CIA ALERT

Union Budget: મસાલેદાર ભોજનની અપેક્ષા હતી પણ નિર્મલા સીતારમણે પરેજીવાળું પીરસ્યું

Share On :
  • દેવું કરીને ઘી પીવો, યાવત્ જીવેત સુખમ જીવેત : રૂ. 35 લાખ કરોડની આવક, રૂ. 53.5 લાખ કરોડનો ખર્ચ
  • નાણાકીય શિસ્ત જાળવતા સરકારનો રૂપિયા સમજી-વિચારીને ખર્ચ કરવા, દેવું-ખાધ ઘટાડવાના સંકેત
  • ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકાયો : બજેટમાં રૂ. 12.22 લાખ કરોડના વિક્રમી મૂડી ખર્ચની જાહેરાત
  • દેશમાં સાત શહેરોને જોડતા હાઈ-સ્પીડ રેલવે કોરિડોર્સની જાહેરાત, સુરત સહિત સાત શહેરોને સિટી ઈકોનોમિક રિજિયન તરીકે વિકસાવાશે
  • ઈન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર નહીં કરાતા ‘કોમન મેન’ નિરાશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત એટ 2047’ના વિઝનને આગળ વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે લોકસભામાં વર્ષ 2026-27 માટે રૂ. 53.5 લાખ કરોડનું કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું, જેમાં વિક્રમી રૂ. 12.22 લાખ કરોડના મૂડી ખર્ચનો સમાવેશ થાય છે. ટ્રમ્પના ટેરિફ વિરુદ્ધ ભારતીય નિકાસને મજબૂતી આપવા, અનેક દેશો સાથે થયેલા એફટીએની પૃષ્ઠભૂમિમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન માટે આ બજેટમાં ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન પર ભાર મૂકાયો છે. વિકસિત ભારત માટેની રિફોર્મ એક્સપ્રેસ સમાન આ બજેટમાં ઉદ્યોગો પર ધ્યાન આપવા જતા કેન્દ્ર સરકારે સામાન્ય માણસની અવગણના કરી છે. સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરાતા મધ્યમ વર્ગની કર રાહતોની આશા પર પાણી ફરી ગયું છે.

સીતારામને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં સુધારા અને નવો ઈન્કમ ટેક્સ કાયદો લાગુ કરવા સહિત મહત્વની જાહેરાતો કરતા પગારદાર વર્ગને આંશિક રાહત મળી છે. આ સિવાય સરકારે સ્ટોક માર્કેટમાં વાયદા અને ઓપ્શન્સના ટ્રેડિંગ પર ટેક્સ વધારતા શેરબજારમાં કડાકો બોલાયો હતો અને રોકાણકારો પણ ભારે નિરાશ થયા હતા.

નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે લોકસભામાં સતત નવમી વખત બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મુખ્ય ત્રણ મુખ્ય કર્તવ્યો આર્થિક વિકાસને ઝડપી કરવો, લોકોની આકાંક્ષાઓ પૂરી કરવી અને તેમની ક્ષમતા વધારવી, સબકા સાથ સબકા વિકાસ સુનિશ્ચિત કરવાથી પ્રેરિત હોવાના સરકારે સંકેત આપ્યા હતા.

નાણામંત્રી સીતારામને રવિવારે રજૂ કરેલા બજેટમાં આગામી વર્ષ માટે નાણાકીય ખાધને જીડીપીના 4.3 ટકા પર રાખવાનું લક્ષ્ય રાખ્યું છે, જે ચાલુ વર્ષના 4.4 ટકાથી ઓછું છે. આ બાબત બજેટની સૌથી મોટી તાકાત નાણાકીય શિસ્ત હોવા પર ભાર મૂકે છે. આ સાથે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે રૂપિયા સમજી વિચારીને ખર્ચ કરશે. દેવું અને ખાધ ધીમે ધીમે ઘટાડશે, પરંતુ સાથે માર્ગ, શહેરો, નાના ઉદ્યોગો, સ્વાસ્થ્ય અને રોજગાર પર ધ્યાન આપશે.

