Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં(Assam)શનિવારે પૂરના કારણે સ્થિતિ ગંભીર બની હતી. અહીંની મુખ્ય નદીઓ ઘણી જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 30 જિલ્લાઓમાં 24.50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. આ વર્ષે પૂરના(Flood)કારણે 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે 12 લોકોના મોત થયા છે. પૂર પ્રભાવિત ડિબ્રુગઢ જિલ્લામાંથી પરત ફરેલા મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ શુક્રવારે અધિકારીઓ સાથે બેઠક કરી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી.
મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી
સીએમ હિમંતા વિશ્વ શર્માએ કહ્યું, ડિબ્રુગઢના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી અમે કેટલાક અન્ય મુદ્દાઓ સાથે સ્વાસ્થ્ય નાણાકીય સહાય યોજના ‘આસામ આરોગ્ય નિધિ’ની સમીક્ષા કરી હતી, શર્માએ પણ કહ્યું હતું કે અધિકારીઓને ખાસ કરીને તે આપવા માટે કહેવામાં આવ્યું છે. દુર્લભ કેસો અને હાલની કોઈપણ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ન હોય તેવા કેસોને અગ્રતા આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂર પ્રભાવિત લોકો સાથે વાત કર્યા પછી, અધિકારીઓને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ જિલ્લાઓ પૂરથી વધુ પ્રભાવિત છે
સ્વચ્છ પીવાના પાણીના પુરવઠા અંગે તેમણે કહ્યું કે ‘જલ જીવન મિશન’ યોજના ‘આ મુશ્કેલ સમયમાં આશાના કિરણ’ તરીકે ઉભરી આવી છે. કચર, કામરૂપ, હૈલાકાંડી, હોજાઈ, ધુબરી, નાગાંવ, મોરીગાંવ, ગોલપારા, બરપેટા, ડિબ્રુગઢ, નલબારી, ધેમાજી, બોંગાઈગાંવ, લખીમપુર, જોરહાટ, સોનિતપુર, કોકરાઝાર, કરીમગંજ, દક્ષિણ સલમારા, દરરંગ અને તિનસુકિયા જિલ્લા પૂરથી પ્રભાવિત છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના બુલેટિન મુજબ, સૌથી વધુ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ધુબરી, દારંગ, કચર, બરપેટા અને મોરીગાંવનો સમાવેશ થાય છે. કુલ 47,103 અસરગ્રસ્ત લોકોએ 612 શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે 4,18,614 લોકોને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે.
યુરો 2024માં તા.5 જુલાઇને શુક્રવારે કીલિયાન એમ્બપ્પે (Kylian Mbappe)ની કેપ્ટન્સીમાં ફ્રાન્સે પોર્ટુગલને પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ની આ છેલ્લી યુરોપિયન ચેમ્પિયનશિપ હતી અને એમાં તેણે ટ્રોફીથી વંચિત તો રહેવું જ પડ્યું, ઊલ્ટાનું વહેલા આઉટ થઈ જવું પડ્યું હતું.
પોર્ટુગલના રોનાલ્ડોની એક્ઝિટ સાથે તેના કરોડો ચાહકોના દિલ તૂટ્યા છે અને આ સ્પર્ધાની ચમક અડધી ઓછી થઈ ગઈ છે. ક્વોર્ટર ફાઇનલની મુખ્ય મૅચમાં ફ્રાન્સ અને પોર્ટુગલ 0-0થી બરાબરીમાં રહ્યા હતા. એ તબક્કે પણ રોનાલ્ડોપ્રેમીઓને પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલના વિજયની આશા હતી, પરંતુ ફ્રાન્સે એમાં પોર્ટુગલને 5-3થી માત આપીને પોર્ટુગલને સ્પર્ધામાંથી આઉટ કરી નાખ્યું હતું અને સેમિમાં એન્ટ્રી કરી લીધી હતી.
સેમિ ફાઈનલમાં ફ્રાન્સની સ્પેન સાથે ટક્કર થશે. તા.5 જુલાઇ 2024ને શુક્રવારની પ્રથમ કવોર્ટરમાં સ્પેને યજમાન જર્મનીને 2-1થી હરાવીને સ્પર્ધાની બહાર કર્યું હતું. 51મી મિનિટમાં ઓલ્મોએ ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. 89મી મિનિટમાં વિટઝે જર્મનીને 1-1થી બરાબરીમાં લાવી દીધું હતું. જોકે ભારે રસાકસીમાં મૅચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી જેમાં 119મી મિનિટમાં મેરિનોએ સ્પેનને વિનિંગ ગોલ કરી આપ્યો હતો.
ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદની પહેલી ટી 20 મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારત સામેની મેચમાં ઝિમ્બાબ્વે 13 રને વિજયી રહ્યું. ભારતના બેટર્સે 6/7/2024ની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે જ હવે ઝિમ્બાબ્વે સીરિઝમાં 1-0થી આગળ છે.
ઝિમ્બાબ્વેના હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચની સીરિઝ યોજાઇ રહી છે જેમાં આજે પહેલી મેચ રમાઈ હતી. આજની મેચમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેએ નવ વિકેટ ગુમાવીને 115 રન ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વે ટીમમાં ક્લાઇવ મડાંડેએ ટીમમાં સૌથી વધુ 29 રન ફટકાર્યા, તે સિવાય કોઈ ખેલાડી કશું કમાલ કરી શક્યા નહોતા.
