ભારતમાં કોરોના કેસોની સંખ્યા 1.20 કરોડના આંકડાને પાર કરી ગઇ છે એવી જ રીતે ભારતમાં વેક્સીન લેનારા લોકોની સંખ્યા પણ ૬ કરોડના આંકડાને પાર કરી ગઇ છે.
29/3/21 સોમવારે ભારતમાં 68,020 નવા કેસ નોંધાયા છે, આ પાછલા વર્ષે ઓક્ટોબર પછી એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસ છે. દેશમાં કુલ કોરોના કેસનો આંકડો 1,20,00,000 ને પાર થઈ ગયા છે.
હાલ દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની લહેર પાછલા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવેલી લહેર કરતા વધારે ઝડપી છે, આ વખતે વધુ ઝડપથી નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલી લહેર દરમિયાન 32 દિવસમાં 18,000 કેસથી 50,000 કેસ થયા હતા.
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, કેરળ, તમિળનાડુ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ એમ દેશના આઠ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને સાથોસાથ ભારતમાં કોરોના કેસોની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે.








