CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 18 of 143 - CIA Live

July 9, 2024
rathyatra_2019.jpg
1min322

ઓડિશાના પુરીમાં ચાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં ફરી મોટી દુર્ઘટના બની છે. અહીં રથમાંથી ભગવાન બલભદ્રની મૂર્તિને ઉતારતી વખતે ભક્તો પડી જવાની પ્રથમવાર ઘટના બની છે, જેમાં આઠ સેવકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી પાંચને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભગવાન બલભદ્ર રથમાંથી પડી જતા જોવા મળી રહ્યા છે.

ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા : જિલ્લા મેજિસ્ટ્રેટ

જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકરે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ભગવાન બલભદ્રના રથ પર એક નાની ઘટના બની છે, જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા છે. તમામ સેવકોએ સ્થિતિને કાબુમાં કરી લીધી છે.

પુરીમાં પ્રથમવાર બે દિવસની  રથયાત્રા

ઉલ્લેખનીય છે કે, પુરીમાં 1971થી એક દિવસની રથયાત્રા યોજાતી રહી છે, ત્યારે આ વખતે બે દિવસ રથયાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે. અહીં દર વર્ષે ઓડિશા તેમજ અન્ય રાજ્યોના અસંખ્ય શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોય છે.

સાતમી જુલાઈએ રથયાત્રામાં નાસભાગ મચી હતી

આ પહેલા સાતમી જુલાઈએ રથ ખેંચતી વખતે નાસભાગ મચી હતી, જેમાં 400થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ રથયાત્રા અટકાવી દેવાઈ હતી અને બીજા દિવસે એટલે કે આઠમી જુલાઈએ સવારે 9.00 કલાકે ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

July 7, 2024
assam-floods.png
1min355
Seven lakhs affected by floods in Assam 13 rivers flow at alarming levels

દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં(Assam)શનિવારે પૂરના કારણે સ્થિતિ ગંભીર બની હતી. અહીંની મુખ્ય નદીઓ ઘણી જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 30 જિલ્લાઓમાં 24.50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. આ વર્ષે પૂરના(Flood)કારણે 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે 12 લોકોના મોત થયા છે. પૂર પ્રભાવિત ડિબ્રુગઢ જિલ્લામાંથી પરત ફરેલા મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ શુક્રવારે અધિકારીઓ સાથે બેઠક કરી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી.

મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી

સીએમ હિમંતા વિશ્વ શર્માએ કહ્યું, ડિબ્રુગઢના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી અમે કેટલાક અન્ય મુદ્દાઓ સાથે સ્વાસ્થ્ય નાણાકીય સહાય યોજના ‘આસામ આરોગ્ય નિધિ’ની સમીક્ષા કરી હતી, શર્માએ પણ કહ્યું હતું કે અધિકારીઓને ખાસ કરીને તે આપવા માટે કહેવામાં આવ્યું છે. દુર્લભ કેસો અને હાલની કોઈપણ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ન હોય તેવા કેસોને અગ્રતા આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂર પ્રભાવિત લોકો સાથે વાત કર્યા પછી, અધિકારીઓને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ જિલ્લાઓ પૂરથી વધુ પ્રભાવિત છે

સ્વચ્છ પીવાના પાણીના પુરવઠા અંગે તેમણે કહ્યું કે ‘જલ જીવન મિશન’ યોજના ‘આ મુશ્કેલ સમયમાં આશાના કિરણ’ તરીકે ઉભરી આવી છે. કચર, કામરૂપ, હૈલાકાંડી, હોજાઈ, ધુબરી, નાગાંવ, મોરીગાંવ, ગોલપારા, બરપેટા, ડિબ્રુગઢ, નલબારી, ધેમાજી, બોંગાઈગાંવ, લખીમપુર, જોરહાટ, સોનિતપુર, કોકરાઝાર, કરીમગંજ, દક્ષિણ સલમારા, દરરંગ અને તિનસુકિયા જિલ્લા પૂરથી પ્રભાવિત છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના બુલેટિન મુજબ, સૌથી વધુ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ધુબરી, દારંગ, કચર, બરપેટા અને મોરીગાંવનો સમાવેશ થાય છે. કુલ 47,103 અસરગ્રસ્ત લોકોએ 612 શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે 4,18,614 લોકોને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે.

