ઇન્ડીયા Archives - Page 9 of 218 - CIA Live

January 27, 2026
gold-and-silver.jpg
1min120

વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે. ગ્લોબલ ઇકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

ચાંદીની કિંમતમાં 25 હજાર રૂપિયાનો વધારો!

Dated 27/01/26 સોમવારે ભારતીય કોમોડિટી માર્કેટ બંધ હતું. પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ભયંકર તેજી જોવા મળી અને પહેલીવાર સોનાનો ભાવ 5000 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો. જે બાદ આજે ભારતીય બજાર ખૂલતાંની સાથે જ સોનું અને ચાંદી બંનેમાં ભારે તેજી જોવા મળી. એક કિલો ચાંદીની કિંમતમાં 25000 રૂપિયાનો વધારો થયો છે. સોનું પણ 3700 રૂપિયા મોંઘું થયું છે.

સોનું-ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ

ચાંદીની કિંમતો છેલ્લા 3 મહિનાથી બેકાબૂ થઈ ગઈ છે. આજે MCX પર બજાર ખૂલતાં જ ચાંદીનો ભાવ 3,59,800 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો. સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયા પહોંચી ગયો છે. આમ સોનું અને ચાંદી બંનેએ આજે ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા છે અને ઑલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના વાયદા ભાવમાં 24 હજાર રૂપિયાનો વધારો થયો છે.

સોના-ચાંદીના ભાવમાં વધારાના કારણ

વૈશ્વિક અસ્થિરતા:
અમેરિકા અને મિડલ ઈસ્ટ વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા

ઔદ્યોગિક માંગ:
AI ડેટા સેન્ટર્સ અને સોલાર પેનલ્સમાં ચાંદીના વધી રહેલા વપરાશને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ

January 27, 2026
image-13.png
1min89

બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેન્કનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે.

કઈ કઈ બેન્કના કામકાજ પર પડશે અસર?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. અને ચેતવણી આપી છે જો માગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે.

અનેક કાર્યો પ્રભાવિત થશે

જેથી મંગળવારે 27 જાન્યુઆરી બેન્ક જતાં પહેલા ખરાઈ કરી લેજો કે બેન્કનું કામકાજ ચાલુ છે કે સંભવિત હડતાળના કારણે બંધ? ત્રણ દિવસથી સત્તાવાર રજાઓને કારણે બૅન્કનું કામ રોકાયેલું છે તેવામાં વધુ એક દિવસ વિરોધના ભાગરૂપે જો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે તો કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે.

શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે. UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી.

બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન ‘યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ’ (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.

બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી

બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.

9 બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.

January 22, 2026
gold-silver.jpeg
1min131

સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો થયા બાદ આજે મોટો કડાકો નોંધાયો છે. આજે ચાંદીના ભાવ 3.25 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ હવે તેના ભાવ 3.10 લાખ રૂપિયા પર આવી ગયા છે. જ્યારે સોનાનો ભાવ 1.53 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ 1.51 લાખ રૂપિયા પર આવી ગયા છે.

ચાંદીના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 3,09,095 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 3,25,602 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 3,05,449 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 20,153 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે ચાંદીનો ભાવ 3,18,492 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 3,09,095 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સોનાના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 1,51,566 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 1,53,784 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 1,48,777 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 5.007 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે સોનાનો ભાવ 1,52,862 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 1,51,566 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં જોવા મળેલી મોટી તેજી બાદ હવે નફો બુક કરવાની પ્રક્રિયા (પ્રોફિટ બુકિંગ) શરૂ થતા કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આવેલી તેજીને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં ઘટાડો થયો છે અને સાથે જ ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાને લીધે પણ કિંમતો નીચે આવી છે.

નિષ્ણાતો માને છે કે જેઓ નવું રોકાણ કે ખરીદી કરવા માંગે છે તેમણે થોડી રાહ જોવી જોઈએ, કારણ કે હજુ ભાવમાં વધુ ઘટાડાની શક્યતા છે. આ ઉપરાંત જેમણે ઊંચા ભાવે ચાંદી ખરીદી છે તેમને ગભરાવાને બદલે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે કારણ કે તેના ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે.

એક વર્ષમાં સોનાના ભાવમાં 75 ટકાનો જંગી વધારો થયો છે, જેમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનું 57,033 રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 1,33,195 રૂપિયા પર પહોંચી ગયો હતો.

