CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 2 of 44 - CIA Live

August 31, 2022
ganapati-1280x720.jpg
1min413

દેશમાં એકબાજુ  ગણેશ ચતુથી પહેલાં ગણપતિ બાપ્પાના આગમનનો જયજયકાર ગુંજી ઊઠયો છે તેવા સમયે ભારતીય શેર બજારોમાં પણ મંગળવારે તેજીના જયજયકાર ગૂંજી ઉઠયા હતા. શેરબજારોમાં સોમવારનો મંદીનો કડાકો પચાવીને મંગળવારે  સેન્સેક્સ ૧૫૬૪.૪૫ પોઈન્ટ કૂદીને ૫૯૫૩૭.૦૭ જ્યારે નિફ્ટી ૪૪૬.૪૦ પોઈન્ટની છલાંગ લગાવી ૧૭,૭૫૯.૩૦ની ઊંચાઈએ પહોંચી ગયા હતા. ભારત સરકારની આર્થિક નીતિની દૂરંદેશી સાથે ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના અર્થશાસ્ત્રીઓ, ફંડોના પોઝિટીવ અર્થઘટને પગલે બજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી. આ સાથે સેન્સેક્સ, નિફટીમાં મંગળવારે વર્ષ ૨૦૨૨નો બીજો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.

ભારતીય શેરબજારોમાં તેજીની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૦ વર્ષના તળીયેથી ઉંચકાઈ ૫૧ પૈસાનો વર્ષ ૨૦૨૨નો સૌથી મોટો ઉછાળો નોંધાવી ૭૯.૪૫ પહોંચી ગયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ પોણા ચાર ડોલર ઘટી આવ્યા સાથે શેરોમાં તેજીને વેગ મળ્યો હતો. શેરોમાં રોકાણકારોની સંપતિ પણ આજે એક દિવસમાં જ રૂ.૫.૬૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૦.૨૫ લાખ કરોડની ઊંચાઈએ પહોંચી ગઈ હતી. જે ૧૮,ઓગસ્ટની રૂ.૨૮૦.૫૨ લાખ કરોડની વિક્રમી ઊંચાઈની નજીક પહોંચી ગઈ હતી.

ફુગાવાને લઈ અમેરિકાની તીવ્ર વ્યાજ દર વધારાની નીતિને લઈ ગત સપ્તાહમાં અમેરિકી શેર બજારોમાં કડાકા પાછળ ગઈકાલે ભારતીય શેર બજારોમાં અપેક્ષિત આંચકા આવ્યા હતા. પરંતુ ભારત અન્ય દેશોના આંતરિક મામલામાં દખલ દેતો નહીં હોવાથી અને ફુગાવાને અંકુશમાં રાખવા રશિયા પાસેથી સસ્તા ક્રુડની આયાત કરવી, ખાદ્ય ચીજોનો પુરવઠો જળવાઈ રહે એની ખાતરી માટેના આવશ્યક પગલાં લઈ અપનાવાયેલી આર્થિક નીતિની સરાહના કરી વિદેશી ફંડોએ ભારત મજબૂત આર્થિક સ્થિતિમાં હોવાના અર્થઘટન સાથે આજે શેરોમાં કેશમાં રૂ.૪૧૬૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી. સોમવારના કડાકાને લઈ હરખાયેલા મંદીવાળાઓને આજે તેજીવાળાઓએ મિચ્છામી દુક્કડમ કહેતાં હોય એમ શ્વાસ લેવા નહીં દેતી એકધારી તોફાની તેજી કરી હતી. સાર્વત્રિક તેજીએ તમામ સેકટરલ ઈન્ડેક્સ આજે પોઝિટીવ બંધ રહ્યા હતા.  બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી ખરીદી થતાં બજાજ ફિનસર્વ  ૫.૪૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૮૬ ટકા, ઈન્ડસઈન્ડ બેંક ૪.૩૮ ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૩.૨૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૩.૭૨ ટકા વધી આવતાં  બીએસઈ બેંકેક્સ ૧૪૫૮.૮૪ પોઈન્ટની છલાંગે ૪૫૨૯૫.૮૮ની ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે ચોમાસું ચાલુ વર્ષે સફળ રહેતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બ્રેન્ટના પોણા ચાર ડોલર ઘટીને ૧૦૧.૩૫ ડોલર થઈ જતાં અને નોમુરાએ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે  ઉજળું ભાવિ રજૂ કરી પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૯ ટકા વૃદ્વિનો અંદાજ મૂકતાં ઓટોમોબાઈલ શેરોમાં ફંડો, મહારથીઓની આક્રમક ખરીદી થઈ હતી. ટાટા મોટર્સ ૩.૮૯ ટકા, મારૂતી ૨.૯૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૫૦ ટકા, અશોક લેલેન્ડમાં ૩.૯૮ ટકા ભાવ ઉછળી આવતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૬૨.૦૪ પોઈન્ટ ઉછળીને ૩૦૩૩૪.૧૮ પહોંચી ગયો હતો. જ્યારે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ મોટી ખરીદીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૧૬.૩૦ પોઈન્ટ  ઉછળી ૪૨૭૧૧.૪૨ પહોૅચી ગયો હતો.

