અણીના સમયે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સચરાચર વરસાદનું આગમન થતા ટાઢક થઇ છે. પાક બચી ગયા છે અને ખેડૂતોના ચહેરેથી ચિંતાની લકીરો દૂર થઈ છે. સરકારી ચોપડે આખા ગુજરાતમાં 80.90 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.
મગફળી, કપાસ, કઠોળ અને તમામ તેલિબિયાં પાકોને કુદરતી પિયત મળતા હવે મોલાત ઝૂમી ઉઠી છે. છતાં હજુ ડેમ, કૂવા, નદી વગેરે કોરા હોય ખેડૂતો અષાઢી મેઘ ઇચ્છી રહ્યાં છે.
રાજકોટ કિસાન સંઘના દિલીપ સખીયા કહે છે, મોડું તો મોડું પણ પાણી મળ્યું છે એટલે રાહત છે.’ ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ હતી અને વરસાદ આવ્યો છે છતાં હજુ ચેકડેમો, તળાવ, કૂવા વગેરે ભરાય એટલું પાણી ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, ખેડૂત નિરાંતનો શ્વાસ લઇ શકે તે માટે વધુ વરસાદ જરૂરી છે.
તેમના કહેવા પ્રમાણે 20 ટકા ખેડૂતો સૌરાષ્ટ્રમાં માત્ર વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે. 30 ટકા ખેડૂતો પાસે થોડી સગવડ પિયતની છે. 40 ટકા ખેડૂતો માત્ર ખરીફ પાક લઇ શકે એવી સ્થિતિમાં હોય છે. 10 ટકા ખેડૂતો પાસે બારેય મહિના પિયતની સુવિધા હોય છે.
ગુજરાત સરકારના આંકડાઓ પ્રમાણે મગફળીનું વાવેતર 19.09 લાખ હેક્ટરમાં થયું છે. કપાસનો વિસ્તાર 22.51 લાખ હેક્ટર છે. બન્ને મુખ્ય પાકોનું વાવેતર પાછલા વર્ષથી ઓછું છે. એમાં વરસાદની અછતથી ઉતારો તૂટે એવી સંભાવના હતી.
વરસાદ સર્વત્ર થોડો ઝાઝો થયો છે એનાથી પાકને પિયત મળી ગયું છે. સૂકાવા પડેલો મોલ ઉંચકાઇ ગયો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશકોના ખર્ચ કરશે એવું લાગી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડતા હવે ખેતીનું ચિત્ર બદલાઇ જશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો સૌથી વધારે વરસાદ મેળવનારા છે. ત્યા 4થી 12 ઇંચ સુધીનો વરસાદ થયો છે. માંગરોળમાં 12 અને ચોરવાડમાં 9 ઇંચ નોંધાયો છે. ગડુ શેરબાગ, તાલાલા અને માળિયા હાટીનામાં 7થી 8 ઇંચ વરસ્યો છે. જામનગરમાં ખંભાળિયા, કલ્યાણપુર વગેરે પટ્ટીમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ છે. રાજકોટના ગોંડલમાં 4 ઇંચ, જેતપુર, જામ કંડોરણા, પાનેલી મોટી, કાલાવડ અને લાલપુર વગેરેમાં દોઢ ઇંચ તથા અન્યત્ર બધે ઝાપટાંથી એક ઇંચ જેટલો વરસાદ થયો છે.













