Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
Sushmita Sen | બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન તેના રિલેશનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની શરતો પર જીવન જીવે છે. સુષ્મિતા જેટલી અદભૂત અભિનેત્રી છે એટલી જ સુંદર વ્યક્તિ પણ છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપતી જોવા મળી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો છે કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહી છે.
સુષ્મિતા તેના અંગત જીવન પ્રત્યે કૂલ વલણ ધરાવે છે. પછી તે તેની ડેટિંગ લાઈફ વિશે હોય કે લગ્ન વિશે, તે દરેક પ્રશ્નનો ખુલ્લેઆમ જવાબ આપે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે, જુઓ, મેં ક્યારેય લગ્ન કરવાની ના પાડી નથી. હું લગ્ન કરવા તૈયાર છું, પરંતુ સામાજિક દબાણ કે અન્ય કોઈ કારણોસર નહીં, હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને તે વ્યક્તિ યોગ્ય લાગશે અને તે મારા લગ્ન માટે તમામ બાબતોમાં ફિટ થઈ જશે.
હવે રાફામાં ૨ અને મધ્ય ગાજામાં મળીને કુલ ૪ બટાલિયનો જ રહી છે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ઇઝરાયેલને મોટી સફળતા મળી છે. ઇઝરાયેલના સંરક્ષણમંત્રી યોઆવ ગેલાંટે હમાસની ૨૦ બટાલિયનનો ખાતમો કર્યો હોવાનો દાવો કર્યો હતો. હવે હમાસની માત્ર ૪ બટાલિયનો જ બાકી રહી છે તેનો પણ નાશ કરવામાં આવશે. હમાસના આતંકીઓ ઇઝરાયેલની સેના સામે ટકી શકયા નથી. શસ્ત્રો તેમજ અન્ય સપ્લાયલાઇન બંધ હોવાથી ધીમે ધીમે સકંજો કસાઇ રહયો છે.
ટાઇમ્સ ઓફ ઇઝરાયેલમાં પ્રકાશિત માહિતી મુજબ નેતન્યાહુ સરકારના સંરક્ષણમંત્રીનું આ નિવેદન ઇઝરાયેલની હમાસની કાર્યવાહીના ૯ મહિના પછી આવી છે. જે ક્ષેત્રોમાં ઇઝરાયેલી સૈનિકો સંઘર્ષ કરી રહયા હતા ત્યાં હવે આગળ વધી રહયા છે. આઇડીએફ (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ) ગાજાપટ્ટીમાં બચેલી હમાસની કેટલીક બટાલિયન સિવાય તમામ સ્થળોએ સરસાઇ મેળવી લીધી છે. હવે રાફામાં ૨ અને મધ્ય ગાજામાં મળીને કુલ ૪ બટાલિયનો જ બચી છે.
ઇઝરાયેલી સેનાએ ઇજિપ્ત સાથે જોડાયેલી રાફા સરહદ વિસ્તાર પર કબ્જો કર્યો હતો. સરહદ પર કુલ ૨૫ જેટલી સુરંગો પર કબ્જો મેળવવામાં આવ્યો છે. આ સુરંગોનો નાશ પણ કરવામાં આવ્યો છે. આ સુરંગોનો ઉપયોગ હમાસના આતંકીઓ શસ્ત્ર પુરવઠો રાખવા માટે કરતા હતા. હવે હમાસના આતંકીઓએ ઘુંટણ ટેકવીને શરણે આવવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી. હમાસ સંગઠનની ઇઝરાયેલના સૈનિકો સામે લડવાની ઇચ્છાશકિત તુટી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની 147મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જુના, જર્જરીત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.
8,700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે રહેશે
પોલીસ કમિશનરએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે. રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભમાં પોલીસ કમિશનરએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, 47 જેટલા લોકેશન્સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી 1400 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે.
યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે.
રથયાત્રા પૂર્વે 25 જેટલી બેઠકો યોજવામાં આવી
આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 132, મહોલ્લા સમિતિની 136 તેમજ મહિલા સમિતિની 38 બેઠકો વિવિધ ધર્મગુરુઓ સાથે 18 બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે 25 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. એટલું જ નહિં, એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે. જેના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઈઝરી જારી છે. જેમાં દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના ઝિકા વાયરસની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના ભ્રૂણ વિકાસ પર ધ્યાન આપવા પર ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.
