આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.








