CIA ALERT

ગુજરાત Archives - Page 157 of 158 - CIA Live

May 24, 2018
vedik.jpg
1min12510
ગુજરાતમાં આ ઉનાળામાં પાણીની તંગીનો સામનો કરવો પડ્યો છે. ઉનાળાની શરુઆતમાં જ ગુજરાતના 204 ડેમ્સમાં માત્ર 29 ટકા જ પાણી છે. પાછલા વર્ષે આ સમય દરમિયાન 40 ટકા પાણી ઉપલબ્ધ હતું. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રુપાણી સરકારને ચિંતા છે તે, જો ચોમાસામાં વરસાદ ઓછો પડશે અને પાણીની તંગીની સ્થિતિ વકરશે તો ચૂંટણીમાં તેની અસર જોવા મળશે.
વિજય રૂપાણીની આગેવાની વાળી ગુજરાતની ભાજપ સરકાર ૩૧ મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરૂણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે ૩૧ જિલ્લાઓ અને આઠ મુખ્ય શહેરોમાં પરજન્ય યજ્ઞ કરાવશે. ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનાથી ચાલતા ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનના અંતિમ દિવસે એટલે કે ૩૧મી મેના રોજ પરજન્ય યજ્ઞો કરાવવામાં આવશે. આ અભિયાન હેઠળ નદી, તળાવો, કેનાલ્સ તેમજ પાણીનો સંગ્રહ કરતા અન્ય સંસાધનોને ઉંડા કરવામાં આવ્યા હતા જેથી ચોમાસામાં સિંચાઈ માટેનું પાણી વધુ માત્રામાં સંગ્રહ કરી શકાય.
બુધવારે થયેલી રાજ્યની કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં સારો વરસાદ પડે તેની પ્રાર્થના કરવા માટે ૩૧મી મેના રોજ પરજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં ૪૧ સ્થળોએ આ યજ્ઞો થશે અને પ્રસાદ વહેંચવામાં આવશે. હું, મુખ્યમંત્રી વિજય રુપાણી, રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ યજ્ઞોમાં ભાગ લેશે.
આ ઉપરાંત કલેક્ટર્સને તેમના જિલ્લામાં યજ્ઞનું આયોજન કરવાનો આદેશ અપાયો છે અને સીનિયર IAS ઓફિસર એ.એમ.તિવારીને ઈવેન્ટના ઈન-ચાર્જ રાખવામાં આવ્યા છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશના મુરાદાબાદથી ખાસ કળશ મંગાવવામાં આવશે અને મોટા પ્રમાણમાં તેને વહેંચવામાં આવશે. આ સિવાય ગ્રામીણો અને શહેરીજનોને યજ્ઞમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
May 24, 2018
D-1.jpg
1min14570
65મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં મનીષ સૈનીની ‘ઢ’ સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ બની છે. જેમાં એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ સૈનીનું દિગ્દર્શન છે. મૂળ હરિયાણા અને હાલ અમદાવાદના પાલડીમાં રહેતા મનીષ સૈની એનઆઈડીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. આ ફિલ્મનું બજેટ બે કરોડ જેટલું હતું. અભ્યાસ દરમિયાન જ તેમણે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મ માટે જ્યારે નસીરુદ્દીન સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે ફિલ્મ માટે સારી સ્ટોરી હોવાનું કહ્યું હતું, ત્યાર બાદ તેમણે ફિલ્મમાં કામ કરવા સંમતિ આપી હતી. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ફિલ્મમાં સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત છે. જોકે ફિલ્મ હજી થિયેટરમાં રિલીઝ થવાની બાકી છે. આ ફિલ્મ ભવન્સ કોલેજમાં ઊભા કરાયેલા સેટ પર ત્રણ સતત 12 – 12 કલાક કામ કરીને તૈયાર કરવામાં આવી હતી,  આ ફિલ્મમાં નસિરુદ્દીન શાહ એક જાદુગરની ભૂમિકામાં છે. આ પહેલાં 2017માં ‘રોંગ સાઇડ રાજુ’ને પણ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
આ સિવાય હિન્દી ફિલ્મ ‘ન્યૂટન’માં ઉમદા અભિનય બદલ પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ‘ન્યૂટન’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ‘મોમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ‘બાહુબલી’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મ, બેસ્ટ એક્શન ડિરેક્શન અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ મૂવીનો એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ ‘ટોઇલેટ – એક પ્રેમ કથા’ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ગણેશ આચાર્યે કોરિયોગ્રાફી કરી છે. ‘ગાઝી’ને બેસ્ટ તેલુગુ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.
May 24, 2018
gujcmdcm.jpg
1min17490