July 5, 2024
mobile-india.jpg
1min289

ત્રણ જુલાઈ-2024થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Reliance Jio, Bharti Airtel and Vodafone Idea)એ મોબાઈલ ટેરિફમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ (Mobile Users) પર વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો નાખ્યો છે.’

Airtel vs Vodafone Idea vs Reliance Jio tariff hike: Check out new  cheapest, costliest plans - BusinessToday

સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, ‘ત્રણ અને ચાર જુલાઈના રોજ દેશની ત્રણ ટેલીકૉમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોટાફોન આઈડિયાનો માર્કેટ શેર 91.6 ટકા છે અને તેમના 109 કરોડ સેલ ફોન યુઝર્સ છે. મોદી સરકારની મંજૂરી બાદ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો ગ્રાહકો પર નાખી દીધો છે.’

રણદીપ સુરજેવાલાએ ટ્રાઈના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ‘ટેલીકૉમ કંપનીઓ પોતાના યુઝર્સો પાસેથી 31 ડિસેમ્બર-2023 સુધીમાં દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી. રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં 12થી 27 ટકા, એરટેલે 11થી 21 ટકા અને વોડાફોન આઈડિયાએ 10-24 ટકાનો વધારો કર્યો છે.’

તેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને 72 કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ વધારાથી રિલાયન્સ જિયોને 17,568 કરોડ રૂપિયા, એરટેલને 10,704 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક 6552 કરોડ રૂપિયાની કમાણી થશે.

કોંગ્રેસે મોબાઈલ ટેરિફમાં વધારા મુદ્દે સરકારને ઘણા પ્રશ્નો કર્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે, ‘92 ટકા બજાર હિસ્સો ધરાવતી ટેલિકોમ કંપનીઓને એકતરફી રૂ.34,824 કરોડનો ટેરિફ વધારવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું સરકાર અને TRAI 109 કરોડ યુઝર્સ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી દૂર થઈ ગયા છે? શું મોબાઈલ ટેરિફમાં વધારો લોકસભા ચૂંટણીના અંત સુધી મોકૂફ રખાયો હતો? શું સરકાર કે ટ્રાઈએ કંપનીઓની કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાતો પર અભ્યાસ કર્યો છે કે નહીં?

July 4, 2024
monsoon.jpg
1min310

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસની અંદરમાં સૌથી વધુ આજના (4 જુલાઈ) દિવસે વરસાદનું જોર રહેશે.  રાજ્યના બનાસકાંઠા, સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે. જ્યારે રાજ્યના પશ્ચિમ ભાગના જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે (4 જુલાઈ)  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણના ભાગોમાં નર્મદા, સુરત અને તાપી સહિતના જિલ્લામાં વરસાદ ધબળાટી બોલાવશે. આ ઉપરાંત, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરુચ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ડાંગમાં ભારે વરસાદ થવાની આગાહી છે. જોકે, રાજ્યના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું પ્રમાણ નહીવત જોવા મળશે.

05 જુલાઈના દિવસે રાજ્યના ઉત્તર ગુજરાત, પૂર્વ-પશ્ચિમ ભાગોના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ મધ્યમ રહેશે. આ સિવાય રાજ્યના દક્ષિણ-પશ્ચિમ, સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગ સહિતના કેટલાંક જિલ્લામાં ધીમીધારે વરસાદ પડશે.

06 જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ધારે વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. 

07 જુલાઈમાં રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદનું પ્રમાણ મધ્યમ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.

08 જુલાઈના રોજ વરસાદનું પૂર્વાનુમાન કરતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ રહેશે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલી રહેશે.

July 3, 2024
image.jpeg
1min296

કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારી પેન્શન યોજના, 1995માં ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ, હવે એવા કર્મચારીઓ પણ પોતાનો પીએફ ઉપાડી શકશે કે, જેઓએ છ મહિનાથી ઓછા સમય સુધી યોગદાન આપ્યું હોય. આ ફેરફારથી દેશભરના સાત લાખથી વધુ ઈપીએસ (EPS) સભ્યોને લાભ થશે. અગાઉ, ઉપાડ લાભો ફક્ત તે કર્મચારીઓને જ ઉપલબ્ધ હતો, જેમણે ઓછામાં ઓછા 6 મહિના માટે યોગદાન આપ્યું હતું. આ નિયમના કારણે છ મહિનાથી ઓછા સમયમાં (પ્રિ-મેચ્યોર) આ સ્કીમ બંધ કરાવનાર ઈપીએસ સભ્યોને નુકસાન થતુ હતું. પરંતુ હવે તમામને ઈપીએસ ઉપાડનો લાભ મળશે.