હેલ્થ સર્વિસ ડિરેક્ટર જનરલ ડૉ. અતુલ ગોયલ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, આ ઉપરાંત મંત્રાલયે આરોગ્ય સુવિધાઓ માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની પણ સુચના આપી હતી. જે એડીસ મચ્છરોથી થતાં ચેપ પર નજર રાખશે અને તેની સામે પગલાં લેશે. ઝિકા વાયરસનો ચેપ એડીસ મચ્છર કરડવાથી ફેલાય છે. તેમજ આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કારણ પણ બને છે. 2 જુલાઈ, 2024 સુધી પુણેમાં ઝિકાના છ કેસ અને કોલ્હાપુર અને સંગમનેરમાં એક-એક કેસ નોંધાયા છે.
ઝિકાવાયરસના લક્ષણો
ઝિકા વાયરસ એ મચ્છરજન્ય વાયરસ છે, જે મુખ્યત્વે એડીસ મચ્છરો દ્વારા ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વહન કરતા મચ્છરો જેવા જ હોય છે. આ વાયરસ સૌથી પહેલા 1947માં યુગાન્ડાના ઝિકા જંગલમાં જોવા મળ્યો હતા, અને તેથી તેનું નામ ઝિકા પડ્યું હતું.
સામાન્ય રીતે ઝિકા વાઇરસનો ચેપ હળવો હોય છે, અને તેના લક્ષણો પણ ખૂબ ઓછા હોય છે. પરંતુ ત્યારે સામાન્ય રીતે આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે.
તાવ: હળવો તાવ આવી શકે છે.
ફોલ્લીઓ: ચામડી પર લાલ ફોલ્લીઓ હોઈ શકે છે.
સાંધામાં દુખાવો: ખાસ કરીને હાથ અને પગના નાના સાંધામાં દુખાવો થઈ શકે છે.
સ્નાયુમાં દુખાવો: સામાન્ય સ્નાયુમાં દુખાવો થઈ શકે છે.
માથાનો દુખાવો: હળવાથી મધ્યમ માથાનો દુખાવો થઈ શકે છે.
આંખમાં બળતરા: આંખોમાં લાલાશ અથવા બળતરા થઈ શકે છે.
શું છે ઝિકા વાયરસ ?
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા એ એડીસ મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે. જો કે, ઝિકાથી સંક્રમિત સગર્ભા સ્ત્રીઓમાં જન્મેલા બાળકોમાં માઇક્રોસેફાલી (માથાનું કદ ઘટે છે), જે એક મોટી ચિંતાનો વિષય છે.
ભારતમાં ઝિકાનો પ્રથમ કેસ વર્ષ 2016માં ગુજરાતમાંથી નોંધાયો હતો. ત્યાર બાદ તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટક સહિત અન્ય ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા છે.
જીએમડીસીએ તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે કોલસાના ભાવમાં પ્રતિ ટને રૂ.340 સુધીનો ઘટાડો જાહેર કર્યો
સુરતમાં કોલસાના કેટલાક સપ્લાયરો એવા છે કે જેઓ અત્યાર સુધી દર ચોમાસામાં કોલસાની કુદરતી કમીમાં કૃત્રિમ રીતે શોર્ટ સપ્લાયની સ્થિતિ વધુ ઘેરી બનાવીને કોલસાના વપરાશકારોને ઉંચા ભાવે કોલસો વેચતા હતા. આ વખતે કોલસા સપ્લાયરોની સિન્ડીકેટની નફો કરવાની નેમ મનની મનમાં રહી ગઇ છે. જીએમડીસીએ કોલસાના મુખ્ય વપરાશકારો પ્રોસેસર્સ સાથે તાલમેલ કરીને ચોમાસા દરમિયાન ચાલે તેટલો પુરવઠો સ્ટોર કરી દીધો છે. એટલું જ નહીં પણ ચોમાસા દરમિયાન પ્રાઇવેટ પ્લેયરો ભાવ વધારી દે તે પહેલા જ જીએમડીસીએ તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે લિગ્નાઇટના બેઝિક ભાવમાં 10થી 12 ટકાનો ઘટાડો કરી દીધો છે. આમ આ વખતે ચોમાસામાં સસ્તા ભાવે લિગ્નાઇટનો જોઇએ તેટલો પુરવઠો ઉપલબ્ધ બનવાનો હોઇ, પ્રાઇવેટ સપ્લાયરોની આખી ગેમ ઉંધી પડી ગઇ છે.
