CIA ALERT

Alert Archives - Page 6 of 500 - CIA Live

November 27, 2025
image-25.png
1min65

ભારતીય શેરબજારે આજે 27/11/25 ગુરુવારે ઇતિહાસ રચી દીધો છે. લગભગ 14 મહિનાની લાંબી રાહ જોયા બાદ, નિફ્ટી 50 ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. બજારમાં આવેલી આ તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

27/11/2025 સવારના કારોબારમાં નિફ્ટી લગભગ 90 પોઈન્ટના ઉછાળા સાથે 26,295.55ની નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલા, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીએ 26,277.35નો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો, જેની નીચે તે છેલ્લા 14 મહિનાથી ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, સેન્સેક્સ હજુ તેના રેકોર્ડ હાઈથી થોડો દૂર છે. સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 85,912.94 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે તેનો ઓલ-ટાઇમ હાઈ 85,978.25 છે.

BSEના ટોપ 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેર ટોપ પર્ફોર્મર રહ્યા છે, જ્યારે ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટરની વાત કરીએ તો, પીએસયુ બેંક, કન્ઝ્યુમર્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.

આ શેરોમાં જોવા મળી શાનદાર તેજી:

ગણેશ હાઉસિંગ અને પટેલ એન્જિનિયરિંગના શેરમાં 10%થી વધુનો ઉછાળો છે.

ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) અને જિલેટ ઈન્ડિયાના શેરમાં 5%ની તેજી છે.

તેજસ નેટવર્ક્સ 4%થી વધુ, જ્યારે સ્વાન કોર્પોરેશન 2% વધ્યો છે.

આ સિવાય ટાટા પાવર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 1.5%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.

બજારની એકંદરે સ્થિતિ

બીએસઈ પર કુલ 3,321 શેરોમાંથી 1,853 શેરો તેજી સાથે અને 1,262 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. 85 શેરોમાં અપર સર્કિટ લાગી છે, જ્યારે 60 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. 60 શેરોએ તેમની 52-સપ્તાહની નવી ટોચ બનાવી છે.

November 27, 2025
image-23.png
1min57

હોંગકોંગના તાઈ પો (Tai Po) જિલ્લામાં આવેલા વાંગ ફૂક કોર્ટ’ (Wang Fuk Court) નામના વિશાળ રહેણાંક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકોનાં મોત થયા છે, જ્યારે 279 લોકો હજુ પણ લાપતા છે. 

  • સ્થળ: હોંગકોંગના તાઈ પો જિલ્લામાં આવેલ વાંગ ફૂક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સ.
  • સમય: આગ બુધવારે 28/11/25 બપોરે લાગી હતી.
  • અસર: આગ ઝડપથી 35 માળની 7 થી 8 ઇમારતોમાં ફેલાઈ ગઈ.
  • મૃત્યુઆંક: સત્તાવાર રીતે 44 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
  • લાપતા: લગભગ 279 લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે.
  • ઈજાગ્રસ્ત: આશરે 15 થી 45 લોકો ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ છે.
November 25, 2025
image-19.png
3min86

Ayodhya Ram Mandir: આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.

ધ્વજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ

આજે Date 25/11/2025 બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધ્વજા ચડાવશે. સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના પણ કરશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે. ત્યાં રોડ શો કરી મંદિર સુધી પહોંચશે. મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.

ધર્મ ધ્વજની ખાસિયતો

રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે ‘સૂર્ય ધ્વજ’ તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.

ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ

પહોળાઈ- 11 ફૂટ

વજન- 2.5 કિલો

રંગ- કેસરી

ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ

મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક

આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)

ધ્વજનો થાંભલો અમદાવાદમાં બનાવાયો છે

આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.

ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા

રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે.

અમદાવાદમાં તૈયાર કરાયેલી ધ્વજાની ખાસિયત:

અયોધ્યા રામ મંદિર માટે અન્ય કઈ કઈ વસ્તુઓ અમદાવાદમાં તૈયાર કરાઈ?

મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ

મંદિર ઉપર લાગતાં કડા

મંદિરના દરવાજાના હાર્ડવેર

મંદિર માટેની દાનપેટી

ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ

વૈદિક સાહિત્ય આધારિત પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન

આ ધ્વજ એક ગહન આધ્યાત્મિક સંદેશવાહક છે. તેના પર અંકિત દરેક પ્રતીકનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. ધ્વજનો કેસરી રંગ ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક મનાય છે. ધ્વજના મધ્યભાગમાં અંકિત ચક્ર ધર્મ અને ન્યાયની ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય, સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન ‘ૐ’ અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદાર (બકુલ) વૃક્ષનું પ્રતીક પણ શોભાયમાન છે. આ બધાં પ્રતીકો ભગવાન રામના જીવન, મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગહન રીતે જોડાયેલા છે. તેથી આ ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન વેદિક સાહિત્ય પર આધારિત છે.