નવા નિયમમાં ફેરફાર

સંશોધિત નિયમો અનુસાર, હવે ઉપાડના લાભો સેવાના પૂર્ણ થયેલા મહિનાઓની સંખ્યા અને EPS યોગદાનના પગારના આધારે નક્કી કરવામાં આવશે. જેમાં કોષ્ટક Dમાં કરાયેલા ફેરફારો સમાવિષ્ટ છે, અગાઉ 6 મહિના કરતાં ઓછું યોગદાન આપરનારા લોકો માટે ફ્રેક્શનલ સર્વિસ પિરિયડ્સની અવગણના કરવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સુધારો તમામ ઈપીએસ સભ્યો, સેવાના સમયગાળાને ધ્યાનમાં લીધા વિના, યોજનામાંથી દૂર થવા પર યોગ્ય વળતર આપવાની ખાતરી આપે છે.

અગાઉ, ઘણા ઈપીએસ સભ્યો પેન્શન પાત્રતા માટે નિર્ધારિત 10 વર્ષની યોગદાન સેવા પૂર્ણ કર્યા પહેલા જ યોજના છોડી દેતા હતા. આ સભ્યોને હવે ઉપાડની જોગવાઈઓનો લાભ મળશે. જે કર્મચારીઓએ તાજેતરમાં નોકરી છોડી દીધી છે અથવા 6 મહિનાના યોગદાન બાદ નોકરી છોડવાનું વિચારી રહ્યા છે તેઓએ નવા નિયમો હેઠળ ઉપાડ લાભો માટેની તેમની પાત્રતા ચકાસવી જોઈએ. તેઓ તેમના એમ્પ્લોયરનો સંપર્ક કરી શકે છે અથવા દાવાની પ્રક્રિયા અને ક્લેમ સંબંધિત જરૂરી માહિતી માટે EPFO વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, કોષ્ટક Dના સરળીકરણના કારણે આ સ્કીમ હેઠળ 23 લાખથી વધુ કર્મચારીઓને લાભ મળશે. દરવર્ષે 95 લાખથી વધુ ઈપીએસ સભ્યો પેન્શન માટે 10 વર્ષનું ફરિજ્યાત યોગદાન આપ્યા વિના જ સ્કીમ બંધ કરાવી રહ્યા છે.

July 3, 2024
zika-virus.png
1min279

મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે. જેના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઈઝરી જારી છે. જેમાં દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના ઝિકા વાયરસની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના ભ્રૂણ વિકાસ પર ધ્યાન આપવા પર ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. 

હેલ્થ સર્વિસ ડિરેક્ટર જનરલ ડૉ. અતુલ ગોયલ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, આ ઉપરાંત મંત્રાલયે આરોગ્ય સુવિધાઓ માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની પણ સુચના આપી હતી. જે એડીસ મચ્છરોથી થતાં ચેપ પર નજર રાખશે અને તેની સામે પગલાં લેશે. ઝિકા વાયરસનો ચેપ એડીસ મચ્છર કરડવાથી ફેલાય છે. તેમજ આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કારણ પણ બને છે. 2 જુલાઈ, 2024 સુધી પુણેમાં ઝિકાના છ કેસ અને કોલ્હાપુર અને સંગમનેરમાં એક-એક કેસ નોંધાયા છે.

ઝિકા વાયરસના લક્ષણો

ઝિકા વાયરસ એ મચ્છરજન્ય વાયરસ છે, જે મુખ્યત્વે એડીસ મચ્છરો દ્વારા ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વહન કરતા મચ્છરો જેવા જ હોય છે. આ વાયરસ સૌથી પહેલા 1947માં યુગાન્ડાના ઝિકા જંગલમાં જોવા મળ્યો હતા, અને તેથી તેનું નામ ઝિકા પડ્યું હતું.

સામાન્ય રીતે ઝિકા વાઇરસનો ચેપ હળવો હોય છે, અને તેના લક્ષણો પણ ખૂબ ઓછા હોય છે. પરંતુ ત્યારે સામાન્ય રીતે આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. 

તાવ:  હળવો તાવ આવી શકે છે.

ફોલ્લીઓ:  ચામડી પર લાલ ફોલ્લીઓ હોઈ શકે છે.

સાંધામાં દુખાવો:  ખાસ કરીને હાથ અને પગના નાના સાંધામાં દુખાવો થઈ શકે છે.