વરસાદની સીઝન શરૂ થાય એટલે સુરત સહિત દક્ષિણ ગુજરાતની કપડા મિલો, ડાઇંગ પ્રિન્ટીંગ પ્રોસેસિંગ હાઉસોમાં કોલસાની રામાયણ શરૂ થઇ જતી. ચોમાસા દરમિયાન કોલસાનો શોર્ટ સપ્લાય એટલો અનુભવાતો કે મિલમાલિકોએ બળતણ માટે લાકડા કે અન્ય મટિરયિલ પર આધાર રાખવો પડતો. કોલસાના શોર્ટ સપ્લાયને કારણે કેટલાક કોલસાના સપ્લાયરો મોં માગ્યા દામ પણ વસૂલ કરતા. આ તમામ પરિસ્થિતિથી વિપરીત આ વખતે કોલસાના માઇનિંગથી લઇને સપ્લાયના મુખ્ય સરકારી પ્લેયર ગુજરાત મિનરલ ડેવપમેન્ટ કોર્પોરેશને તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે લિગ્નાઇટના ભાવમાં પ્રતિ ટને રૂ.340 સુધીનો ઘટાડો કરતા મિલમાલિકો, કપડા મિલો, ડાઇંગ પ્રિન્ટીંગ પ્રોસેસિંગ યુનિટો તેમજ કોલસાનો ઇંધણ તરીકે ઉપયોગ કરતા ઉદ્યોગકારોમાં સુખદ આશ્ચર્ય ફેલાયું છે.
ચોમાસા દરમિયાન ખાણમાંથી કોલસો કાઢવાનું કામ બંધ કરી દેવામાં આવે છે. પરીણામે આગોતરું આયોજન કે સ્ટોરેજ ન હોય તો ઉદ્યોગોને ચોમાસા દરમિયાન મળતા કોલસા-લિગ્નાઇટના પુરવઠામાં ભારે કમી આવતી અને શોર્ટ સપ્લાયના કારણે કોલસાના પ્રાઇવેટ સપ્લાયરો ચોમાસા દરમિયાન પ્રોસેસિંગ યુનિટોના માલિકોના ખીસ્સા ખંખેરી લેતા હતા. પરંતુ, આ વખતે સ્થિતિ બદલાય છે એમ જણાવતા સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ જીતુભાઇ વખારીયા કહે છે કે જીએમડીસી સાથે છેલ્લા દોઢ મહિનાથી નેગોસીએશન ચાલી રહ્યું હતું. પ્રોસેસર્સ માટે કોલસો-લિગ્નાઇટ મુખ્ય ઇંધણ હોઇ, ચોમાસા દરમિયાન જે તકલીફો ભૂતકાળમાં પડી તે આ વખતથી હવે પછીના ચોમાસા દરમિયાન ન પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.
સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના મેમ્બર મિલમાલિકો સામાન્ય દિવસોમાં દર મહિના જેટલો લિગ્નાઇટ ખરીદતા તેમની એવરેજ કાઢીને આગામી ત્રણ મહિના ચાલે તેટલા લિગ્નાઇટના જથ્થાનો સ્ટોરેજ કરી દેવાયો છે. તેની સાથે સુખદ આશ્ચર્ય એ છે કે ઇતિહાસમાં પહેલીવાર જીએમડીસીએ ચોમાસા દરમિયાન લિગ્નાઇટના ભાવમાં ઘટાડો કર્યો છે. તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે પ્રતિ ટને રૂ.300 ઉપરાંત રૂ.40 અન્ય ખર્ચ કપાત મળીને રૂ.340 પ્રતિ ટન સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને દરેક મિલમાલિકોને જાણ કરી છે કે જીએમડીસી પાસે આ ચોમાસા દરમિયાન સપ્લાય કરવા માટેનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે અને તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે તેના ભાવમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે.
સુરતના રહેવાસી અને હાલમાં અમેરીકાની મુલાકાતે ગયેલા સુનિલ શાહ નામના યુવાને અમેરીકાના ન્યુયોર્ક ખાતે વિશ્વ પ્રસિદ્ધ ટુરીસ્ટ સ્પોટ ટાઇમ સ્ક્વેર પર જાયન્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન, બિલબોર્ડસ પર ભારતના બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની લાઇફ ઇવેન્ટને એક્ઝિબીટ કરતું ફોટો સોંગ પ્રસારિત કરાવ્યું હતું. આ ફોટો સોંગ એકલા અમેરીકામાં જ નહીં પણ ભારત સહિત અનેક દેશોમાં જ્યાં અમિતાભ બચ્ચનના ફેન્સ છે એ દરેકે દરેક દેશો અને શહેરોમાં ભારે વાઇરલ થયું છે.
