NEET માં ઝીરો અને માઇનસ 2 માર્કવાળા માલેતુજારોને MBBSમાં પ્રવેશ મળી ગયા !!
જયેશ બ્રહ્મભટ્ટ
એક તરફ મેડીકલ-ડેન્ટલ કોલેજમાં કાયદેસર રીતે પ્રવેશ મેળવવા માટે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સંતાનો મહેનત કરીને, ગદ્ધા મજૂરી કરીને અધમૂઆ થઇ જાય છે ત્યારે પણ 75 ટકા વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ મળી શક્તો નથી અને બીજી તરફ માલેતુજારોના સંતાનોને નીટ-2017માં ઝીરો અને માઇનસ 2 જેટલા માર્ક આવ્યા છતાં પણ એમબીબીએસમાં પ્રવેશ મળી ગયા છે અને તેઓએ એક વર્ષનું મેડીકલ એડમિશન પણ લઇ લીધું છે.
ભારતમાં કૌભાંડીઓ કંઇપણ કરી શકે છે, તેમને નીતિ નિયમો નડતાં જ નથી. માલેતુજારો રૂપિયા ફેંકીને ભલભલા નીતિ નિયમોને નેવે મૂકાવી ધાર્યું કરાવી શકે છે. હદ તો ત્યારે થઇ કે જ્યારે મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીમાં ચાલતી લાલીયાવાડી અને કરોડો રૂપિયાનો કાળો કારોબાર રોકવા માટે સુપ્રીમ કોર્ટે ખુદ સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ લેવા માટે દિશા સૂચન કર્યું હતું. મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નેશનવાઇડ સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટના નીતિ નિયમો બનાવ્યા અને તેમાં 50 પર્સન્ટાઇલ માર્કસ આવે તો જ એમબીબીએસ કે ડેન્ટલમાં પ્રવેશ મળે તેવા લાયકાતના ધોરણો નિયત કર્યા હતા.
આખા દેશમાં આ નિયમથી 2017માં પ્રવેશ અપાયા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ, છેલ્લા બે દિવસ દરમિયાન એવી સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે કે નીટ 2017માં માઇનસ 2 કે ઝીરો માર્ક આવ્યા હોય તેવા બે-પાંચ નહીં પણ કમસે કમ 100 વિદ્યાર્થીઓને એમબીબીએસ કોલેજોમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે. એથી વિશેષ 400 જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેઓ નીટ 2017માં ક્વોલિફાય થાય તેટલા પણ માર્ક નથી, આમ છતાં તેમને એમબીબીએસમાં એડમિશન આપી દેવામાં આવ્યા છે. 1990 વિદ્યાર્થીઓ તો એવા છે જેમના માર્કસ 720માંથી 150 પણ નથી, આમ છતાં તેમને પ્રવેશ મળી ચૂક્યા છે. નીટ પરીક્ષાનો નિયમ એવો પણ છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એમ ત્રણ ડિવિઝન પૈકી દરેકમાં 50 પર્સન્ટાઇલ માર્કસ હોય તો જ એમબીબીએસમાં પ્રવેશ પાત્રતા ગણાય. અહીં 1990 વિદ્યાર્થીઓ આવી કોઇ લાયકાત નહીં ધરાવતા હોવા છતાં તેમને એમબીબીએસમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે.
ભારતમાં મેડીકલ કોલેજોમાં પ્રવેશનું આ અભૂતપૂર્વ અને સૌથી મોટું કૌભાંડ લેખાઇ રહ્યું છે જેમાં મેરિટ માર્ક્સ તો દૂરની વાત રહી પણ લાયકાતના ધોરણો ને જ નેવે મૂકી દેવામાં આવ્યા છે.
તપાસ કરાતા જાણવા મળ્યું કે પ્રાઇવેટ મેડીકલ કોલેજોએ રૂપિયા લઇને નીટમાં કોઇપણ પ્રકારનું ક્વોલિફીકેશન નહીં ધરાવતા હોવા છતાં પણ એમબીબીએસમાં પ્રવેશ આપી દીધા છે. આ મામલો હવે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પહોંચી ચૂક્યો છે. પણ સવાલ એ ઉપસ્થિત થયો છે કે ગેરકાયદે પ્રવેશ કૌભાંડના કારણે 400 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ લાયકાત ધરાવતા હોવા છતાં તેમને એમબીબીએસમાં પ્રવેશ મળ્યા નહીં અને લાયકાત વગરના માલેતુજારોના સંતાનોને પ્રવેશ ફાળવી દેવાયા અને એક વર્ષ થઇ જવા છતાં પણ કોઇને ગંધ સુદ્ધાં નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