રાજ્ય સરકાર દ્વારા સરકારી પડતર જમીન વિવિધ હેતુ માટે આપવામાં આવે છે તેની જે કિંમત છે તેની ફોર્મ્યુલામાં ફેરફાર કરવા માટે વિચારણા ચાલી રહી છે. હાલ પડતર જમીનની જે બજાર કિંમત હોય તેના કરતા પડતર જમીનની કિંમત વધુ આવતી હોય તેવું અનેક કિસ્સામાં જોવામાં આવ્યું છે જેથી જાહેર હેતુ માટે જે જમીન આપવામાં આવે છે તેની કિંમત વધી જતી હોય છે. તેને લઇને કિંમત ઘટાડવા રાજ્ય સરકારના મહેસૂલી વિભાગથી લઇને નિર્ણયકર્તાઓમાં વિચારમંથન શરૂ થયું હોવાની વિગતો જાણવા મળી છે. રાજ્ય સરકારની માલિકીની મનાતી પડતર જમીનની જે કિંમત નક્કી કરતી હાલની ફોર્મ્યુલામાં શું ફેરફાર કરી શકાય તે માટે સરકારમાં ઉચ્ચ સ્તરે વિચારણા ચાલી રહી છે. આ માટે બેઠકોના દોર ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં આ માટે લીલી ઝંડી મળ્યા બાદ સરકારી પડતર જમીન માટે નવી કિંમત નક્કી કરવામાં આવી શકે છે.

સરકાર દ્વારા પડતર જમીન હોય તે વિવિધ હેતુ માટે આપવામાં આવતી હોય છે. જેમાં શૈક્ષણિક હેતુથી કેટલાક ટ્રસ્ટ દ્વારા જમીનની માગણી થતી હોય છે. ધાર્મિક અને સામાજિક પ્રવૃતિ માટે પણ સરકાર પાસે પડતર જમીનની માગણીઓ આવતી રહેતી હોય છે. તે ઉપરાંત સરકારના પોતાના બોર્ડ-નિગમોના કામકાજ માટે પણ આવી જમીન આપવામાં આવતી હોય છે. જો કે આવી જમીનની કિંમત નક્કી કરતી વખતે એ ધ્યાન પર આવ્યું છે કે સરકારી ફોર્મ્યુલા મુજબ જંત્રી પ્રમાણે જે રકમ નક્કી કરવામાં આવેલી છે તે જે તે સ્થળે આવેલી જમીનની બજાર કિંમત કરવા વધુ હોય છે. તેના કારણે સરકારને જમીનની કિંમત વધુ થતી હોવાની રજૂઆતો પણ કેટલીક સંસ્થાઓ દ્વારા મળતી હોય છે.

May 23, 2018
vinodbhatt.jpg
1min14320
ગુજરાતી ભાષાના શીરમોર હાસ્યલેખક વિનોદ ભટ્ટનું લાંબી માંદગી બાદ સારવાર દરમિયાન આજે નિધન થયું છે. વિનોદ ભટ્ટની તબિયત છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી નાદુરસ્ત હતી. કિડનીની બીમારી સામે સતત હસતા હસતા ઝઝૂમતા વિનોદભાઈને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અનેક સાહિત્યકારોએ એમની મુલાકાત લીધી હતી. મંગળવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ વિનોદ ભટ્ટ સાથે અડધો કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ દરમિયાન વિનોદ ભટ્ટ બોલી શકતા ન હતા. આ ઉપરાંત અંગતમિત્રો એવા હાસ્યકાર રતિલાલ બોરીસાગર અને કવિ ભાગ્યેશ ઝાએ પણ વિનોદ ભટ્ટ સાથે સમય ગાળ્યો હતો. વિનોદ ભટ્ટના પાર્થિવ દેહને તેમના સ્વજનો અને પરિવારજનો માટે અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાન ધર્મયુદ્ધ કોલોની, ગીતામંદિર મણિનગર રોડ ખાતે મૂકવામાં આવશે. ત્યારબાદ તેમના દેહ દાનની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ભાષામાં હાસ્ય લેખન માટે જ્યોતિન્દ્ર દવે બાદ જો કોઈનું નામ લોકોના મુખે ચઢતું હોય તે વિનોદ ભટ્ટ છે. તેમના સાહિત્ય ક્ષેત્રે યોગદાનને ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. તેમની રચનાઓમાં પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદવિમર્શ, ભૂલચૂક લેવી-દેવી જેવી કૃતિઓનો સમાવેશ છે. વિનોદ ભટ્ટને ૧૯૭૬માં કુમાર ચંદ્રક, ૧૯૮૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઇ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.
May 23, 2018
1min14300