સ્નાયુમાં દુખાવો:  સામાન્ય સ્નાયુમાં દુખાવો થઈ શકે છે.

માથાનો દુખાવો: હળવાથી મધ્યમ માથાનો દુખાવો થઈ શકે છે.

આંખમાં બળતરા: આંખોમાં લાલાશ અથવા બળતરા થઈ શકે છે.

શું છે ઝિકા વાયરસ ?

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા એ એડીસ મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે. જો કે, ઝિકાથી સંક્રમિત સગર્ભા સ્ત્રીઓમાં જન્મેલા બાળકોમાં માઇક્રોસેફાલી (માથાનું કદ ઘટે છે), જે એક મોટી ચિંતાનો વિષય છે.

ભારતમાં ઝિકાનો પ્રથમ કેસ વર્ષ 2016માં ગુજરાતમાંથી નોંધાયો હતો. ત્યાર બાદ તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટક સહિત અન્ય ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા છે.

March 18, 2024
CFC-2.jpeg
1min939

સુરત: :જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે દેશના પહેલા મેગા કોમન ફેસિલિટી સેન્ટરને મુંબઈના SEEPZ SEZમાં ખુલ્લો મૂકાયો છે. ભારત સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન તેમજ જાહેર વિતરણ તેમજ ટેક્સટાઈલ મંત્રી શ્રી પિયુષ ગોયલે મુંબઈના SEEPZ SEZમાં આવેલા ભારતના અગ્રણી મેગા કોમન ફેસિલીટી સેન્ટરના લોકાર્પણ સમારોહમાં હાજરી આપીને પ્રસંગને શોભાવ્યો હતો. ભારત રત્નમ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રમોટ કરવામાં આવેલું મેગા સીએફસી છે. GJEPC, SEEPZ SEZના સક્રિય સમર્થન સાથેઆ પ્રોજેક્ટનું સંચાલન કરે છે.  

આ મહત્વપૂર્ણ સમારોહમાં GJEPCના વાઈસ ચેરમેન શ્રી કિરીટ ભણસાલી, SEEPZ-SEZના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર, IRS શ્રી રાજેશ કુમાર મિશ્રા, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ IAS શ્રી વિપુલ બંસલ, ભારત રત્નમ મેગા CFCના વર્કિંગ ગ્રુપના હેડ શ્રી કોલિન શાહ અને SEEPZના સંયુક્ત ડેવલપમેન્ટ કમિશનર શ્રી સી.પી.એસ ચૌહાણે હાજરી આપી હતી.

ભારત રત્નમ- મેગા CFCનો હેતુ જેમ અને જ્વેલરી પ્રોડક્ટોના ઉત્પાદન અને ડિઝાઈન માટે ટેકો પૂરો પાડવાનો છે. તે વર્તમાન ગુણવત્તા, ઉત્પાદકતા, માનવબળની કુશળતા, ઘરેલુ R&D, ટેક્નોલોજીની પ્રગતિ તેમજ ખર્ચની હરિફાઈક્ષમતામાં વધારો કરશે. સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ તેમજ ઈન્ડસ્ટ્રી માટે નિપુણ માનવબળને વિકસિત કરવા માટે તેમાં ટ્રેનિંગ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે.  

પોતાના પ્રારંભિક સંબોધનમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે, “ભારત રત્નમ મેગા સીએફસી મેક ઈન ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયાના નવા યુગની શરૂઆત કરે છે. તે ભારતના ખરા હીરા તરીકે ઉભર્યું છે અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનો વધુ એક ચમકતો દાખલો છે. નોંધપાત્ર 14 મહિનામાં પૂર્ણ થયેલું આ સેન્ટર પોતાની વિશ્વ સ્તરની સવલતો સાથે ઉત્કૃષ્ટતાના પ્રકાશસ્તંભ તરીકે ઉભું છે અને ભારતના ભાવિ માટે સીમાચિહ્ન પૂરું પાડે છે. અત્યંત આકર્ષક ટ્રેનિંગ અને સ્કીલિંગ સેન્ટર 1600 જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરશે, જેઓ દર વર્ષે માનવબળમાં જોડાશે. આ તમામ પહેલ ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરીની મેડ ઈન ઈન્ડિયા બ્રાન્ડનું સર્જન કરવામાં મદદરૂપ થશે, જેના માટે આ દુનિયાને આકાંક્ષા અને ઈચ્છા હશે, તેમજ આ દુનિયા જેની તરફ જોશે. ભારત રત્નમ ઈનોવેશન, આર્થિક વૃદ્ધિ અને ટેક્નોલોજીની પ્રગતિને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.”GJEPCના ચેરમેન, શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમે જ્યારે ભારતરત્નમ-મેગા CFCનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ત્યારે આ અભૂતપૂર્વ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા બદલ હું શ્રી પિયુષ ગોયલનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમનું અવિરત સમર્પણ અને દૂરંદેશી નેતૃત્વ  આ પરિવર્તનકારી પહેલ ને ફળીભૂત કરવા માટે નિમિત્ત બની રહ્યું છે. તે અમારા ઉદ્યોગ માટે ગેમ ચેન્જર છે અને તે અમને 75 અબજ ડોલર ની નિકાસના લક્ષ્યાંક ને હાંસલ કરવામાં અને 2047 સુધીમાં વિકસિત ભારતના અમારા વિઝનને સાકાર કરવા તરફ પ્રેરિત કરશે.

