બાંધકામ અંગે ગુજરાત સરકારે વખતો વખત બહાર પાડેલા નિયમોથી ગુજરાતભરના તબીબોમાં નારાજગી ફેલાયેલી છે. બાંધકામના કેટલાક નીતિ નિયમોને કારણે હોસ્પિટલથી લઇને આઇસીયુ સુધીની કામગીરી તબીબો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે આગામી તા.22મી જુલાઇ 2022ને શુક્રવારના રોજ સવારે 8 કલાકથી તા.23મી જુલાઇને શનિવારે સવારે 8 વાગ્યા સુધી સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતભરના તબીબો 24 કલાકની સંપૂર્ણ હડતાળ પાડશે.
ઇન્ડીયન મેડિકલ એસોસીએશનની સુરત બ્રાન્ચની સત્તાવાર અખબારી યાદીમાં કહેવાયું છે કે ગુજરાતના તમામ પ્રાઇવેટ ડોક્ટર્સ આ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં પહેલી વખત પ્રાઇવેટ હોસ્પિટલોમાં તા.22મીએ તબીબોની હડતાળના દિવસે ઓપીડી, આઉટ ડોર પેશન્ટ માટે તબીબી સેવા સુવિધા તેમજ ઓપરેશન થિયેટરની કામગીરી પણ બંધ રહેશે.
ઇમરજન્સીમાં તબીબી સેવા સુવિધા જળવાય રહે તે માટે સરકારી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલોમાં તબીબી સારવાર ઉપલબ્ધ બની શકશે.
સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયા એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પાણીનો આવરો ઉકાઇ નદીમાં નોંધાઇ રહ્યો છે. ઉકાઇ ડેમમાં આવી રહેલા પાણીના જથ્થાની ગણતરી કરીને વોટર મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે જ ગઇકાલ તા.18મીએ રાત્રે 8 વાગ્યાથી તબક્કાવાર ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. પહેલા 60 હજાર ક્યુસેક્સથી લઇને આજે બપોરથી 1.87 લાખ ક્યુસેક્સ પાણી ઉકાઇ ડેમમાંથી રિલીઝ કરવામાં આવ્યું છે. આ પાણી જ્યારે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાંથી વહેશે ત્યારે અનેક ઠેકાણે તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળશે.
સલામતિના ભાગરૂપે તંત્રવાહકોએ ડુમસ બીચ અને સુંવાલી બીચ મુલાકાતીઓની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
સુરત કલેક્ટરે ટ્વીટ કરીને જાણકારી આપી
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ રિઝર્વરમાંથી આજે 1,87,000 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે.તથા ડુમસ અને સુવાલી બીચ મુલાકાતીઓ માટે બંધ કરેલ છે. નાગરિકોને નોંધ લઈ સહકાર આપવા વિનંતી. @CMOGuj@pkumariaspic.twitter.com/fRX64A512q
ભારતીય શેરબજારોમાં ભારે ઊથલપાથલ અટકી છે ઈન્ડેક્સ સ્ટેબલ થયા છે પરંતુ ડેટ માર્કેટની મંદી અને ક્રૂડની ભારે અફરાતફરી રૂપિયા પર દબાણ સર્જી રહી છે. ભારતીય રૂપિયો મંગળવાર Dated 19/7/22ના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ને પાર નીકળ્યો છે.
ભારતીય ચલણ સોમવારના બંધ ભાવ 79. 97ની સામે આજે Dated 19/7/22 Rs.79.98 પર ખુલ્યો હતો અને શરૂઆતી મિનિટોમાં જ રૂપિયો 80ને પાર નીકળ્યો છે.
ક્રૂડમાં ગઈકાલે જોવા મળેલ ધમાલને કારણે આજે Date 19/7/22 રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.
