CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 21 of 37 - CIA Live

February 13, 2020
somnath_temple-1280x720.jpg
1min5610

સોમનાથમાં મહાશિવરાત્રિને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રિ દરમિયાન મંદિર ૪૨ કલાક સુધી ખુલ્લું રહેશે અને ભક્તો મહાદેવનાં દર્શન કરી શકશે.

ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રિ અંગે ભારતનાં બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. ત્યારે મહાશિવરાત્રિને લઈ સચિવ પ્રવીણ લહેરી તથા જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડા દ્વારા વિવિધ આયોજનો કરાઈ રહ્યાં છે જેમાં શિવપર્વનો પ્રારંભ ૨૦ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિદિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે.

એમાં ભારતનાં ૨૯ રાજ્યોના ૬૩૦ જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લોકકલાકારો લોકસંસ્કૃતિની વિવિધ કૃતિઓ રજૂ કરશે. તા. ૨૦થી સતત ૭૨ કલાક ચાલનારો આ મહોત્સવ સોમનાથના આંગણે યોજાશે. સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રિએ સવારે ૪ વાગ્યે ખૂલશે અને તા. ૨૨ ફેબ્રુઆરીએ રાત્રે દસ વાગ્યે દર્શન બંધ થશે. એટલે કે મંદિર દર્શનાર્થીઓ માટે સતત ૪૨ કલાક ખુલ્લું રહેશે. મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ, ચાર પ્રહર પૂજા, મહામૃત્યુંજય જાપ, અનુષ્ઠાનો અને સંધ્યા શણગાર તથા સોમનાથ મહાદેવની પાલખી સાથેની શોભાયાત્રા, ધૂન, ભજન અને વેદમંત્રો સાથે સોમનાથ મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરશે. સમગ્ર સોમનાથ મંદિરને ફૂલોના શણગારથી સુશોભિત કરાશે.

February 6, 2020
ayodhyay3.jpg
1min6320

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે સરકારે ત્રણ માસની અંદર ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. રામ જન્મભૂમિની તરફેણમાં ૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ચુકાદો આવ્યો હતો. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધીમાં ટ્રસ્ટ સ્થાપવા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું એ

પ્રમાણે ૫ ફેબ્રુઆરીએ ટ્રસ્ટની જાહેરાત કરી હતી.૬૭.૭૦૩ એકર જમીન ટ્રસ્ટને આપવા કેબિનેટે નિર્ણય લીધો હતો. સ્વાયત્ત ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરશે.

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ૫, ફેબ્રુઆરીનો દિવસ દેશ માટે ઐતિહાસિક છે. સરકાર તેની પ્રતિબદ્ધતામાં આગળ વધ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં ૧૫ ટ્રસ્ટી રહેશે જેમાં એક દલિતનો સમાવેશ કરાશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકારે મસ્જિદ બાંધવા માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવા સહમતી દર્શાવી છે. પ્રવક્તા શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે, અયોધ્યાના ધન્નીપુર ગામમા લખનઊ હાઈવે નજીક જમીન છે. નવા ટ્રસ્ટની જાહેરાત કરનાર વડા પ્રધાન મોદીનો તેમણે આભાર માન્યો હતો. બધાને સાથે મળીને એક પરિવારની જેમ આ કાર્યમાં કામ કરવા વડા પ્રધાને અપીલ કરી હતી.

February 4, 2020
khodaldham.jpg
1min6560

જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસેના ખોડલધામ મંદિરે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મા ખોડલના પ્રાગટ્ય દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી ખોડલધામ તાલુકા સમિતિ-ગોંડલ અને શ્રી ખોડલધામ મહિલા સમિતિ-ગોંડલ દ્વારા છપ્પન ભોગના અન્નકૂટ દર્શન, નવચંડી યજ્ઞ, દિવ્ય ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખોડિયાર જયંતીના દિવસે યોજાયેલા અન્નકૂટ દર્શનનો લહાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભક્તોએ કર્યા હતા. મા ખોડલને વિવિધ મીઠાઈ અને ફરસાણ સહિત કુલ ૫૬ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

