

શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન વાસ્તવમાં તેમની પ્રતિભા અને ક્ષમતાનું સન્માન છે: રાજ્યપાલશ્રી
——————–
ગુજરાત રાજ્ય શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે: ઓ.પી.કોહલી
——————–
રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી દ્વારા સુરતના નામાંકિત શ્રેષ્ઠીઓને ‘ગુજરાત મિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડથી નવાજવામાં આવ્યા
——————–
લોકશાહીમાં પત્રકારત્વ લોકશિક્ષણ અને લોકજાગરણનું માધ્યમ છે: રાજ્યપાલશ્રી કોહલી




રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીના હસ્તે સુરતના ૧૧ નામાંકિત શ્રેષ્ઠીઓને ‘ગુજરાત મિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
સુરતના પ્રતિષ્ઠિત ‘ગુજરાતમિત્ર’ દૈનિકની સ્થાપનાને ૧૫૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીએ જણાવ્યું હતું કે, ૧૫૫ વર્ષની સુદીર્ઘ અખબારી યાત્રા દ્વારા ગુજરાતમિત્ર દૈનિકે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. ગુજરાતમિત્ર સ્વતંત્રતા પૂર્વના અને સ્વતંત્રતા પછીના ભારત ઉપરાંત ગુજરાતના વિકાસનું પણ સાક્ષી છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આજે એવી માન્યતા પ્રવર્તી રહી છે કે પત્રકારત્વ રચનાત્મક ભૂમિકા સમાજમાં અદા ન કરીને પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે, પરંતુ ગુજરાતમિત્ર પોતાની વિશ્વસનીયતા માટે જાણીતું છે, જેણે પત્રકારત્વનાં મૂલ્યોનું રક્ષણ કર્યું છે. કોઈ પણ અખબારની કસોટી તેની વિશ્વસનીયતાથી થતી હોય છે. આજે અખબારોની વિશ્વસનીયતા પર સંકટ ઘેરાયું છે એવા સંજોગોમાં ગુજરાતમિત્ર વિશ્વસનીયતાની એરણ ઉપર ખરૂ ઊતર્યું છે.