સામે પક્ષે ભારતના મોંઘવારી, રાજકોષીય અને વેપાર ખાધના આંકડા સહિતના તમામ આર્થિક આંકડા નકારાત્મક આવતા અને આગામી સમયના નેગેટિવ આઉટલુક ને કારણે રૂપિયાની મંદીની ચાલ અવિરત વધતી જઈ રહી છે અને આજે સર્વકાલીન ન્યૂનતમ સ્તર 80.02 પ્રતિ યુએસ ડોલર પર પહોંચ્યો છે.
યુપીમાં સપાના બરેલીના ભોજીપુરા MLA શહઝીલ ઈસ્લામે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું છે. તેમણે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. ઓડિશાથી કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ મુકીમે દાવો કર્યો છે કે, તેમણે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. AIUDF ધારાસભ્ય કરીમુદ્દીન બરભુઈયાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ આસામમાં ક્રોસ વોટિંગ કર્યું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાતમાં ગાંધીનગર ખાતે પ્રથમ ક્રોસ વોટિંગ થયું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના રાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં આજે ગાંધીનગર ખાતે પોતાનો મત આપ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કર્યું. ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યું.
આજે દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સંસદ ભવન અને રાજ્યોની વિધાનસભાઓમાં દેશભરના લગભગ 4,800 ધારાસભ્ય અને સાંસદો મત આપશે. NDA તરફથી દ્રૌપદી મુર્મૂ ઉમેદવાર છે તો વિપક્ષે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યા છે. મતોનું ગણિત જોતા NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું પલડું ભારે નજર આવી રહ્યું છે.
સંસદ ભવનમાં પહેલા માળે રૂમ નંબર 63માં મતદાન થશે. સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા મતદાન થશે. સાંસદોએ બેલેટ પેપર પર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ સામે તેમની પસંદગીની નોંધણી કરવાની રહેશે.મતદાનનું પરિણામ 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 25 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારંભ યોજાશે. દ્રૌપદી મુર્મૂની જીતથી આદિવાસી સમુદાયની મહિલા માટે પ્રથમ વખત દેશના ટોચના બંધારણીય પદ પર પહોંચવાનું શક્ય બનશે.
– દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટેની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મુર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ 2015થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
– વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રની અલગ અલગ સરકારોમાં નાણામંત્રી અને વિદેશમંત્રી રહી ચૂકેલા સિન્હા 2018માં BJPથી અલગ થયા હતા. બાદમાં તેઓ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે, તેમણે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયાના એક દિવસ પહેલા ટીએમસી છોડી દીધી હતી. આ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો પક્ષ મતોની દ્રષ્ટિએ મજબૂત નજર આવી રહ્યો છે. સત્તાધારી ગઠબંધન સિવાય માત્ર બીજેડી, વાયએસઆર કોંગ્રેસ, શિરોમણિ અકાલી દળ જ નહીં વિપક્ષી ટીમની માનવામાં આવતી જેડીએસ, ઝામુમો, શિવસેના અને ટીડીપી જેવી પાર્ટીઓએ પણ સમર્થનનું એલાન કર્યું છે.
– લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રવિવારે યોજાયેલી NDAની બેઠકમાં હાજરી આપી હતી. જેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, 2020 બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ સત્તારૂઢ ગઠબંધનથી અલગ થઈ ગયા હતા. જો કે, ચિરાગે કહ્યું કે, મીટિંગમાં આવવાનો અર્થ એ નથી કે તે ફરીથી એનડીએનો હિસ્સો બની ગયા છે.
– આમ આદમી પાર્ટીએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે.
– NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો વોટ શેર લગભગ બે તૃતીયાંશ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં કુલ મતોનું મૂલ્ય 10,86,431 છે જેમાંથી મુર્મૂને 6,67,000 મત મળવાની શક્યતા છે.
– ચૂંટણી આયોગના કહેવા મુજબ આ વખતે એક સાંસદના મતનું મૂલ્ય 700 છે. છેલ્લી વખતે સાંસદના મતનું મૂલ્ય 708 હતું.
– ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 208 છે. ઝારખંડ અને તમિલનાડુના ધારાસભ્યોના મતનું મૂલ્ય 176 અને મહારાષ્ટ્રના ધારાસભ્યોના મતનું મૂલ્ય 175 છે. સિક્કિમના ધારાસભ્યના મતનું મૂલ્ય આખા દેશમાં સૌથી ઓછું છે.
– રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ઘણા રાજ્યોમાં ક્રોસ વોટિંગથી બચવા માટે પાર્ટીઓના ધારાસભ્યોને હોટેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યોને શનિવારે જ બેંગ્લોરની હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા. ગોવામાં કોંગ્રેસ પાર્ટીએ તેના 11માંથી 5 ધારાસભ્યોને ચેન્નાઈ શિફ્ટ કરી દીધા હતા. બંગાળમાં પણ ભાજપે પોતાના ધારાસભ્યોને હોટેલમાં રાખ્યા હતા.
સંસદના કંઝર્વેટિવ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનના પ્રથમ બે તબક્કામાં સુનક વિજેતા બન્યા હતા
બ્રિટનના નવા વડાપ્રધાન માટેની રેસમાં ગતિ પકડવા વચ્ચે કાર્યવાહક વડાપ્રધાન બોરિસ જોનસને પોતાના સહયોગીઓને કથિત રીતે કહ્યું કે, બીજા કોઈનું પણ સમર્થન કરો પરંતુ ઋષિ સુનકનું નહીં. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના જોન્સને 7 જુલાઈએ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું.
બોરિસ જોનસનેપાર્ટીનું નેતૃત્વ હાંસલ કરવાની રેસ પાછળ રહી ગયેલા નેતાઓને વિનંતી કરી છે કે, તેઓ પૂર્વ નાણા મંત્રી અને ચાન્સેલર સુનાકને સમર્થન ન આપે, જેમના પર જોનસનની પોતાની પાર્ટીમાં સમર્થન ગુમાવવા માટે જવાબદાર છે.
જોનસન વિદેશ મંત્રી લિઝ ટ્રસનું સમર્થન કરવા માટે ઈચ્છુક મજર આવી રહ્યા છે. જેનું સમર્થન જોનસનના કોબિનેટ સહયોગીઓ ઝૈકબ રીસ-મોગ અને નૈડીન ડોરિસે કર્યું છે. જોનસને તેના અનુગામી તરીકે પેની મોર્ડાઉન્ટ માટે પણ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. મોર્ડાઉન્ટ કનિષ્ઠ વેપારમંત્રી છે.
પૂર્વ ચાન્સેલરના રીજીનામાને પોતાની સાથે કથિત રીતે વિશ્વાસઘાતના રૂપમાં જોઈ રહેલા જોનસન અને તેમની ટીમ કોઈનું પણ સમર્થન કરો પરંતુ ઋષિ સુનકનું નહીં ના રૂપમાં એક ગુપ્ત અભિયાન ચલાવી રહ્યા છે. નાણામંત્રી પદ પરથી તેમના રાજીનામાએ 10 ડાઉનિંગ સ્ટ્રીટથી જોનસનની વિદાય સુનિશ્ચિત કરી દીધી હતી.
આખી 10 ડાઉનિંગ સ્ટ્રીટ ટીમ ઋષિને નફરત કરે છે. તેઓ સાજિદ જાવિદને જ્હોનસનને હાંકી કાઢવા માટે દોષી ઠેરવતા નથી. તેઓ ઋષિને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમને લાગે છે કે, તે મહિનાઓથી તેનું કાવતરું ઘડી રહ્યો હતો. સંસદના કંઝર્વેટિવ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનના પ્રથમ બે તબક્કામાં સુનક વિજેતા બન્યા હતા.
આ દરમિયાન જોનસનના એક સહયોગીએ આ દાવાને ફગાવી દીધો છે જોનસન સુનક સિવાય અન્ય કોઈને પણ પોતાનો ઉત્તરાધિકારી બનતા જોવા ઈચ્છે છે.