વૈશ્વિક ફંડ બેંકિંગ-ઈન્વેસ્ટમેન્ટ જાયન્ટ બાર્કલેઝ દ્વારા ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર ૧૬ ટકાની આર્થિક-જીડીપી વૃદ્વિ હાંસલ કરશે એવી આગાહી કરતાં  વિશ્વભરના શેર બજારોમાં આજે સર્વાધિક ઉછાળો ભારતીય શેર બજારોમાં નોંધાયો હતો. અન્ય વૈશ્વિક શેર બજારોમાં એશીયામાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૧૭ પોઈન્ટનો ઉછાળો, હોંગકોંગનો હેંગસેંગ ૭૪.૧૯ પોઈન્ટ ઘટાડો, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટનો ઘટાડો, યુરોપના બજારોમાં સાંજેજર્મનીનો ડેક્ષ ૧૨૦ પોઈન્ટનો ઘટાડો, લંડનનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી શેર બજારો સાંજે ખુલતામાં વધુ ઘટી આવી ડાઉ જોન્સ ૧૬૧ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાક ૬૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. 

August 29, 2022
garba.jpg
1min448

પારંપરિક નૃત્યનો અવિનાશી સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ સંભવ

યુનેસ્કોની હેરિટેજ યાદી માટે ગુજરાતના ગરબાને નોમિનેટ કરવામાં આવ્યા છે. ભારતે ગુજરાતના વિખ્યાત પારંપરિક નૃત્ય ગરબાને યુનેસ્કોની અમૂર્ત (અવિનાશી) સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા માટે નોમિનેટ કર્યા છે.

અધિકારી સૂત્રો અનુસાર આગામી વર્ષે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા શ્રેણીના સચિવ ટિમ કર્ટિસે ગત વર્ષ ડિસેમ્બરમાં કોલકત્તાના દુર્ગાપૂજા ઉત્સવને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવાના ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાનાં નોમિનેશન કરવા સાથે જોડાયેલી વિગતો પ્રસ્તુત કરી હતી. અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા પર યૂનેસ્કોએ વર્ષ ર003નાં સંમેલનની આંતર સરકારી સમિતિએ કોલકત્તામાં દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યું હતું.

કર્ટિસે કહ્યંy કે આગામી વર્ષ માટે નવીનતમ નામાંકન પર વિચાર કરાશે અને ર0ર3ના મધ્ય સુધીમાં નામાંકન ફાઇલનની તપાસ કરાશે ત્યાર બાદ વર્ષના અંત સુધીમાં નામો પર આખરી ફેંસલો આવી જશે. કર્ટિસના પ્રેઝન્ટેશનની એક સ્લાઇડમાં ગરબા કલાકારોની તસવીર હતી. જેનું શીર્ષક હતું – ગુજરાતના ગરબા : ઇન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ. વર્તમાન સમયમાં યૂનેસ્કોની આ યાદીમાં ભારતના 14 સાંસ્કૃતિક વારસા તત્ત્વ સામેલ છે જેમાં રામલીલા, વૈદિક મંત્ર, કુંભમેળો, દુર્ગાપૂજા વગેરે સામેલ છે.

August 29, 2022
babar_kohli-1280x843.jpg
1min394

હાર્દિક પંડયાએ આખરી ઓવરના તનાવ વચ્ચે વિજયી સિક્સર ફટકારતાં ભારતે પાકિસ્તાન સામે પાંચ વિકેટથી દિલધડક જીત હાંસલ કરતાં એશિયા કપ ટી-૨૦માં વિજયી શુભારંભ કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ હાર્દિકે ત્રણ વિકેટ ઝડપ્યા બાદ ૧૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૩૩ રન ફટકારતાં ભારતને જીતાડયું હતુ. ભારતે ૧૪૮ના ટાર્ગેટને ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

એક તબક્કે ૮૯ રનમાં ચાર વિકેટ ગુમાવનારા ભારતને ચોથા ક્રમે બેટિંગમાં ઉતરેલા જાડેજા અને હાર્દિક પંડયાએ ઉગાર્યું હતુ. બંને વચ્ચે ૨૯ બોલમાં ૫૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. જાડેજાએ ૨૯ બોલમાં ૩૫ રન ફટકાર્યા હતા. જોકે તે આખરી ઓવરના પહેલા બોલે આઉટ થઈ ગયો હતો. આ પછી ક્રિઝ પર આવેલા દિનેશ કાર્તિકે એક રન લઈને હાર્દિકને સ્ટ્રાઈક આપી હતી અને ત્યાર બાદ હાર્દિકે એક ડોટ બોલ પછી ખુબ જ ઠંડા દિમાગ સાથે સિક્સર ફટકારીને ટીમને જીતાડી હતી.

અગાઉ ભુવનેશ્વર કુમારે ચાર અને હાર્દિકે ત્રણ વિકેટ ઝડપતાં પાકિસ્તાન ૧૯.૫ ઓવરમાં ૧૪૭ રનમાં ખખડી ગયું હતુ. ડીઆરએસમાં બે વાર બચી ગયેલા રિઝવાને સૌથી વધુ ૪૩ રન ફટકાર્યા હતા. ભારતના ફાસ્ટરોએ પહેલીવાર ટી-૨૦માં હરિફ ટીમની તમામ ૧૦ વિકેટ ઝડપી હતી.

August 27, 2022
niraj.jpg
1min445

ઓલમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એક વખત ઈતિહાસ સર્જ્યો છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ સાથે જ નીરજ આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ જ્યૂરિખ ખાતે રમાનારી ડાયમંડ લીગની ફાઈનલમાં પણ પહોંચી ગયા છે. 

નીરજ ચોપરા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે અને આ સાથે જ તેમણે હંગરીના બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે. 

ચોપરા (24)એ આ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ પ્રયત્નમાં 89.08 મીટર અને રિપીટ 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ નીરજ ચોપરાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. ઉલ્લેખનીય છે કે, ઈજાના કારણે તેઓ બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા. 

August 26, 2022
ghulam-nabi-azad.jpg
1min409

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ મોટું એલાન કર્યું છે. તેઓ જમ્મુ કાશ્મીર પાછા આવશે અને પોતાની પાર્ટી બનાવશે. આઝાદે બીજેપીમાં સામેલ થવાની ખબરોને પણ નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, મારા વિરોધી છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે, હું ભાજપમાં જઈ રહ્યો છું. તેઓએ તો મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા.

તેમણે જણાવ્યું કે, તેઓ નવી પાર્ટી બનાવશે. તેની સાથે જ તેમણે ફરી એક વખત રાષ્ટ્રીય રાજકારણથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પરત ફરવાનો પણ સંકેત આપી દીધો છે. આઝાદે કહ્યું કે, હું જમ્મુ પણ આવીશ, કાશ્મીર પણ આવીશ. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં અમે પોતાની પાર્ટી બનાવીશું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે પણ નજર આવીશું.

શું બીજેપીમાં સામેલ થશો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મારા વિરોધીઓ આ વાત 3 વર્ષથી કહી રહ્યા છે. તેઓએ મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમને કોઈ બીજેપી નેતાનો ફોન આવ્યો? આ સવાલના જવાબ પર આઝાદે કહ્યું કે, ભાજપના નેતા મને શું કામ ફોન કરે અમે બીજેપીમાં નથી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિવેદન પર ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમારા બધી પાર્ટીઓ સાથે સારા સબંધ છે. અમે કોઈને પણ અપશબ્દો નથી કહ્યા. અમે બધા પક્ષોનું સમ્માન કરીએ છીએ. એટલા માટે બધા પક્ષોનું મારા પ્રત્યે સમ્માનનો ભાવ છે.

ગુલામ નબી આઝાદે પોતાના રાજીનામામાં રાહુલ ગાંધી પર લગાવેલા આરોપોના સવાલ પર કહ્યું કે, ગાંધી પરિવાર સાથે અંગત રીતે મારા ઘણા સારા સંબંધો છે. પરંતુ તે પર્સનલ રિલેશનની વાત નથી આ તો આપણે કોંગ્રેસના ડાઉનફોલની વાત કરી રહ્યા છીએ અને જેણે કોંગ્રેસમાં 50 વર્ષ વિતાવ્યા તેમને કેવું લાગી રહ્યું છે તે જણાવી રહ્યા છે.

August 23, 2022
euro.jpg
1min443

આજે 22/8/22, ભારતમાં કરન્સી બજારમાં એક ડોલરના ૭૯.૮૪ અને એક યુરોનો ભાવ ૭૯.૩૨ પૈસા રહ્યો હતો.

ડોલર સામે યુરોપીયન યુનિયનની કરન્સી યુરો નબળી પડી છે. બે દાયકામાં પ્રથમ વખત ડોલર સામે યુરો એકના સ્તરથી નીચે આવ્યો છે એટલે કે ૯૯ સેન્ટ બરાબર એક ડોલર જોવા મળી રહ્યો છે. યુરોની આ નબળાઈના કારણે ભારતીય ચલણમાં પણ ડોલર વધારે મજબૂત અને યુરો થોડો સસ્તો થયો છે. 

યુરો સામે મોડી રાત્રે ભારતીય ચલણ ૭૯.૩૨ની સપાટીએ છે ભારતીયો માટે હંમેશા ડોલર કરતા યુરો મોંઘો રહ્યો છે પણ આજે પ્રથમ વખત બન્યું છે કે ડોલર મોંઘો થઇ ગયો છે અને યુરો સસ્તો થઇ ગયો હોય.

વૈશ્વિક બજારમાં યુરો ડોલર સામે ૦.૯૯૩૧, પાઉન્ડ ૧.૭૬૪ છે. યેન સામે ડોલર ૧૩૭.૪૩ની સપાટી છે. યેનની આ ત્રણ સપ્તાહની સૌથી નીચી સપાટી છે. વર્ષ ૧૯૯૯માં જયારે યુરો એક ચલણ તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો ભાવ ડોલર સામે ૧.૧૯ ડોલર હતો. અમેરિકામાં વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટી સમયે ડોલર સામે યુરોનો ભાવ સૌથી ઉંચો ૧.૬૦ થયો હતો. ગત સપ્તાહે ડોલર સામે યુરો ગબડી ૦.૯૯૯૮ થયો હતો જયારે આજે તે ઘટી ૦.૯૯૩૧ થતા બે દાયકામાં સૌથી નીચી સપાટીએ પટકાયો છે. ડોલર સામે યુરો પટકાતા નોન ડીલીવરેબ ફોરવર્ડ માર્કેટ કે જે ભારતીય બજાર બંધ થયા પછી ખુલે છે તેમાં ડોલર કરતા યુરો ભારતીય ચલણ સામે સસ્તો થઇ ગયો હતો  ભારતમાં આજે ડોલર સામે રૂપિયો ૭૯.૯૦ની સપાટીએ નરમ ખુલી દિવસના ઉપરના સ્તર ૭૯.૭૮ થઇ દિવસના અંતે ૭૯.૮૪ની આગળના દિવસના બંધ સામે સ્થિર બંધ આવ્યો હતો.

August 22, 2022
india-vs-zim.jpg
1min428

પહેલા બે મેચમાં એકતરફી જીત હાંસલ કરનાર ભારતીય ટીમ સોમવારે રમાનાર આખરી વન ડેમાં પણ ઝિમ્બાબ્વેને હરાવીને સુપડાં સાફ કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ત્રીજો મુકાબલો પણ એ જ મેદાન હરારે સ્પોર્ટસ કલબ ખાતે અને એ જ સમયે એટલે કે 12-4પથી શરૂ થશે. આ જ મેદાન પર પહેલા બે મેચ રમાયા હતા. જેમાં ભારતીય ટીમે દરેક ક્ષેત્રમાં ઝિમ્બાબ્વેની ટીમને પરાસ્ત કરી હતી. ત્રીજા મેચમાં પણ કહાની બદલવાની સંભાવના નથી. ઝિમ્બાબ્વેની ટીમ આ વન ડે શ્રેણીમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયા સામે તદ્દન નબળી સાબિત થઈ છે.

ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ ત્રીજા મેચમાં પ્રયોગ ચાલુ રાખી શકે છે. યુવા ખેલાડીઓ મોકાનો પૂરો લાભ લઈ રહ્યા છે. જો કે કાર્યવાહક સુકાની કેએલ રાહુલનું બેટ હજુ સુધી બોલ્યું નથી. ભારતીય બોલરોએ બન્ને મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ કાતિલ બોલિંગ કરી છે અને 189 અને 161 રનમાં ગૃહ ટીમનો સંકેલો કર્યો છે. પ્રતિભાશાળી શુભમન ગિલે બન્ને મેચમાં રન કર્યા છે. ત્રીજા મેચમાં તે વધુ એક મોટી ઇનિંગ રમવા ઇચ્છશે.

કપ્તાન રાહુલ ફરી એકવાર ઓપનિંગમાં આવી શકે છે. આ વખતે તેની સાથે કદાચ અનુભવી ધવન સાથીદારનાં રૂપમાં જોવા મળી શકે છે. ઇશાન કિશનને વધુ એક મોકો મળી શકે છે. ખાસ કરીને ભારતીય બોલર્સ દીપક ચહર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, અક્ષર પટેલ સામે ઝિમ્બાબ્વેના બેટધરોની ફરી કસોટી થશે. હોમ ટીમને તેના સ્ટાર બેટર્સ સિકંદર રઝા અને સીન વિલિયમ્સ પાસેથી સારા દેખાવની આશા રહેશે.

August 22, 2022
Zoramthanga.jpg
1min410

મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાની દીકરીનો એક હોસ્પિટલમાં ડોક્ટરને થપ્પડો મારતો વિડીયો વાયરલ થયો છે. તે પછી મિઝોરમના મુખ્યમંત્રીએ જાહેરમાં માફી માગી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કહ્યું કે, તેઓ પોતાની દીકરીના આવા વ્યવહારને કોઈ રીતે યોગ્ય ઠેરવી શકે તેમ નથી. સીએમએ કહ્યું કે, દીકરીએ ડોક્ટર પાસે જઈને તેમની માફી માગી લીધી છે. મુખ્યમંત્રીની દીકરી મિલારી છાંગતેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં તે એક ડોક્ટરને થપ્પડો મારી રહી હતી.