ભારતીય સેનાનો સહયોગ

આ ઐતિહાસિક ઘટનાની તૈયારી અત્યંત સચોટ અને વ્યવસ્થિત રીતે થઈ રહી છે. ધ્વજના વિશાળ આકાર, ઊંચાઈ અને સંવેદનશીલ પ્રકૃતિને લીધે તેને ખૂબ કાળજીપૂર્વક ફરકાવવું પડે એમ હોવાથી આ કામ ભારતીય સેનાને સોંપાયું છે. સેનાના જવાનો ધ્વજ ફરકાવવાની સમગ્ર પ્રક્રિયાના વ્યાપક રિહર્સલ પણ કર્યું હતું, જેથી સમારોહના દિવસે બધું નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. સેનાના અધિકારીઓએ ધ્વજના વજન અને યાંત્રિક પદ્ધતિમાં સુધારા માટે પણ મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. શરુઆતમાં ધ્વજનું વજન 11 કિલોગ્રામ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ સેનાના સૂચન પર તેને હળવો બનાવાયો હતો, જેથી દોરડા પરનું દબાણ ઘટે.

આ ઐતિહાસિક ક્ષણનો સમારોહ 25 નવેમ્બર, 2025ના રોજ આયોજિત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ધ્વજ સ્થાપનાનો શુભારંભ કરશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને તેમના પત્ની સમારોહના મુખ્ય યજમાન છે. ધ્વજ સ્થાપના અગાઉના દિવસોમાં વિસ્તૃત ધાર્મિક વિધિ કરાઈ રહી છે. અયોધ્યા અને કાશીના પ્રખ્યાત વિદ્વાનો દ્વારા નવગ્રહ પૂજા, યજ્ઞ, વેદોના શ્લોકો, રામ રક્ષા સ્તોત્ર, વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસના પાઠ કરીને પવિત્ર વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

November 25, 2025
image-18.png
1min105

ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.

ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખના કારણે સોમવારે અનેક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી હતી. જેમાં અકાસા એર, ઇન્ડિગો અને KLM જેવી કંપનીનો સમાવેશ થાય છે.

ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો તા.24મી નવેમ્બરને સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.

નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રાખનું વાદળ જમીનથી 25,000થી 45,000 ફૂટ ઊંચાઈ પર છે. તેથી, હાલ લોકોના સ્વાસ્થ્યને જોખમ નથી. પરંતુ, એવું બની શકે કે, અનેક જગ્યાએ થોડી-થોડી રાખની પરત નીચે પડે.

હવામાન વિભાગનું માનવું છે કે, મંગળવારે (25 નવેમ્બર) સવારનો સૂરજ અલગ અને ચમકીલા રંગમાં જોવા મળ્યો. રાખના કારણે પ્રકાશ પર આવી અસર પડી હતી.

CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના જણાવ્યા અનુસાર, અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સિવિયર એટલે ગંભીર શ્રેણીમાં રેકોર્ડ થયો છે. આ સ્તરે હવા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને શ્વાસ લેવામાં સ્વાસ્થ્ય પર તેની તુરંત અસર જોવા મળી શકે છે.

આ સિવાય દિલ્હીની એમ્સ અને સફદરજંગ હોસ્પિટલ પાસે પણ ઝેરી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આખા વિસ્તારમાં ઝેરી ધુમ્મસના કારણે હવામાં બળતરા અનુભવાઇ રહી છે. CPCB અનુસાર, અહીં AQI 323 નોંધાયો છે. જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આવા સ્તરમાં હવા શ્વાસ લેવા લાક નથી હોતી અને ખાસ કરીને વડીલ, બાળકો તેમજ અસ્થમાના દર્દીને વધુ જોખમ હોય છે.

અમેરિકાની હવમાનાની આગાહી વિશે જાણકારી આપનારી વેબસાઇટ એક્યૂવેધર અનુસાર, દિલ્હી અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં સવારે 6 વાગ્યે AQI 300ની આસપાસ રહ્યો.