સુરતના શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન વાસ્તવમાં તેમની પ્રતિભા અને ક્ષમતાનું સન્માન હોવાનું જણાવી શ્રી કોહલીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે, તેમનામાં લોકસેવાની ભાવના પ્રબળ હોવાથી માત્ર સરકાર પાસેથી જ આશા ન રાખતા સ્વયં સમાજ સેવાની એક પણ તક જતી કરતા નથી. સુરતની આ ૧૧ હસ્તીઓએ સમાજનું ઋણ અદા કરવા માટે પાછું વળીને જોયું નથી એમ શ્રી કોહલીએ ઉમેર્યું હતું.
લોકશાહીમાં પત્રકારત્વ લોકશિક્ષણ અને લોકજાગરણનું માધ્યમ છે. જે કાર્ય પત્રકારત્વ દ્વારા બખૂબી નિભાવીને ગુજરાતમિત્રએ લોકશાહીને મજબૂત કરવામાં પોતાનું ઉમદા યોગદાન આપ્યું છે. આ અખબાર લોકસમસ્યા, લોકોની આશા-અપેક્ષા અને વિચારોને વ્યક્ત કરી પ્રજાનો અવાજ બન્યું છે તેમ જણાવી પ્રગતિના શિખરો સર કરે એવી શુભકામના પણ પાઠવી હતી.
સુરતના નામાંકિત સી.એ.જય છૈરા, પુષ્પા એજન્સીના રાજુભાઇ શાહ, આર્કિટેક્ટ્ નિમેષભાઈ ચોકસી, જલારામ ફર્નિચરના ગોવિંદભાઈ પટેલ, કે.પી.ગ્રુપના ફારુક પટેલ, એન.જે. ગૃપના નિરજ ચોકસી અને જીજ્ઞેશભાઈ દેસાઈ, સાયકલિસ્ટ અજિતા ઈટાલીયા, ડો.પિયુષભાઈ દેસાઈ, ઉદ્યોગપતિ અને સમાજસેવક લવજીભાઈ બાદશાહ, અંબિકા ઓટોમોબાઇલના કનુભાઈ મોદી અને શાહ પબ્લિસિટીના યશવંત શાહને રાજ્યપાલશ્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.
પ્રારંભે ભરતભાઈ રેશમવાળાએ સ્વાગત પ્રવચન કરી રાજ્યપાલ તેમજ આમંત્રિત મહાનુભાવોની આવકાર્યા હતા.
આ પ્રસંગે રમતગમત અને યુવા પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ અને દર્શનાબેન જરદોશ, જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલ, પોલિસ કમિશનરશ્રી સતીષ શર્મા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન, સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠક સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાફેલ ડીલ, એનઆરસી, વધતી રોજગારી સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા પછી કોંગ્રેસે આ મામલે વિપક્ષી દળોની સાથે દેશવ્યાપી અભિયાન છેડવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન વિશે પણ ચર્ચા થઈ હતી.
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મોદી સરકારને જાહેર અભિયાન દ્વારા ભ્રષ્ટાચારના મામલે ભીડવવા માટે નિર્ણય લેવાયો હતો, જેમાં બેન્ક કૌભાંડો, રાફેલ ડીલ અને અર્થતંત્રની ખરાબ સ્થિતિ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના નેતાઓએ આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) સહિતના મહત્ત્વના મુદ્દાઓ અંગે વ્યૂહનીતિ બનાવવા માટે વિચારણા કરી હતી.
કાર્યસમિતિની મીટિંગમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેમકે પૂર્વ પીએમ મનમોહનસિંઘ, એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ અને અશોક ગેહલોત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જો કે પૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી મીટિંગમાં હાજર રહ્યા નહોતા. આ બીજીવખત રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની મીટિંગ યોજાઈ હતી.
કોંગ્રેસે આ બેઠકમાં નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો સંસદની બહાર અને સંસદની અંદર બંને રીતે ઉઠાવવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે પાર્ટી આ માટે જન આંદોલન શરૂ કરશે. જે જન આંદોલન આગામી દિવસોમાં રાજ્યના કોંગ્રેસી નેતાઓ સાથે મસલત કર્યા પછી શરૂ કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું હતું, ‘સીડબલ્યુસીમાં આજે એક ટીમ તરીકે મળ્યા હતા. અમે દેશમાં હાલની રાજકીય સ્થિતિ અને કોંગ્રેસ માટે મોદી સરકારની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, એનઆરસી જેવા મુદ્દાઓ ઉઠાવવાની તક હોવાની ચર્ચા કરી હતી. આજની મીટિંગમાં સામેલ થનારા સૌનો આભાર.’
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શાહ પટણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ
જસ્ટિસ ગીતા મિત્તલની જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસપદે નિમણૂક કરાઇ છે. તેઓ કોર્ટની આગેવાની સંભાળનાર પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ અત્યાર સુધી દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કામગીરી રહ્યા હતા.
કાયદા મંત્રાલયના વિવિધ જાહેનામા મુજબ, પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનનને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ કલ્પેશ સત્યેન્દ્ર ઝવેરીની ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે. તેઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામેલા જસ્ટિસ વિનીત સરનના અનુગામી બનશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ કે શાહને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેમના પુરોગામી જસ્ટિસ મેનન દિલ્હી હાઇકોર્ટના વડા બનશે. કેરળ હાઇકોર્ટના જસ્ટિસ હૃષિકેશની આ જ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે.

સિંધુ શર્મા જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના સૌ પ્રથમ મહિલા જજ તરીકે નિમણૂક પામ્યાં છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ઈતિહાસમાં ૯૦ વર્ષમાં પહેલી વાર એવી ઘટના બની છે જેમાં બે મહિલા જજ એક સાથે કામગીરી કરશે.
કલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટિસ અનિરૂદ્ધ બોઝને ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પ્રમોશન અપાયું છે. અગાઉ જસ્ટિસ બોઝને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ સરકારે નકારી દીધી હતી. બોમ્બે હાઇકોર્ટના જજ વિજય કે ટહિલરમાણીને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પહોંચી ગયેલા જસ્ટિસ ઇન્દિરા બેનરજીના અનુગામી બનશે.
વ્યભિચારને લગતી IPCની કલમ ૪૯૭ને પડકારતી પિટિશનની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વ્યભિચારના ગુના માટે બન્ને પક્ષ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિવાહિત મહિલા જો કોઈ વિવાહિત પુરુષ સાથે સંબંધ રાખે છે તો માત્ર પુરુષને દોષી કેમ ગણાવી શકાય, જ્યારે મહિલા પણ એ ગુનામાં બરાબર ભાગીદાર છે.’

કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જો કોઈ અવિવાહિત પુરુષ કોઈ વિવાહિત મહિલા સાથે સંબંધ રાખે છે તો એ વ્યભિચાર કહેવાતો નથી. લગ્નની પવિત્રતા જાળવવી એ પતિ અને પત્ની બન્નેની જવાબદારી હોય છે. જો કોઈ વિવાહિત મહિલા અન્ય વિવાહિત પુરુષ સાથે સંબંધ બનાવે છે તો માત્ર પુરુષ જ જવાબદાર કેમ ગણાય, જ્યારે મહિલા પણ આ અપરાધ માટે એટલી જ જવાબદાર છે.’
IPCની કલમ ૪૯૭ હેઠળ માત્ર પુરુષને જ દોષી માનવો એ એક એવી અનોખી જોગવાઈ છે જેમાં ગુનો આચરનારા બેમાંથી માત્ર એક જ પક્ષને જવાબદાર માનવામાં આવે છે એમ જણાવતાં કોર્ટે કહ્યું હતું કે ‘આશ્ચર્યની વાત છે કે જો પતિની સહમતીથી કોઈ પત્ની વિવાહિત પુરુષ સંબંધ બનાવે છે તો એ અપરાધ નથી. આનો શો મતલબ છે? શું સ્ત્રી પુરુષની ખાનગી મિલકત છે જે પુરુષની મરજી પ્રમાણે ચાલે?’
આ અગાઉ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે ‘એ મહિલાઓ માટે પણ આને અપરાધ ગણાવાય એ માટે કાયદામાં ફેરફાર નહીં કરે. અમે એ બાબતની તપાસ કરીશું કે પૅરૅગ્રાફ ૧૪ (કાયદા સમક્ષ તમામ સમાન)ના આધાર પર બનેલી IPCની કલમ ૪૯૭ને અપરાધની શ્રેણીમાં કાયમ રાખવી કે નહીં?’
IPCની કલમ ૪૯૭ મુજબ ‘જો કોઈ મહિલા સાથે, જે અન્ય કોઈ પુરુષની પત્ની છે અને જે અન્ય કોઈની પત્ની હોવાનું વિશ્વાસપૂર્વક જાણતો હોય તે તેના પતિની સહમતી સાથે કે સહમતી સિવાય શારીરિક સંબંધ બનાવે છે અને એ બળાત્કારની વ્યાખ્યામાં નથી આવતો તો તે પુરુષ વ્યભિચારના અપરાધનો દોષી ગણાશે. આ પુરુષને કોઈ ચોક્કસ સમય માટે જેલની સજા, જે પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે, કે પછી આર્થિક દંડ કે બન્ને સજા આપી શકાય છે. આવા કેસમાં પત્ની સજાપાત્ર નહીં હોય.’
ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ જાહેર કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત

ગુજરાતમાં એક તરફ પાણીપૂરીની લારીઓ પર તંત્ર દ્વારા રેઇડ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ 2 ઓગસ્ટના રોજ અમદાવાદમાં પાણીપૂરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ ઊમટી પડી હતી. બારમા ધોરણની વિદ્યાર્થિની આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ઝાપટીને સ્પર્ધાની વિજેતા બની હતી.
મહિલાઓ દ્વારા ઊભી કરાયેલી ગોલગપ્પા ક્લબ દ્વારા અમદાવાદમાં ગોલગપ્પા ઈટિંગ કૉમ્પિટિશન યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેવા ૪૦૦થી વધુ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ આવી હતી. જૈન મહિલા માટે અલગ પાણીપૂરી રખાઈ હતી. આયોજકો દ્વારા તમામ સ્પર્ધકોને ફ્રીમાં પાણીપૂરી આપવામાં આવી હતી. દરેક સ્પર્ધકને એક મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. પાણીપૂરીની સ્પર્ધામાં ભાગ લેવા માટે રીતસરનો ધસારો થયો હતો અને એક તબક્કે હૉલના દરવાજા બંધ કરવા પડ્યા હતા. બધા સ્પર્ધકોએ મનભરીને પાણીપૂરી ખાધી હતી. એમાં આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ખાઈ ગઈ હતી.
સ્પર્ધાના આયોજકોનું કહેવું હતું કે મહિલાઓ માટે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન કર્યું. અમે ઇચ્છીએ છીએ કે ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ તરીકે જાહેર કરવું જોઈએ. આ માટે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરીશું.

૧ ઑગસ્ટ હવેથી ગોલગપ્પા દિવસ
અમદાવાદની પાણીપૂરી સ્પર્ધાનું ઉદ્ઘાટન પણ બધા મહેમાનોએ પાણીપૂરી ખાઈને કર્યું હતું. એટલું જ નહીં, આ સ્પર્ધામાં હાજર રહેલાં અમદાવાદનાં મહિલા મેયર બિજલ પટેલે ૧ ઑગસ્ટને ગોલગપ્પા દિવસ જાહેર કર્યો હતો. સ્પર્ધકો સિવાયની મહિલાઓને પણ ફ્રીમાં પાણીપૂરી અને કૅન્ડી આપવામાં આવી હતી.
વોડાફોન આઇડિયા લિમિટેડ આવતા સપ્તાહથી ભારતની સૌથી મોટી મોબાઇલ ફોન કંપની તરીકે સત્તાવાર શરૂઆત કરે તેવી અપેક્ષા છે. બંને કંપની આ દિવસને ‘ડે ઝીરો’ તરીકે ઓળખે છે. ફરી નફો મેળવવાના ઈરાદા સાથે બંને કંપનીએ કરેલા મર્જર દ્વારા ખર્ચકાપનાં પગલાં ભરવાથી ફાયદો થશે અને કંપની તેને પ્રાથમિકતા આવશે.

બંને કંપનીના ડિસ્ટ્રિબ્યુટર અને ટાવર નેટવર્ક્સને તાર્કિક બનાવવા, એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો કરવો, નવી ભરતી બંધ કરવી અને તમામ સર્કલ્સમાં ફાજલ પડેલી ઓફિસો બંધ કરવી વગેરે પગલાં ભરવાનું નક્કી કરાયું છે.
વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરે માર્ચ 2017માં જ્યારે મર્જરની જાહેરાત કરી હતી ત્યારે તેમણે અંદાજ આપ્યો હતો કે મર્જર પછીના ચોથા વર્ષથી ખર્ચમાં ₹8,400 કરોડની વાર્ષિક બચત થશે. ત્યારથી બંને કંપનીની નાણાકીય સ્થિતિ કથળતી રહી છે. તેમની આવક 20 ટકા જેટલી અને રેવન્યુ માર્કેટ શેર તો 4 ટકા જેટલો ઘટી ગયો છે. જે ક્ષેત્રોમાં જંગી ખર્ચ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બે કંપની એક બનીને કામ શરૂ કરશે એટલે કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સને ચોક્કસપણે વિદાય આપવી પડશે.
મર્જ બાદ અસ્તિત્વમાં આવનારી કંપની પાસે 43 કરોડ ગ્રાહકો, 37 ટકા રેવન્યુ માર્કેટ શેર, ₹60,000 કરોડની આવક અને ₹૧,૨૫,૦૦૦ કરોડનું દેવું હશે. આ મર્જ્ડ કંપનીનો ‘ડે ઝીરો’ આવતા સપ્તાહે આવશે. તેમના મર્જર બાદ નં.1 ટેલિકોમ કંપની ભારતી એરટેલ બીજા ક્રમે આવી જશે. વોડાફોન અને આઇડિયાને ગયા સપ્તાહે સરકાર તરફથી મંજૂરી મળી હતી અને હવે માત્ર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી મેળવવાની બાકી છે. જ્યારે વાસ્તવમાં તાતી જરૂર હશે તેવા કિસ્સામાં જ ભરતી થશે. બંને કંપનીએ આ મર્જર માટે હજારો કર્મચારીને છૂટા કર્યા છે અને હવે તેમની પાસે 15,000 જેટલાં કર્મચારી છે. આ કર્મચારીઓ અલગ-અલગ યુનિટ્સમાંથી કામ કરવાને સ્થાને એક જ ઓફિસમાંથી કામ કરશે અને નવી ઓફિસોમાં શિફ્ટિંગનું કામ તમામ સર્કલ્સમાં તાત્કાલિક અસરથી શરૂ થશે.
ટુરિઝમ મંત્રાલયે વિદેશમાં ભારતના મિશન્સ, ટ્રેડ અને હોસ્પિટાલિટી એસોસિએશન્સ તેમજ ભારતીય ટુરિઝમની વિદેશી ઓફિસના વડાને પત્ર લખીને કેન્દ્ર સરકારે દેશમાં મહિલા સુરક્ષા માટે લીધેલાં શ્રેણીબદ્ધ પગલાંની માહિતી આપી છે. મંત્રાલય દ્વારા આ પગલાંની જાણ લોકોને કરવા જણાવાયું છે. જેથી વિદેશી પર્યટકોના મનમાં ભારત માટે રહેલી ગેરસમજ દૂર કરી શકાય.