January 28, 2020
Sakat-Chauth-Til-Chauth.jpg
1min8670

આજે તિલકૂટ ચૌથ, પાલ સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશ યાગનો આરંભ

ભારતીય ધર્મશાસ્ત્રોમાં આજના દિવસને ભગવાન શ્રી ગણપતિ મહારાજના જન્મદિન તરીકે પણ નવાજવામાં આવે છે. આજે મંગળવાર, તા.28મી જાન્યુઆરી 2020ને મહાસુદ ચતુર્થી, ભારતીય શાસ્ત્રોમાં તિલકૂટ ચોથ, વિનાયક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં કરાયેલા નિર્દેશ અનુસાર આજના દિવસે ગણેશ ભગવાનનો શિરચ્છેદ થયા બાદ તેઓ ગજમુખ બન્યા હતા. આજના દિવસથી તેઓ ગણપતિ મહારાજ તરીકે ઓળખાયા છે.

આ યોગ આજે મંગળવારે ત્રણ વર્ષ બાદ ‘ગણેશ જયંતી’ના સ્વરૂપમાં સર્જાયો છે. આજના દિવસે વિઘ્નહર્તા દેવની ઉપાસના માટે તેમજ ‘નેતૃત્વ’ના કાર્યમાં સફળતા મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે જમણેરી સૂંઢના ગણેશજીની ઉપાસના માટે પણ ઉત્તમ દિવસ કહેવામાં આવે છે.

આજની તિથિ માટે એવું કહેવાય છે કે આ દિવસે જ તેઓનો શિરચ્છેદ થયા બાદ તેઓ ‘ગજમુખ’ બન્યા હોવાથી તેમનો જન્મદિન પણ કહેવાય છે. આ દિવસે સેંકડો શ્રદ્ધાળુઓ દર્શન માટે ગુજરાતનાં ગણેશપુરા, ઐઠોર, સૂરતના પાલના સિદ્ધિ વિનાયક ગણપતિ સહિતનાં પ્રાચીન ગણેશ મંદિરોમાં દર્શન માટે જાય છે.

કાર્યમાં આવતાં વિલંબ દૂર કરવા માટે આ ચતુર્થીનું ખાસ મહત્વ છે. આ દિવસે ગણેશ યાગનું પણ સવિશેષ મહત્ત્વ છે. આ દિવસે તલનાં લાડુ ધરાવાતા હોવાથી આ વિનાયક ચતુર્થીને તિલકુંદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તલના લાડુનાં પ્રસાદની સાથે તથા દૂર્વાથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થઈ શકે છે. 

ગણેશ યાગનું પણ આ દિવસે સવિશેષ મહત્ત્વ છે. જ્યારે લાલ રંગની વસ્તુ અર્પણ કરવાથી રોગમાં રાહત મળે છે. આ દિવસે સંકષ્ટનાશન ગણેશ સ્તોત્રનું પઠન ખૂબ જ લાભદાયી બની રહે છે. અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષનું પણ પઠન કરતાં હોય છે. તો અનેક શ્રદ્ધાળુઓ ગણેશ ચાલીસાનું પણ પઠન કરતાં હોય છે. આ દિવસે બીજું કંઇપણ શક્ય ન બને તો ગણેશજીનાં બાર નામ છે, તેનું સ્મરણમાત્ર વ્યક્તિને કાર્યમાં આવતાં વિલંબને દૂર કરવામાં સહાયક બની શકે છે.

સૂરતના પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આજે વિશેષ યાગ

સૂરતના પાલ પાટીયા સ્થિત ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આજે શ્રી ગણેશ અથર્વશિર્ષના પાઠ તેમજ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું હતું. આજના યોગ દરમિયાન અનેક ભાવિકો મંદિરમાં દર્શનાર્થે પધારતા હોવાથી સિદ્ધિ વિનાયક મંદિરમાં વિશેષ વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાને કેસરસ્નાન સાથે કાર્યક્રમ શરૂ થયા હતા. સવારે 9 કલાકે ગણેશ યાગનો આરંભ કરવામાં આવ્યો હતો. સાંજે 5 કલાકે શ્રીફળ આહૂતિ સાથે યાગની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.