CPCB અનુસાર, રાત્રે બે વાગ્યે દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારમાં AQI 350 પાર રહ્યો છે.

મળતી માહિતી મુજબ. ઇથિયોપિયાના જ્વાળામુખીથી નીકળેલું રાખનું વાધળ મોટાભાગે સલ્ફર ડાયોક્સાઇડથી બનેલું છે. આ વાદળમાં જ્વાળામુખીની રાખની માત્રા ઓછાથી મધ્યમ છે. આ રાખનું વાદળ હવે ઓમાન-અરબ સસાગરના રસ્તેથી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારો સુધી ફેલાઇ ગયું છે.

નોંધનીય છે કે, આ વાદળની AQI પર કોઈ અસર થશે નહીં. જોકે, નેપાળ, હિમાલયના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે, કારણ કે રાખના કેટલાક વાદળ પર્વતો સાથે અથડાઈને ચીન તરફ આગળ વધશે. મેદાનોમાં રાખ પડવાની શક્યતા ખૂબ ઓછી છે, જોકે કેટલાક વિસ્તારોમાં થોડી અસર થઈ શકે છે. આ આખું રાખનું વાદળ વાતાવરણના મધ્ય-સ્તરમાં છે, તેથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ અસર થશે નહીં. રાખનું વાદળ ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફ પણ જશે, પરંતુ સપાટી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. ફક્ત ફ્લાઇટ રિરુટિંગ અથવા વિલંબ થવાની સંભાવના છે, કારણ કે આ વાદળ વિમાનની સલામતીને અસર કરી શકે છે. સપાટી પર કણો પડવાની શક્યતા ખૂબ ઓછી છે.

DGCAની એડવાઇઝરી

રવિવારે ઇથોપિયાના હેઇલ ગબ્બિન જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવી હતી. રાખના વાદળ વિમાનના એન્જિન અને ફ્લાઇટ સલામતી માટે જોખમ ઊભો કરી શકે છે, તેથી એરલાઇન્સને તેમના રૂટ અને ઊંચાઈ બદલવાની સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ ભારતીય એરલાઇન્સને તાત્કાલિક ચેતવણી જારી કરી છે.

November 22, 2025
Cia_business_news-1280x936.jpg
1min97

જો તમે ટેક્ષટાઇલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનમાં મહત્વની કડી ગણાતા વીવીંગ (વણાટ) ઉદ્યોગમાં છો અને તમારી મશીનરીનું અપગ્રેડેશન કરવાનું આયોજન ધરાવો છો તો તમારા માટે તા.22 નવેમ્બર (આજથી) ત્રણ દિવસ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરમાં ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત સિટેક્ષ એક્ષ્પો નોલેજ ગેઇનિંગ એક્ઝિબિશન બની રહેશે. જ્યાં વણાટ ઉદ્યોગની નવીનત્તમ મશીનરીનો લાઇવ ડેમો ઉપરાંત અગાઉ ક્યારેય નહીં મળી હોય તેવી પ્રાઇસ ઓફર મળી શકે છે. સુરતના અનેક કારખાનેદારો આગામી દિવસોમાં એરજેટ મશીન વસાવવાનું આયોજન કરી રહ્યા છે આ તમામ લોકો માટે સિટેક્ષ એક્ષ્પો લાભદાયી પુરવાર થશે એમ માનવામાં આવી રહ્યું છે.

મહત્વની વાત એ છે કે ચેમ્બરના સિટેક્ષ એક્ષ્પોમાં એક એકથી ચઢીયાતા મશીનોના મેન્યુફેક્ચરર્સથી લઇને લોકલ ડિલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ એક જ સ્થળે પોતાની મશીનરીનું વેચાણ તેમજ ડેમો આપી રહ્યા છે. અહીં જે ઓફર મળશે તે અગાઉ ક્યાંય અને કોઇએ આપી નહીં હોય તેવી ઓફર મળી શકે છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે આગામી તા. રર, ર૩ અને ર૪ નવેમ્બર, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’નું આયોજન કરાયું છે.

ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧રમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે.

આ એકઝીબીશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિકસ માટે ગ્લાસ ફાયબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. આ મશીનરી ઇલેકટ્રીક સરકીટ, કાર, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે તેમજ રેલ્વે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવે છે. ઇન્ડસ્ટ્રીમાં મલ્ટીપર્પઝ ઉપયોગમાં લેવાતું ફેબ્રિક આ મશીનરી બનાવે છે, જેનું ભારતમાં પ્રથમ વખત સીટેક્ષ એકઝીબીશનમાં લોન્ચીંગ કરવામાં આવશે.

સુરત ટેક્ષમેક ફેડરેશનના જોઇન્ટ સેક્રેટરી શ્રી ભાવેશ વઘાસિયા અને ટ્રેઝરર શ્રી મહેન્દ્ર કુકડીયાએ સંયુકતપણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમ વખત ચેમ્બરના સીટેક્ષ એકઝીબીશનમાં મોટરાઇઝ સાથેનું બાર ઓપરેટવાળું હાઈ સ્પીડ ક્રોકેટ નીટિંગ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રથમ વખત વેલ્વેટ સરકયુલર, હાઇ સ્પીડ વેલ્વેટ એરજેટ, હાઇ સ્પીડ વોર્પિંગ મશીન, હાઇ સ્પીડ સરકયુલર મશીન ચેમ્બરના એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવશે. ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં હાઇ સ્પીડ રેપિયર લુમ, હાઇ સ્પીડ એરજેટ લુમ, હાઇ સ્પીડ વોટરજેટ લુમનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પ્રદર્શન કરાશે. આ મશીનરી પર હાઈ કવોલિટી વેલ્વેટનું પ્રોડકશન લઇ શકાશે. આ ઉપરાંત સીટેક્ષ એકઝીબીશનમાં ઇન્ટરેકટીવ સોફટવેરની પણ વિઝીટર્સને માહિતી આપવામાં આવશે. રેપિયર જેકાર્ડ મશીન માટે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફટવેરની મદદથી મોબાઇલ, લેપટોપ તથા ઓન સ્ક્રીન પર પ્રોડકશનને લાઇવ જોઇ શકાય છે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસીએશનોને સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ૧પ,૦૦૦થી વધુ વિઝીટર્સનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આવી ગયું છે. ભારતભરમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રપ,૦૦૦થી વધુ લોકો ૧પ૦ કરતા પણ વધારે શહેરોમાંથી સીટેક્ષ એકઝીબીશનની વિઝીટ કરશે. સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે વિના મૂલ્યે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાય છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત એકઝીબીશન સેન્ટરમાં ટેક્ષ્ટાઇલ મશીનરી અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરીનું પ્રદર્શન થશે. તદુપરાંત, પ્લેટીનમ હોલમાં ટેક્ષ્ટાઇલ એસેસરીઝ અને એન્સીલરીનું પ્રદર્શન કરવામાં આવશે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં સુરતના ૭૧ એકઝીબીટર્સે ભાગ લીધો છે. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે.

સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના કો–ચેરમેનો શ્રી મયુર ગોળવાલા, શ્રી રિતેશ બોડાવાલા, વિપુલ સિંહ દેસાઇ તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના ઉપ પ્રમુખ શ્રી પ્રણવ મહેતા, સેક્રેટરી શ્રી જિતેન્દ્ર મિસ્ત્રી, જોઇન્ટ સેક્રેટરી શ્રી ભાવેશ વઘાસિયા અને ટ્રેઝરર શ્રી મહેન્દ્ર કુકડીયાએ એકઝીબીશનના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી.

ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૬ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.

November 22, 2025
image-15.png
2min163

દેશમાં આજથી ચાર નવા લેબર કોડ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નવા કાયદામાં શ્રમિકો અને નોકરીદાતાના હિતમાં અનેક બાબતો સામે કરાઈ છે. કાયદા મુજબ હવે નવા શ્રમિકોને ફરજિયાત નિમણૂક પત્ર આપવા પડશે. આ ઉપરાંત સમયસર પગાર અને લઘુતમ વેચન પણ આપવું પડશે. કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓ ખતમ કરીને ચાર નવા કાયદા લાગુ કર્યા છે. સરકારે કહ્યું છે કે, નવા કાયદાના કારણે શ્રમિકોની સુરક્ષા વધશે, ઉદ્યોગો માટે પણ સ્પર્ધાત્મક વાતાવરણ બનશે. શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે, નવા કાયદા દ્વારા તમામ શ્રમિકોને, ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રના કામદારો, ગિગ વર્કર્સ, પ્રવાસી મજૂરો અને મહિલાઓ માટે શ્રેષ્ઠ વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય-સુરક્ષાની ખાતરી આપવામાં આવશે.

