હિંદુઓમાં પ્રભુત્વ જમાવવાની કોઇ મહત્ત્વાકાંક્ષા નથી: મોહન ભાગવત
હિંદુઓમાં પ્રભુત્વ જમાવવાની કોઇ મહત્ત્વાકાંક્ષા નથી. આ સમુદાય જ્યારે સમાજ તરીકે કામ કરશે ત્યારે જ સમૃદ્ધ થશે, એમ જણાવતા આરએસએસના વડા મોહન ભાગવતે હિંદુ સમુદાયના નેતાઓને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે એક થવાની હાકલ કરી હતી.
બીજા વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસમાં ભાગ લેનારા આશરે 2,500 પ્રતિનિધિના સમૂહને સંબોધતા આરએસએસના વડા ભાગવતે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્ર્વને એક ટીમમાં લાવવાના મહત્ત્વના મૂલ્યમાં અહમ્ પર નિયંત્રણ મૂકવું અને સર્વસંમતિ સ્વીકારવાનું શીખવું છે.

1893માં શિકાગો ખાતે સર્વ ધર્મની પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલા ઐતિહાસિક ભાષણના 125મા વર્ષે બીજા વિશ્ર્વ હિંદુ કૉંગ્રેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘સિંહ જો એકલો હોય તો જંગલી કૂતરાઓ પણ તેને નિશાન બનાવી તેને મારી નાખી શકે છે. આપણે એ ભૂલવું ના જોઇએ. અમે દુનિયાને બહેતર બનાવવા માગીએ છીએ. અમને પ્રભુત્વ જમાવવાની કોઇ મહત્ત્વાકાંક્ષા નથી. અમારો પ્રભાવ એ વિજય અને વસાહત સ્થાપવાનું પરિણામ નથી,’ એમ તેમણે જણાવ્યું હતું.
આદર્શવાદની ભાવના સારી છે એમ જણાવતા ભાગવતે ઉમેર્યું હતું કે તેઓ આધુનિકતાના વિરોધી નથી, પરંતુ ભવિષ્યને આવકારનારા છે.
મહાભારતના વિચારોને ટાંકીને ભાગવતે લોકોને સર્વસંમતિથી એક ટીમ બનીને કામ કરવા અપીલ કરી હતી. હિંન્દુઓ તેમના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતાને ભૂલી ગયા છે, તેથી હેરાન થઇ રહ્યા છે. હિન્દુઓમાં ઘણા વિદ્વાનો છે, ધુરંધરો છે, પરંતુ તેઓ સાથે મળીને કામ કરતા નથી. હિન્દુ કોઇનો વિરોધ કરતા નથી. તેમના વિરોધીઓને પણ તેઓ નુક્સાન નથી પહોંચાડતા, એમ ભાગવતે જણાવ્યું હતું
અધૂરા જ્ઞાન અને અજ્ઞાનતાને કારણે દુનિયાના સૌથી જૂના હિન્દુ ધર્મને ઘણી હાનિ પહોંચી છે એ જોઇને મને ઘણું દુ:ખ થાય છે, એમ અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું હતું.
આ કાર્યક્રમને સંબોધન કરનારાઓમાં લેફટ. ગવ. એવલિન સંગુનેટ્ટી, વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસની ઓર્ગેનાઇઝિંગ કમિટીના વડા એસ. પી. કોઠારી, સુરિનામના ઉપપ્રમુખ અશ્ર્વિન અધિન અને વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસના વાઇસ ચૅરમેન રાજુ રેડ્ડીનો સમાવેશ થતો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહુએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની અને તાજેતરમાં અવસાન પામેલા લેખક વી. એસ. નાયપોલની સ્મૃતિમાં એક મિનિટ મૌન પાળ્યું હતું.
આ કાર્યક્રમ સમયે કેટલાક વિરોધીઓના જૂથે વિશ્ર્વ હિંદુ કૉંગ્રેસની કાર્યવાહીને ટૂંક સમય માટે ખોરવી નાખી હતી. વિરોધીઓ સ્લોગન ઉચ્ચારી રહ્યા હતા અને ભારતની ધાર્મિક લઘુમતીઓ સામે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાર્મિક નેતાઓને જણાવ્યું હતું. સ્થાનિક પોલીસ દળ દ્વારા બે મહિલા વિરોધીની ધરપકડ કરવામાં આવી હતી.
બનાવટી ઓળખપત્ર બનાવી વિરોધીઓ કાર્યક્રમમાં આવ્યા હતા અને કાર્યક્રમની મધ્યમાં સ્લોગન ઉચ્ચારવા માંડ્યા હતા અને આરએસએસ પાછા જાવની નારેબાજી કરવા માંડ્યા હતા.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