ભારતના રવિ બિશનોઈ સૌથી સફળ બોલર સાબિત થયો. રવિએ ચાર ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. વોશિંગ્ટન સુંદરે બે જ્યારે આવેશ ખાન તથા મુકેશ કુમારે એક એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન
ઝિમ્બાબ્વેની બેટિંગ જોયા બાદ ફેન્સને આશા હતી કે ભારતીય ટીમ સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. પરંતુ થયું તદ્દન ઊંધું જ. શરૂઆતથી જ ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા. ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા ખાતું ખોલ્યા વગર જ ઝીરો રનમાં પવેલિયનભેગો થઈ ગયો હતો. જે બાદ 15 રનના સ્કોર પર જ ભારતને બીજો ઝટકો લાગ્યો, માત્ર સાત રન બનાવીને ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો.
ખેલાડીનું નામ
રન
બોલ
અભિષેક શર્મા
0
4
શુભમન ગિલ
31
29
ઋતુરાજ ગાયકવાડ
7
9
રિયાન પરાગ
2
3
રીન્કુ સિંહ
0
2
ધ્રુવ જૂરેલ
7
14
વૉશિંગ્ટન સુંદર
27
34
રવિ બિશ્નોઈ
9
8
આવેશ ખાન
16
12
મુકેશ કુમાર
0
3
ખલીલ એહમદ
0
1
રિયાન અને રીન્કુ પણ કશું ખાસ કરી ન શક્યા
ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં ખાસ દેખાવ કરી શક્યો નહીં અને બે રન બનાવીને આઉટ થયો. પાંચમા ક્રમાંક પર રીન્કુ સિંહ અને તેણે પણ લોકોની આશા પર પાણી ફેરવ્યું. રીન્કુ પણ ખાતું ખોલ્યા વગર જ પવેલીયનભેગો થયો હતો.
શુભમન ગિલે 31 રન બનાવ્યા
જ્યાં એક તરફ શુભમન ગિલ બાજી સંભાળી રહ્યો હતો ત્યાં બીજી તરફ એક બાદ એક વિકેટ પડી રહી હતી. ધ્રુવ જૂરેલ પણ માત્ર છ રન બનાવીને આઉટ થયો. છ વિકેટ બાદ પણ ફેન્સને આશા હતી કે શુભમન ગિલ મેચ જીતાડી શકે છે પણ બાદમાં ગિલ પણ 31 રન બનાવીને આઉટ થયો. શુભમને 29 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન ફટકાર્યા હતા.
શુભમન ગિલ બાદ વૉશિંગ્ટન સુંદર છેક સુધી મેદાન પર હતો. નવ વિકેટ ગુમાવ્યા બાદ પણ સુંદરની બેટિંગના કારણે મેચમાં જીતની એક આશા જીવંત હતી. જોકે અંતમાં વિજય ઝિમ્બાબ્વેનો જ થયો. મેચમાં નવા ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ એક્સપર્ટ્સનો પણ મત છે કે ટીમમાં સિનિયર ખેલાડીઓની કમી વર્તાઇ છે.
સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં છ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે.
સુરતના સચિન વિસ્તારની GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા થઈ છે. કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે.બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાની પણ વાત સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી લોકોને દૂર કરાવી રહી છે.
દેશમાં 18મી લોકસભાના ગઠન બાદ હવે મોદી સરકાર તેમના ત્રીજા કાર્યકાળનો પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. કેન્દ્રિય બજેટ 2024 રજૂ કરવાની તારીખો પણ જાહેર થઇ ગઇ છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ 23 જૂલાઇએ સંસદમાં બજેટ રજૂ કરશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઇ ગયું છે. જેમાં નવા ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ થયું તેમજ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક થઇ હતી. જેને રાષ્ટ્રપતી દ્રૌપદી મૂર્મુએ સંબોધી હતી. હવે સમગ્ર દેશની નજર બજેટ સત્ર પર છે.
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પોતાના X હેન્ડલ પર આ અંગેની જાણકારી આપતા પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ભારત સરકારના પ્રસ્તાવ પર ભારતના માનનિય રાષ્ટ્રપતિએ બજેટ સત્ર, 2024 માટે સંસદના બંને ગૃહોને 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય બજેટ 23 જૂલાઇના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
સીતારમણ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડશે
નોંધનીય છે કે આ વર્ષે ચૂંટણીના કારણે બે વખત બજેટ રજૂ થઈ રહ્યું છે. પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે નવી સરકારના ગઠન બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટની સાથે જ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરશે. સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ નાણામંત્રી બની જશે. આ રેકોર્ડ અગાઉ મોરારજી દેસાઇના નામે હતો, તેમણે છ વખત બજેટ રજૂ કર્યું હતું.
કરદાતાઓને મળી શકે છે રાહત
કેન્દ્રિય બજેટ 2024ની તારીખો જાહેર થવાની સાથે અટકળો ચાલી રહી છે કે, નાણા મંત્રી મોદી સરકાર 3.0 અંતર્ગત કરદાતાઓ માટે અમુક લાભોની જાહેરાત કરી શકે છે. એક મીડિયા એજન્સીએ બે સરકારી અધિકારીઓનો હવાલો આપી જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કેન્દ્રિય બજેટમાં ગ્રામીણ આવાસ માટે રાજ્યની સબ્સિડી વધારવા અંગે વિચારી રહી છે. જેમાં પાછલા વર્ષની તુલનામાં 50 ટકા સુધીની વૃદ્ધિ થવાની શક્યતા છે. જે વધીને 6.5 બિલિયન (અબજ) અમેરિકી ડોલરથી વધુ થવાની શક્યતા છે.