રાજપોરના શાપર નજીકની એક ફેક્ટરીના કમ્પાઉન્ડ નજીક પાંચ વ્યક્તિએ એક દલિત પુરુષની મારપીટ કરીને કરેલી હત્યાની ઘટનાને મામલે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન-એનએચઆરસીએ ગુજરાત સરકારને નૉટિસ પાઠવી હતી.

કચરો વીણવાનું કામ કરતા ૩૫ વર્ષના મૂકેશ વાણિયા અને તેની પત્ની જયાબેન વાણિયા સાથે ૨૦મી મેએ નિર્દય રીતે મારપીટ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

મૂકેશ અને તેની પત્ની જયાબેન ભંગારની ચોરી કરવા આવ્યા હોવાની શંકાને પગલે ફેક્ટરીના માલિક સહિત પાંચ વ્યક્તિએ મૂકેશને ઢોેરમાર મારીને તેની હત્યા કરી હતી.

એનએચઆરસી દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યાનુસાર સમાચારપત્રના અહેવાલમાં આપવામાં આવેલી વિગતો સાચી હોય તો આ ઘટના અસરગ્રસ્તના માનવઅધિકારના ભંગનો ગંભીર મુદ્દો બને છે અને એ આધારે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવને નૉટિસ પાઠવી ચાર અઠવાડિયાની અંદર ઘટના અંગે અહેવાલ રજૂ કરવા તેમ જ અસરગ્રસ્ત પરિવારને રાહત પહોંચાડવા લેવામાં આવેલાં પગલાંની જાણકારી આપતો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.

વાયરલ થયેલા વીડિયોમાં ઘટનાનો ભોગ બનેલા મૂકેશ વાણિયાને બે વ્યક્તિ લાકડીથી વારાફરતી ફટકારતી જોવા મળતી હતી તો એક વ્યક્તિએ મૂકેશની કમરમાં બાંધેલા દોરડા વડે તેને પકડી રાખી હોવાનું જોઈ શકાતું હતું.

એસસી/એસટી પ્રિવેન્શન ઑફ એટ્રોસિટી (પીઓએ) ઍક્ટ તેમ જ હત્યા, મહિલા પર હુમલો અને બળજબરીપૂર્વક ગોંધી રાખવા સંબંધિત આઈપીસીની કલમ અંતર્ગત રાદડિયા ઈન્ડસ્ટ્રીઝના માલિક સહિત પાંચે આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું રાજ્યના ગૃહ ખાતાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું.

ગુનેગારો વિરુદ્ધ સરકાર કડક પગલાં લઈ રહી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાદડિયા ઈન્ડસ્ટ્રીઝ નજીકથી અસરગ્રસ્ત દંપતી કચરો વીણી રહ્યું હતું ત્યારે તેને પકડી લઈ આરોપીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો.

મૂકેશને સારવારાર્થે રાજકોટની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું મૃત્યુ નીપજ્યું હતું, એમ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કહ્યું હતું. ઘટનાને મામલે પોલીસ તપાસ આરંભવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

May 22, 2018
monsoon.jpg
1min14390

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગેની આગાહી કરવામાં આવી છે, જેમાં ચોમાસું 15મી જૂને બેસશે તેમ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં સામાન્ય કરતાં ત્રણ દિવસ વહેલું એટલે કે 29મી મેના રોજ ચોમાસુ બેસશે. જ્યારે સામાન્ય રીતે તે બીજી જૂને બેસતું હોય છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનો પારો 42 ડિગ્રીની ઉફર રહેશે અને કાળઝાળ ગરમી યથાવત્ રહેશે. અરબી સમુદ્રમાં વરસાદની પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન અને વાવાઝોડા સક્રીય થઈ રહ્યાં છે ત્યારે આગામી 48 કલાકમાં જ વાવાઝોડું સક્રિય બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ગરમીનો કહેર વધે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ તાપમાન 42 ડિગ્રીથી 44.5 ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેને પગલે અમદાવાદમાં યલ્લો-ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને ગરમીમાં વધુને વધુ પાણી પીવા સલાહ આપવામાં આવી છે.