ચાંદીમાં પણ આ સમયગાળા દરમિયાન 167 ટકાનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. એક કિલો ચાંદી જે વર્ષ 2024ના અંતે 86,017 રૂપિયા હતી, તે વર્ષ 2025ના અંત સુધીમાં 1,44,403 રૂપિયા વધીને 2,30,420 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

January 18, 2026
chardham.jpg
1min330

ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુ માટે આ વર્ષે મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ, કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્રએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવેથી મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મંદિરોમાં વધતા જતા ‘રીલ’ કલ્ચર અને સોશિયલ મીડિયા બ્લોગિંગ પર લગામ કસવાનો છે.

આ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે શ્રદ્ધાળુઓ દર્શન કરવાને બદલે મંદિરની અંદર ફોટા પાડવામાં અને વીડિયો કે રીલ બનાવવામાં વધુ સમય વિતાવે છે. આ કારણસર માત્ર મંદિરની ગરિમા તો જોખમાય જ છે, પરંતુ ત્યાં દર્શન માટે ઉભેલા અન્ય શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. ભીડનું વ્યવસ્થાપન કરવું પણ કઠિન બને છે. વળી, આ મુદ્દે અન્ય લોકો પણ વારંવાર ફરિયાદ કરે છે, જેથી પવિત્ર ધામોમાં કોઈ પણ વિવાદોને રોકવા માટે આ પગલું લેવાયું છે.

નવા નિયમ મુજબ, બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ અને કેદારીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા જ પોતાના મોબાઈલ ફોન અને કેમેરા નક્કી કરેલા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. બદ્રીનાથ-કેદારીનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા ફોન સુરક્ષિત રાખવા માટે અલગ વ્યવસ્થા કરાશે. જો કે, મંદિરની બહારથી બેકગ્રાઉન્ડમાં જવાબદારીપૂર્વક અને કોઈને ખલેલ ના પહોંચે તે રીતે ફોટો અને વીડિયોગ્રાફી કરવાની છૂટ રહેશે.

આ વર્ષે પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, જેમાં 60% ઓનલાઇન અને 40% ઓફલાઇન પદ્ધતિ રખાઈ છે. ગત વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીએ ચારધામના દર્શન કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે રસ્તા, આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં દર્શન કરી શકે તે તંત્રની પ્રાથમિકતા છે.

December 31, 2025
image-29.png
1min141
  • ‘RailOne’ એપથી જનરલ ટિકિટ બુક કરાવવામાં મળશે ડિસ્કાઉન્ટ
  • ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે દ્વારા 14 જાન્યુઆરી 2026થી નવી ઓફર લાગુ કરાશે.

નવી દિલ્હીઃ ભારતીય રેલવે મંત્રાલય 14, જાન્યુઆરીથી 14 જુલાઈ 2026 સુધીમાં ‘રેલવન’ એપ મારફતે જનરલ ટિકિટ (અનરિઝર્વ્ડ ટિકિટ) ખરીદવા અને કોઈપણ ડિજિટલ માધ્યમથી ચુકવણી કરવા પર 3 ટકા છૂટ આપશે. હાલમાં તે ‘રેલવન’ એપ પર આર-વોલેટ પેમેન્ટ મારફતે જનરલ ટિકિટ બુક કરવા પર ૩ ટકા કેશબેક આપે છે.

‘ડિજિટલ બુકિંગને પ્રોત્સાહન આપવા માટે ‘રેલવન’ એપ પર તમામ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી જનરલ ટિકિટ બુક કરતી વખતે 3 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, 30 ડિસેમ્બર, 2025ના મંત્રાલય તરફથી સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ (સીઆરઆઈએસ) ને લખવામાં આવેલા એક પત્રમાં આ વાત કહેવામાં આવી છે, જેમાં સોફ્ટવેર સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

3 ટકા ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ ૧૪ જાન્યુઆરી, 2026થી 14 જૂલાઈ 2026ના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. સીઆરઆઈએસ મે મહિનામાં આ દરખાસ્ત પર વધુ તપાસ માટે ફિડબેક આપશે. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રેલવન એપ પર આર-વોલેટ મારફતે બુકિંગ માટે હાલનો 3 ટકા કેશબેક ચાલુ રહેશે.

એક અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલની સિસ્ટમમાં રેલવન એપ પર જનરલ ટિકિટ ખરીદનારા અને આર-વોલેટ મારફતે ચુકવણી કરનારા સંભવિત મુસાફરોને 3 ટકા કેશબેક આપવામાં આવે છે. જોકે, નવી ઓફરમાં રેલવન પર બધા ડિજિટલ પેમેન્ટ મોડ મારફતે જનરલ ટિકિટ ખરીદનારાઓને 3 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર અન્ય કોઈ પણ ઓનલાઈન જનરલ ટિકિટ ખરીદી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.

December 31, 2025
india-4th-economy.png
1min124

આર્થિક ક્ષેત્રે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ભારત વર્ષ 2025ના અંતમા વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારત જાપાનને પછાડીને આગળ વધ્યું છે. ભારતનું અર્થતંત્ર 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારનો દાવો છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેમજ વર્ષ 2030 સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.

વર્ષ 2025માં દેશના સુધારા અંગેના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપી સાથે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમજ વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીનો અંદાજ છે. જેના લીધે ભારત જર્મનીને પછાડીને આગામી ત્રણ વર્ષના ત્રીજા સ્થાને પહોંચશે.

વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પર નજર કરીએ તો (1)અમેરિકા, (2)ચીન (3)જર્મની(4) ભારત અને જાપાન પાંચમા સ્થાને છે. તેમજ જણાવવામાં આવ્યું છે કે દેશમાં આર્થિક વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં વધુ સારી રહી છે. વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ વૈશ્વિક વેપારમાં સતત અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે.

સરકારે જણાવ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને આ ગતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. વર્ષ 2047 સુધીમાં તેની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકનો દરજ્જો પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે દેશ આર્થિક વિકાસ, માળખાકીય સુધારાઓ અને સામાજિક પ્રગતિના મજબૂત પાયા પર આગળ વધી રહ્યો છે.

December 23, 2025
image-24.png
1min122

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે દેશની સૌથી જૂની પર્વતમાળાના રક્ષણને સતત પ્રોત્સાહન આપ્યું છે.

અરવલ્લી પર્વતમાળા અંગે ચાલી રહેલા સોશિયલ મીડિયા અભિયાન વચ્ચે, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપિન્દર યાદવે એક નિવેદન બહાર પાડ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે દેશની સૌથી જૂની પર્વતમાળાના રક્ષણને સતત પ્રોત્સાહન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, તેમણે સુપ્રીમ કોર્ટનો નિર્ણય વિગતવાર વાંચ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનમાં સ્થિત અરવલ્લી પર્વતમાળાઓનું વૈજ્ઞાનિક રીતે રક્ષણ કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે હંમેશા લીલી અરવલ્લી પર ભાર મૂક્યો છે.

ભુપિન્દર યાદવે વધુમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આ મુદ્દાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયના ફકરા 38 માં જણાવાયું છે કે ગંભીર જરૂરિયાત સિવાય કોઈ નવી ખાણકામ લીઝ આપવામાં આવશે નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે અરવલ્લી પર્વતમાળા 20 વન્યજીવ અભયારણ્યો અને ચાર વાઘ અભયારણ્યોનું ઘર છે, જે તેના પર્યાવરણીય મહત્વ પર ભાર મૂકે છે. તેમણે સ્પષ્ટતા કરી કે કોર્ટે ખાણકામ સંબંધિત મુદ્દાઓની તપાસ માટે ફક્ત એક તકનીકી સમિતિની રચના કરી છે.

100 મીટર ઊંચાઈના વિવાદ અંગે, તેમણે કહ્યું કે કેટલીક ખોટી માહિતી ફેલાવવામાં આવી છે કે 100 મીટરનો નિયમ ટોચ (શિખર) થી લાગુ પડે છે, જે ખોટી છે. સંરક્ષણ તળિયેથી શરૂ થાય છે, ભલે તે ભૂગર્ભમાં શરૂ થાય. તેમણે કહ્યું કે NCR માં કોઈ ખાણકામની મંજૂરી નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે સરકારની ગ્રીન પહેલને આવી માન્યતા મળી છે. ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે અરવલ્લી પર્વતમાળા ચાર રાજ્યો – દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના 39 જિલ્લાઓમાં ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળા સંબંધિત કાનૂની મુકદ્દમા 1985 થી ચાલી રહ્યા છે. “અમે અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ સામે કડક નિયમોનું સમર્થન કરીએ છીએ,” તેમણે કહ્યું. દરમિયાન, ભારતીય વન સર્વેક્ષણે ચેતવણી આપી હતી કે અરવલ્લી પર્વતમાળાની 10,000 ટેકરીઓમાં ખાણકામ પ્રવૃત્તિઓ વિનાશનું કારણ બની રહી છે અને તેને રોકવાની જરૂર છે. કેન્દ્રીય સશક્ત સમિતિ (CEC) એ કહ્યું કે આ મામલો સુપ્રીમ કોર્ટ દ્વારા ચલાવવો જોઈએ. જોકે, કેન્દ્રએ દલીલ કરી હતી કે 100-મીટર ટેકરી સિદ્ધાંત હેઠળ – જે રિચાર્ડ બરફીના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવ્યો છે – ફક્ત 100 મીટરથી ઉપરના બાંધકામોને અરવલ્લીનો ભાગ ગણવા જોઈએ.