ચાર નવા કાયદા

(1) Code on Wages (2019)

(2) Industrial Relations Code (2020)

(3) Code on Social Security (2020)

(4) Occupational Safety, Health & Working Conditions (OSHWC) Code (2020)

ચાર નવા કાયદાઓની મુખ્ય બાબતો…

1… નિમણૂંક પત્ર : હવે તમામ શ્રમિકોની નોકરી શરુ થાય તે સમયે નિમણૂક પત્ર આપવાનું ફરજિયાત કરાયું છે. આનાથી રોજગાર અને શરતોમાં પારદર્શિતા વધશે.

2… લઘુતમ વેતન : દેશભરમાં લઘુતમ વેતન લાગુ કરવામાં આવશે, જેથી કોઈ પણ પગાર એટલો ઓછો ન હોય કે જીવન નિર્વાહ મુશ્કેલ બની જાય.

3.. સમયસર પગાર ચૂકવણી : કાયદાકીય રીતે નોકરીદાતાઓએ કર્મચારીઓને સમયસર પગાર ફરજિયાત ચૂકવવાનો રહેશે.

4… સ્વાસ્થ્ય અને સુરક્ષા : 40 વર્ષથી વધુ ઉંમરના તમામ શ્રમિકો માટે વાર્ષિક મફત આરોગ્ય તપાસ (Health Checkup) ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત, એક રાષ્ટ્રીય OSH બોર્ડ દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણોને એકસમાન (સમાનરૂપ) બનાવવામાં આવશે.

5… મહિલાઓ માટે સમાનતા : મહિલાઓ હવે રાતની શિફ્ટમાં કામ કરી શકશે, જેની અગાઉ ઘણા સેક્ટરોમાં મંજૂરી નહોતી. જોકે આ માટે નોકરી દાતાએ સુરક્ષાનાં પગલાં અને તેમની મંજૂરી સુનિશ્ચિત કરવી પડશે.

6… અનૌપચારિક શ્રમિકોને સુરક્ષા : ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને પ્રથમ વખત કાનૂની ઓળખ મળશે. તેમને પીએફ, વીમો અને પેન્શન જેવા સામાજિક સુરક્ષા લાભો મળી શકશે અને પ્લેટફોર્મ કંપનીઓએ તેમના માટે યોગદાન આપવું પડશે.

7… કાનૂની અનુપાલન સરળ : હવે અનેક રજિસ્ટ્રેશન અને રિપોર્ટિંગ પ્રક્રિયાઓને બદલે સિંગલ લાઇસન્સ અને સિંગલ રિટર્ન મોડેલ આવશે, જેનાથી કંપનીઓ પરનો અનુપાલન બોજ ઘટશે.

વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ

આ ઉપરાંત નવી વ્યવસ્થામાં ‘ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર’ હશે, જેઓ મોટાભાગે માર્ગદર્શન આપશે અને દંડાત્મક કાર્યવાહી નહીં કરે. ઔદ્યોગિક વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ હશે, જ્યાં કર્મચારીઓ સીધી રીતે જઈ શકે છે. સરકારનો દાવો છે કે, આ સંહિતાઓના કારણે શ્રમિકોને વ્યાપક સામાજિક સુરક્ષા અને સન્માન મળશે, જ્યારે ઉદ્યોગોને ઓછી જટિલતા અને શ્રેષ્ઠ મૂડી રોકાણ માટેની તક મળશે.

November 14, 2025
cia_multi-1280x1045.jpg
1min660

સુરતમાંથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદે પહેલી જ વખત કોઇ ધારાસભ્ય સ્વરૂપમાં મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની થયેલી નિયુક્તિ બાદ પહેલી વખત સુરતમાં સરદાર પટેલ ગૌરવ સમિતિ નામની ખાનગી સંસ્થા દ્વારા આવતીકાલ તા.14મી નવેમ્બરને શુક્રવારે સાંજે લસકાણા સ્થિત જે.બી. ડાયમંડ અને કાર્પ વિદ્યાસંકુલ ખાતે જાહેર અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં હર્ષ સંઘવી ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યમંત્રી પ્રુફુલ પાનશેરિયાનું પણ જાહેર અભિવાદન કરવામાં આવશે.

આ સમારોહ અંગે વધુ વિગતો આપતા દિનેશ નાવડીયા અને એડવોકેટ પ્રફુલ ચોડવડીયાએ જણાવ્યું હતું કે સુરતના બન્ને યુવાન ધારાસભ્યોએ ભૂતકાળમાં કરેલી દર્શનીય કામગીરીને બિરદાવવા તેમજ તેમને મળેલી નવી જવાબદારી માટે તેમને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સમારોહમાં અધ્યક્ષ પદે કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે તેમજ શહેર મેયર દક્ષેશ માવાણી કે જેના કાર્યકાળ દરમિયાન સુરત મહાનગરપાલિકા અનેક એવોર્ડ હાંસલ કરી શકી છે તેમને પણ અભિવાદિત કરવામાં આવશે. 