ખુદ અમિતાભ બચ્ચને ફેસબુકની તેમની પોસ્ટમાં સુરતના સુનિલ શાહના નામોલ્લેખ સાથે આ પ્રકારના ગેસ્ચર માટે જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચને સુરતના સુનિલ શાહને પોતાના ડેડીકેટેડ ફેન ગણાવ્યા હતા.
સુરતના સુનિલ શાહે ન્યુયોર્કના ટાઇમ સ્ક્વેર ખાતે પોતાની ટીમ સાથે અમિતાભ બચ્ચનના સેંકડો ટી-શર્ટસ પણ અમિતાભ બચ્ચનના ફેન્સમાં વહેંચ્યા હતા. અમિતાભ બચ્ચને આ માટે તેમના ડેડીકેટેડ ફેન સુરતના સુનિલ શાહનો આભાર માનતી પોસ્ટ પોતાના ઓફિશ્યલ એક્સ (ટ્વીટર) હેન્ડલ તેમજ ફેસબુક પેજ પર મૂકી છે.
છેલ્લા 24 કલાકથી આ પોસ્ટ સમગ્ર વિશ્વમાં ભારે વાઇરલ થઇ છે. અમિતાભ બચ્ચને સુરતના યુવાન સુનિલ શાહને પોતાની પોસ્ટમાં સ્થાન આપતા સુરતના રહેવાસીઓમાં પણ અનેરા આનંદની લાગણી છવાય ગઇ છે.
વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન સહકારી અગ્રણી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ એનાયત થયો છે.
તારીખ ૩૦-૦૫-૨૦૨૪ના રોજ દિલ્હી ખાતે મળેલ ઇફકોની ૫૩મી વાર્ષિક સાધારણ સભામાં દેશભરમાંથી આવેલ ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં શ્રી કાનજીભાઈ ભાલાળાને સહકારી ક્ષેત્રે નોંધનીય કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે કાનજીભાઈ ભાલાળાએ આર્થિક જાગૃતિ અને સહકારી સંસ્થાઓના વિકાસ માટે નિષ્ઠાથી નોંધનીય કાર્ય કર્યું છે. તેથી ઇફકો તરફથી આ સન્માન આપતા અમો ગૌરવ અનુભવીએ છીએ. વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો. ઓપરેટિવ ઇફકો તરફથી દર વર્ષે સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે પાયાનું નોંધનીય પ્રદાન કર્યું હોય તેવા વ્યક્તિને ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.
સહકારી ક્ષેત્રની ટોચની સંસ્થા ઇફકો તરફથી રાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિનું જતન થાય અને છેવાડાના માણસને સહકારી પ્રવૃત્તિ સાથે જોડવા માટે વધુ નોંધનીય કામગીરી કરનારને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ઇફકો સહકારીતા બંધુ એવોર્ડ અને ઇફકો સહકારિતા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટેના ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ માટે ગુજરાતના સહકારી અગ્રણી અને સામાજિક કાર્યકર એવા શ્રી કાનજીભાઈ આર. ભાલાળાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સહકારિતા રત્ન એવોર્ડ યુ.પી. સરકારમાં સહકારી મંત્રી શ્રી જે. પી. એસ. રાઠોડ ને આપવામાં આવેલ છે.