January 23, 2020
saturn.jpg
1min14880

આગામી તા.24 જાન્યુઆરી 2020ને શુક્રવારે પોષ વદ અમાસે સવારે 9 કલાક અને 54 મિનિટે ન્યાયના દેવતા શનિ પોતાની સ્વરાશિ મકરમાં પ્રવેશ કરશે. શનિનું મકર રાશિમાં આગમન થતાં જ વૃષભ, કન્યા અને વૃશ્ચિક રાશિને પનોતી ઉતરશે તો મિથુન, તુલા અને કુંભ રાશિને પનોતી શરૂ થશે. શનિ મહારાજ 24 વર્ષ પછી પોતાની સ્વરાશિ મકરમાં ભ્રમણ કરશે. શનિ જ્યારે જ્યારે મકરમાં હોય ત્યારે ત્યારે દેશમાં ઉથલ-પાથલ થઈ છે. આ શનિના મહાપરિવર્તન અંગે અલગ અલગ જયોતિષીઓએ કથન કર્યું છે.

છેલ્લા સવાસો વર્ષનો ઈતિહાસ જોઈએ તો 1900 થી 2020 સુધીમાં શનિ ચાર વખત પોતાના સ્વગૃહે ભ્રમણ કરી ચૂકયો છે. હવે પાંચમી વાર 24મી જાન્યુઆરી 2020ના રોજ પોતાની રાશિમાં ભ્રમણ કરશે. શનિનું પરિવર્તન આગામી સમયમાં રાજકીય ઉથલ-પાથલ કરાવે. સરહદે તનાવ રહે પણ યુદ્ધ થવાની શકયતા નથી. શનિના રાશિ પરિવર્તનથી વૃષભ અને કન્યા રાશિના જાતકોને નાની પનોતી પૂરી થશે અને મિથુન તથા તુલા રાશિના જાતકોને લોખંડના પાયે નાની અઢી વર્ષની પનોતી થશે. જ્યારે વૃશ્ચિક રાશિના જાતકોને સાડા સાતી પનોતી પૂરી થતા તે હાશકારો અનુભવશે.

કુંભ રાશિના જાતકોને સાડા સાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. ધન રાશિના જાતકોને ચાંદીના પાયે ઉતરતી પનોતી લાભદાયી નિવડશે.

જે દિવસે શનિ મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે તે દિવસે પોષ વદ અમાસ છે અને આ સમયે ચંદ્ર પણ મકર રાશિમાં છે. શનિ ન્યાયના દેવતા છે. સારૂ કામ કરે તેને સારૂ ફળ આપે છે અને ખરાબ કર્મ કરે તેને ખરાબ ફળ આપે છે.

ભારત દેશની રાશિ પ્રમાણે જોતા મકરનો શનિ ભારતને આર્થિક પ્રગતિ કરાવશે અને મંદીમાંથી ઉગારશે. જ્યોતિષ શાત્રના અભ્યાસુ જયપ્રકાશ માઢકે જણાવ્યું કે, 24 જાન્યુઆરી 2020થી શનિ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જે વક્રી-માર્ગી ભ્રમણ કરતા તા.17 જાન્યુઆરી 2023 સુધી મકર રાશિમાં રહેશે. 2020ની સાલમાં જ 23 સપ્ટેમ્બરના રોજ રાહુ પણ મિથુન રાશિ છોડી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જે દોઢ વર્ષ સુધી ત્યાં રહેશે. આ દોઢ વર્ષ દેશ માટે સાવધ રહેવા જેવો સમય હશે.

ભૂતકાળમાં જ્યારે શનિ મકર રાશિમાં હતો ત્યારે નોંધપાત્ર ઘટનાઓ બની છે જેમાં ચીન સાથે યુદ્ધ, કાશ્મીરમાંથી પંડિતોનું પલાયન, રાજીવ ગાંધીની હત્યા, બાબરી મસ્જિદની ઘટના, મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો, લાતુરનો ભૂકંપ જેવી ઘટનાઓ બની હતી.