જો કે, તેમણે સ્વીકાર્યું કે તેઓ સુનકના વિશ્વાસઘાતથી નારાજ છે. તે જ સમયે, સુનકના કેમ્પે સૂચનોને અવગણવાનો પ્રયાસ કર્યો કે તેમનો મજબૂત ટેકો ટોરી સાંસદો સિવાય નથી. ટોરી એમપી રિચાર્ડ હોલ્ડન જે સુનકને ટેકો આપી રહ્યા છે તેમણે કહ્યું કે, ‘આશા છે કે અમે આગળ વધીશું’.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે એક્ઝમ્પ્ટે ગુડ્સની યાદીમાંથી કેટલીક આઈટમ્સ બહાર કાઢી નાખવાનો નિર્ણય ક્રયો તે પછી કેન્દ્રના નાણાં ખાતાએ બહાર પાડેલા નોટિફિકેશન નંબર ૬માં ખાંડ, ગોળ, દહીં, લસ્સી, છાશના અગાઉથી પેકિંગ કરી રાખીને વેચવા મૂકેલા -પ્રીપેક્ડ પેકેટ્સ પર ૫ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી દહીં અને છાસમાં એક લિટરના પાઉચમાં રૂા. ૧૫થી ૩નો વધારો આવી જશે. તેમ જ કુદરતી મધ, પૌઆ, પફ્ડ રાઈસ પર પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
જવ, બાજરીત મકાઈ, રાઈ, ઓટ, મકાઈ, ઘઉં, મેંદો, રવો, ઉપરાંત નમકીન, ભુજિયા, સહિતના રેડી ટુ ઇટ નમકીન પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રાન્ડેડ હોય કે અનબ્રાન્ડેડ હોય પ્રીપૅક કરેલી ચીજવસ્તુઓ પર જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે દરેક ઘરમાં જતાં દૂધ પર પાંચ ટકા જીએસટી લાગુ ન કરવાનો નિર્ણય કર્યો છે.
દૂધ દોહવા માટેના મશીન પર તથા ડેરીમાં ઉપયોગમાં લેવાતી જુદી જુદી મશીનરી પર ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલના દહીં, છાશ અને લસ્સી પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ પડશે. પાંચ ટકામાંથી ૨.૫ ટકા જીએસટી અને ૨.૫ ટકા સીજીએસટીનો હિસ્સો રહેશે. આમ જીએસટીના દરેક રેટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો અડધો અડધો હિસ્સો રહેશે.
પ્રિન્ટિંગ, રાઈટિંગ અને ડ્રોઈંગની ઇન્ક પર ૧૮ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. ડ્રોઇંગ અને માર્કિંગ કરવા માટેના ઉપકરણો પરના જીએસટી ૧૮ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ ચક્કુ, કાગળની કાપવાની છરી, પેન્સિલ છોલવાનો સંચો, બ્લેડ, ચમચી-કાંટો, કેક સર્વર પર ૧૮ ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાતાળ કૂવા કે બોરમાંથી પાણી ખેંચતા ટયૂબવેલ કે ટર્બાઈન પમ્પ, સબમર્સિબલ પમ્પ, બાઇસિકલ પમ્પ પર ૧૮ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ રીતે કટ કરેલા ડાયમંડ પર જે પા ટકા જીએસટી લેવાતો હતો તેને સ્થાને ૧.૫ ટકા જીએસટી લેવાનો નિર્ણય લેવાયો છે. તેને કારણે ડાયમંડના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સલવાઈ રહેતી અબજો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની સમસ્યા ઉકલી જશે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે.