૧૯૯૫માં વરાછા કો-ઓપરેટીવ બેંકનાં સ્થાપના કાળથી એમ.ડી., ચેરમેન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે સતત નેતૃત્વ કરી વરાછા બેંકના ઝડપી અને નક્કર વિકાસમાં નોંધનીય કાર્ય કર્યુ છે. ૧૯૯૨માં આરાધના અર્બન કો.ઓપરેટીવ સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે સહકારી પ્રવૃત્તિ શરૂ કરનાર શ્રી કાનજીભાઈ ભાલાળા આજે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપ. બેંક્સ અને ક્રેડિટ સોસાયટી લિ. (NAFCUB), ન્યુ દિલ્હીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. સાઉથ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક્સ એસોસિએશનના ઉપપ્રમુખ તથા ગુજરાત રાજ્ય કો.ઓ.વર્કસ ફેડરેશનના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. સુરત જિલ્લા સહકારી સંઘમાં નિષ્ણાંત ફેકલ્ટી તરીકે તાલીમ વર્ગો માટે સેવા પણ આપી છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સમૂહ લગ્ન પ્રવૃત્તિમાં સ્વયંસેવક તરીકેની શરૂઆતથી આજે સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાજિક જાગૃતિનું નેત્ર દિપક કાર્ય કરી રહ્યા છે. કુદરતી કે માનવસર્જિત આફતોમાં કામ કરતી એક પાંખ સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન છે. તેમાં તેમની દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં લઇ ૨૦૨૧માં રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયો છે. ૧૯૯૩માં કારગિલ યુદ્ધ સમયથી જય જવાન નાગરિક સમિતિ સુરત શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરે છે. આ સંસ્થાની સ્થાપના કાળથી ટ્રસ્ટી તરીકે ભૂમિકા નિભાવે છે.
મૂળ સૌરાષ્ટ્ર અમરેલીના બળેલ પીપરીયા ગામના વતની અને ૧૯૭૯ થી સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રી કાનજીભાઈ ભાલાળાએ ધોરણ-૧૦ પછીનું શિક્ષણ સુરતમાંથી મેળવ્યું છે. એમ.કોમ., એલ.એલ.બી કરી ઇન્કમટેક્ષ પ્રેક્ટિસનર તરીકે વ્યવસાય શરૂ કર્યાની સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય કામગીરી કરતા રહ્યા છે. અભ્યાસમાં ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું હતું. રીયલ ટીવી ચેનલના ન્યુઝ એડિટર તરીકે પણ કાર્ય કર્યું છે. આજે ૬૨ વર્ષની ઉંમરે પણ તેઓ ભણી રહ્યા છે. એમ.એ. વીથ પોલિટિકલ સાયન્સની પદવી મેળવી છે અને હાલ એમ.એ. વીથ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી રહ્યા છે. સુરતમાં આવેલી આપત્તિ-દુર્ઘટના સમયે લોકોના જાન-માલના રક્ષણ માટે જાગૃતિ અને સેવાના કાર્ય માટે અગ્રેસર રહ્યા છે.
કોરોના મહામારીના લોકડાઉન ના સમયે સહકારી સંસ્થાઓ અને ગુજરાત સરકારે સાથે મળી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. રૂપિયા ૨૫૦૦ કરોડનું ધિરાણ ખૂબ નાના વ્યક્તિઓને વગર વ્યાજે આપવામાં આવ્યું હતું. આ યોજના તૈયાર કરવામાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. વડાપ્રધાન વીમા યોજનાઓમાં વરાછા બેંકના બે લાખથી વધુ ખાતેદારોને જોડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૨૧૩ ખાતેદારોના અવસાન થતાં તેમના પરિવારોને રૂપિયા ૨૪.૨૬ કરોડની સહાય વડાપ્રધાન વીમા યોજનામાંથી અપાવવામાં આવી છે. વરાછા કો.ઓ. બેન્ક તેમના સભાસદો, ખાતેદારો અને થાપણદારોને અકસ્માત વીમા કવચ પણ પૂરું પાડે છે.
છેવાડાના નાના માણસો સહકારી પ્રવૃત્તિઓના લાભ લે તથા નાણાકીય જાગૃતિ માટે છેલ્લા ૩૫ વર્ષના સતત પ્રયાસો અને સફળતા તથા સહકારી ક્ષેત્રને નેતૃત્વ પૂરું પાડવા બદલ ઇફકો તરફથી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે સન્માન મળે છે. ૧૯૯૩થી ઇફકો તરફથી દર વર્ષે એક એવોર્ડ પુરા દેશમાંથી કોઈ એક ને આપવામાં આવે છે. ગુજરાતમાંથી ઇફકો સહકારીતા-બંધુ એવોર્ડ મેળવનાર શ્રી કાનજીભાઈ ભાલાળા બીજા ગુજરાતી છે.