આ સમારોહમાં અંદાજે 25 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે એમ માનવામાં આવે છે. આ સમારોહમાં સરદાર પટેલ ગૌરવ સમિતિ ઉપરાંત શહેરની નામી અનામી 200થી વધુ સામાજિક, સ્વૈચ્છીક, વ્યાપારીક, ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણરાજ્ય મંત્રીનું જાહેર અભિવાદન કરવામાં આવશે.

November 13, 2025
breaking-1280x1035.jpg
5min530
  • મોદી સરકારનું અભૂતપૂર્વ પગલું
  • યાર્ન અને તેના બેઝિક રો મટિરિયલ પરથી QCO હટાવ્યા
  • સુરતના વીવર્સને મળશે ઇન્ટરનેશનલ દરે યાર્ન
  • મધરયાર્નના ભાવો રાતોરાત તૂટ્યા
  • દેશી નાયલોન યાર્ન કરતા ઇમ્પોર્ટેડ યાર્ન સસ્તું
  • વીવીંગ ઉદ્યોગમાં જાણે દીવાળીનો માહોલ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
નરેન્દ્ર મોદી સરકારે તા.12મી નવેમ્બર 2025ના રોજ એક અભૂતપૂર્વ પગલું ભરીને યાર્ન અને યાર્નના બેઝિક રો મટિરિયલ્સ પર પાછલા વર્ષોમાં લાદેલા QCO (ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ) હટાવી દીધા છે. જેને કારણે યાર્નમાંથી ફેબ્રિક બનાવતા દેશના ટેક્ષટાઇલ્સ ક્લસ્ટર્સ જેમાં સુરત સૌથી મોટું ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ હબ છે ત્યાંના વણાટ ઉદ્યોગના કારખાનેદારો માટે જાણે દિવાળી આવી ગઇ હોય તેવો માહોલ બુધવારની રાતથી સર્જાયો છે.

કેન્દ્ર સરકારે યાર્ન અને યાર્નના બેઝિક રો મટિરિયલ પરથી QCO હટાવવાનું નોટિફિકેશન જાહેર કરતાં જ પોલિએસ્ટર મધર યાર્નના ભાવેમાં 20થી 25 ટકા તૂટ્યા છે અને યાર્ન હવે સુરતના વીવીંગ કારખાનેદારોની માગણી મુજબ આંતર રાષ્ટ્રીય સ્તરના ભાવોને સમકક્ષ મળતું થઇ ગયું હતું. QCOને કારણે ઇમ્પોર્ટેડ યાર્ન એટલું મોંઘુ થઇ ગયું હતું અને તેની આયાત પણ લગભગ બંધ થઇ ગઇ હતી. પરંતુ, હવે QCO હટાવતા પોલિએસ્ટર યાર્ન કે જેની આયાત બિલકુલ બંધ થઇ જવા પામી હતી અને દેશના સ્પીનર્સ પાસેથી હલકી કક્ષાનું યાર્ન ઉંચી કિંમતે ખરીદવાની ફરજ પડતી હતી, એ સ્થિતિમાંથી સુરત સમેત દેશભરના વીવીંગ કારખાનેદારોને છુટકારો મળ્યો છે.

બુધવારે કેન્દ્ર સરકારે યાર્ન અને બેઝિક રો મટિરિયલ્સ પરથી ક્યુસીઓ હટાવવાની જાહેરાત કર્યા બાદ તુરત જ પોલિએસ્ટર મધર યાર્નના ભાવે કકડભૂસ થઇ ગયા હતા. સુરતના લોકલ યાર્ન ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડિલર્સે મધરયાર્નના ઘટાડેલા ભાવોને મેસેજીસ વીવર્સ કારખાનેદારોને કર્યા હતા અને ભાવો જોઇને કારખાનેદારોની આંખમાં ચમક આવી જવા પામી હતી.

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગના અભિન્ન અંગ વીવર્સને હવે યાર્ન સસ્તું મળશે અને સુરતનું કપડું હવે આંતર રાષ્ટ્રીય બજારમાં ટકી શકે તેવા ભાવે વેચાતું થઇ જશે. સુરતના વીવીંગ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો કેન્દ્ર સરકારના આ પગલાંને આજે દીવાળીની ગીફટની જેમ વધાવી રહ્યા છે.