ઉમરગામથી નડિયાદ, સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોની ૧૦૫ કલબોના રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ૨૦૨૪-૨૫ના ડિસ્ટ્રિકટ ગવર્નર તરીકે સુરતના તુષાર શાહનો પદગ્રહણ વિધિ સમારોહ રોટરી ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડીરેકટર રોટેરિયન એ. એસ. વેંકટેશના અતિથિ વિશેષ પદે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે સંપન્ન થયો. આ સમારોહની સાથે સાથે રોટરી કલબ ઓફ સુરત તાપીના નવા વરાયેલા પ્રમુખ નિધી પચ્ચીગરે પણ હોદ્દો અખત્યાર કર્યો.
આ પદગ્રહણ વિધિ સમારોહને સંબોધતા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર એ. એસ. વેંકટેશે જણાવ્યું હતું કે રોટરી એટલે જૉય ઓફ ગિવીંગ- આપવાનો આનંદ. પદ એ તો ટૂંકા સમય માટેનો આનંદ છે, અને તેથી ટૂંકા સમય માટેનો આ આનંદ છોડીને વાસ્તવિક ધરતી પર રહીને રોટરીના તમામ સાત મૂળભૂત કાર્યોને જો તમે જીવનનો ભાગ બનાવશો તો જીવન જીવવાનો આનંદ કંઇક ઔર જ હશે. જીવનમાં મારું મારું કરશો તો મરશો અને તારું તારું કરશો તો તરી જશો.
આ સિદ્ધાંતને જો સૌ કોઇ અપનાવે તો નવા સમાજનું આપણે નિર્માણ કરી શકીશું.
ડિસ્ટ્રિકટ ગવર્નર પદનો સ્વીકાર કર્યા બાદ તુષાર શાહે પોતાના સ્વીકૃતિ પ્રવચનમાં જણાવ્યું હતું કે રોટરીએ મારા જીવનને નવો વણાંક આપ્યો છે. હું જયારે જયારે પણ શિક્ષણ છોડી ગયેલા એક વિદ્યાર્થીને રોટરીના માધ્યમ દ્વારા ફરી પાછો શાળામાં ભણતો જોવ છું, ત્યારે તેનો આનંદ કંઇક અનેરો જ હોય છે.
જયારે જયારે પણ રોટરીના માધ્યમ દ્વારા આપવામાં આવેલ કૃત્રિમ પગને કારણે કોઇકને ચાલતો જોવ છું ત્યારે આંખ લાંગણીથી ભીની થઇ જાય છે.
વરસતા વરસાદમાં કોઇકને રોટરી દ્વારા આપવામાં આવેલ રેઇનકોટ પહેરેલો જોવ છું ત્યારે લાગણીથી હૃદય ઉભરાઇ જાય છે.
રોટરીએ મારી જિંદગી અર્થસભર બનાવી છે અને આવા સુંદર કાર્યો માટે મને નિમિત્ત બનાવ્યો તે માટે પ્રભુ તારો અંતઃકરણ પૂર્વક આભાર.
આ પ્રસંગે ડિસ્ટ્રિકટ ગવર્નર ઇલેકટ અમરદીપ બુનેટ (ભરૂચ), ડિસ્ટ્રિકટ ગવર્નર નોમિની નિલેશ શાહ (વાપી), તત્કાલીન ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર નિહિર દવે (આણંદ) સહિત ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નરો શ્રીકાંત ઇન્દાની (દોંડાઇચા), સંતોષ પ્રધાન (સુરત), પ્રશાંત જાની (સુરેન્દ્ર નગર), અનિશ શાહ (વલસાડ), પિન્કીબેન પટેલ (બરોડા), રૂચિર જાની (વાપી), હિતેશ જરીવાલા (સુરત), પરાગ શેઠ (ભરૂચ), આશિષ અજમેરા (ધૂલે), ડૉ. સુરેન્દ્રસિંહ પરમાર (સરીગામ), કુલબંધુ શર્મા (સુરત), ડૉ. નિલાક્ષ મુફતી (વલસાડ), હિમાંશુ ઠક્કર (સુરત), ભરત સોલંકી (સુરત), દેવેન્દ્ર શાસ્ત્રી (સુરત) તેમજ ગુરપ્રિતસિંહ શેખોન ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં રોટરી કલબ ઓફ સુરત તાપીના નવા પ્રમુખ તરીકે શિક્ષણવિદ નિધીબેન પચ્ચીગરે પણ હોદ્દાની ગુપ્તતાના શપથ લીધા હતા.