ટુરિઝમ સેક્રેટરીનો 6 જુલાઈનો પત્ર થોમસન રોઇટર્સ ફાઉન્ડેશન દ્વારા જૂનમાં કરાયેલા સરવેના જવાબમાં લખવામાં આવ્યો છે. સરવેમાં ભારતને મહિલાઓ માટે સૌથી જોખમી દેશ ગણાવાયો હતો. અફઘાનિસ્તાન અને સિરિયા આ યાદીમાં બીજા ક્રમે તેમજ સોમાલિયા અને સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે હતા.
ET પાસે ટુરિઝમ મંત્રાલયના પત્રની નકલ છે. પત્રમાં જણાવ્યા અનુસાર “સરવેનું તારણા કોઈ આંકડા પરથી લેવાયું નથી. તેનો આધાર રોઇટર્સ દ્વારા લેવાયેલા 548 વ્યક્તિનો અભિપ્રાય છે. આ એવી વ્યક્તિઓ છે જેને રોઇટર્સે મહિલાઓની સમસ્યા બાબતે નિષ્ણાત ગણી છે.” જોકે, આ વ્યક્તિઓની લાયકાત અને કોઈ ચોક્કસ દેશ અંગેની નિપુણતા અંગેની માહિતી ઉપલબ્ધ નથી.

પત્રમાં જણાવ્યા અનુસાર “સરવેમાં હેલ્થકેર, ભેદભાવ, સાંસ્કૃતિક પરંપરા, જાતીય હિંસા, હ્યુમન ટ્રાફિકિંગ સહિતના મુદ્દે અભિપ્રાય લેવાયો હતો. ભારતે આ બાબતોમાં અગાઉના વર્ષોની તુલનામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. એટલે ભારતનું રેન્કિંગ બિલકુલ ખોટું જણાય છે.” પત્રમાં જણાવાયું છે કે, “વન સ્ટોપ સેન્ટર્સ જેવી ઘણી સંસ્થાકીય સપોર્ટ મિકેનિઝમ અને 31 રાજ્યોમાં મહિલા હેલ્પલાઇન નંબરની સુવિધા છે.
2012ના નિર્ભયા કાંડ પછી તાજેતરના કાયદામાં મહિલાઓ પર એસિડ હુમલા સહિતના ગુનાની સજા વધુ આકરી બનાવવામાં આવી છે. ટુરિઝમ મંત્રાલયે 12 ભાષામાં ટુરિસ્ટ હેલ્પલાઇન લોન્ચ કરી છે. ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુરક્ષા અંગેની માર્ગરેખા ઇશ્યૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ‘અતિથિદેવો ભવ’ના મીડિયા કેમ્પેનની મદદથી પર્યટકો સાથે સારી વર્તણૂકનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.”