રાશિ પર અસર

મેષ (અ.લ.ઈ.): મેષ રાશિના લોકોને મકરનો શનિ કર્મ ભુવનમાંથી પસાર થશે. વેપારમાં લાભ અપાવે. નોકરીમાં ઉન્નતિના યોગો. મકાન, વાહનો ખરીદવામાં સાવચેતી રાખવી.
વૃષભ (બ.વ.ઉ.): આ રાશિના જાતકોને શનિ ભાગ્ય ભુવનમાંથી પસાર થશે. ભાગ્યોદય કરાવે. વિદેશથી લાભ, આર્થિક લાભ અપાવે અને વિજય અપાવે. શત્રુઓ કાબુમાં રહે.
મિથુન (ક.છ.ઘ.): મિથુન રાશિના લોકોને મકરનો શનિ આઠમાં સ્થાનેથી પસાર થશે. નાની પનોતી લોઢાના પાયે છે જે વારસાગત લાભ અપાવે. નોકરી ધંધામાં મુશ્કેલી થાય. માનસીક તાણ રહે.
કર્ક (ડ.હ.): આ રાશિના જાતકોને શનિ સાતમાં સ્થાનમાંથી પસાર થશે. માનસીક શાંતિ રાખવી. દાંપત્ય જીવન સારૂ રહે. જમીન-મકાન ખરીદવા માટે શુભ સમય. વિવાહમાં વિલંબ થાય.”
સિંહ (મ.ટ.): મકરનો રાશિ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે, માટે ખર્ચ પર કાબુ રાખવો, સાક્ષીમાં પડવું નહી, કોઈના ઝઘડામાં વચ્ચે પડવું નહીં. કોર્ટમાં વિજય મળે. આરોગ્ય માટે સંભાળવું.
કન્યા (પ.ઠ.ણ.): આ રાશિના લોકોને નાની પનોતિ દૂર થશે. પાંચમાં સ્થાનેથી શનિ પસાર થતો હોવાથી શેરબજારથી લાભ મળે. ભાગીદારીમાં તથા દાંપત્ય જીવનમાં સુમેળ રાખવો જરૂરી. લાભ મળતા અટકે.
તુલા (ર.ત.): ચોથા સ્થાનેથી પસાર થતો મકરનો શનિ લોઢાના પાયે નાની પનોતી શરૂ કરાવશે. છૂપા શત્રુમાં વધારો થાય. વેપારમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી. આળસ છોડી દેવી. મિલકતની લે-વેંચ શુભ ફળ આપશે.
વૃશ્ચિક (ન.ય.):’ શનિ મહારાજ આ રાશિના જાતકોને પરાક્રમ સ્થાનમાંથી પસાર થશે. તેમજ મોટી પનોતીમાંથી રાહત મળશે. સાહસ, પરાક્રમમાં વધારો કરી આર્થિક લાભ અપાવે. મહેનતનું પુરતુ ફળ મળે. યાત્રા-પ્રવાસમાં સાવચેત રહેવું. અકસ્માતથી સંભાળવું.
ધન (ભ.ધ.ફ.): આ રાશિના લોકોને મકરનો શનિ ધન ભુવનમાંથી પસાર થાય છે. ચાંદીના પાયે પનોતીનો અંતિમ તબક્કો આર્થિક લાભ, સફળતા આપશે. આરોગ્ય અંગે સંભાળવું.
મકર (ખ.જ): શનિની પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતીએથી પસાર થાય. નાણા ફસાઈ જવાથી માનસીક તનાવ રહે. ભાગીદારીના વ્યાપારમાં ધ્યાન રાકવું. ભાઈ-બહેન સાથે વિવાદ થાય.
કુંભ (ગ.સ.શ.): આ રાશિના લોકોને શનિની પનોતીનો પહેલો તબક્કો લોઢાના પાયે પસાર થાય. ખર્ચમાં વધારો કરાવે. ખોટી દોડધામથી બચવું. ઝઘડા ટાળવા. ભાગ્યોદયમાં વિલંબ કરાવે પણ વિદેશ ગમનના યોગ થાય.
મીન (દ.ચ.ઝ.થ): મકરનો શનિ લાભ સ્થાનમાંથી પસાર થાય. જે સારો એવો લાભ અપાવે. વિદેશ જવાની તક પણ મળે. આળસથી બચવું. શેરબજારમાં લાભ મળે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા અપાવે.

