સુરતની વિદ્યાકુંજ શાળાએ સ્વચ્છતાના દૂતોનું સન્માન કરી ગાંધી જયંતિની અનોખી ઉજવણી કરી
આપણા ગામ શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવું
એ એક સરાહનીય પહેલ: મહેસૂલ મંત્રી
—————–
સ્વચ્છતાના સૈનિકોનું સન્માન કરવા બદલ ધન્યતા અનુભવતાં મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ
—————-

મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં પાલનપુર જકાતનાકા સ્થિત વિદ્યાકુંજ શાળા દ્વારા સ્વચ્છતાના દૂતો એવા સુરતના મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરી ગાંધી જયંતિની અનોખી ઉજવણી કરી હતી. શાળા દ્વારા મહાત્મા ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતાનો પ્રેરક સંદેશ સમાજ સુધી પહોંચે એવા આશયથી મહિલા સફાઈ કર્મચારીઓ અને શાળામાં ફરજ બજાવતાં ચોથા વર્ગના કર્મચારીઓનું સન્માન કર્યું હતું, ઉપરાંત મહેસૂલ મંત્રીશ્રી અને શાળાના ટ્રસ્ટીઓએ તેમના માનમાં શાળામાં આયોજિત ભોજન સમારોહમાં સહભોજન લઇ આદર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે વિદ્યાકુંજ શાળાની ઉમદા ભાવનાને બિરદાવતા જણાવ્યું જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી હતા. ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એ રાષ્ટ્રપિતા ગાંધીજીનો જીવનમંત્ર હતો. આપણા ગામ શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવાનો વિચાર જાગવો એ એક સરાહનીય પગલું છે. સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો કે જેઓ સાચા અર્થમાં સ્વચ્છતાના સૈનિકો છે તેમનું સન્માન કરવા બદલ તેમણે ધન્યતા અનુભવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સમગ્ર દેશમાં ગાંધી ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણીની શરૂઆત ગુજરાતે શરૂ કરી છે, ત્યારે આ અવસરે આપણે સ્વચ્છતાને સ્વભાવ બનાવી આપણા મહોલ્લા, ગામ અને શહેર સ્વચ્છ બનાવવામાં યોગદાન આપવાનો ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લોકસેવા અને દેશસેવાની ભાવના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખીલે એ માટે વિદ્યાકુંજ શાળાની પ્રેરણાથી ચક્ષુદાન માટે ૧૫૧ વાલીઓ, દેહદાન માટે ૨૧ વાલીઓ, ચક્ષુદાન માટે ૧૫૧ લોકો તેમજ વ્યસનમુક્તિ માટે ૧૩૨ વાલીઓ, મારી સોસાયટી સ્વચ્છ સોસાયટી ઝુંબેશ હેઠળ ૧૮૫ સોસાયટી સહિત શહેરીજનો સંકલ્પબદ્ધ બન્યા છે.

ગાંધી જયંતિના અવસરે શાળાના પ્રાંગણમાં સ્વચ્છતા, સામાજિક સમરસતા, ભૂલોનું પ્રાયશ્ચિત, ધાર્મિક એકતાના સંદેશ માટે તા. ૧ અને ૨ ઓકટોબરના રોજ ગાંધી જીવન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે રસપૂર્વક નિહાળ્યું હતું. ઉપરાંત ગાંધી જયંતિના દિને સવારે ૮:૦૦ વાગ્યાથી સતત ૨૪ કલાક રેંટીયો કાંતવામાં આવ્યો હતો. શાળા દ્વારા વિશેષમાં આ દિવસે પ્રાર્થના સભા, સ્વચ્છતા અભિયાન અન્વયે સફાઈ અને લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જયંતીભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મહેશભાઈ પટેલ, ડે.મેયરશ્રી નિરવ શાહ, મહિલા સફાઈ કર્મચારીઓ, શાળાના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