ઇન્ટરેકટ ડિસ્ટ્રિકટ રિપ્રેઝન્ટેટીવ સ્નેહા બરદિયા અને રોટરેકટ ડિસ્ટ્રિકટ રિપ્રેઝન્ટેટીવ રોહિત અજમેરાએ આ સમારંભમાં ઉપસ્થિત રહીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિકટ 3060ના આદર્શ અને ઉત્તરદાયિત્વના પ્રતિબિંબ કરાવતા દર્પણ સમા ગવર્નર મંથલી લેટરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
સુરતઃ દેશવ્યાપી એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે સર્વેક્ષણ હાથ ધરીને મ્યુચ્યુઅલ ફંડના 1 કરોડથી વધુ વર્તમાન ગ્રાહકોના ડેટાનું એનાલિસીસ કર્યું હતું તેના આધારે “વુમન ઇન્વેસ્ટમેન્ટ બિહેવિયર રિપોર્ટ 2024” શીર્ષક હેઠળ એક રસપ્રદ અભ્યાસ જારી કરવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં (31 માર્ચ 2019થી 31 ડિસેમ્બર 2023) ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટી સુરતમાં મહિલા રોકાણકારોની સંખ્યા 2.3 ગણી વધી છે. આ જ સમયગાળામાં સુરતમાં મહિલા રોકાણકારોની AUM (એસેટ અન્ડર મેનેજમેન્ટ) 3.7 ગણી વધી છે. ગુજરાત રાજ્યમાં આ જ સમયગાળામાં મહિલા રોકાણકારોની AUMમાં 3.1 ગણો વધારો જોવા મળ્યો છે.
આ અભ્યાસના તારણો દર્શાવે છે કે લગભગ 72 ટકા મહિલા રોકાણકારો હવે સ્વતંત્ર રોકાણના નિર્ણયો લે છે. મહિલા રોકાણકારો લાંબા ગાળાના રોકાણના મજબૂત સમર્થકો તરીકે ઉભરી રહ્યા છે. મહિલાઓ પાંચ વર્ષના સમયગાળા માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 22 ટકા વધુ દ્રઢતા દર્શાવે છે.
ડિજિટલ ક્રાંતિ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પરિવર્તન લાવી રહી છેઅને આ પરિવર્તનમાં મહિલાઓ મોખરે છે. પેસિવ વિમેન ઇન્વેસ્ટરના જૂનાપુરાણા ખ્યાલોને દૂર કરીને, અભ્યાસ દર્શાવે છે કે નોંધપાત્ર એવી 71.9 ટકા મહિલાઓ સ્વતંત્ર રોકાણના નિર્ણયો લે છે. યુવા પેઢીઓમાં આ વલણ વધુ સ્પષ્ટ છે, જેમાં 25-34 વર્ષની વયની 75 ટકા મહિલાઓ અને 35-44 વર્ષની વયની 70 ટકા મહિલાઓ તેમની પોતાની રોકાણ પસંદગીઓ કરીને તેમના નાણાંકીય ભવિષ્ય પર કાબૂ ધરાવે છે.
70.4 ટકા મહિલાઓ પ્રોફેશનલ્સ, મિત્રો અને પરિવારજનો પાસેથી સલાહ લે છે જ્યારે 72 ટકા મહિલાઓ જાતે જ તેમની રોકાણ સફર અંગે નિર્ણય કરે છે. પ્રત્યેક મહિલા રોકાણકાર દીઠ 25 ટકા વધુ રકમનું રોકાણ થયું જેમાં સરેરાશ ઇન્વેસ્ટમેન્ટ કોર્પસ 37 ટકા હતું જે પુરુષો કરતા ઊંચું હતું.
ત્રણ જુલાઈ-2024થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Reliance Jio, Bharti Airtel and Vodafone Idea)એ મોબાઈલ ટેરિફમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ (Mobile Users) પર વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો નાખ્યો છે.’
સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, ‘ત્રણ અને ચાર જુલાઈના રોજ દેશની ત્રણ ટેલીકૉમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોટાફોન આઈડિયાનો માર્કેટ શેર 91.6 ટકા છે અને તેમના 109 કરોડ સેલ ફોન યુઝર્સ છે. મોદી સરકારની મંજૂરી બાદ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો ગ્રાહકો પર નાખી દીધો છે.’
રણદીપ સુરજેવાલાએ ટ્રાઈના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ‘ટેલીકૉમ કંપનીઓ પોતાના યુઝર્સો પાસેથી 31 ડિસેમ્બર-2023 સુધીમાં દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી. રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં 12થી 27 ટકા, એરટેલે 11થી 21 ટકા અને વોડાફોન આઈડિયાએ 10-24 ટકાનો વધારો કર્યો છે.’
તેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને 72 કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ વધારાથી રિલાયન્સ જિયોને 17,568 કરોડ રૂપિયા, એરટેલને 10,704 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક 6552 કરોડ રૂપિયાની કમાણી થશે.
કોંગ્રેસે મોબાઈલ ટેરિફમાં વધારા મુદ્દે સરકારને ઘણા પ્રશ્નો કર્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે, ‘92 ટકા બજાર હિસ્સો ધરાવતી ટેલિકોમ કંપનીઓને એકતરફી રૂ.34,824 કરોડનો ટેરિફ વધારવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું સરકાર અને TRAI 109 કરોડ યુઝર્સ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી દૂર થઈ ગયા છે? શું મોબાઈલ ટેરિફમાં વધારો લોકસભા ચૂંટણીના અંત સુધી મોકૂફ રખાયો હતો? શું સરકાર કે ટ્રાઈએ કંપનીઓની કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાતો પર અભ્યાસ કર્યો છે કે નહીં?