ધી વરાછા કો.ઓ. બેન્ક તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તથા જય જવાન નાગરિક સમિતિ સુરત અને અનેકવિધ સંસ્થા તરફથી શ્રી કાનજીભાઈ ભાલાળાને સગૌરવ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના અંતર્ગત ભારત વડીલ વંદના-૨ કાર્યક્રમ ૨૬ મે ૨૦૨૪ ના રોજ સાંજે ૩:00 કલાકે સ્થળ: કન્વેન્સન સેન્ટર સરસાણા ખાતે ૧૫ હજારની સીટીંગ વ્યવસ્થા સાથેના વિશાળ એસી ડોમમાં વડીલોના વંદન, સંગીત અને ભોજન સાથેનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વધુમાં જણાવતા કહ્યું કે શહેરના વિકાસમાં સીનીયર સીટીઝનો નો મહત્વનો રોલ હોય છે તેથી વિકસિત દેશોમાં સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ અને આદર આપવામાં આવે છે. આપણા દેશમા આપણા સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ વડીલોનું વિશેષ સ્થાન રહ્યું છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં આપણે હજુ ઉણા ઉતરીએ છીએ. તેથી અમોએ કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના બનાવીને તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલ તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ આપવા માટે સીનીયર સીટીઝન કંટ્રોલ રૂમ પણ ઉભું કરવામાં આવ્યું છે.
કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજનામા વિવિધ રાજ્યમાંથી આવીને સુરતમાં સ્થાયી થયેલા એવા ૧૫ હજાર સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે. વિવિધ રાજ્યમાંથી આવેલા અને સુરતમાં સ્થાયી થયેલા એવા અમારા ૧૫ હજાર મેમ્બરો આ યોજના થી ખુબજ ખુશ છે. દેશ વિદેશમાં રહેતા સીનીયર સીટીઝનના સંતાનો પણ અમને ખુશીના મેસેજ કરે છે અને તેઓ ખુશી વ્યક્ત કરે છે કે અમારા માત પિતાને અચાનક હોસ્પિટલની જરૂર પડે તેવા સમયે કિરણ હોસ્પિટલ તેમની સાથે છે તેથી અમારા માત-પિતાની બીમારી સમયે અમને ખાસ ચિંતા રહેતી નથી. કિરણ હોસ્પિટલની પાછલા ૭ વર્ષમાં દેશ વિદેશના ૨૭ લાખથી વધારે લોકોએ સેવા લીધી છે.
સુરતમાં રહેતા દરેક રાજ્યના લોકો કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના ના મેમ્બર બન્યા હોવાથી કાર્યક્રમ નું નામ “ભારત વડીલ વંદના” રાખવામા આવ્યું છે. કાર્યક્રમમાં દરેક વડીલોનું પૂજન અને સ્વાગત કરવામાં આવશે, તથા વડીલો ભોજન સાથે સંગીત કાર્યક્રમ માણશે. આ ઉપરાંત જે માતાએ પોતાના સંતાનો ને કીડની, લીવર વગેરે અંગ આપીને પોતાના સંતાનને નવું જીવન આપ્યું છે તેવી માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા.ર૦, ર૧ અને રર એપ્રિલ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશન ત્રણ દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, પ્રેસિડેન્ટ ઇલેક્ટ વિજય મેવાવાલા, સેક્રેટરી નિખિલ મદ્રાસી, બીજલ કાપડીયા સહિત અન્યોએ જણાવ્યું હતું કે ટેક્ષ્ટાઇલમાં હાઇસ્પીડ મશીનરી થકી ઉત્પાદીત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે, જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. ભવિષ્યમાં ડિજીટલ પ્રિન્ટીંગની ડિમાન્ડ રહેવાની છે. ડિજીટલ પ્રિન્ટીંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડીશન કરી વેપારીઓ કાપડમાં સારુ માર્જીન મેળવી શકશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. પ્રદર્શનમાં ગારમેન્ટની મશીનરી પણ આ વર્ષે સામેલ કરવામાં આવી છે.તદુપરાંત એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીની નવી ટેકનોલોજીના હાઇસ્પીડ મશીન પ્રદર્શિત કરવામાં આવશે. જેથી સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે. આ પ્રદર્શનથી સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે. આથી સમગ્ર ટેક્ષ્ટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે.સીટમે એક્ષ્પોમાં સુરતના ૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. સુરત ઉપરાંત અમદાવાદ, અજમેર, આણંદ, અંકલેશ્વર, બલોત્રા, વર્ધમાન, બેલગામ, ભીવંડી, બિકાનેર, બોટાદ, ચંડીગઢ, કોઇમ્બતુર, દહાણુ રોડ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જેતપુર, જુનાગઢ, કલ્યાણ, ખંભાત, કોલકાતા, કોટા, મલાડ, માલેગાવ, મુંબઇ, મુઝફફરપુર, નવાપુર, પાનીપત, પૂણે, રાજકોટ, સિલવાસા, સુરેન્દ્રનગર, તમિલનાડુ, ઠાણે, તિરુપુર, ઉજ્જૈન, વડોદરા અને વારાણસી સહિત ભારતભરમાંથી બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે.