November 27, 2023
weather-forecast.jpg
1min676

રાજ્યભરમાં કમોસમી માવઠાએ જોર પકડ્યું છે, મોટાભાગના જિલ્લાઓ વરસાદ સાથે અસહ્ય ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે, તો ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં 2 ઈંચ વરસાદ, તો રાજ્યના 8 જિલ્લાઓમાં દોઢ ઈંચ, 17 તાલુકાઓમાં 1 ઈંચ, જ્યારે 65 તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

October 28, 2023
Cia_business_news-1280x936.jpg
1min981

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ફર્સ્ટ સ્ટાર્ટ ઓફ કોન્કલેવનો આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આરંભ કરાવ્યો હતો. 50થી વધુ સ્ટાર્ટ પર લોકોની સમસ્યાઓનું સમાધાન સ્ટાર્ટ અપના સ્વરૂપમાં લઇને આવ્યા છે. ચેમ્બરના સ્ટાર્ટ અપ કોન્કલેવમાં સ્ટાર્ટ અપના બિઝનેસ આઇડીયામાં જોરદાર રિટર્ન મળવાની અપેક્ષાએ રોકાણકારો આકર્ષાયા છે અને આગામી દિવસોમાં જો ડિલ ફાઇનલ થશે તો રૂ.25 લાખથી લઇને રૂ.1.5 કરોડ સુધીનું મૂડીરોકાણ યંગ બિઝનેસમેનને પોતાના સ્ટાર્ટઅપને ગતિશીલ બનાવવા માટે મળશે. 

ચેમ્બરનો સ્ટાર્ટ અપ કોન્કલેવ હજુ બે દિવસ એટલેકે આજે શનિવાર તા.28મી ઓક્ટોબર અને આવતીકાલ રવિવાર તા.29મી ઓક્ટોબર એમ બે દિવસ ચાલવાનો છે. સામાન્ય મુલાકાતીઓ માટે પણ કોઇ એન્ટ્રી ફ્રી નથી. ઇન્વેસ્ટર્સ તો ઇન્વેસ્ટમેન્ટ માટે પહોંચી રહ્યા છે પરંતુ, યંગસ્ટર્સના આઇડીયા જોવા, જાણવા, માણવા પહોંચી જાવ, સરસાણા પ્લેટીનમ હોલમાં.

