કાલે પહેલા જ દિવસે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી 3 લાખ વાહનો પસાર થઇ જશે
રૂ.૧૪૩.૬૪ કરોડના ખર્ચે તૈયાર થઈ ચૂકેલા સુરતના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજને મંગળવાર તા.2 ઓક્ટોબર 2018ને ગાંધી જયંતિના દિવસે સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ખુલ્લો મૂકશે એ પછી પહેલા જ દિવસે ત્રણ લાખથી વધુ વાહનો આ બ્રિજ પરથી અવર-જવર કરશે એવી ગણતરી સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્રએ માંડી છે. પહેલા જ દિવસે કેબલ સ્ટેઇડ બ્રિજ પર સુરતીઓ ઉમટી પડશે. સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેવાથી લઇને ટહેલવા આવનારા સુરતીઓ બ્રિજ પર વાહન પાર્ક કરીને ટ્રાફીક જામની સ્થિતિ પણ સર્જે તેવી ગણતરીને પગલે ટ્રાફિક પોલીસે પણ લો એન્ડ ઓર્ડર જાળવવા માટે કવાયત કરી દીધી છે.
લાખો લોકોની કાયમી અવરજવરનો રસ્તો બદલાય જશે
કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાવાની સાથે જ સુરતના અડાજણ (નદીપાર) માં રહેતા લોકો તેમજ અડાજણ (નદી પાર) માં નહીં રહેતા હોય પણ ત્યાં કામ-ધંધો-નોકરી ધરાવતા લાખો લોકોનો કાયમી માર્ગ બદલાય જશે. હાલમાં સરદાર બ્રિજ એકમાત્ર વિકલ્પ હતો, હવે કેબલ સ્ટેઇડ તેમજ થોડા મહિનામાં ઉમરા પાલનો બ્રિજ ખુલ્લો મૂકાશે ત્યારે વધુ લોકોના કાયમી અવરજવરના રસ્તા બદલાય જશે.
લોકો સેલ્ફી લેવા, ફોટા પડાવવા ઉમટી પડશે
કેબલ સ્ટેઇડ બ્રિજ એવું નજરાણું સુરતીઓ માટે છે કે તેની કાગડોળે રાહ જોઇ રહેલા સુરતીઓ જેવો બ્રિજ ખુલ્લો મૂકાશે કે તરત જ તેના પરથી પસાર થવા, સેલ્ફી લેવા કે ફોટોગ્રાફ લેવા માટે પડાપડી કરશે. સાંજથી લઇને મોડી રાત્રે પરિવાર, મિત્રો સાથે ટહેલવા જનારા લોકો પણ થોડા દિવસો રોજેરોજ કેબલ સ્ટેઇડ બ્રિજની મુલાકાત લેશે. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસે આ બ્રિજને સેલ્ફી પોઇન્ટ કે ફોટોગ્રાફી સેન્ટર બનતો અટકાવવા માટે દિવાળી સુધી તો પરસેવો પાડવો પડશે.