વૃક્ષપૂજા વૈદિક કાળથી થાય છે. જ્યારે દેવી-દેવતાને સર્મપિત કોઈ મંદિર કે તીર્થસ્થળ નહોતાં ત્યારે વૃક્ષમાં પ્રભુનો વાસ ગણીને એની પૂજા થતી. સનાતન ધર્મના શૈવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ, સિખ વગેરે દરેક સંપ્રદાયમાં ભગવાન તેમ જ આદ્યગુરુઓ સાથે કોઈ ને કોઈ વૃક્ષો સંકળાયેલાં છે જ. આ ઉનાળામાં જે ગરમી પડી છે એ પછી ‘જલ હૈ તો જીવન હૈ’ સૂત્રમાં ‘ચમન હૈ તો અમન હૈ’ જલદી જોડવું પડશે. માટે જ આ વખતનું તીર્થાટન થોડું હટકે છે. આજે કોઈ મંદિર કે મૂર્તિઓની પૂજા કે સાધના કરવાની નથી, પ્રકૃતિના ઓચ્છવની અર્ચના કરવાની છે.
પ્રયાગરાજનો અક્ષય મનોરથ વટ
પ્રયાગરાજમાં યમુના અને ગંગા નદીના સંગમ પાસે અકબર ફોર્ટના પ્રાંગણમાં ઊભેલો અક્ષય વટ પ્રાયઃ સમસ્ત જીવસૃષ્ટિનું ઓલ્ડેસ્ટ વૃક્ષ છે જેનું કનેક્શન જૈન, વૈદિક, બૌદ્ધ ધર્મ સાથે છે. કહેવાય છે કે જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવનાં માતા મરુદેવા આ વૃક્ષની નીચે કેવલી થયાં હતાં, જે આ ચોવીસીનું પ્રથમ કેવલજ્ઞાન હતું તેમ જ ઋષભદેવ પ્રભુએ પણ અહીં સાધના કરી હતી. હિન્દુ ધર્મની કિંવદંતી અનુસાર ઋષિ માર્કંડેયે વિષ્ણુને તેમની દિવ્ય શક્તિનો પરચો આપવાનું કહ્યું ત્યારે નારાયણે સમસ્ત સૃષ્ટિને જળબંબાકાર કરી દીધી હતી. પાણીમાં ડૂબેલા ભૂલોકમાં આ એક જ વૃક્ષ હતું જે જલસ્તરથી ઉપર દેખાઈ રહ્યું હતું અને પૂરથી બચવા ઋષિ માર્કંડેય આ જ વડમાં સમાઈ ગયા હતા.
એ ઉપરાંત રામ, લક્ષ્મણ અને સીતાજી પણ અહીં આવ્યાં હતાં અને તેમણે આ વૃક્ષની નીચે વિરામ કર્યો હતો. તિબેટિયન બૌદ્ધ પરંપરા મુજબ બુદ્ધે આ જ અક્ષયવટનું એક બીજ કૈલાશ પર્વતની નજીકના પહાડ પર વાવ્યું હતું જે આજે બુદ્ધ મહેલના નામે જાણીતું છે. અનેક પ્રલય, સંકટ, વિઘ્નો બાદ પણ આ વૃક્ષ જીવિત છે અને હજી આવનારા યુગોમાં પણ અકબંધ રહેશે એવું મત્સ્યપુરાણના પ્રયાગ મહાત્મ્યમાં આલેખાયેલું છે.
ઈ. સ. ૧૫૮૩માં મોગલ બાદશાહ અકબરે અહીં કિલ્લો બનાવડાવ્યો હતો જેથી તે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવતા યાત્રીઓ પાસેથી કર વસૂલી શકે. તેમણે આ કિલ્લાનું નિર્માણ એવી રીતે કરાવ્યું હતું જેમાં આ મનોરથ વટ તરીકે પણ જાણીતું તરુવર તેના પરિસરમાં જ રહે (મનોરથ વટ કહેવા પાછળની કથા એવી છે કે એ કાળમાં મનુષ્યો પોતાના દરેક સંકલ્પ, જવાબદારી, મનોરથ પૂર્ણ કરી મોક્ષપ્રાપ્તિ અર્થે અહીંથી ગંગામૈયામાં છલાંગ મારી જળસમાધિ લેતા). અકબરના સમયમાં તો હિન્દુઓ અહીં આવી વડની પૂજા કરી શકતા, પરંતુ અંગ્રેજોના આધિપત્ય બાદ આ પરંપરા બંધ કરી દેવામાં આવી અને અત્યારે પણ અમુક ખાસ દિવસોને બાદ કરતાં આ શુભ વૃક્ષની નજીક જવાતું નથી. ભક્તોએ ગંગા-યમુના નદીના તટ પરથી એ વૃક્ષનાં દર્શન કરી સંતોષ માનવો પડે છે. જોકે એમ પણ કહેવાય છે કે અસલી અક્ષય વટ તો કિલ્લાના ભોંયરામાં છે. હાલમાં ઊભેલું વૃક્ષ પૂજારીઓએ પછીથી વાવ્યું છે. સત્ય જે હોય તે પરંતુ પ્રયાગ જાઓ ત્યારે લેટે હનુમાન મંદિરની નજીક આવેલા આ કિલ્લામાંના અવિનાશી બરગદનાં દર્શન કરવાનું ચૂકતા નહીં. એનાં પર્ણોને સ્પર્શીને આવતો પવન પણ તમને ડિવાઇન અનુભૂતિ કરાવશે.
વૃંદાવનનો બંસી વટ
શ્રીકૃષ્ણની વાંસળીના સૂર કેવા હશે? એનો જવાબ મથુરા વૃંદાવનના કેશીઘાટની બાજુમાં આવેલા બંસી વટને પૂછો, કારણ કે હાલમાં આ એકમાત્ર સજીવ હયાત છે જે એ સૂરોના તાલ પર ઝૂમ્યું છે. આ વડની છાયામાં નટખટ નંદકિશોર બાંસૂરી વગાડતા અને ગોપીઓ એ સૂર સાંભળીને ઘર, વર, બાળકો છોડીને બંસી વટ નીચે આવી જતી. અરે એક શરદપૂર્ણિમાએ તો તેમની મોરલીએ એવાં કામણ કર્યાં કે ખુદ કૈલાશપતિ ગોપીનો વેશ ધારણ કરીને મહારાસમાં સામેલ થવા પહોંચી ગયા હતા (ગોપેશ્વર મહાદેવની જાત્રા પણ આપણે આ પાને કરી છે). વ્રજભૂમિની પરિક્રમાએ જતા દરેક ભાવિકો બંસી વટના મંદિરે ચોક્કસ જાય છે અને ભગવાનનાં દર્શન કરી મોરલીના મીઠા સૂરોની કલ્પના કરી આંનદ માણે છે, પણ માથું ઊંચું કરી નસીબદાર બરગદના વૃક્ષનાં દર્શન કરતા નથી, જેને મોહનની મનમોહક લીલાનું સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પહેલી વખત વૃંદાવન આવ્યા હતા ત્યારે તેઓ માત્ર બંસીઘાટ જ આવ્યા હતા અને આ વૃક્ષના થડમાં તેમને રાધા-કૃષ્ણનાં દર્શન થયાં હતાં. દિવ્ય કવિ સુરદાસ કહે છે, ‘કહાં સુખ બ્રજ કૌસો સંસાર, કહાં સુખદ વંશી વટ જમુના, યહ મન સદા વિચાર…’ અર્થાત્ બંસી વટના યમુના કિનારાના સાંનિધ્ય જેવું સુખ દુનિયામાં બીજું કોઈ નથી.
ઉજ્જૈનનો સિદ્ધ વટ
હિન્દુ પુરાણો અનુસાર સૃષ્ટિ પર સાતથી આઠ વડનાં વૃક્ષ એવાં છે જે યુગોથી વિદ્યમાન છે. આ દરેક વૃક્ષો કોઈ ને કોઈ દેવી કે દેવતાઓએ રોપ્યાં છે. એ પરંપરામાં ઉજ્જૈન પાસે ભૈરવગઢનો સિદ્ધ વટ પણ અતિ પ્રાચીન છે. શક્તિભેદ તીર્થ તરીકે જાણીતા અહીંનો સિદ્ધ વટ પાર્વતીમાતાએ રોપ્યો છે અને શિવજીના રૂપમાં એની પૂજા કરવામાં આવે છે. સંતતિ, સંપત્તિ અને સદગતિની પ્રાપ્તિ માટે પ્રખ્યાત આ તીર્થ વટની કૃપાથી ત્રણેય સિદ્ધિ પ્રાપ્ત થાય છે એથી એને સિદ્ધ વટ કહેવાય છે. વર્ષ દમ્યાન હજારો ભાવિકો અહીં આવે છે અને વૃક્ષ પર રક્ષાસૂત્ર બાંધીને સંપત્તિ માટે પ્રાર્થના કરે છે. એ જ રીતે સંતાનસુખ માટે ઊંધો સાથિયો કરવાની પરંપરા છે. સ્કંદપુરાણ અનુસાર શિવપુત્ર કાર્તિકસ્વામીને આ સ્થળે સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને અહીં જ તેમણે તારકાસુરનો વધ કર્યો હતો. કુદરતી આપદાઓ તેમ જ ભાવિકોની અવગણના અને ગંદકીને કારણે આ વૃક્ષની હાલત અનેક વખત જોખમાય છે છતાં ઈશ્વરીય આશીર્વાદ અને સૃષ્ટિના નિઃસ્વાર્થ સ્નેહની સરવાણીથી આ વૃક્ષ ફરી મહોરી ઊઠે છે.
જગન્નાથપુરીનો કલ્પ વટ
કલ્પ શબ્દના બે અર્થ કરી શકાય, કલ્પ એટલે કાળ અને કલ્પ એટલે ઇચ્છા, આકાંક્ષા. ઓડિશાના જગન્નાથપુરીના મુખ્ય જગન્નાથ મંદિરના સંકુલમાં જ સત્યનારાયણ મંદિર અને મુક્તિમંડપની વચ્ચે દિવ્ય છાયા લહેરાવતું વૃક્ષ એ જ કલ્પ વટ, જે ચારેય યુગોથી અહીં હાજર છે અને દર્શનાર્થીઓની કામના પૂર્ણ કરવા માટે પણ જાણીતું છે. મંડપ અને થડની ફરતે ગોળ પાકા ઓટલાથી સંરક્ષિત આ વૃક્ષની ડાળખીઓ પણ ચૂંદડીઓ અને અન્ય સુશોભિત વસ્તુઓથી ડેકોરેટ થયેલી છે. ખાસ કરીને બંગાળીઓ આ વૃક્ષની પૂજા કરવાની સાથે એની પ્રદક્ષિણા પણ કરે છે. કલ્પ વટની આજુબાજુમાં વટેશ્વર મહાદેવ, વટ ક્રિષ્ણા, વટ બાળમુકુંદ, વટ માધવ, વટ ગણેશ, વટ મંગલા, વટ જગન્નાથ અને વટ માર્કંડેયની નાની-નાની મૂર્તિઓ છે (બંગાળી, ઓરિયા ભાષામાં ‘વ’ મૂળાક્ષર છે જ નહીં, અહીં ‘વ’ને બદલે ‘બ’ બોલાય અને લખાય છે. આથી અહીં કલ્પબટ છે અને બટની આજુબાજુ આવેલા પરમેશ્વર પણ બટમાધવ, બટક્રિષ્ણા વગેરે છે).