મોદી સરકાર સામે ખાંડા ખખડાવતા કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના વડપણ હેઠળ લોક જનશક્તિ પક્ષ (એલજેપી)એ શુક્રવારે કહ્યું હતું કે, ભાજપને આપેલો ટેકો મુદ્દા આધારિત છે. એલજેપીએ દલિતો સામેના અત્યાચાર વિરોધી ધારાની આકરી જોગવાઈ ફરી સ્થાપિત કરવા તથા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના અધ્યક્ષ એ. કે. ગોયલને નવમી ઑગસ્ટ સુધીમાં બરતરફ કરવાની માગણી કરી હતી. એનડીએના એક અન્ય સહયોગી પક્ષ એલજેપીએ પણ ભાજપ વિરુદ્ધ કડક વલણ અખત્યાર કર્યું છે. એસસી-એસટી એકટ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ ભાજપને ચેતવણી આપી હતી.
એલજેપી અધ્યક્ષ અને રામ વિલાસ પાસવાનના પુત્રે વડા પ્રધાન મોદીને પત્ર લખી સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ચેરમેન એ. કે. ગોયલને ચેરમેનપદેથી દૂર કરવા માગણી કરી છે. તેમણે સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન એસસી-એસટી એકટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સજાની હળવી કરેલી જોગવાઈ દૂર કરવા અંગે ખરડો પસાર કરવા સરકારને અપીલ કરી છે.
જો તેમ કરવામાં સરકાર અસમર્થ રહે તો વટહુકમ બહાર પાડવા પણ અનુરોધ કર્યો છે. જેથી ૯ ઑગસ્ટથી શરૂ થનારા એસસી-એસટી એકટ વિરુદ્ધના અભિયાનને રોકી શકાય. ૨૦ માર્ચે સુપ્રીમ કોર્ટે હળવી કરેલી સજા વિરુદ્ધ દેશભરમાં લોક આંદોલન ફાટી નીકળ્યા હતા, જેણે હિંસક સ્વરૂપ ધારણ કરતા પરિસ્થિતિ વકરી હતી. પાસવાને સરકારને દેશને ફરી વખત હિંસક આંદોલન તરફ જતો રોકવા અનુરોધ કર્યો છે. ૧૦ ઑગસ્ટના રોજ દલિત અને આદિવાસી સમુદાય દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરિણામે એસસી-એસટી સમુદાય પર અત્યાચાર વધ્યાં હોવાનું જણાવી પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતી હોવાનું જણાવ્યું હતું. જો કે ચિરાગ પાસવાને મોદી સરકાર દલિતોના હિતમાં નિર્ણય કરશે એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વિરોધ પક્ષ દ્વારા ભાજપની એન્ટી દલિત પાર્ટી તરીકે ઊભી કરાયેલી છાપને ભૂસવા ભાજપ સરકારને અનુરોધ કર્યો હતો.

નવી મુંબઇ જમીન સોદાના કેસમાં જ્યુડિશીયલ તપાસનો આદેશ આપ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ જમીન સંબંધી દરેક ટ્રાન્ઝેક્શન્સ પર સ્ટે મૂકી દીધો હતો. આ અંગે વિધાનસભામાં જાહેરાત કરતા ફડણવીસે જણાવ્યું હતું કે જ્યાં સુધી જ્યુડિશિયલ તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી આ જમીન ની લે-વેચ કરી નહીં શકાય અને તેને ભાડા પર આપી નહીં શકાય. તેમણે મહેસૂલ વિભાગને આ જમીન પર કોઇ થર્ડ પાર્ટી દાવો ના કરે એનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. કોયના પીએપી જમીન વિવાદની જ્યુડિશિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મુંબઇ કૉંગ્રેસ પ્રમુખ સંજય નિરૂપમે દાવો કર્યો હતો કે કોયના બંધના આઠ પ્રોજેક્ટના અસરગ્રસ્તો માટે નવી મુંબઇમાં રાખવામાં આવેલી 1,767 કરોડ રૂપિયાની જમીન ખાનગી બિલ્ડરને 3.60 કરોડ રૂપિયાના મામૂલી ભાવે આપી દેવામાં આવી છે.