CIA ALERT

520 કરોડનું રાફેલ ₹1,600 કરોડમાં શું કામ ખરીદવા માગે છે મોદી સરકાર?

Share On :

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાફેલ યુદ્ધ વિમાનોના સોદા અને નૉટબંધીને મુદ્દે આકરી ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે રાફેલ લડાયક વિમાનના સોદામાં વિમાનની કિંમત અંદાજે રૂપિયા 520 કરોડથી વધીને રૂપિયા 1,600 કરોડ (લગભગ ત્રણ ગણી) કઇ રીતે થઇ ગઇ?

તેમણે જણાવ્યું હતું કે મોદીએ નૉટબંધીનું મોટું કૌભાંડ કર્યું હતું અને સામાન્ય માણસો પાસેથી નાણાં લઇને તે ‘મૂડીવાદી મિત્રો’ને અપાયા હતા. વડા પ્રધાને આ સંબંધમાં ખુલાસો કરવો જોઇએ.દરમિયાન, કૉંગ્રેસના પ્રવક્તા જયપાલ રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે રાફેલ સોદાનો મુખ્ય હેતુ મોદીના મિત્ર અનિલ અંબાણીને મદદ કરવાનો હતો. અનિલ અંબાણીએ આ સોદાના 12 દિવસ પહેલાં જ એક નવી કંપની શરૂ કરી હતી.

દરમિયાન, રાફેલ સોદામાં અબજો ડૉલરના અયોગ્ય લાભના આક્ષેપનો સામનો કરી રહેલા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ જૂથે કૉંગ્રેસના અનેક નેતાને કાનૂની નૉટિસ મોકલી હતી.

કૉંગ્રેસે જણાવ્યું હતું કે અમે આવી નૉટિસથી નથી ડરતા અને તેનાથી અમને ચૂપ કરાવી નહિ શકાય. આ નૉટિસ જ ‘ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કૉપૉર્રેટ વિશ્ર્વ વચ્ચેના સંબંધ’નો પુરાવો છે.

કૉંગ્રેસના પ્રમુખે રાફેલ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ યોજવાની માગણી કરી હતી.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં સવાલ કર્યો હતો કે તમે રૂપિયા 520 કરોડનું વિમાન રૂપિયા 1,600 કરોડમાં શું કામ ખરીદો? તમે (મોદી) શું કામ (કોઇને) લાભ કરાવવા પ્રયાસ કરી રહ્યા છો?

રાહુલે જણાવ્યું હતું કે કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી પણ આ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવા કંઇ નથી બોલતા.

ડેસ્સોલ્ટ એવિયેશન દ્વારા ફ્રાંસના બે એન્જિનવાળા અને બહોળી ભૂમિકા ભજવી શકતા રાફેલ યુદ્ધ વિમાનોની ડિઝાઇન તૈયાર કરાય છે અને તેઓનું નિર્માણ કરવામાં આવે છે.

કૉંગ્રેસના પ્રવક્તા જયપાલ રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારે નવેસરથી કરેલા રાફેલ સોદામાં ભારતને રૂપિયા 41,000 કરોડનું નુકસાન થયું છે.

કૉંગ્રેસના પ્રમુખે નૉટબંધીને લગતા ભારતીય રિઝર્વ બૅન્કના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે નૉટબંધી પછી પણ બેકારી અને ઓછું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) જેવા મહત્ત્વના મુદ્દે વણઉકેલાયેલા છે. મોદીએ આ સંબંધમાં સ્પષ્ટતા કરવી જોઇએ અને દેશની જનતાને જવાબ આપવો જોઇએ.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે નૉટબંધી કોઇ ભૂલ નહોતી, પરંતુ તે જનતા પર ઇરાદાપૂર્વક કરાયેલો હુમલો હતો.

તેમણે જણાવ્યું હતું કે મને બદનક્ષીના કેસનો ડર નથી. નૉટબંધીએ દેશના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેનાથી બેકારી વધી છે. મોદીએ દેશના યુવાનોને તો તેઓના સવાલોના જવાબ આપવા જ જોઇએ.

કૉંગ્રેસ સવાલ કર્યો હતો કે રાફેલ સોદામાં સરકારી એરૉસ્પેસ કંપની એચએએલનો સમાવેશ શું કામ નહોતો કરાયો?

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :