ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક (અબડાસા, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા)માંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આવતીકાલે 3/11/2020 આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે મતદાનના દિવસ માટેની રણનીતિને આખરી ઓપ અપાશે. જે તે મત-વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મોટાભાગના મતદારોને પોતાની તરફેણ મતદાન મથક સુધી લઈ જવાની રણનીતિ અમલમાં મુકાશે. મતદાનમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે, અને 10 નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર થશે.
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચારમાં બંને પક્ષોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયો. આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો જાહેરમાં સભા કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જોકે, ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે, અને 3/11/20 ના 8 બેઠકો પર મતદાન યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ દેશભરમાં અનેક વિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ભારતનો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ તા.31મી ઓક્ટોબરને શનિવારે સવારે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 145ની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે આવેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતીની 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
સોલા હોસ્પિટલના ઈન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ બીજા આરએમઓ ડૉ.શૈલેષ પટેલ એસીબીના સકંજામાં આવી ગયા છે. બન્ને આરોપીને એસીબીએ ડિટેઈન કર્યા છે. સિવિલના બે મોટા ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
કોન્ટ્રાક્ટર દ્વારા કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ 1.18 કરોડ રૂપિયાના બીલ મંજૂર કરવા માટે પ્રથમ 30% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે 16% લેખે 16 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલી હતી. જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂપિયા 10 લાખ લઈ લીધેલ તથા બાકીના 6 લાખ રૂપિયા અને સાથે ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા 2 લાખ રૂપિયાની લાંચ માંગેલ એમ મળી કુલ 8 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી.
રાજ્યમાં કોરોનાના સંક્રમણના આઠ મહિના પછી ચેપગ્રસ્ત દર્દીઓના સાજા થવાનો દર ઉત્તરોત્તર વધીને આજે ૯૦ ટકાને પાર થયો છે. જોકે, કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધુ ૯૮૭ કેસનો ઉમેરો થયો છે જ્યારે સારવાર હેઠળના ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧,૭૧,૦૪૦ સુધી પહોંચી છે એમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૮૩ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારની સંખ્યા ૧,૫૪,૦૭૮ થઇ છે એટલે કે ૯૦.૦૮ ટકા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઇ રહ્યા છે. અલબત્ત, મૃત્યુ આંક ૩૭૦૮ સુધી પહોંચ્યો છે જે ૨.૧ ટકા જેટલો થવા જાય છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી ૨૨૩ કેસ નોંધાયા છે એમાં મહાનગરમાંથી ૧૬૨ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્ય અને શહેરના એક એક દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. અમદાવાદ શહેરમાંથી ગુરુવાર સાંજ સુધીમાં નવા ૧૫૯ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના ૧૨ કેસ છે. શહેરમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. એક સપ્તાહમાં વધઘટ પછી વડોદરમાં એકાએક કેસ વધીને ૭૯ સુધી પહોંચ્યા છે જ્યારે ગ્રામ્યના નવા ૩૮ કેસ ઉમેરાયા છે. રાજકોટમાં રફતાર ધીમી પડી હોય તેમ નવા ૫૭ કેસ અને ગ્રામ્યના ૩૯ કેસ નવા નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૧૮ કેસ અને ગ્રામ્યના ૧૦ મળી ૨૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ગાંધીનગરમાંથી કુલ ૩૪ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭ કેસ સાથે એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે.
ભાવનગર જિલ્લામાંથી કુલ ૧૮ કેસ અને જૂનાગઢમાંથી કુલ ૨૩ કેસ ઉમેરાયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણા જિલ્લામાંથી નવા ૩૩ કેસ, બનાસકાંઠા જિલ્લામાંથી ૨૮, નર્મદા ૨૭, કચ્છ અને પાટણમાંથી ૨૧-૨૧ કેસ ઉમેરાયા છે. જ્યારે સાબરકાંઠામાંથી ૨૦, સુરેન્દ્રનગરમાંથી ૧૮ કેસ નોંધાયા છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાંથી ૧૫-૧૫ કેસ, પંચમહાલમાંથી ૧૩ કેસ નવા નોંધાયા છે.
ખેડા અને મોરબી જિલ્લામાંથી ૧૨-૧૨ કેસ, અરવલ્લીમાંથી ૧૧, આણંદ ૯, ભરૂચ ૭, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુરમાંથી ૪-૪ કેસ, દાહોદ, તાપી, નવસારીમાંથી ૩-૩ કેસ, બોટાદ, મહીસાગર અને પોરબંદરમાંથી ૨-૨ કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પોઝિટિવ કેસ શોધવા માટે નવા ૫૨,૯૮૯ ટેસ્ટ કરાયા હતા એનો કુલ આંક ૫૯,૫૦,૬૧૬ સુધી પહોંચ્યો છે જ્યારે હાલ એક્ટિવ કેસ ૧૩,૨૫૪ છે એમાંથી ૬૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૩૧૯૩ સ્ટેબલ છે.
ગુજરાતના માજી મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા, ભાજપાના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતમાં ભાજપના પહેલા સીએમ બનવાનું શ્રેય જેના ફાળે છે એ કેશુભાઈ પટેલે આજે તા.29મી ઓક્ટોબર 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 92 વર્ષની વયે તેમનું નિધન થતાં ભાજપ સમેત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક પ્રસરી ગયો છે. તબિયત નાદુરસ્ત થતાં શ્રી કેશુબાપાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના અવસાનની હોસ્પિટલ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.
PM Modi
Keshubhai mentored and groomed many younger Karyakartas including me. Everyone loved his affable nature. His demise is an irreparable loss. We are all grieving today. My thoughts are with his family and well-wishers. Spoke to his son Bharat and expressed condolences. Om Shanti. pic.twitter.com/p9HF3D5b7y
કેશુબાપાના પુત્ર ભરત પટેલના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી રિવકર થયા બાદ કેશુભાઈનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. તેમને ઓક્સિજન લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
CM વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા તેમને ગુજરાતમાં જનસંઘથી લઈને ભાજપ સુધી વટવૃક્ષ ઉભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વકર્તા ગણાવ્યા હતા.
રુપાણીએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું, એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોક ચાહના અપાવી. તેમના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે.
કેશુબાપા જનસંઘના વખતથી ભાજપ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી પણ હતા. જોકે, 14 માર્ચે સીએમ બનેલા કેશુભાઈને સરકાર સામે બળવો થતાં 21 ઓક્ટોબર 1995માં રાજીનામું આપવું પડ્યું હતું.
1998માં કેશુભાઈ ફરી પૂર્ણ બહુમતી સાથે સીએમ બન્યા હતા. જોકે, આ વખતે પણ તેઓ પોતાની ટર્મ પૂરી નહોતા કરી શક્યા. 26 જાન્યુઆરી 2001ના રોજ રાજ્યમાં આવેલા ગોઝારા ભૂકંપમાં સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતાં આખરે તેમને 6 ઓક્ટોબર 2001ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું.
રાજ્યના શિક્ષણ વિભાગથી ખાસ્સા નારાજ ગુજરાતના ખાનગી સ્કુલોના સંચાલકોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થાય તેમ છે. આમેય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ સામે શાળા સંચાલકો મૂંગા મોઢે 25 ટકા બેઠકો પર બાળકોને સમાવી રહ્યા છે, હવે એ બાળકોના અભ્યાસની વાર્ષિક રૂ.10 હજાર ફીમાં પણ ચાલુ વર્ષે સરકારના નિયમ મુજબ 25 ટકા રાહત શાળાઓએ સરકારને આપવી પડે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.
સુરેન્દ્રનગરની જિલ્લા શિક્ષણ સમિતિએ તાજેતરમાં જારી કરેલા એક પરિપત્રમાં આ મતલબનો એક મુદ્દો ઉપસ્થિત કર્યો છે જેમાં ચાલુ વર્ષે કોવીડ-19ની સ્થિતિમાં શાળાઓ પ્રત્યક્ષ રીતે બંધ હોઇ, વાલીઓની માગણી અનુસાર ગુજરાત સરકારે શાળાઓને 25 ટકા ફી માફી આપવા જણાવ્યું છે. વાલીઓને ભલે સરકારની 25 ટકા ફી માફી નથી જોઇતી પરંતુ, સરકાર એટલે કે સુરેન્દ્રનગરની જિલ્લા શિક્ષણ સમિતિના પરિપત્ર અનુસાર ત્યાંની સ્કુલોએ આર.ટી.ઇ.માં પ્રવેશાર્થી બાળકોની ચૂકવવાની થતી રૂ.10 હજારની વાર્ષિક ફીમાં 25 ટકા રાહત આપીને માગણું તૈયાર કરવું પડે એમ છે. આમ, આ રેલો જે સમગ્ર ગુજરાતમાં વિસ્તરશે તો શાળા સંચાલકોની સ્થિતિ વધુ કફોડી બને તેમ છે.
સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિએ પરિપત્ર કર્યો છે. જેમાં આરટીઈ સંદર્ભની તમામ માહિતી ખાનગી શાળાઓ પાસેથી માગવામાં આવી છે. આ પરિપત્રમાં એક મુદ્દામાં જણાવ્યું છે કે ‘ગત વર્ષે ફી નિયમન સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલી ફીના વાર્ષિક 75 ટકા લેખે બે સત્રમાં ચૂકવવાની થતી હોય તે મજુબ શાળા ફી અંગેની માહિતી તૈયાર કરવાની રહેશે’.આ મુદ્દાનું અર્થઘટન સરકારે આરટીઈ હેઠળ ખાનગી શાળાને ચુકવવાની થતી ટયુશન ફીમાં 25 ટકા રાહત લીધી હોવાનું થઈ રહ્યું છે.
અગ્રણી શાળા સંચાલકો કહે છે સરકારની ક્લેરિટી જરૂરી
સુરતના અગ્રણી પ્રાઇવેટ સ્કુલના ટ્રસ્ટી કહે છે કે આ મુદ્દો હજુ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે ઉપસ્થિત થયો છે. પરંતુ, આ મુદ્દો ઘણો સંવેદનશીલ છે અને રાજ્ય સરકારે આ વિષયમાં સ્પષ્ટતા કરવી જોઇએ. આમેય શાળા સંચાલકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ચૂકી છે ત્યારે જો સરકાર તરફથી 25 ટકા ફી કાપી લેવામાં આવશે તો વધુ ફટકો શાળા સંચાલકોએ સહન કરવો પડશે.
મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ આ અંગે મિડીયા કર્મીઓને જણાવ્યું હતું કે આ પરિપત્ર મુજબ સરકારને પણ વાલીઓની જેમ રપ ટકા રાહત જોઈએ છે. અમને દર વર્ષે આરટીઈના વિદ્યાર્થીની ટોકન દરે માત્ર 10 હજાર રૂપિયા ફી ચુકવવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે 25 ટકા ફી કાપીને આપવાનો પરિપત્ર થયો છે. જે અમને ખુબ અન્યાયકર્તા છે. આ મામલે ન્યાય નહીં મળે તો કોર્ટમાં જવાની તૈયારી મહામંડળે દર્શાવી છે.
પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના ગંભીર ઇન્ફેકશનની સારવાર દરમિયાન આજરોજ તા.27મી ઓક્ટોબર 2020ની સવારે નિધન થયું છે. 77 વર્ષીય નરેશ કનોડીયા અમદાવાદની યુએન મહેતા કોલેજમાં સારવાર હેઠળ હતા.
નરેશ કનોડીયાના મોટા ભાઇ મહેશ કનોડિયાનું અવસાન બે દિવસ પહેલા જ થયું હતું.
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે pic.twitter.com/7lAiDtPYHx
ઢોલીવુડના સ્ટાર નરેશ કનોડિયાને કોરોના થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવાના સમાચાર આવ્યા હતા. સ્વર્ગસ્થ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમના મોતની અફવા પણ ઉડી હતી, જેના પર તેમના પુત્રએ ખુલાસો કર્યો હતો.
ગંભીર હાલતમાં રહેલા નરેશ કનોડિયાની રિકવરી માટે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દેશ-વિદેશમાં અનેક શો કરી ચૂકેલી મહેશ-નરેશની જોડી બે દિવસ પહેલા જ ખંડિત થઈ હતી. મોટાભાઈના અવસાન વખતે પણ નરેશ કનોડિયા હોસ્પિટલમાં હોવાથી હાજરી નહોતા આપી શક્યા.
100થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નરેશ કનોડિયાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. તેઓ કરજણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા. તેમના દીકરા હિતુ કનોડિયા હાલ ઈડરના ધારાસભ્ય છે. તેમના મોટાભાઈ મહેશ કનોડિયા પણ પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામે જાહેર સભા પુરી થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરતા હતા ત્યારે તેમના પર ચપ્પલ ફેંકાતા ચકચાર મચી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કરજણ તાલુકાના કુરાલી ગામે આજે મોડી સાંજે કરજણ પેટા ચૂંટણીના પ્રચાર બાદ ગુજરાતના નાયબ”’ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરતા હતા. દરમિયાન કોઈએ તેમની સામે ચપ્પલ ફેંકતા રાજકીય મોરચે આ ચર્ચાનો વિષય બન્યો હતો. ચપ્પલ ફેંકાયું છતાં નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું.
આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો. તેમ છતાં ચપ્પલ ફેંકનાર ઈસમ ફરાર થઈ ગયો હતો. આ યુવકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
કરજણના ભાજપ પ્રવક્તા હર્ષદભાઈ પરમારે કહ્યું છે કે આવું પ્રકરણ બન્યું નથી. બીજી બાજુ બરોડાની ઉચ્ચ પોલીસ ચપ્પલ ફેંકનારને શોધી રહી છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા જુતાની ઘટનાને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. કોંગ્રેસના આગેવાનો કહે છે કે લોકશાહીમાં પોતાનો રોષ વ્યકત કરવાની આ પધ્ધતિ બિલકુલ વાજબી નથી. પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે તે સમજાતું નથી. નીતિનભાઈ જાહેર જીવનના સંન્નિષ્ઠ રાજપુરુષ છે. તેઓ કોંગ્રેસની સભામાં આવ્યા ન હતા. જે જગ્યાએ સભા યોજાઈ હતી તે સભા, મંડપ, નેતાઓ અને આગેવાનો ભાજપના હતા. તો ત્યાં કોંગ્રેસના આગેવાનો શું કામે જાય ? ભાજપની સભામાં કોંગ્રેસી ઘુસ્યા કે ભાજપી આગેવાનનું કારસ્તાન ?
આ ઘટના બાદ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે, કે ભાજપની સભામાં કોઈ કોંગ્રેસી ઘુસ્યા કે ભાજપના જ કોઈ અસંતુષ્ટ આગેવાનનું આ કારસ્તાન છે ? ભાજપના અક્ષય પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં નાયબ મુખ્યમંત્રી ગયા હતા. તેમના પર ચપ્પલ ફેંકાયું પણ તેમને વાગ્યું ન હતું. બનાવના પગલે નાયબ મુખ્યમંત્રીની સુરક્ષા વધારી દેવાઈ છે. ચપ્પલ ફેંકનારની હજુ સુધી ઓળખ થઈ નથી.
મગફળીની આવકે ગુજરાતમાં નવો વિક્રમ સર્જ્યો છે. ગુજરાતભરમાં સોમવારે આશરે સાડા સાતથી આઠ લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક થઇ હતી. એક તરફ સરકારી ખરીદીનો આરંભ થયો અને બીજી તરફ માર્કેટ યાર્ડોમાં ઐતિહાસિક આવક થતા સૌ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ખેડૂતો મગફળી સાચવીને રાખવા ન માગતા હોય તેમ ઘડાધડ વેંચી રહ્યા હોવાથી નાનામાં નાના સેન્ટરમાં પણ ક્યારેય ન થઇ હોય એટલી આવક થઇ છે. જોકે ખેડૂત વેચવાલી આ પ્રકારે રહી તો પાકમાંથી ઘણો માલ બજારમાં તત્કાળ આવી જશે.
મગફળીની તીવ્ર વેચવાલીના એક નહીં અનેક કારણ છે. ઉંચા ભાવ ઉપરાંત અતિવૃષ્ટિ અને પછી પાછોતરા વરસાદથી મગફળીને વ્યાપક નુક્સાન થયું છે. અસરગ્રસ્ત મગફળી સાચવી રાખવાથી બગાડનું જોખમ છે એ કારણે વેચી રહ્યા છે. વળી, આ વખતે કપાસ મોડો છે. તલ, મગ અને અડદ જેવા પાકો નાશ પામ્યા છે એટલે ખેડૂતોની આર્થિક સંકડામણ દૂર કરવા મગફળી વેંચવાનો વિકલ્પ છે.
ગયા મહિને ગોંડલમાં એક લાખ ગુણી પ્રથમ વખત આવી ત્યારે એમ લાગતું હતુ કે હવે આવી આવક ચાલુ સીઝનમાં નહીં થાય. પરંતુ ખેડૂતોએ ગઇકાલે પોણા બે લાખ ગુણી ઠાલવી દીધી. રાજકોટમાં ય સવા ગુણી આવી ગઇ. આમ મોટાં યાર્ડોમાં સામાન્ય કરતા ત્રણ ગણી આવક થઇ ગઇ છે. નાના સેન્ટરોમાં ય ક્ષમતા કરતા વધારે આવક થઇ છે. આવકોનો અતિરેક એ બતાવે છેકે ખેડૂતોને મગફળી રાખવામાં ઓછો રસ છે.
રાજકોટ અને ગોંડલ યાર્ડ મોટાં છે એટલે ત્યાં જંગી આવક થાય છે. પરંતુ સોમવારે નાના સેન્ટરોમાં પણ ઉડીને આંખે વળગે તેવી આવક હતી. જામજોધપુરમાં લગભગ 16 હજાર ગુણી, જેતપુરમાં 3, અમરેલીમાં 5, કાલાવડમાં 7, વાંકાનેરમાં 6, હળવદમાં 12 અને બોટાદમાં 13 હજાર ગુણી આવક થઇ હતી. મહુવામાં 39 હજાર ગુણી અને જામનગરમાં 35 હજાર ગુણીની ચિક્કાર આવક હતી. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો જાણે મગફળીથી’ ઉભરાઇ રહ્યા હોય તેવી સ્થિતિ છે. ગુજરાતમાં પણ ડિસા ખાતે એક લાખગુણી, પાથાવાડામાં 40 અને હિંમતનગર જેવા સેન્ટરમાં 20 હજાર ગુણી આવી હતી.
જોકે જંગી આવક વચ્ચે માઠી હાલત મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર થઇ છે. ત્યાં સોમવારે કાગડાં ઉડતા હતા. ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોને બોલાવાયા હતા તેના કરતા ફક્ત 20-30 ટકા ખેડૂતો જ આવ્યા હતા. સરકારી કેન્દ્રો ઉપર ખેડૂતો ન જવાનું કારણ ખૂલ્લા બજારમાં રોકડાં નાણાં અને ઉંચો ભાવ મળવાનું છે. આમ જ ચાલ્યું તો સરકારને 13 લાખ ટનના ટારગેટ સામે 6 લાખ ટન જેટલો જથ્થો પણ માંડ માંડ મળશે. એ ખેડૂતો અને વેપારીઓ માટે પણ સારી બાબત છે. ખેડૂતોને ગયા વર્ષમાં ન હતો મળ્યો એટલો ભાવ અત્યારથી મળવા લાગ્યો છે એમ એક અભ્યાસુ ખેડૂત કહે છે. પાછલા વર્ષે રૂ. 700-800 માં મગફળી વેંચતા હતા તેના અત્યારે રૂ. 900-1150 સુધીના ભાવ ઉપજી રહ્યા છે. જામનગરમાં તો અમુક જથ્થો રુ. 1465માં વેચાયો હતો. જ્યારે મહુવામાં રુ. 1250 સુધીનો ઉંચો ભાવ થયો હતો.
સરેરાશ ખેડૂતોને રૂ. 1000-1100 સુધીનો ભાવ મળે છે એટલે સરકારી કેન્દ્રો પર વેંચવામા’ કોઇને રસ નથી. સરકારનો રૂ. 1055નો ભાવ છે. વળી એમાં વેંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વેંચ્યા પછી પેમેન્ટ મળવાના વાંધા છે. દિવસો સુધી પૈસા મળતા નથી. વરસાદથી અસરગ્રસ્ત મગફળી વેંચવા જતા ખેડૂતોને કાઉન્ટમાં સમસ્યા થાય છે એટલે પણ સરકારી ઓટલે જવામાં બહુ ઓછાં ખેડૂતોને રસ છે, સૌને યાર્ડનો ઉંબરો વધારે પસંદ છે.
જામનગર યાર્ડમાં રેકોર્ડબ્રેક 35 હજાર ગુણી આવી
જામનગર,તા. 26 : જામનગરના હાપા મારકેટ યાર્ડમાં ગઇરાત્રે 12 વાગ્યાથી આજે સવારે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની મગફળીનો જથ્થો લઇ આવવા માટેની જાણકારી અપાઈ હતી. તે દરમિયાન રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા 225 વાહનોમાં મગફળીની 35,000 ગુણીની આવક થઇ છે. મગફળીનો ભાવ 850 રૂપિયાથી 1465નો બોલાયો હતો. તે પણ એક રેકોર્ડ છે. હવે પાંચ દિવસ આવક બંધ કરાઈ છે. આજે સવારે 10 વાગ્યાથી હાપા માર્કેટીંગ યાર્ડમાં ઓપન બજારમાં હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 20 કિલો (એક મણ) મગફળીનો ભાવ 850થી રેકોર્ડ કહી શકાય એટલો 1,465નો ભાવ બોલાયો હતો. જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. મગફળી સારી હોવાથી 1465 જેટલો ભાવ મળતો હોવાના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેંચાણ પ્રક્રિયામાં નિરસતા દાખવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.