શું છે સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજની લાક્ષણિકતાઓ, સુરતના માહિતી ખાતાની ટીમે તૈયાર કરેલો રિપોર્ટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મૂકાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ વન-વે છે, જ્યારે સુરતનો બ્રિજ ટુ-વે છે. ભરૂચના બ્રિજમાં કેબલ પર ૪૦ ટકા લોડ અને સ્ટ્રકચર પર ૬૦ ટકા લોડ હોય છે. જેને ‘એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે સુરતના બ્રિજનો સંપૂર્ણ લોડ કેબલ પર જ નિર્ભર છે. જેથી તાપી નદી પરનો આ કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આ જ પ્રકારનો બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.
ચાર લેન ધરાવતાં આ બ્રિજની લોડ ટેસ્ટીંગ સહિતની ફાઈનલ ટચિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. તાપી નદી પર અડાજણ સ્ટાર બજારથી અઠવાલાઈન્સને જોડતાં કેબલ બ્રિજના લોકાર્પણની સુરતવાસીઓ ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પાલ, અડાજણ અને રાંદેર વિસ્તારના ૫ લાખથી વધારે લોકોને અઠવા, ડુમસ, વેસુ તથા પીપલોદ જવા એક મહત્વનો લિંક રોડ મળ્યો છે. અઠવા અને અડાજણ વિસ્તારની ટ્રાફિક સમસ્યાને આ બ્રિજ મહદ્ અંશે દૂર કરશે અને વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનશે.
શહેરના ૧૦૦થી વધુ બ્રિજોમાં બે પિલર વચ્ચે સામાન્ય રીતે ૫૦ મીટરથી વધુ જગ્યા રાખવામાં આવી નથી, ત્યારે આ અનોખા કેબલ સ્ટેઈડ બ્રિજમાં ૧૫૦ મીટરનો સ્પાન મુખ્ય બે પિલર પર સપોર્ટ વગર જ ઉભો છે, જે આ કેબલ બ્રિજની ખાસિયત છે.
બ્રિજ પર બંને તરફ વાહનો અવર જવર કરી શકશે:
દેશનું ડાયમંડ સિટી, ટેક્ષટાઈલ સિટી પછી બ્રિજ સિટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરતમાં આજ સુધીમાં ૧૦૦ થી પણ વધુ બ્રિજ નિર્માણ પામી ચુક્યા છે. સુરતનો કેબલ બ્રિજ રાજ્યમાં એક અન્ય કારણસર પણ અવ્વલ છે, જેમાં આ બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે. કેબલ પર જ બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે સુરત રાજ્યના પહેલા કેબલ બ્રિજના નિર્માણનો જશ ખાટી જશે.
આ બ્રિજની લંબાઈ ૧૩૪૪ મીટર, પહોળાઈ ૨૧ મીટર, સ્પાનની લંબાઈનો રેશિયો ૧:૫ અને ટાવરની ઊંચાઈનો રેશિયો ૧:૧૦ નો રહેશે, ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા પિલર તેમજ બંને તરફ વાહન વ્યવહાર માટે ૪ લેન ધરાવે છે.
લોડ ટેસ્ટીંગમાં આ બ્રિજ પાસ થયો છે:
કેબલ સ્ટેઈડ બ્રિજને જાહેરજનતા માટે ખૂલ્લો મૂકતા પહેલા એલ એન્ડ ટીની ગાઇડલાઇન પ્રમાણે બ્રિજ પર ૨૩ ટન રેતી ભરેલી એક ટ્રક એવી કુલ રેતી ભરેલી ૧૨ ટ્રકોનું ૨૭૭ ટન વજન મૂકી બે દિવસ સુધી લોડ ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. ચાર દિવસ સુધી બ્રિજમાં થતાં ફેરફારોનું સતત રીડિંગ લેવામાં આવ્યું હતું.

- અન્ય બ્રિજ કરતાં આ રીતે જુદો છે કેબલ બ્રિજ:
કુલ 88 ટન વજન ધરાવતા ૧૬૩૨ કેબલનો ઉપયોગ
દરેક કેબલ જુદી જુદી સંખ્યાના નાના સ્ટે કેબલોનાં સમૂહથી બનેલો છે.
બે મુખ્ય પિલર પર ૧૫૦ મીટર લાંબો સ્પાન
બ્રિજની કુલ લંબાઇ ૯૧૮.૨૧ મીટર
૮૫૦૦ ઘન મીટરથી વધુ કોન્ક્રીટનો ઉપયોગ
૬૫ હજારથી વધુ સિમેન્ટ બેગ વપરાઇ
૨ હજાર ટન જેટલા સ્ટ્રક્ચરલ સ્ટીલનો વપરાશ
બ્યુટિફીકેશન માટે કોનિકલ સ્ટ્રીટ લાઈટ પોલ મુકાયા
પોલ પર કારમાં કરાતા પીયુ કોટિંગ પેઈન્ટનો ઉપયોગ
અલગ અલગ કેપેસીટી ધરાવતી એલઈડી પ્રકારની લાઈટિંગ
બ્રિજ ઉભો છે તે બંને તરફ ૧૧૫ ફૂટ હાઈટના બે ‘પાઈલોન’
એક પાઈલોનમાં બંને તરફ ૧૦-૧૦ એમ બંને પાઈલોનમાં ૨૦-૨૦ કેબલનો ઉપયોગ

(કેબલ સ્ટેઇડ બ્રિજના અઠવાલાઇન્સ છેડે કનેક્ટેડ ફ્લાય ઓવર બ્રિજ)

(કેબલ સ્ટેઇડ બ્રિજના અઠવાલાઇન્સ છેડેથી લેવાયેલી તસ્વીર)

(કેબલ સ્ટેઇડ બ્રિજ)
આપના કોઇપણ સમાચાર, ઇવેન્ટ કવરેજ માટે સંપર્ક કરો 98253 44944
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


