ભાજપની કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની સોમવારે મળેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં આમ છતાં ગુજરાતના 10 બેઠકોના ઉમેદવારોના મુદ્દે કોઇ ઉકેલ આવી શક્યો ન હતો તેમજ કોઇ નિષ્કર્ષ ઉપર પહોંચી શકાયું નહોતું. ગુજરાતની કુલ 26 બેઠકો છે અને આ પૈકી 16 બેઠકોના નામની જાહેરત થઇ ચૂકી છે જ્યારે બાકીના 10 ઉમેદવારોના નામ ઉપર સર્વસંમતિ નથી સાધી શકાઇ અર્થાત્ ગુજરાતના ઉમેદવારોને લઇને ક્યાંક ને ક્યાંક’ કેન્દ્રિય નેતાગીરીમાં કોકડું ગુંચવાયેલું છે અથવા તો કહી શકાય કે’ ક્યાંકને ક્યાંક હજુ ખેંચતાણ ચાલી રહી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની રાજકીય તાસીરથી’ રગેરગથી વાકેફ છે ત્યારે તેમના માટે કોઇ વિસ્તાર કે કોઇ સમાજ કે કોઇ બેઠક કે કોઇ સમીકરણ અજાણ્યુ ન હોઇ શકે એટલે બાકી રહેલી’ મહેસાણા, સાબરકાંઠા, પાટણ, જુનાગઢ, આણંદ, છોટાઉદેપુર, સુરત અને અમદાવદ પૂર્વ સહિતની 10 બેઠકોના ઉમેદવાર કેવા ઉભા રાખવા તે બન્ને નેતાઓના મનમાં ક્લિયર હોય તે સ્વાભાવિક છે પરંતુ આટલી બધી ક્લેરિટી હોવા છતાં ગુજરાતના 10 ઉમેદવારો જાહેર કરી શકાયા નથી એ પણ એટલી જ હકીકત છે.
બીજી તરફ ભાજપના અંતરંગ વર્તુળોમાંથી પ્રાપ્ત થઇ રહેલા અહેવાલો અનુસાર, ભાજપે મહેસાણા બેઠક માટે વર્તમાન સાસંદ જયશ્રીબેન પટેલને હટાવીને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને લડાવવા માટેની’ ઇચ્છા વ્યક્ત કરી છે. એવું સમજાય છે કે, ભાજપે નીતિન પટેલને લોકસભાની ચૂંટણી લડવા કહ્યું છે પરંતુ નીતિન પટેલ આ માટે સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યા છે. જેને કારણે ભાજપની કેન્દ્રિય નેતાગીરી હાલ મુંઝવણમાં છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નીતિન પટેલ જાણે છે કે જો લોકસભા લડવામાં આવશે તો તેમની રાજકીય કારકિર્દી ક્યાંક ને ક્યાંક જોખમમાં મુકાઇ શકે છે. જો નીતિન પટેલ નહી લેડે તો બીજુ નામ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીવાભાઇ પટેલનું ચાલી રહ્યુ ંછે. એટલે હવે દ્ધિધાભરી પરિસ્થિતિ’ ઉભી થઇ છે અને પાર્ટી બાકી રહેલી 10 બેઠકોના ઉમેદવારોના નામ ક્યારે જાહેર કરે છે, તે જોવાનું રહે છે.
પોરબંદર, બનાસકાંઠા, પંચમહાલના સિટિંગ MPની ટિકિટ કાપી
ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 16 ઉમેદવારો જાહેર કર્યા બાદ બુધવારે વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં પંચમહાલથી રતનસિંહ રાઠોડ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી પરબત પટેલના નામ જાહેર કર્યા હતા. આ ત્રણેય બેઠકો પર સિટિંગ સાંસદની રિપીટ કર્યા નથી. આમ ભાજપે કુલ 19 ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાંથી એલ.કે. અડવાણી, વિઠ્ઠલ રાદડીયા, પ્રભાતસિંહ ચૌહાણ, હરિભાઈ ચૌધરી (કેન્દ્રીય પ્રધાન) અને દેવજી ફતેપરાની ટિકિટ કાપવામાં આવી છે. પંચમહાલ, પોરબંદર અને બનાસકાંઠાની આ ત્રણેય બેઠકો પર નવા ચહેરાને સ્થાન આપીને ભાજપે નવો દાવ ખેલ્યો છે. પાર્ટીએ આ ત્રણ નામોની જાહેરાત કરીને સ્થાનિક નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પરબત પટેલ રાજ્ય કક્ષાના પ્રધાન છે અને ચૌધરી સમાજ પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભાજપે કેન્દ્રીય પ્રધાન હરીભાઈ ચૌધરીનું જ પત્તુ કાપ્યું છે. ભાજપે બનાસકાંઠા માટે સૌમ્ય અને શાંત ચહેરો ધરાવતા પરબત પટેલ પર પસંદગી ઉતારી છે. પંચમહાલમાં સિટિંગ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ અનેક દાવા કર્યા હતા કે, તેમને ટિકિટ મળશે. મારી ટિકિટ નહીં કપાય. પણ તેમની ટિકિટ કપાઈ છે. પ્રભાત સિંહનો દબંગ સ્વભાવ રહ્યો છે. તેમણે ટિકિટ મેળવવા માટે દિલ્હીના પણ આંટાફેરા કર્યા હતા. પોતાને ટિકિટ ન મળતા આખરે તેમણે બળાપો કાઢ્યો હતો. અપક્ષ દાવેદારી પણ કરે તેવી શક્યતા છે. તો બીજી તરફ, પંચમહાલ પર સી. કે. રાઉલજીનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું પણ તેમના સ્થાને રતન સિંહ નામના નવા ચહેરાની પંસદગી કરવામાં આવી છે. પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમનુ ચૂંટણી લડવું અશક્ય હતું, પણ રાદડિયા પરિવારમાં અન્ય કોઈને ટિકિટ ફાળવાઈ નથી. પોરબંદર રાદડિયા પરિવારનો ગઢ કહેવાય છે, ત્યારે અહીં નવા ચહેરા રમેશ ધડુકને મેદાનમાં ઊતારવામાં આવ્યા છે. બાકીની 7 બેઠક પર હજી નામ જાહેર થવાના બાકી છે.
