ગુજરાતના ટેકનિકલ એજ્યુકેશનના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ–અપ રિવોલ્યુશનનું ભારત હવે વીટનેસ બની રહયું છે. સ્ટાર્ટ–અપ માટે ઇનોવેશન કી વર્ડ છે અને સ્ટાર્ટ–અપ રિવોલ્યુશન ટેકનોલોજી તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગર સંભવ નથી. નવી ટેકનોલોજી રિવોલ્યુશનનનું ઇનોવેશન એટલે સ્ટાર્ટ–અપ છે. સ્ટાર્ટ–અપ એ નવું સોલ્યુશન લાવી શકે છે. ભારતની સમસ્યાનું નિવારણ એટલે સ્ટાર્ટ–અપ છે. ભારતના યુવાઓ એ સોલ્યુશન માટે કામ કરે છે. એના માટે તેઓને પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહન આપવું પડશે. ઇનોવેટીવ પ્રોડકટ માટે ટેસ્ટીંગ ફેસિલિટી હોવી જોઇએ.સ્ટાર્ટ અપ કોન્કલેવના ઉદઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજય મેવાવાલાએ કહ્યું કે, સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમને બુસ્ટ કરવા માટે તેમજ સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે ત્યારે સુરત સ્ટાર્ટ–અપ માટે ફાયનાન્સ કેપિટલ હબ બને તે માટે આ સમિટ થકી પ્રયાસ કરાયો છે. આ સમિટમાં પ૦ જેટલા સ્ટાર્ટ–અપે ભાગ લીધો છે, જેમાંથી ૭૦ ટકા જેટલા સ્ટાર્ટ–અપ સુરતના છે. અમદાવાદ અને વડોદરાના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ સમિટમાં આ તમામ સ્ટાર્ટ–અપે પોતાના આઇડિયાને એકઝીબીટ કર્યા છે.ગુજરાત નોલેજ સોસાયટીના એડિશનલ સીઇઓ પ્રોફેસર તુષાર રાવલે ગુજરાત સરકાર દ્વારા તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ આયોજિત થનારી પ્રિ–વાઈબ્રન્ટ સમિટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે સ્ટાર્ટ–અપ રાઇઝ પિચીંગ, હેકેથોન અને સરકાર સાથે સ્ટાર્ટ–અપ અંગે ઉદ્‌ભવતા પ્રશ્નોત્તરી સેશન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિમિટેડના સીઇઓ કમલ બંસલે સ્ટાર્ટ–અપ સમિટમાં ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે સ્ટાર્ટ–અપમાં આગામી ત્રણથી ચાર વર્ષમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં સ્ટાર્ટઅપ યુનિકોર્ન બનશે. ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્ટાર્ટ–અપમાં રિસ્ક છે પણ સમય, રિસર્ચ, ટેકનોલોજી અને શ્રમની સાથે સ્ટાર્ટ–અપને સફળ બનાવી શકાય છે. 

September 29, 2023
નોટ.jpg
1min718

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં રૂ.2 હજારના દરની નોટને ચલણમાંથી પરત ખેંચી લેવાના આશય સાથે આ નોટના વ્યવહારુ ઉપયોગ માટે આપેલી કટઓફ ડેટ આવતીકાલ તા.30મી સપ્ટેમ્બર છે. છેલ્લા છ મહિનામાં દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો બેંકોમાં જમા થઇ ચૂકી છે. આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે નવી ગાઇડલાઇન જારી થાય તેવી શક્યતાઓ બેંકર્સ જૂથમાંથી સંભળાય રહી છે.
તા.8મી નવેમ્બર 2016ના રોજથી ભારતમાં રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો નાબૂદ થઇ હતી અને રૂ.500ની નવી અને રૂ.2000ની ચલણી નોટ પ્રથમ વખત ચલણમાં મૂકવામાં આવી હતી. 71 મહિના બાદ આવતીકાલ તા.20મી નવેમ્બર 2023ના રોજ રિઝર્વ બેંકે આપેલી સૂચના અનુસાર રૂ.2000ના ચલણી નોટનો વ્યવહારુ ભારત સહિત વિદેશોમાં પણ ઉપયોગ બંધ થઇ જશે. દક્ષિણ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સરકારી બેંકો, સહકારી બેંકો અને પ્રાઇવેટ બેંકો મળીને અત્યાર સુધીમાં અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો જમા થઇ ચૂકી છે અને આ પૈકીની મોટા ભાગની નોટો રિઝર્વ બેંકને સુપરત પણ કરી દેવામાં આવી છે. છેલ્લા એકાદ મહિનાથી તો બેંકોમાં અઠવાડીયે માંડ એકાદ બે ખાતેદારો દ્વારા પાંચ-પંદર નોટો જમા કરાવવામાં આવી રહી છે. સામાન્ય રહેવાસીઓ પાસે હવે રૂ.2000ની દરની નોટો વધુ સંખ્યામાં હોવાની કોઇ શક્યતા નથી રહી એમ બેંકીંગ વર્તુળોમાંથી જાણવા મળે છે.
બેંકર્સ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે વધુ એક ગાઇડલાઇન જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. એવું બની શકે કે ફક્તને ફ્કત બેંકમાં જ રૂ.2 હજારના દરની ચલણી નોટ જમા કરાવી શકાય તેવી અવધિ આપવામાં આવે પરંતુ, હજુ સુધી રિઝર્વ બેંકે આ અંગે કોઇ જ ગાઇડલાઇન બહાર પાડી નથી. ફક્ત શક્યતાઓ જોવાય રહી છે.