હોટલેના હાયર કેટેગરીના રૂમ પર ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. રૂા.૧૦૦૦સુધીના દૈનિક ભાડાં લેતી હોટેલના ભાડા પર પણ ૧૨ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.પરિણામે પર્યટકોના ખર્ચમાં વધારો થશે. એલઈડી લેમ્પ, લાઈટ અને ઇલેક્ટ્રિક ફિક્સચર્સ અને તેમની મેટલ પ્રીન્ટેડ સર્કિટ બોર્ડ પર પણ ૧૨ ટકા જીએસટી હતો તે વધારીને ૧૮ ટકાનો કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પગરખાં અને લેધરગુડ્સના મેન્યુફેક્ચરિંગ પર લેવાતો જીએસટી ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. જોબવર્કના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શાકભાજી, ફળ, કઠોળ, અનાજના શોર્ટિંગ અને સફાઈ માટે ઉપયોગમાં લેવાતા મશીનો, પવન ચક્કી, લોટ દળવાની ઘંટી, ગ્રાઈન્ડર પર 18 ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જીએસટીની આવકમાં ત્રણ લાખ કરોડનો વધારો થઈ શકે
કેન્દ્ર સરકારે અનિવાર્ય પણે દરેક ઘરઘરમાં વપરાતી મોટાભાગની વસ્તુઓને જીએસટીના દાયરામાં સામેલ કરી દીધી હોવાથી ૨૦૨૨-૨૩ વર્ષ દરમિયાન જીએસટીની આવકમાં અદાજે ૨.૫ લાખથી ૩ લાખ કરોડનો વધારો આવી જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. માત્ર દૂધને જો જીએસટીના દાયરામાં સમાવી લેવામાં આવે તો એકલા ગુજરાતમાંથી ૧૨૦૦ કરોડની આસપાસનો જીએસટીનો બોજ આવતો હતો. આ દ્રષ્ટિએ દરેક રાજ્યના ઘર ઘરના રસોડામાં વપરાતા ઘઉં, મકાઇ, જવ, મેંદો, રવો, મધ સહિતની વસ્તુઓ પર ૫ ટકાના દરે જીએસટી લગાવ્યો હોવાથી કેન્દ્ર સરકારની જીેસટીની વાર્ષિક આવક રૂા. ૨૧ લાખ કરોડને આંબી જાય તેવી સંભાવના છે.
બેન્કની ચૅકબુકના ચાર્જ ઉપરાંત 18 ટકા જીએસટી
બૅન્કમાંથી મળતા ફ્રી ચેક ઉપરાંતના લૂઝ કે પછી બુકના સ્વરૂપમાં લેવામાં આવનારા ચેક માટે લેવાનારા ચાર્જ પર ૧૮ ટકા જીએસટી લાગુ પડશે. તેની સૌથી મોટી અસર કરન્ટ એકાઉન્ટ ધારકો પર પડશે. આ જ રીતે રસ્તા, બ્રિજ, રેલવે ટ્રેક, મેટ્રો રેલ, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્મશાનગૃહ બાંધવા માટેના વર્ક્સ કોન્ટ્રાન્કટ પર ૧૨ ટકા જીએસટી લેવાતો હતો તે વધારીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. ઐતિહાસિક સ્મારકો, નહેરો, બંધ, પાઈપલાઈન, વૉટર સપ્લાય પ્લાન્ટ્સ નાખવાના કોન્ટ્રાક્ટ લેનારાઓ પાસેથી ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ બાંધનારાઓ પાસેથી પણ ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.
આજે તા.15 જુલાઇ 2022ના રોજ સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરાયું હતું. સુરતમાં રવિ છાવછરીયાના કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કરનાર ચાર વિદ્યાર્થીઓ સી.એ. ઇન્ડીયા ટોપ ફીફ્ટીમાં સ્થાન પામ્યા છે. જેમાંથી શ્રૃષ્ટી સંઘવી ઇન્ડીયા થર્ડ અને સુરત ગુજરાત ફર્સ્ટ, ઉપરોક્ત ફોટામાં રવિ છાવછરીયાની બાજુમાં અર્હમ પારખ ઇન્ડીયામાં 40મો અને સુરતમાં ચોથો તેમજ રોહીત સિધ્ધા ઇન્ડીયામાં 42મો અને સુરતમાં પાંચમા ક્રમે પાસ થયા છે. સી.આઇ. લાઇવ
સમગ્ર દેશમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના અભ્યાસ માટેનું હબ બની ચૂકેલા સુરત શહેરમાંથી આજે સી.એ. ફાઇનલની પરીક્ષાનું પરીણામ જાહેર થતાં એક જ ઝાટકે 138 ઉમેદવારોને સી.એ.નો દરજ્જો મળી ગયો હતો. સુરતનું પરીણામ સમગ્ર દેશના એવરેજ પરીણામ કરતા ડબલ આવ્યું છે એટલું જ નહીં પણ સુરત બ્રાન્ચમાંથી પરીક્ષા આપનારા કુલ 5 ઉમેદવારોએ સી.એ. ફાઇનલના પરીણામમાં ઇન્ડીયા ટોપ-50માં સ્થાન પણ હાંસલ કરી લીધું છે.