May 22, 2018
bitcoin_1.jpg
1min13720

– CID ગુજરાતની ટીમે વધુ એક FIR દર્જ કરી : સુરતીઓનું ‘રોકાણ’ પડાવનાર 3 પૈકીના ધવલ અને સાગરિત પીયૂષને ગોંધી રાખી બિટકોઈન અને રોકડ પડાવી લીધા હતા

– પિયુષ અને ધવલને ફાર્મહાઉસમાં રાખી રિવોલ્વર બતાવીને 2,200 રૂપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતા બિટકોઈન પડાવી લેવાયાં હતાં

આખરે, સુરતમાં ધવલ અને પિયૂષનું અપહરણ કરી, ગોંધી રાખી, રિવોલ્વર બતાવીને 155 કરોડની બિટકોઈન ખંડણીને કેસના ‘સૂત્રધાર’ તરીકે શૈલેષ ભટ્ટ સામે CIDએ ફરિયાદ નોંધી છે. શૈલેષ ભટ્ટે આપેલી અરજીના આધારે CIDએ ફરિયાદી બનીને કિરીટ પાલડિયા અને અમરેલી પોલીસ SP, PI સહિતના પાંચ આરોપીને ઝડપી લીધા હતા. પણ, 12 કરોડનો આ બિટકોઈન ખંડણી કેસ જેના કારણે બન્યો હતો તે 155 કરોડના ખંડણી કેસમાં શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની વૈસી ભરની” જેવું થયું

આ કેસમાં શૈલેષ ભટ્ટના ‘પોલીસપુત્ર’ ભાણેજ નિકુંજ ભટ્ટની રાજકોટથી અને સાગરિત દિલીપ કાનાણીની મુંબઈથી અટકાયત કર્યા પછી CIDએ વિધિવત ફરિયાદ નોંધી છે. પોલીસને નિકુંજ અને દિલીપના બે દિવસના રિમાન્ડ પર મેળવ્યાં છે. સીઆઈડીના વડા, DGP આશિષ ભાટિયાએ આજે પત્રકારોને જણાવ્યું કે, ગત તા. 30-1-2018ના રોજ દિલીપ કાનાણીએ સુરતમાં પોતાના લેપટોપમાં એરર ઠીક કરવાના બહાને પિયુષ સાવલિયાને બોલાવ્યો હતો. પિયુષને ત્રણ દિવસ ગોંધી રાખી ‘બિટ કનેક્ટ’વાળા ધવલ માવાણીનું સરનામું મેળવ્યું હતું.

તા. ૧ ફેબ્રુઆરીએ ધવલને ઉઠાવી લીધો હતો અને તેની પાસેથી 2200 બિટકોઈન, 11000 લાઈટકોઈન અને ધવલને મુક્ત કરવા રૂ. 14.50 કરોડનો આંગડિયા હવાલો મેળવી લેવાયો હતો. આમ, 155 કરોડની બિટકોઈન ખંડણી ઉઘરાવી લેવાઈ હતી. પિયુષને ધમકાવી, પૈસા આપીને પોતાનું અપહરણ થયું નથી તેવી ‘એફીડેવિટ’ કરાવી CIDમાં અપાવાઈ હતી. પણ, CIDએ પર્દાફાશ કરીને 155 કરોડની બિટકોઈન ખંડણીમાં સૂત્રધાર તરીકે શૈલેષ ભટ્ટને દર્શાવી કુલ નવ આરોપી સામે ગુનો નોંધ્યો છે.

જુના બિટકોઈન ખંડણી કેસના ‘રાઝ’ શૈલેષ ભટ્ટ સામે ગુનો નોંધાયો તે સાથે ખૂલી રહ્યાં છે. CIDએ જણાવ્યું કે, શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણી ઉઘરાવાઈ તે પછી કિરીટ પાલડિયા પાસેથી ધવલ પટેલ (માવાણી) પાસે અનેક બિટકોઈન હોવાની જાણકારી અમરેલી પોલીસને મળી હતી. અમરેલી LCBના પ્રતાપ ડેર સહિત છ પોલીસકર્મીની ટીમ ધવલને શોધવા મુંબઈ પહોંચી ગઈ હતી.