ઓરિયા ભાગવતમમાં આ વૃક્ષને શંખક્ષેત્ર પુરીનું અત્યંત પાવન સ્થળ કહેવાયું છે. બૌદ્ધધર્મીઓએ પણ અહીં સૌગાત નારાયણની મૂર્તિ પધરાવી છે. સ્કંદપુરાણ અનુસાર માર્કંડેયમુનિએ જળપ્રલય વખતે આ બરગદનો આશરો લીધો હતો. દર કારકત સુદ તેરસે આ વૃક્ષનો જન્મોત્સવ મનાવાય છે અને કલ્પવટને પંચામૃતથી સ્નાન કરાવી નવાં વસ્ત્રો પણ પહેરાવાય છે. કહેવાય છે કે કલ્પ વટની પૂજા એટલે જગન્નાથજીની પૂજા. અષાઢી બીજના દિવસે રથયાત્રા બાદ કૃષ્ણ, બલભદ્ર, સુભદ્રાની મૂર્તિઓને કલ્પવટનાં દર્શન કરાવ્યા બાદ મંદિરમાં પધરાવાય છે.
પુરૈનાના બ્રહ્મબાબા પાંચ એકરમાં વિસ્તરી ગયા છે
બિહારના સારણ જિલ્લાના પુરૈના ગામમાં કોઈ ગ્રામ્યવાસીએ ૨૦૦ વર્ષ પૂર્વે વડનું ઝાડ વાવ્યું હતું અને બે સદીમાં તો એ એવું ફૂલ્યું-ફાલ્યું કે આજે એ એકમાંથી અનેક વૃક્ષો થઈ ગયાં છે અને ૨,૧૭,૮૦૦ સ્ક્વેરફીટમાં ફેલાઈ ગયાં છે. એ દરમ્યાન આ નાનકડા ગામડામાં અનેક આંધી, તોફાનો, કુદરતી આપત્તિઓ આવી છે, પણ આ મહાકાય વૃક્ષને ઊની આંચ નથી આવી બલકે એમાંથી જેટલી ડાળીઓ ખરે છે અને જમીન પર પડે ત્યાં નવું વૃક્ષ ઊગવા માંડે છે. આજે પણ આ સાઇકલ ચાલુ જ છે. આવા ચમત્કારને કારણે સ્થાનિક લોકો આ વડવૃક્ષને બ્રહ્મબાબા કહે છે. વળી નવાઈની વાત એ છે કે એનો આવો વ્યાપક ફેલાવો સરકારી નહીં ખાનગી જમીન પર થતો જાય છે. એમ છતાં સ્થાનિક લોકો હસીખુશી એ ભૂમિ પર પોતાની માલિકી છોડી રહ્યા છે. આ વિરાટ બ્રહ્મદેવની નીચે કોઈ મંદિર કે મૂર્તિ નથી પરંતુ આ વિસ્મયકારી વૃક્ષનું સત્ત્વ એવું છે કે લોકો આ વૃક્ષદેવતાનાં દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે.
ગયાજીનો અક્ષય વટ
પૂર્વજોના આત્માની શાંતિ અને મુક્તિ માટે કરાતી પિતૃતર્પણવિધિ માટે પરાપૂર્વથી પ્રસિદ્ધ ગયાનો અક્ષય વટ તો ખુદ બ્રહ્માજીએ રોપ્યો છે. કહેવાય છે કે સ્વયં ભગવાન બ્રહ્મા સ્વર્ગથી વડનો રોપો અહીં લાવ્યા હતા અને સીતામાતાએ તેમને અમરતાના આશીર્વાદ આપ્યા છે. રામકથા અનુસાર વનવાસ પૂર્ણ થયા બાદ રાણીસીતા સહિત રાજારામ અને લક્ષ્મણ પિતાનું શ્રાદ્ધકર્મ કરવા માટે ગયા આવ્યા હતા. બેઉ ભાઈઓ એ માટેની જરૂરી સામગ્રી લેવા ગયા એમાં વિલંબ થતાં રાજા દશરથે પ્રગટ થઈને પુત્રવધૂ સીતાને તર્પણવિધિ કરવા કહ્યું ત્યારે માતાસીતાએ આ વડ ઉપરાંત અહીંથી વહેતી ફાલ્ગુ નદી, ગાય, તુલસીજી અને બ્રાહ્મણને સાક્ષી કરી રામ-લક્ષ્મણની ગેરહાજરીમાં નદીની રેતીમાંથી પિંડ બનાવી દિવંગત શ્વશુરજીનું પિંડદાન કર્યું હતું (જે કથા આપણે અગાઉ ગયાના તીર્થાટન વખતે કરી છે). રામ-લક્ષ્મણ પાછા આવતાં સીતાજીએ તર્પણવિધિ કર્યાની વાત કરી ત્યારે રાજાના કોપના ભયથી અન્ય સાક્ષીઓ તો ચૂપ રહ્યા, પણ વડ વૃક્ષે સાક્ષી પુરાવી હતી એથી માતાસીતાએ આ બરગદને ચિરંજીવ રહેવાના આશીર્વાદ આપ્યા હતા. ગયાથી થોડે દૂર માઢનપુર સ્થિત આ અક્ષય વટની આસપાસ એક સમયે પિંડદાન માટે ૩૬૫ વેદીઓ હતી જે કાલાંતરે ઓછી થઈને ૪૫ રહી છે. ગયાજીના પ્રસિદ્ધ વિષ્ણુપદ મંદિરે જાઓ કે મહામાયા મંગલાગૌરીની શક્તિપીઠે મથ્થા ટેકો ત્યારે આ અક્ષય વટના આશીર્વાદ લેવા અચૂક જજો. આ સ્પૉટ ગયાનાં મુખ્ય દર્શનીય સ્થળોમાં નથી આવતું, પરંતુ એનાં મૂળિયાં પૌરાણિક છે.