January 20, 2020
jain.jpg
1min5390

આગામી તા.1લી ફેબ્રુઆરી 2020ના રોજ સૂરતના 100 જૈન મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરીને સંસારનો ત્યાગ કરશે. સૂરત શહેરમાં 3 અલગ અલગ કાર્યક્રમ અંતર્ગત આ દીક્ષા સમારોહ યોજવા જઈ રહ્યો છે. જે પૈકી સૌથી મોટો સમારોહ સુરતના વેસુ ખાતે યોજાશે.

અંદાજીત 75 જેટલા દીક્ષાર્થીઓ વેસુ ખાતે યોજાનાર ભવ્ય દીક્ષા સમારોહમાં જૈન સાધુ અને સાધ્વી તરીકે દીક્ષા લેશે. જૈન મુની વિજય શ્રેયાંશપ્રભસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા લેશે. જે માટે 71 મુમુક્ષુના દીક્ષા મુહૂર્ત પણ નક્કી કરી દેવાયા છે. અન્ય બે દીક્ષા ગ્રહણ કાર્યક્રમો તા.1લી ફેબ્રુઆરી 2020ના રોજ સૂરતના અડાજણ અને પાલમાં યોજાશે.

આ દીક્ષા સમારોહમાં ભાગ લેવા માટે દેશભરમાંથી દીક્ષાર્થીઓ આવશે. જેમાં કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા શહેરોનો સમાવેળ થાય છે.

દીક્ષા ઉત્સવ સમિતિના નરેશ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુઓને દીક્ષા વિજય શ્રેયાંશ પ્રભસુરીશ્વરજી મહારાજ, તપોરત્નસુરિશ્વરજી મહારાજ અને કલ્યાણરત્નસુરીશ્વરજી મહારાજ દ્વારા આપવામાં આવશે.

દીક્ષા સમારોહના એક દિવસ પહેલા મુમુક્ષુઓની વર્ષદાન યાત્રા વરઘોડો કાઢવામાં આવશે.

આજ દિવસે સુરતના પાલમાં 20 દીક્ષાર્થીઓ સમસ્ત શ્રી વાવપંથક શ્વેતાંબર મૂર્તી પૂજક જૈન સંઘ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઓમકાર નગરી ખાતે દીક્ષા ગ્રહણ કરશે. જ્યારે અન્ય 5 દીક્ષાર્થી ગુરુરક પાવન ભુમી ખાતે આયોજીત એક સમારોહમાં દીક્ષા ગ્રહણ કરશે.

January 17, 2020
shirdiwale_modi.jpeg
1min12510

ઉધ્ધવ ઠાકરેએ સાઇબાબા જન્મસ્થળ પાથરીને વિકસાવવા રૂ.100 કરોડ ખર્ચવાની ઘોષણા કરતા મામલો બિચક્યો

વિશ્વભરમાં અબજો લોકોની આસ્થા જેના પર છે એ સાઇબાબાના જન્મ સ્થળ અને કર્મસ્થળ બાબતે હાલ મહારાષ્ટ્રમાં ભારે વિવાદ વકર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ થોડા દિવસો પહેલા ઔરંગબાદમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે પરભણી જિલ્લાના પાથરી ગામમાં જ્યાં સાઈ બાબાનો જન્મ થયો છે તેના વિકાસ માટે રુ.100 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઠાકરેની આ જાહેરાત બાદ સાઇબાબાના જન્મસ્થળને લઇને મોટો બખેડો થયો છે. શિરડીમાં તો એટલા પ્રત્યાઘાત પડ્યા છે કે હવે શિરડી આખું ગામ આગામી રવિવાર તા.19 જાન્યુઆરી 2020થી બેમુદતી બંધ પાળવાનું એલાન આપવામાં આવ્યું છે.

આગામી વીકએન્ડમાં શિરડી જનારા લોકોએ છેલ્લી ઘડીની સ્થિતિ જાણીને નીકળવું હિતાવહ છે.

ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામમાં જ્યાં સાઇબાબાનો જન્મ થયો છે ત્યાં વિકાસ માટે 100 કરોડ ખર્ચવાની ઘોષણા કરતા ભારે વિવાદ

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ ખાતેનું સાઇબાબાનું મંદિર, શાસ્ત્રો કહે છે કે સાઇબાબાનો જન્મ પાથરી ગામમાં થયો છે અને તેના આધારે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામ ખાતે સ્મારક વિકસાવવા માટે રૂ.100 કરોડની યોજનાની જાહેરાત કરી છે.

હાલ એવી સ્થિતિ છે કે એક તરફ સાઈબાબાના જન્મસ્થળ પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ પંથક વિસ્તારના રહેવાસીઓમાં ઉત્સાહ અને ઉમંગ છે તો બીજી તરફ હાલ સાઇધામ તરીકે વિશ્વ વિખ્યાત એવા સાઇબાબાના કર્મસ્થળ અહમદનગરના શિરડીમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

શિરડીમાં રવિવારથી બંધનું એલાન

શિરડીના લોકોનું કહેવુ છે કે મુખ્યમંત્રી પાથરીને વિકાસ માટે 100ની જગ્યાએ 200 કરોડ આપે તો પણ કોઈ વાંધો નથી પરંતુ તેની ઓળખ સાઈના જન્મસ્થાન તરીકે ન હોઈ શકે. શિરડીના લોકોનું કહેવું છે કે અહીં આવ્યા બાદ સાઈ બાબાએ ક્યારેય પોતાનું અસલી નામ, ગામ, જાતી અને ધર્મ અંગે પોતે જ કંઈ બોલ્યા નથી તો પછી આ સર્વધર્મ સમભાવના પ્રતિક એવા શિરડી સાઈબાબાને કેમ અલગ અલગ જગ્યામાં વહેંચવામાં આવે?

આ બાબતે વિરોધ કરવા માટે માગણી કરતા શિરડીમાં લોકોએ રવિવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. શિરડીવાસીઓની માગણી છે કે સરકાર એ બાબત ચોક્કસ કરે કે સર્વધર્મ સમભાવના પ્રતિક સાઈબાબાના જન્મસ્થળ અને ધર્મ અંગે હવે પછી આગળ કોઈપણ ઉલ્લેખ કરવામાં ન આવે. જ્યાં સુધી સરકાર દ્વારા આ મામલે ચોક્કસ પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી શિરડી આખું ગામ બંધ રહેશે.

January 10, 2020
lunar.jpg
1min5240

૨૦૨૦ની પ્રથમ ખગોળીય અવકાશી ઘટના ૧૦મી જાન્યુઆરીના રોજ થવા જઇ રહી છે. ૧૦મી જાન્યુઆરીના રોજ ચંદ્રગ્રહણ છે જે પ. બંગાળ સહિત ભારતના દરેક ભાગમાં દેખાશે.

ચંદ્રગ્રહણ ભારતીય સમય મુજબ રાજે ૧૦.૩૭ કલાકે શરૂ થશે અને ૧૧ જાન્યુઆરીના રોજ વહેલી સવારે ૨.૪૨ કલાકે પૂરું થશે, એવી અત્રેના બિરલા પ્લેનેટોરિયમના ડિરેક્ટર એમ. પી. બિરલાએ માહિતી આપી હતી. આ વર્ષે ચાર ચંદ્રગ્રહણ થવાના છે, જેમાંનું પહેલું ચંદ્રગ્રહણ ૧૦ જાન્યુઆરીના રોજ છે. અન્ય ચંદ્રગ્રહણ ૫ જૂન, ૫ જુલાઇ અને ૩૦ નવેમ્બરના રોજ થશે. આ ચંદ્રગ્રહણ

એશિયા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા દેશમાં દેખાશે.