છેલ્લા ઘણાં વર્ષો પછી આ વખતે આઇ.સી.એ.આઇ.ની સુરત બ્રાન્ચે સી.એ. ફાઇનલ્સના પરીણામો અધિકૃત રીતે ઘોષિત કર્યા હતા. આઇસીએઆઇ સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટ નિકેશ કોઠારીએ જણાવ્યું હતું કે આજે જાહેર થયેલા સીએ ફાઇનલ્સ પરીક્ષાના પરીણામમાં સુરત બ્રાન્ચમાંથી કુલ 585 વિદ્યાર્થીઓએ ગ્રુપ એ અને બી બન્નેની પરીક્ષા આપી હતી. જેમાંથી વિદ્યાર્થીઓ આજે 138 ઉમેદવારો સી.એ.નો દરજ્જો મેળવી ચૂક્યા છે. સુરત બ્રાન્ચમાંથી આ વખતે 1582 ઉમેદવારોએ સી.એ. ફાઇનલ્સ એ ગ્રુપ, બી ગ્રુપ, બન્ને ગ્રુપ એ રીતે પરીક્ષા આપી હતી. 65 ઉમેદવારો ફક્ત એ ગ્રુપ તેમજ 62 ઉમેદવારોએ ફક્ત દ્વિતિય ગ્રુપન પરીક્ષા પાસ કરી છે.
બીજી તરફ સુરત શહેરના પાંચ ઉમેદવારોએ ઇન્ડીયા ટોપ-50 ઉમેદવારોમાં સ્થાન મેળવ્યું છે. જેમાં શ્રૃષ્ટી કેયુર સંઘવી ગુજરાત ફર્સ્ટ, સુરત ફર્સ્ટ અને દેશમાં ત્રીજા ક્રમે, અરુણ કિશનલાલ બોરાણા દેશમાં 32માં ક્રમે અને સુરતમાં સેકન્ડ, અર્હમ સુનિલ પારખ દેશમાં 37માં ક્રમે અને સુરતમાં ત્રીજા ક્રમે, સિદ્ધાર્થ સહારીયા દેશમાં 40માં ક્રમે અને સુરતમાં ચોથા ક્રમે તથા રોહીત સદાનંદ સિદ્ધા દેશમાં 42માં ક્રમે અને સુરતમાં પાંચમા ક્રમે માર્કસ લાવવામાં સફળ નિવડ્યા છે. સુરતના આ ટોપ-ફાઇવ પૈકી દ્વિતિય નંબરને બાદ કરતા બાકીના તમામ વિદ્યાર્થીઓ સી.એ. રવિ છાવછરીયાના કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કર્યો છે.
ભારતીય ટીમ ગુરૂવારે લોર્ડસના ઐતિહાસિક મેદાન પર બીજા વન ડેમાં ફરી એકવાર ઇંગ્લેન્ડ પર દબદબો બનાવી રાખવાના અને ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે વિરાટ કોહલીનું આ મેચમાં રમવું પણ સંદિગ્ધ છે. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ કોહલીએ આ ઇજાને લીધે પહેલો વન ડે પણ ગુમાવ્યો હતો. જો કે કોહલીની ગેરહાજરીમાં ટીમના દેખાવમાં કોઇ ફરક પડયો નથી. બુમરાહની કાતિલ બોલિંગથી ભારતે પહેલા વન ડેમાં ઇંગ્લેન્ડને 110માં ઓલઆઉટ કરીને 10 વિકેટે ધસમસતી જીત મેળવી હતી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ આ કારમી હાર ભૂલવાની કોશિશ કરશે અને શ્રેણી જીવંત રાખવા માંગશે. મેચ ગુરૂવારે સાંજે પ-30થી શરૂ થશે.