17/8/22, બુધવારે બનેલી આ ઘટનાથી ડોક્ટરોમાં રોષ છે. 20/8/22, શનિવારે 800થી વધુ ડોક્ટરોએ કથિત હુમલાની ટીકા કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક ડોક્ટરે કહ્યું કે, છાંગતેએ આઈઝોલ સ્થિત ચામડીના રોગના ડોક્ટર પર હુમલો કર્યો હતો. ડોક્ટરે છાંગતેને કહ્યું કે, તેમણે ક્લિનિક પર એપોન્ટમેન્ટ લઈને આવવું જોઈતું હતું, જેના પર તે ગુસ્સે થઈ ગઈ હતી અને થપ્પડો મારી દીધી હતી.

આઈએમએના મિઝોરમ યુનિટે સ્ટેટમેન્ટમાં કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ડોક્ટરોની સાથે આ પ્રકારનો વ્યવહાર ફરીથી ન થાય.

મુખ્યમંત્રીએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘ડોક્ટર સાથે મારી દીકરીએ જે વ્યવહાર કર્યો તેના બચાવમાં હું કઈ કહેવા નથી માગતો. અમે જનતા અને ડોક્ટરોની માફી માગીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની બીજી દીકરીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની બહેન તરફથી માફી માગી હતી અને કહ્યું હતું કે, માનસિક તણાવને કારણે તેમની બહેન ગુસ્સે થઈ ગઈ હતી.

August 20, 2022
banke-bihari-temple.jpg
1min393
Stampede Broke Out In Mathura's Banke Bihari Temple, 2 Devotees Died, Many  Injured | Abp News

દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી હતી ત્યારે ઉજવણી માટેના મુખ્ય શહેરો પૈકીના એક મથુરાના જગપ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં ભાગદોડની કમનસીબ ઘટના બની હતી.

મથુરા સ્થિત વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં તા.19મી ઓગસ્ટને જન્માષ્ટમી, શુક્રવારની રાતે મંગળા આરતી દરમિયાન ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં શ્વાસ રુંધાઈ જવાને કારણે બે શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. મૃતકોમાં એક મહિલા નોઈડાના રહેવાસી હતા.

Banke Bihari Mandir: On the occasion of Janmashtami, a stampede broke out  at the temple of Banke Bihari in Mathura, two devotees died, many injured.

આ ઘટનામાં અનેક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાના અહેવાલો મળ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

August 16, 2022
monsoon.jpg
1min423

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા છે. નર્મદા નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે. અંબાજીમાં પણ વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે રજાઓના સમયમાં ફરવા માટે નીકળેલા લોકોને પણ વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી છે તો ક્યાં લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં લાંબાગાળા સુધી વરસાદ પડે એવી શક્યતા છે. 31 ઓગસ્ટ સુધી ગુજરાત, પશ્ચિમ બંગાળના વિસ્તાર સહીત કેરળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, આસામ, બિહારમાં વરસાદની શક્યતા રહેલી છે. તો 1-09-2022થી 23-10-2022 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આ સિવાય આ જ સમયગાળા દરમિયાન ગોવા, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, રાંચી, કાવેરી નદીનો ભાગ, દક્ષિણના ભાગોમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતભરમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થયું છે. ત્રીજા રાઉન્ડ દરમિયાન અમદાવાદ સહિત આસપાસના વિસ્તારો અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર થઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશરની અસર પણ ગુજરાતના હવામાન પર પડી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.