December 23, 2025
image-22.png
1min159

ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ (Electoral Bond Scheme) ને અસંવૈધાનિક ગણાવીને રદ કરી દીધી હતી. ઘણાને એમ હતું કે આ નિર્ણયથી રાજકીય પક્ષોના ફંડિંગમાં ઘટાડો થશે, પરંતુ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કિસ્સામાં ચિત્ર તદ્દન ઉલટું જોવા મળ્યું છે. ચૂંટણી પંચના તાજેતરના અહેવાલ મુજબ, બોન્ડ સ્કીમ બંધ થયા પછી પણ ભાજપના ડોનેશનમાં ધરખમ વધારો થયો છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ભાજપના ‘કોન્ટ્રીબ્યુશન રિપોર્ટ 2024-25’ મુજબ, લોકસભા ચૂંટણીના આ વર્ષમાં પાર્ટીને કુલ ₹6,088 કરોડનું દાન મળ્યું છે. આ આંકડો વર્ષ 2023-24 માં મળેલા ₹3,967 કરોડ કરતા 53 ટકા વધુ છે. નોંધનીય છે કે છેલ્લા 6 વર્ષમાં ભાજપને મળેલું આ સૌથી વધુ વાર્ષિક ફંડ છે.

કોંગ્રેસ કરતા 12 ગણું વધુ ફંડ
વિપક્ષી પાર્ટીઓની સરખામણીએ ભાજપનો ખજાનો ઘણો મોટો છે. આંકડાઓની સરખામણી કરીએ તો:

ભાજપ: ₹6,088 કરોડ
કોંગ્રેસ: ₹522.13 કરોડ

વિપક્ષી એકતા: કોંગ્રેસ સહિત દેશની મુખ્ય 12 વિપક્ષી પાર્ટીઓનું કુલ દાન માત્ર ₹1,343 કરોડ થાય છે. એટલે કે ભાજપને આ 12 પાર્ટીઓના કુલ ફંડ કરતા 4.5 ગણું વધુ દાન મળ્યું છે.

રિપોર્ટની વિગતો તપાસતા જાણવા મળે છે કે ભાજપને મળેલા કુલ ફંડમાંથી:

ઈલેક્ટોરલ ટ્રસ્ટ (Electoral Trusts): ₹3,744 કરોડ (કુલ ફંડના 61%) ટ્રસ્ટ મારફતે મળ્યા છે.
કોર્પોરેટ્સ અને વ્યક્તિગત દાન: બાકીના ₹2,344 કરોડ કંપનીઓ અને વ્યક્તિગત દાતાઓ પાસેથી મળ્યા છે.

ટોપ ડોનર્સ: કોણે કેટલી તિજોરી ખોલી?

ભાજપને મોટું દાન આપનારી કંપનીઓની યાદીમાં દેશના મોટા કોર્પોરેટ જૂથો સામેલ છે:

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII): ₹100 કરોડ
રુંગટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ: ₹95 કરોડ
વેદાંતા લિમિટેડ: ₹67 કરોડ
મેક્રોટેક ડેવલપર્સ (લોઢા ગ્રુપ): ₹65 કરોડ
આઈટીસી (ITC Limited): ₹39 કરોડ
મેનકાઇન્ડ ફાર્મા: ₹30 કરોડ

કેન્દ્ર સરકારે 2017-18 માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી, જેનો હેતુ રાજકીય પક્ષોને અજ્ઞાત રીતે દાન આપવાનો હતો. ફેબ્રુઆરી 2024 માં સુપ્રીમ કોર્ટે આ સ્કીમને પારદર્શિતાના અભાવે અસંવૈધાનિક જાહેર કરી હતી.

જોકે, નવા આંકડા સૂચવે છે કે કોર્પોરેટ જગત હવે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે બેંક ટ્રાન્સફર જેવા અન્ય કાયદેસરના માધ્યમો દ્વારા ભાજપને રેકોર્ડબ્રેક દાન આપી રહ્યું છે.