ધવલ માવાણી પાસે 1860 બિટકોઈન હોવાની જાણકારી હોવાથી અમરેલી પોલીસ મુંબઈ ગઈ અને ત્રણ દિવસ સુધી દોડધામ કરી હતી. પણ, ધવલ પટેલ વિદેશ જતો રહ્યો હોવાની જાણકારી મળતાં આખરે આ ટીમ પાછી ફરી હતી. શૈલેષ ભટ્ટે બનાવટી ઈન્કમટેક્સ ઓફિસર બનીને અને તેના સાગરિતોને ‘નકલી પોલીસ’ એટલે કે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનાવીને ધવલ પાસેથી બિટકોઈન પડાવ્યા હતા. જો કે, શૈલેષે ગોઠવેલી નકલી પોલીસ પાસે લૂંટાયેલો ધવલ અમરેલી પોલીસથી બચી ગયો હતો.

 નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ અન્ડરગ્રાઉન્ડ!

નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં!

‘જૈસી કરની, વૈસી ભરની’ આ અહેસાસ નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટને થતો હશે. કદાચિત, આવનારાં દિવસોમાં ધવલ માવાણી, દિવ્યેશ દરજી અને સતિષ કુંભાણીને પણ થશે. બિટકોઈન કૌભાંડ આચરીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર આ ત્રિપૂટી પૈકીના ધવલ પાસેથી શૈલેષે રૂપિયા ખંખેર્યા હતા. શૈલેષ સૂટ-બૂટ પહેરીને ઈન્કમટેક્સ ઓફિસર બન્યો હતો અને તેના સાગરિતોને નકલી પોલીસ અધિકારી બનાવ્યાં હતાં.

શૈલેષે ફેબ્રુઆરીના પ્રારંભે તોડબાજી કરી તેના ૧૫ જ દિવસ પછી તેના ભાગીદાર કિરીટ પાલડિયાએ શૈલેષ ભટ્ટને ખંખેરવાનું કારસ્તાન ઘડી નાખ્યું. શૈલેષે ફરિયાદ કરી તો તે પણ આરોપી બની ગયો છે. શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની, વૈસી ભરની’ જેવું થયું છે. નલિન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયાં છે તે જ રીતે શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કોટડિયાને શોધવા ત્રણ ટીમ કાર્યરત હોવાનું સીઆઈડીએ જણાવ્યું હતું.

May 22, 2018
c9.jpg
2min15230
કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટૂડો આઠ દિવસનાં ભારતીય પ્રવાસ પર આવ્યા હતા. તેઓ આ પ્રવાસ પર પોતાના પરિવાર સાથે આવ્યા હતા. પીએમ જસ્ટિનનાં સૌથી નાનો દીકરો હૈડ્રિન હાલ સોશ્યલ મિડીયા પર છવાઈ ગયો છે. વિશ્વભરના લોકોને આ બાળક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ તેમના ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. સાબરમતિ આશ્રમમાં અને ગાંધીનગર અક્ષરધામમાં તેઓ કુર્તા પાયજામામાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. ટ્વિટર પર ઘણાં બધા લોકોએ તેમની સરખામણી કરીના કપૂર અને સૈફ અલીખાનના દિકરા તૈમુર સાથે પણ કરી છે.
જુઓ ક્યુટેસ્ટ કીડ ઓફ ધ વર્લ્ડ હૈડ્રિનની કેટલીક તસ્વીરો જ્યારે એ ગુજરાતમાં સાબરમતિ આશ્રમની મુલાકાતે આવ્યા હતા ત્યારે લેવામાં આવી હતી.
May 22, 2018
ausi_india.jpg
1min14370

પહાડો વચ્ચેની જગ્યા કૂદી જઈને સેલ્ફી લેવામાં નીચે પટકાતા મોત

‘અંકિતને દરેક સ્થળે સેલ્ફી લેવાનો ક્રેઝ હતો’

