(તસ્વીરમાં જોઇ શકાય છે એ રીતે આઇફોનની સ્ક્રીન પર વાયરલેસ સિસ્ટમની મદદથી પેટમાં રહેલા ગર્ભનું પરીક્ષણ થઇ શકે છે, તસ્વીર પ્રતિકાત્મક છે)
રાજ્યમાં ભ્રુણ પરીક્ષણ પર પ્રતિબંધ હોવા છતાં યેનકેન પ્રકારે ભ્રુણ પરીક્ષણો થતા રહે છે અને ફક્તને ફક્ત દિકરો અવતરે એવી અપેક્ષા રાખતા પરિવારો દિકરીઓની માં ના પેટમાં જ હત્યા કરી દે છે. રાજકોટમાંથી એક હેરત પમાડે તેવો કિસ્સો પકડાયો છે. સંભવતઃ ગુજરાતનો પહેલો કિસ્સો હશે જેમાં કોઇ વાયરલેસ કનેકટેડ ગેજેટ્સ સાથે સોનોગ્રાફી મશીન્સથી ભ્રુણ પરીક્ષણ કરતા એક મહિલા સમેત ચાર વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એક્સપર્ટસના કહેવા અનુસાર વાયરલેસ ગેડજેટ્સની મદદથી સોનોગ્રાફી મશીન એટેચ કરીને ભ્રુણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. એક ફુલફ્લેજ સોનોગ્રાફી ક્લિનિકમાં સોનોગ્રાફી મશીન્સ, બેડ વગેરેથી લઇને અન્ય માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યારે ભ્રુણ પરીક્ષણ શક્ય બની શકે પરંતુ, રાજકોટમાં જે મોડસ ઓપરેન્ડી પકડાય છે એ જોતા હવે વાયરલેસ ઉપકરણથી કોઇપણ સ્થળે જઇને ગેરકાયદે ભ્રુણ પરીક્ષણ કરી આપીને રૂપિયા રળવાની ટેકનીક ભેંજાબાજો અપનાવી રહ્યાની પ્રતીતિ થઇ રહી છે.
ચોટીલાની મણીરત્ન હોસ્પિટલના સંચાલિકા રમા બડમલિયા દ્વારા વાયરલેસ સોનોગ્રાફી મશીન દ્વારા રાજકોટના રૈયા રોડ પર સગર્ભાનું ગેરકાયદે જાતિય ભ્રૂણ પરીક્ષણ કરી આપવામાં આવતુ હોવાની ચોકકસ બાતમી મળી હતી. બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાંચના એસીપી સરવૈયા, ઇન્સપેક્ટર હિતેષદાન ગઢવી, સબ ઇન્સપેક્ટર અતુલ સોનારાએ બ્રાંચના મહિલા કોન્સટેબલ મિતાલી હિતેન્દ્રભાઇ ઠાકરને સાથે રાખીને છટકુ ગોઠવ્યું હતું.
(રાજકોટથી પકડાયેલા મુદ્દામાલ)
મહિલા પોલીસ મિતાલી ઠાકરે ડમી ગ્રાહક બનીને રમાનો મોબાઇલ ફોન પર સંપર્ક સાધ્યો હતો. મિતાલી ઠાકરને ભ્રૂણ પરીક્ષણ માટે રૈયા રોડ પર દ્વારકેશ પાર્ક પાસે પ્રભુ રેસીડન્સીમાં આવેલ શ્રીમદ્ ભગવદ ગીતા નામના મકાન પર આવવા જણાવાયું હતું. આ સરનામુ મળતા જ પોલીસ કાફલો જિલ્લા આરોગ્ય શાખાના અધિકારી એમ.એન. ભંડેરી, જુલીબહેન મણિયાર વગેરે ટીમે એ મકાન પર દરોડો પાડયો હતો. જ્યાં વાયરલેસ સોનોગ્રાફી મશીનથી ભ્રુણ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું અને ચોટીલાની મણીરત્ન હોસ્પિટલની સંચાલિકા રમા બડમલિયા દ્વારા પરીક્ષણ કરી આપવામાં આવતુ હોવાનું માલુમ પડયું હતું. લોજીનું બનેલુ વાયરલેસ સોનોગ્રાફી મશીન, તેની સાથે જોડાયેલ આઇપેડ વગેરેને સીલ મારીને કબજે કરાયા હતાં. હોસ્પિટલની સંચાલિકા રમા બડમલિયા કોઇપણ જાતની ડિગ્રી કે તાલિમ વગર જ આ પ્રકારનું પરીક્ષણ કરી આપતી હતી એ બાબતે પણ ગુનો નોંધાઇ રહ્યો છે.
પોલીસે આ ગુનામાં ચોટીલામાં આઇજીપી બંગ્લોઝ સામે આવેલી મણીરત્ન હોસ્પિટલનું સંચાલન કરતા રમા મુળુભાઇ બડમલિયા, રાજકોટની માલધારી સોસાયટી પાસેના મફતિયાપરામાં રહેતાં મહેશ મનુભાઇ રાઠોડ, જામનગર રોડ પર અવંતીકા પાર્કના નિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સોલંકી અને રૈયા રોડ પર દ્વારકેશ પાર્કની બાજુમાં આવેલ પ્રભુ રેસીડન્સીના હરેશ ગોરધનભાઇ કારિયાની ધરપકડ કરવામાં આવી છે.
મહિલા પોલીસને રૂ.ત્રણ હજારનું ઇનામ ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણનું કૌભાંડ પકડી પાડવામાં ડમી ગ્રાહક બનીને છટકુ સફળતાપૂર્વક પાર પાડનાર ક્રાઇમ બ્રાંચની મહિલા કોન્સ્ટેબલ મિતાલી ઠાકરને રૂ. ત્રણ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું.
ટીમને રૂ. 15 હજારનું ઇનામ
બેટી બચાવ અભિયાન હેઠળ ભ્રૂણની હત્યા થતી રોકવા અને ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ કરનાર સામે કાર્યવાહી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમને રૂ. 15 હજારનું ઇનામ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944