પૉઇન્ટ ટુ બી નોટેડ
ઉપર ઉલ્લેખ કરાયેલાં આ પાંચેપાંચ વૃક્ષતીર્થો આપણી પૂજનીય તીર્થભૂમિ પર જ છે. એનાં દર્શન માટે ક્યાંય સ્પેશ્યલ કોઈ સ્થળે જવાનું નથી, પણ આપણે તો હઈસો હઈસો યાત્રાળુઓ. ટાઇમ જ ન હોય એટલે એક ઘરેડમાં મુખ્ય મંદિરમાં દર્શન કરી ચાલતા થઈએ. બટ, નેક્સ્ટ ટાઇમ જે-તે જાત્રાએ ગયા હો ત્યારે પૂર્ણ ભાવથી આવા વૃક્ષદેવની આરાધના કરજો, એની શુદ્ધ ઑરા માણજો અને બની શકે તો એના સંવર્ધન માટે મદદ કરજો, કારણ કે આપણા પૂર્વજોએ સાચવ્યું એટલે આપણને મળ્યું. હવે આગામી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે.
અયોધ્યા (Ayodhya) રામ મંદિરમાં( Ram Mandir) દરરોજ રામલલાના દર્શન કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. રામ મંદિર ટ્રસ્ટ ટૂંક સમયમાં જ દરરોજ આવતા ભક્તો માટે પાસ ઇસ્યુ કરશે. એટલું જ નહીં તે તમામ ભક્તો માટે એક અલગ લાઇન પણ બનાવવામાં આવશે. જેથી કરીને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. પરંતુ આમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. સંત સમુદાયે ટ્રસ્ટની આ પહેલને બિરદાવી છે.
થોડા દિવસોમાં પાસ આપવામાં આવશે
રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું કે, ટ્રસ્ટ એવા સંતો અને સામાન્ય લોકોની યાદી બનાવી રહ્યું છે જેઓ દરરોજ રામ લલ્લાના દર્શન કરવા માગે છે. આ કામ માટે સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. સાધુ-સંતોનો સંપર્ક કરી ફોર્મ ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેમના આધાર કાર્ડની કોપી પણ લેવામાં આવી રહી છે. આગામી થોડા દિવસોમાં તેમને પાસ આપવામાં આવશે. પાસમાં જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવશે.
રામ મંદિરના દર્શનની વ્યવસ્થામાં મોટા ફેરફાર
અયોધ્યાના રામ મંદિરની વ્યવસ્થામાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે જો કોઈ ખાસ વ્યક્તિ હશે તો તેને મંદિર પરિસરમાં ચંદન કે તિલક લગાવવામાં આવશે નહીં. બીજું, હવે ચરણામૃત કોઈને આપવામાં આવશે નહીં અને ત્રીજું અને સૌથી મહત્ત્વનું એ છે કે હવે પૂજારીને પૈસા આપવાને બદલે ભક્તો માત્ર દાન જ આપી શકશે.
રામ ભક્તો સાથે સમાન વ્યવહાર
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ મંદિર ટ્રસ્ટને ઘણા સમયથી આ ફરિયાદ આવી રહી હતી કે તમામ રામ ભક્તો સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી. કેટલાક લોકોને વિશેષ સુવિધા મળી રહી છે. તે લોકોને ચંદનનું તિલક લગાવવામાં આવે છે અને તેમને ચરણામૃત આપવામાં આવે છે. ટ્રસ્ટે આ સિસ્ટમ નાબૂદ કરી છે. હવે કોઈને વિશેષ ગણવામાં આવશે નહીં અને દરેક સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે.
અયોધ્યામાં રહેતા લોકો પણ પાસ મેળવી શકશે
આ વ્યવસ્થા માત્ર સાધુ સંતો પુરતી મર્યાદિત નથી. સામાન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે છે. જો અયોધ્યાના લોકો રામલલાના દર્શન કરવા ઉત્સુક હોય તો તેઓ રામ મંદિર ટ્રસ્ટની ઓફિસનો સંપર્ક કરી શકે છે. જો કે ટ્રસ્ટે હજુ સુધી અરજીઓ સ્વીકારવાની સેવા શરૂ કરી નથી. ટૂંક સમયમાં આ માટે ટ્રસ્ટના કર્મચારીઓ મારફતે નોંધણીની સુવિધા શરૂ કરવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.