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીને સેલ્ફી લેવાનું મોંઘું પડી ગયું હતું. સેલ્ફી લેવાના ચક્કરમાં તેણે પોતાનો જીવ ગુમાવી દીધો છે. ૨૦ વર્ષીય અંકિત નામના આ વિદ્યાર્થીએ પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એક જાણીતા પ્રવાસન સ્થળે સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું. તે પહાડો પર ચઢ્યો હતો અને તેના ખડકો વચ્ચેની જગ્યાને કૂદી જઈને દોડી રહ્યો હતો. એવામાં તે ૪૦ ફૂટ નીચે સમુદ્ર કિનારે રહેલા ખડકોમાં ખાબક્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઐતિહાસિક બંદર એલ્બાની પાસે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થી એ સમયે તેના મિત્રો સાથે હતો. તે પર્થમાં અભ્યાસ કરી રહ્યો હતો અને ગુરૂવારે પોતાના મિત્રો સાથે સેલ્ફી લેવાના પ્રયાસમાં પહાડ પર ચઢીને દોડી રહ્યો હતો. એ સમયે પગ લપસી જતા તે સીધો જ ૪૦ ફૂટ નીચે પટકાયો હતો. સર્ચ અભિયાનમાં એક કલાક બાદ તેની લાશ મળી હતી. તેના મિત્રએ કહ્યું હતું, ‘અંકિત ફોટો લેતી વખતે સાવધ હતો પણ અચાનક તેનો પગ લપસી ગયો હતો.

May 21, 2018
kerosene-l.jpg
1min14890

રાજ્યના તમામ મહાનગરોમાં આગામી તા. ૧લી સપ્ટેમ્બરથી એપીએલ કાર્ડધારકોને કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે અને તમામ એપીએલ કાર્ડધારકોને તા. ૧લી સપ્ટેમ્બર પહેલા પીએનજી કે એલપીજી જોડાણ મેળવી લેવા પણ તાકિદ કરવામાં આવી છે.

અંત્યોદય અને બીપીએલના કાર્ડધારકોને પણ મે મહિનાથી સબસિડીના ધોરણે ગેસ જોડાણની સહાય યોજના અમલમાં મુકાઈ છે. જેમાં સરકાર કે ઉજ્જવલા યોજનાનો બન્ને તબક્કામાં જોડાણ ન મળ્યા હોય તેવા અંત્યોદક તે બીપીએલ પરિવારની મહિલાની પ્રથમ પસંદગી અને તે ના હોય તો પુરુષની પસંદગી કરીને તેમને રૂ. ૧૬૦૦ની જોડાણ માટેની સબસિડી અપાશે. રાજ્યમાં પહેલા તબક્કામાં ૧૨.૬૦ લાખ ગેસ જોડાણ આપી દીધા છે. કેરોસીનના બદલે સ્વચ્છ ઈંધણનો ઉપયોગ થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ વિભાગ દ્વારા જણાવાયું છે.

રેશનિંગના ગ્રાહકોને ક્રમશ: અનાજ અને કેરોસીન વિગેરે બંધ કરવાની રાષ્ટ્રીય નીતિના ભાગરૂપે રાજ્યમાં આઠ મહાનગરોના એપીએલ (એબોવ પોવર્ટી લાઈન) કાર્ડધારકોને આગામી તા.૧લી સપ્ટેમ્બરથી કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે. તે પૂર્વે એપીએલ કાર્ડધારકોને તેમના ખર્ચે પીએનજી કે એલપીજી જોડાણ મેળવી લેવા પણ તાકીદ કરાઈ છે. તે પછી તમામ જિલ્લાના મુખ્ય મથકોમાં પણ છ માસમાં એપીએલના કાર્ડધારકોને કેરોસીન બંધ કરવામાં આવશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ જાહેર વિતરણના કેરોસીનમાં પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરોમાં એપીએલને અપાતો રેશનકાર્ડ પરનો જથ્થો બંધ કરવામાં આવશે. આ ગ્રાહકોને પુરવઠા વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવશે. જેમાં જૂનથી ઓગસ્ટ મહિના સુધીના ગાળામાં પોતાના ખર્ચે એલપીજી કે પીએનજી જોડાણ મેળવી લેવાનું રહેશે. ૧-૯-૨૦૧૮થી મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર વિતરણનું કેરોસીન એપીએલ કાર્ડધારકોને બંધ કરાશે. તે પછી તમામ જિલ્લાના મુખ્ય મથકોમાં ૩૦ નવેમ્બર સુધીમાં પીએનજી કે એલપીજી જોડાણ તેવી જ રીતે લેવાનું કહેવામાં આવશે અને ૧ ડિસેમ્બરથી એપીએલનું કેરોસીન બંધ કરાશે. એપીએલમાં હાલ વ્યક્તિદીઠ બે લિટર અને મહત્તમ ચાર લિટર કેરોસીન અપાય છે.