December 22, 2025
image-21.png
1min155

ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ્સ અનુસાર VT-ALS વિમાન સવારે 6:10 વાગ્યે AI 887 તરીકે મુંબઈ માટે રવાના થયું હતું અને લગભગ 6:52 વાગ્યે પાછું ફર્યું હતું.

22/12/2025 સોમવારે સવારે ટેકઓફ કર્યા પછી તરત જ જમણી બાજુનું એન્જિન ફેઇલ થયું હોવા છતાં એર ઇન્ડિયાનું બોઇંગ 777 વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ્સ અનુસાર VT-ALS વિમાન સવારે 6:10 વાગ્યે AI 887 તરીકે મુંબઈ માટે રવાના થયું હતું અને લગભગ 6:52 વાગ્યે પાછું ફર્યું હતું.

ટ્વીન-એન્જિન વિમાન એક એન્જિન પર સુરક્ષિત રીતે ઉતરી શકે છે, તેથી વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર “22 ડિસેમ્બરના રોજ, દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI 887 ના ક્રૂએ માનક સંચાલન પ્રક્રિયા મુજબ, ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પાછા ફરવાનું નક્કી કર્યું.

વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યું અને મુસાફરો અને ક્રૂ નીચે ઉતરી ગયા છે. આ અણધારી પરિસ્થિતિને કારણે થયેલી અસુવિધા બદલ એર ઇન્ડિયાને ખૂબ જ દુઃખ છે. વિમાનની જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.”

એર ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે “દિલ્હીમાં અમારી ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને તાત્કાલિક સહાય પૂરી પાડી રહી છે અને તેમને ઝડપથી તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇન્ડિયામાં, અમારા મુસાફરો અને કર્મચારીઓની સલામતી અને સુખાકારી અમારી ટોચની પ્રાથમિકતા છે.”

એર ઇન્ડિયા મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરે છે
એન્જિન નિષ્ફળતાની તપાસ કરવા ઉપરાંત, DGCA એ ફ્લાઇટના મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની પણ વ્યવસ્થા કરી હતી. એર ઇન્ડિયાએ તેમને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે બીજા B777 (VT-ALP) વિમાનની વ્યવસ્થા કરી હતી. બોર્ડિંગ ગેટ પર નાસ્તો આપવામાં આવ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે “મુસાફરોનું બોર્ડિંગ સવારે 9:06 વાગ્યે શરૂ થયું હતું અને વૈકલ્પિક ફ્લાઇટ સવારે 10 વાગ્યે રવાના થવાની ધારણા છે,”

December 22, 2025
maharashtra-leaders.jpg
1min112

મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા અને નગર પંચાયતની ચૂંટણીઓમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને ક્લીન સ્વીપ કર્યું છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA)ને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, આ ચૂંટણી પરિણામોમાં સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નું રહ્યું છે, જેનું ખાતું પણ ખુલી શક્યું નથી.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 21 ડિસેમ્બરે જાહેર કરાયેલા પરિણામો મુજબ, ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને કુલ 207 નગર અધ્યક્ષ પદો પર ભવ્ય જીત મેળવી છે. આમાં, ભાજપ 117 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે એકનાથ શિંદે જૂથની શિવસેનાને 53 અને અજિત પવાર જૂથની NCPને 37 પદ મળ્યા છે. બીજી તરફ, વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA) માત્ર 44 નગર અધ્યક્ષ પદો પર જ સમેટાઈ ગયું હતું. MVAમાં કોંગ્રેસે 28, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ 9 અને શરદ પવાર જૂથની NCPએ 7 પદ જીત્યા છે.

આ ચૂંટણીઓમાં રાજ ઠાકરેની MNSનું શરમજનક પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું છે. પાર્ટીનું ખાતું પણ ન ખુલતા તેની જમીની પકડ પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ પહેલીવાર નથી જ્યારે MNSને આવી હારનો સામનો કરવો પડ્યો હોય. ઓગસ્ટ 2025માં મુંબઈ BEST કર્મચારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં પણ MNS અને શિવસેના (UBT)ની સંયુક્ત પેનલ એક પણ સીટ જીતી શકી ન હતી. આ પહેલા, નવેમ્બર 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ MNS 135 બેઠકો પર લડી હતી, પરંતુ એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી.

સતત હાર બાદ હવે સૌની નજર 15 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનારી બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત 29 નગર નિગમોની ચૂંટણીઓ પર છે. આ ચૂંટણીના પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર થશે. આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીઓ એકબીજા સાથે ગઠબંધન કરશે કે કેમ, તે હજુ સુધી સ્પષ્ટ નથી.