કપ્તાન રોહિત શર્મા અને તેની ટીમને એવી આશા રહેશે કે લોર્ડસની પિચ પણ ઓવલ જેવી હશે. બુમરાહ ઘાતક ફોર્મમાં છે અને શમી કોઇપણ વિરોધી બેટધર પર ભારે પડી શકે છે. ઇંગ્લેન્ડના બેટર્સના ભારતના આ બે ફાસ્ટ બોલર સામે ફરી એકવાર કસોટી થશે. જો કોહલી નહીં રમે તો શ્રેયસ અય્યર વન ડાઉનમાં હશે અને તેણે શોર્ટ પિચ બોલ પર આઉટ થતાં બચવું પડશે. દીપક હુડ્ડા ક્ષમતાવાળો બેટધર છે. આથી શ્રેયસ અય્યર પર સારા દેખાવનું દબાણ રહેશે. ઓવલમાં કપ્તાન રોહિતે પ8 દડામાં પ છક્કાથી 7પ રનની અણનમ ઇનિંગ રમી હતી. તે અને તેનો સાથીદાર શિખર ધવન લોર્ડસમાં પણ મોટી ઇનિંગનો ઇરાદો રાખશે. લોર્ડસની પિચ મોટાભાગે બેટધરોને વધુ યારી આપે છે. એવામાં ઇંગ્લેન્ડ પાસે વાપસીનો મોકો બની રહેશે. જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોકસ, જેસન રોય અને લિયામ લિવિંગસ્ટન જેવા બેટધરોની હાજરીમાં ઇંગ્લેન્ડની નામચીન બેટિંગ હરોળ બીજા વન ડેમાં ટોસ જીતવાની સ્થિતિમાં મોટો સ્કોર ખડકવાની કોશિશ કરશે. જો કે તેની બિન અનુભવી બોલિંગ લાઇનઅપનો દેખાવ મહત્ત્વનો બની રહેશે.
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ 15 જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં વાંસદા, કપરાડા અને ધરમપુરમાં મેઘતાંડવની સ્થિતિ છે. બીજી તરફ, આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ધરમપુરમાં બે કલાકમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના કપરાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
સમગ્ર ભારતમાં સૌથી બિઝી હાઇવે ગણાતા અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર ચીખલીથી વલસાડ વચ્ચે અનેક ઠેકાણે પાણી ભરાઇ જવાને કારણે આજે તા.14મી જુલાઇએ સવારે નવસારીના કલેક્ટરે જાહેરાત કરવી પડી હતી કે ટ્રાફિકની અવરજવર જોખમી હોવાથી અમદાવાદ મુંબઇ વચ્ચેનો નેશનલ હાઇવે બંધ કરવો પડ્યો છે. નવસારી કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે હાઇવે અચોક્કસ મુદત માટે બંધ છે, આથી લોકોએ આ માર્ગ પરનો પ્રવાસ ટાળવો જોઇએ.
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. નવસારીમાં 12,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે.
નવસારી કલેક્ટરે તા.14મી જુલાઇએ કરેલું ટ્વીટ
આજરોજ સતત વરસાદના કારણે ચીખલી-વલસાડ હાઈવે (અમદાવાદ-મુંબઇ હાઇવે) પર પાણી ભરાયેલ હોવાથી રસ્તો અવરજવર માટે બંધ થયેલ છે જેથી લોકોને પોતાનો પ્રવાસ ટાળવા કલેક્ટર નવસારીની નમ્ર અપીલ છે…@CMOGuj@pkumarias@InfoGujarat
— Collector & DM Navsari (@CollectorNav) July 14, 2022
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.