ચંદ્રગ્રહણ એક ખગોળીય સ્થિતિ છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે ત્યારે ગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જવાથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને ચંદ્રનો એટલો ભાગ દેખાતો નથી. આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી અને ચંદ્ર એક સાથે રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વી અને ચંદ્ર પર પડે છે. ચંદ્ર આપણને સૂર્યપ્રકાશના પરાવર્તનથી દેખાય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂનમના દિવસે જ થાય છે.

January 10, 2020
eclipse.png
1min4490

વિશ્ર્વમાં ૨૦૨૦માં છ ગ્રહણ જોઈ શકાશે જયારે ભારતમાં ફકત ત્રણ ગ્રહણ જોઈ શકાશે તેવું ઉજ્જેનની જિવાજી ઓબ્ઝર્વેટરીએ ગુરુવારે જણાવ્યું હતું. શુક્રવારની રાતે થનારા ચંદ્રગ્રહણ જોઈ શકાશે તેવું ઓબ્ઝર્વેટરીએ કહ્યું હતું. ૨૦૨૦નું પ્રથમ ગ્રહણ શુક્રવારની રાત્રિના ૧૦.૩૬થી શનિવાર વહેલી સવારે ૨.૪૪ કલાક સુધી ચાલુ રહેશે તેવું જિવાજી ઓબ્ઝર્વેટરીના સુપરિટેન્ડન્ટ ડો. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તે કહ્યું હતું. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઈનમાં ભેગા થતા હોય છે ત્યારે ચંદ્રગ્રહણ આકાર લેતું હોય છે.

2020માં કયું ગ્રહણ ક્યારે

  • Jan 10–11. Lunar Eclipse (Penumbral)
  • Jun 5–6. Lunar Eclipse (Penumbral)
  • Jun 21. Solar Eclipse (Annular)
  • Jul 4–5. Lunar Eclipse (Penumbral)
  • Nov 29–30. Lunar Eclipse (Penumbral)
  • Dec 14. Solar Eclipse (Total)

પાંચમી જૂન અને છ જૂન વચ્ચેની રાત્રિએ વધુ એક ચંદ્રગ્રહણ આકાર લેશે તેવું ડો. રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તે કહ્યું હતું. પાંચમી જુલાઈ અને ત્રીસમી નવેમ્બરે ચંદ્રગ્રહણ થશે જે

ભારતમાં જોઈ શકાશે નહીં તેવું તેમણે કહ્યું હતું. ૨૧મી જૂને સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોઈ શકાશે. ૧૪મી ડિસેમ્બરે સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોવા નહીં મળે તેવું ગુપ્તેએ કહ્યું હતું. ૨૦૧૯માં વિશ્ર્વના વિભિન્ન હિસ્સાઓમાં ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થયા હતા.

January 9, 2020
somnath_temple-1280x720.jpg
1min5100

જ્યોતિર્લીંગ ભગવાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા યાત્રિકો માટે વીમો લેવામાં આવ્યો છે. સોમનાથમાં કોઇ અઘટિત બનાવ વખતે કોઇ યાત્રાળુનું મોત થાય તો તેના વારસોને વળતર મળી શકે જેથી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને દર વર્ષે રૂ. સવા લાખનું પ્રિમિયમ ચૂકવવામાં આવનાર છે.

બાર જ્યોતિર્લીંગ પૈકી પ્રથમ જ્યોતિર્લીંગ સોમાથ મહાદેવનાં દર્શનાર્થે દેશ-િવદેશમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો સોમનાથ આવતા હોય છે ત્યારે સુરક્ષા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વીમો ઉતારવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને દર વર્ષે રૂ. સવા લાખનું પ્રિમિયમ ચૂકવવામાં આવનાર છે.

પ્રિમિયમ અંતર્ગત સોમનાથ મંદિર સંકુલ, ટ્રસ્ટના ગેસ્ટ હાઉસો, કાર્તિકી પૂર્ણિમાના મેળા, ટ્રસ્ટ હેઠળના તમામ મંદિરોને આવરી લેવાયા છે. એક વખતમાં કંપની વધુમાં વધુ રૂ. 12.5 કરોડ અને આ પ્રકારના સંજોગોમાં વર્ષ દરમિયાન વધુમાં વધુ રૂ. 25 કરોડનું વળતર ચૂકવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.