- બોટાદ, રાજકોટ શહેર-ગ્રામ્ય, કચ્છ-ભુજ, ભાવનગર, જામનગર, મોરબી, નડિયાદ, આણંદ સહિતના જિલ્લાઓમાંથી નાની-મોટી 100 ચોરીના ગુના આચર્યાની કબૂલાત
- રોકડ, સોના-ચાંદીના દાગીના, છ મોબાઈલ સહિત રૂ.1.પ7 લાખનો મુદ્દામાલ કબજે
બોટાદ સહિતના અનેક જિલ્લાઓમાં તરખાટ મચાવનાર બોટાદના રાણપુર ગામની મારવાડી છારાગેંગના સગીર સહિત છ શખસોને એલસીબીના સ્ટાફે ઝડપી લઈ નાની-મોટી 100 ચોરીના ભેદ ઉકેલ્યા હતા અને રૂ.1.પ7 લાખની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની સત્તાવાર માહિતી મુજબ બોટાદના રાણપુર ગામે ખોડિયારનગર (છારાનગર)માં રહેતો મારવાડી વનરાજ ઉર્ફે રીતીક શામજી રાઠોડ, મારવાડી આસીક રાકેશ રાઠોડ, મારવાડી વજેસિંહ રાજેસિંહ ચૌહાણ, મારવાડી ભસ્મા રમેશ રાઠોડ, મારવાડી અશ્વિન શામજી રાઠોડ અને સગીર કિશોર સહિતની મારવાડી છારાગેંગ બોટાદ સહિતના અન્ય જિલ્લાઓમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે ઝડપી લીધા હતા અને આકરી પૂછતાછ કરતા બોટાદ, રાજકોટ શહેર-ગ્રામય, કચ્છ-ભુજ, ભાવનગર, જામનગર, મોરબી, નડિયાદ, આણંદ સહિતના જિલ્લાઓમાંથી નાની-મોટી 100 ચોરીના ગુના આચર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે મારવાડી છારાગેંગ પાસેથી રૂ.1800 ની રોકડ તથા લેપટોપ, છ મોબાઈલ, પાણીની મોટર, સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.પ7 લાખની માલમતા કબજે કરી હતી.
છારાગેંગ પરપ્રાંતીય મજૂરોના મકાનમાં દિવસે હાથફેરો કરી લેતા હતા. ચોરી કરવાના સ્થળે મજૂરોના ઝૂંપડા પાસે ઝૂંપડા બાંધતા હતા અને મજૂરો કામે ગયા હોય ત્યારે દિવસે હાથફેરો કરી લેતા હતા. તેમજ શહેરી વિસ્તારમાં બપોરના સમયે મકાનોમાં હાથફેરો કરતા હતા. વજેસિંહ રાજસિંહ ચૌહાણ અગાઉ ટંકારામાં ચોરીના ગુનામાં અને રાણપુરમાં દારુ પીધેલાના ગુનામાં પકડાઇ ચુકયો છે.