સુરત હીરા બુર્સના સ્થાપક અને સર્વેસર્વા એવા કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. લાખાણી (પટેલ)એ સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ ધરી દીધાના સમાચાર વાયુવેગે પ્રસરતા આ સમગ્ર મામલો સુરત, મુંબઇ સહિત સમગ્ર વિશ્વના અમેરીકા, બેલિજ્યમ, દુબઈ જેવા દેશોના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. દેશ વિદેશના હીરા ઉદ્યોગકારોમાં સુરત હીરા બુર્સને લઇને છેલ્લા 12 કલાકથી અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. સુરત હીરા બુર્સના ભાવિનું શું, આગામી મે 2024થી સુરત હીરા બુર્સને વેગવતું બનાવવાની યોજના આગળ કેવી રીતે વધારવામાં આવશે આવા અનેક સવાલો સુરત હીરા બુર્સમાં ઓફિસ ધરાવતા લોકોમાં થઇ રહ્યા છે.
વલ્લભભાઇ પટેલના રાજીનામા પછી હવે શું? એ મુદ્દે ચર્ચા વિચારણા કરવા માટે આજે તા.21મી માર્ચ 2024ના રોજ સાંજે 6 કલાકે સુરત હીરા બુર્સની કોર કમિટી, મેનેજિંગ કમિટીની મિટીંગ યોજવામાં આવી છે.
આજે ગુરુવારે સાંજે મળી રહેલી સુરત હીરા બુર્સની કોર કમિટીની મિટીંગમાં શું થઇ શકે?
વલ્લભભાઇ પટેલને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદે ટકી રહેવા માટે સમજાવવામાં આવશે. પરંતુ, જો તેઓ રાજીનામું પાછું નહીં ખેચવા માટે અડગ રહેશે તો
સુરત હીરા બુર્સના નવા ચેરમેન તેમજ પ્રમુખ તરીકે કોણ જવાબદારી અદા કરશે એ ઉદ્યોગપતિઓના નામો આજની મિટીંગમાં નક્કી કરવામાં આવશે.
રૂ.3700 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે ખ્યાતિપ્રાપ્ત સુરત હીરા બુર્સના પાયાના પથ્થર એવા ચેરમેન કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ એસ. લાખાણીએ બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું હોવાની વિગતો મોડી રાત્રે સાંપડી છે. સુરત હીરા બુર્સનું સુકાન હવે રાજ્યસભાના નવનિર્વાચીત સભ્ય અને એસ.આર.કે.ના ગોવિંદભાઇ ધોળકીયા અને લાલજીભાઇ પટેલ સંભાળશે એમ જાણવા મળે છે.
વલ્લભભાઇ પટેલે સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હોવાના સમચાાર વહેતા થતાં જ સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સોંપો પડી ગયો છે. હવે શું થશે હીરા બુર્સનું. વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે ગણના પામી રહેલા સુરત હીરા બુર્સમાં વિશ્વનું સૌથી મોટું હીરા બજાર વિકસાવવાની આખી યોજના હાલ ઘોંચમાં પડી જવા પામી છે.
સુરત હીરા બુર્સના સ્વપ્નદ્રષ્ટા મનાતા વલ્લભભાઇ એસ. લાખાણીએ રાજીનામું ધરી દીધું હોવાની બાબતે ડાયમંડ બુર્સની મેનેજિંગ કમિટીના કોઇપણ ઉદ્યોગપતિ સભ્ય કશું બોલવા તૈયાર નથી. સાથે જ સુરતના ટોચના હીરા ઉદ્યોગપતિઓમાં એવી ચર્ચાઓ ગરમાગરમ રીતે થઇ રહી છે કે હવે સુરત હીરા બુર્સના ભાવિનું શું, તા.17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું હતું એ સુરત હીરા બુર્સનું ભાવિ હાલ તો ડામાડોળ થઇ ગયેલું જણાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.