બીજી તરફ નાયલોન યાર્ન પર પણ ક્યુસીઓ લાદવાની વાતો ચાલી રહી હતી તેનો પણ છેદ ઉડી જતાં સુરતના વીવીંગ ઉદ્યોગકારોને માટે સૌથી મોટી નિરાંત થવા પામી છે.

Rescission of Major QCOs – 12 November 2025

(Ministry of Chemicals & Fertilizers – Department of Chemicals & Petrochemicals)
The Government of India has issued a significant series of notifications on 12 November 2025, rescinding multiple Quality Control Orders (QCOs) across key petrochemical and man-made fibre value chains. These decisions follow consultations with BIS and have been taken in public interest, with immediate effect, except for actions already undertaken under earlier notifications.

This development directly eases the compliance burden on industry and is expected to improve raw material availability, reduce input costs, and strengthen competitiveness—especially for textiles, plastics, and downstream MSME manufacturers.

A. Man-Made Fibre (MMF) & Yarn QCOs Rescinded

  1. Terephthalic Acid (PTA)
  2. Ethylene Glycol (MEG)
  3. Polyester Staple Fibre (PSF)
  4. Polyester Industrial Yarn (IDY)
  5. Polyester Continuous Filament – Fully Drawn Yarn (FDY)
  6. Polyester Partially Oriented Yarn (POY)
  7. 100% Polyester Spun Yarn – Grey & White

Impact:
Immediate relief for the polyester value chain.
Lower raw material costs vs Vietnam, Bangladesh, China.
Boosts domestic MMF-based exports at a critical time.

B. Plastics & Polymer QCOs Rescinded

  1. Polyethylene (PE) – Moulding & Extrusion Grades
  2. Polypropylene (PP) – Moulding & Extrusion Grade
  3. Acrylonitrile Butadiene Styrene (ABS)
  4. Polyvinyl Chloride (PVC) Homopolymers
  5. Ethylene Vinyl Acetate (EVA) Copolymers
  6. Polyurethanes
  7. Polycarbonate
    Impact:
    Major compliance relaxation across plastics industry.
    Removes import bottlenecks and supports downstream MSMEs.
    Helps in price stability of key engineering polymers.

Overall Implication for Industry
Broad-based cost reduction in MMF textiles and plastics.
Strengthens export competitiveness during US tariff uncertainty
Supports MSME manufacturing, which was most affected by QCO restrictions.
Aligns input costs with regional competitors, improving India’s ability to retain global orders
Helps maintain supply chains for sectors like textiles, automotive, electronics, packaging, and footwear.

November 11, 2025
image-8.png
1min98

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોમાં નરમાઈના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ભારત એક “વ્યાપક અને ન્યાયસંગત” વેપાર કરારની અત્યંત નજીક છે અને ટૂંક સમયમાં ભારતીય વસ્તુઓ પર લગાવવામાં આવેલી ઊંચી ટેરિફ દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વેપારી તણાવમાં ઘટાડો થવાની આશા જાગી છે.

ટ્રમ્પે કહ્યું, “અત્યારે તેઓ (ભારત) મારાથી બહુ ખુશ નથી, પરંતુ તેઓ ફરીથી અમને પસંદ કરશે. અમે એક નિષ્પક્ષ વેપાર કરારની ખૂબ નજીક છીએ, જે બંને દેશો માટે ફાયદાકારક રહેશે.”

છેલ્લા કેટલાક મહિનાઓમાં, ખાસ કરીને ટેરિફ અને રશિયાથી ઉર્જા આયાતને લઈને બંને દેશો વચ્ચે મતભેદો ઉભા થયા હતા. આ વર્ષની શરૂઆતમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર રશિયાથી તેલની આયાત ઘટાડવા માટે દબાણ બનાવવાના હેતુથી ભારતીય નિકાસ પર વધારાની ડ્યુટી લગાવી હતી અને ઘણી વસ્તુઓ પર ટેરિફ દર 50 ટકા સુધી વધારી દીધા હતા, જેના કારણે વેપાર વાટાઘાટોમાં તણાવ વધ્યો હતો.

સોમવારે 10 નવેમ્બરે ટ્રમ્પે દાવો કર્યો કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું, “તેમણે (ભારતે) રશિયન તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. તે ખૂબ ઘટી ગયું છે. હા, અમે પણ ભારતીય સામાન પર ટેરિફ ઘટાડવા જઈ રહ્યા છીએ, અને તે ગમે ત્યારે થઈ શકે છે.” જોકે, ભારતે ટ્રમ્પના આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. થોડા દિવસો પહેલા ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે નવી દિલ્હી કોઈના દબાણમાં નહીં, પરંતુ પોતાના નાગરિકોની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ક્રૂડ ઓઇલની આયાત અંગે નિર્ણય લે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન વોશિંગ્ટનમાં ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયેલા તેમના નજીકના સહયોગી સર્જિયો ગોરના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન આપ્યું હતું. તેમણે ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે ભારત વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંથી એક, વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના શાનદાર સંબંધો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજદૂત તરીકે સર્જિયો ગોર બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

November 11, 2025
image-7.png
1min112

Delhi Blast: લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક દિલ્હીમાં થયેલા ધમાકાના તાર ફરીદાબાદ ટેરર મૉડ્યૂલ સાથે જોડાતા જણાય છે. રાજધાનીમાં થયેલા આ વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. નોંધનીય છે કે પોલીસે ફરીદાબાદમાંથી 2900 કિલોગ્રામ બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી, જેમાં એમોનિયમ નાઇટ્રેટ પણ સામેલ હતું.

બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે આ મૉડ્યૂલ સાથે સંકળાયેલા ડૉક્ટર ઉમર મોહમ્મદે ધરપકડના ડરથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, આ બાબતે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે. સોમવારે સાંજે થયેલા આ વિસ્ફોટમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

એમોનિયમ નાઇટ્રેટના ઉપયોગની આશંકા

પીટીઆઈ અનુસાર ધમાકામાં વપરાયેલી i20 કારના તાર ફરીદાબાદ મૉડ્યૂલ સાથે જોડાયેલા હતા. ખાસ વાત એ છે કે કારનો નંબર પણ હરિયાણાનો જ હતો. એજન્સીને સૂત્રોએ જણાવ્યું છે કે ધમાકા સમયે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કથિત રીતે પુલવામાનો રહેવાસી ઉમર મોહમ્મદ હ્યુન્ડાઈ i20 કાર ચલાવી રહ્યો હતો.

પોલીસ સૂત્રોએ એ પણ કહ્યું કે આ ધમાકામાં એમોનિયમ નાઇટ્રેટ, ફ્યુઅલ ઓઇલ અને ડેટોનેટર્સનો ઉપયોગ થયો હોઈ શકે છે. જોકે, હજી તપાસના અંતિમ રિપોર્ટ્સ આવવાના બાકી છે.

ડૉક્ટર સાથીઓની ધરપકડથી હુમલો?

દિલ્હી પોલીસ તરફથી મળેલી જાણકારી મુજબ, એક સીસીટીવી ફૂટેજમાં માસ્ક પહેરેલો એક વ્યક્તિ કાર ચલાવતો જોવા મળે છે. પોલીસે કહ્યું કે, ઉમર મોહમ્મદ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદના ટેરર મૉડ્યૂલનો એક ભાગ હતો. સૂત્રોના રિપોર્ટ અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પુલવામાના રહેવાસી તારિકે ઉમર મોહમ્મદને આ કાર આપી હોવાનું કહેવાય છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ટેરર મૉડ્યૂલમાં સામેલ ઉમર મોહમ્મદના અન્ય ડૉક્ટર સાથીઓની ધરપકડ થતાં, તેણે પોતાની ધરપકડના ડરથી આ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ પત્રકારોને માહિતી આપી કે, મોડી સાંજે લગભગ 6:52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ જતી કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સમયે કારની અંદર કેટલાક લોકો સવાર હતા અને અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું.

ફરીદાબાદમાંથી શું મળ્યું?

સોમવારે દેશના અનેક ભાગોમાંથી પોલીસે 3 ડૉક્ટરો સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. સાથે જ 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી. પોલીસનો દાવો છે કે આ ધરપકડો અને જપ્તીથી જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવાતુલ હિંદના આતંકવાદી મૉડ્યૂલનો પર્દાફાશ થયો છે.

જમ્મુ કાશ્મીર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીમાં એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર સામેલ છે, જેમાં ફરીદાબાદમાં ગનીના ભાડાના મકાનમાંથી મળેલી 360 કિલોગ્રામ જ્વલનશીલ સામગ્રીનો પણ સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટક સામગ્રી એમોનિયમ નાઇટ્રેટ હોવાની શંકા છે.