નિર્મલા સીતારામને બજેટમાં વૈશ્વિક ડેટા સેન્ટરો માટે 2047 સુધી કર પ્રોત્સાહનો અને કૃષિ તથા પ્રવાસન માટે સહાયની જાહેરાત કરી. સીતારામને લોકસભામાં કહ્યું કે સરકારે ‘વિકસિત ભારત’ માટે રોજગાર સર્જન, નવી ટેક્નોલોજી અને પરંપરાગત ઉદ્યોગોના સંયોજન પર આધારિત મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર જાળવી રાખતાં બજેટમાં 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની યોજના જાહેર કરી હતી જ્યારે સંરક્ષણ ખર્ચમાં વાષક લગભગ 20 ટકાનો વધારો કરી સંરક્ષણ ક્ષેત્રમાં કુલ રૂ. 7.85 લાખ કરોડની ફાળવણી કરાઈ છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવા છતાં સરકારે બજેટમાં લોકલક્ષી પગલાં ટાળ્યા છે અને નાણાકીય સંયમ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. પરંતુ ઇક્વિટી ડેરિવેટિવ્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં વધારાની જાહેરાત બાદ શેરબજારમાં કડાકો બોલાયો હતો અને બજાર વધ્યા મથાળેથી 2800 પોઈન્ટ જેટલું તૂટયું હતું, પરંતુ પાછળથી બજારમાં તેજી આવવા છતાં દિવસના અંતે બજાર 1500થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વૈશ્વિક ભૌગોલિક અને ટ્રમ્પના ટેરિફના જોખમોના પગલે નાણાકીય અનિશ્ચિતતાઓ વચ્ચે સરકારે ફાર્મા, સેમિકન્ડક્ટર્સ, રેર-અર્થ મેગ્નેટ્સ, કેમિકલ્સ, કેપિટલ ગુડ્સ, ટેક્સટાઇલ્સ અને સ્પોર્ટ્સ ગુડ્સ સહિત સાત પ્રાથમિક ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટેનો ખર્ચ બમણો કરીને રૂ. 40,000 કરોડ કરવામાં આવ્યો છે, તેમજ સેમિકન્ડક્ટર મિશનની બીજી આવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી છે.

એકંદરે આ એક વૃદ્ધિલક્ષી પરંતુ નાણાકીય રીતે શિસ્તબદ્ધ બજેટ છે, જેમાં મોટી ભેટ-સોગાદો અથવા લોકપ્રિય જાહેરાતો ટાળવામાં આવી છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન, નોકરી, આત્મનિર્ભરતા અને યુવાન, મહિલા, ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે.

  • અમેરિકા સાથેની તંગદિલી વચ્ચે ઇરાનના ચાબહાર પોર્ટ માટે ફાળવણી નહીં

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં ક્યાંય પણ ચાબહાર પોર્ટ માટે ફાળવણીનો ઉલ્લેખ કર્યો નથી. ઇરાનના સમુદ્રી કાંઠે આવેલા આ પોર્ટના વિકાસ માટે ભારત દર વર્ષે 100 કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષથી ફાળવતુ આવ્યું છે. ગયા વર્ષે અમેરિકાએ ઇરાન પર અનેક પ્રતિબંધો મુક્યા હતા પરંતુ ભારતને ચાબહાર પોર્ટ મુદ્દે છ મહિનાની છૂટ આપી હતી. ગયા મહિને કેન્દ્રીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચાબહાર પોર્ટ વિવાદ મુદ્દે ભારત અમેરિકાના સંપર્કમાં છે અને ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યું છે. ઇરાન સાથે વેપાર કરનારા દેશો પર ટ્રમ્પે 25 ટકા ટેરિફ નાખવાની ધમકી આપી હતી. ભારત અને ઇરાન બન્ને સાથે મળીને ચાબહાર પોર્ટનો વિકાસ કરી રહ્યા છે.

  • રૂ. 12.2 લાખ કરોડ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
  • રૂ. 1.70 લાખ કરોડ ખાતર માટે ખર્ચાશે
  • રૂ. 40,000 કરોડ ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન
  • રૂ. 10,000 કરોડ બાયોફાર્મા શક્તિ માટે
  • રૂ. 3610 કરોડ નક્સલ ક્ષેત્રોમાં સુરક્ષા
  • રૂ. 1000 કરોડ એઆઈ મિશનને ફાળવાયા

નાણામંત્રી નિર્મલા સિતારામને રજુ કરેલા બજેટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે આ બજેટ વિકસિત ભારત 2047ની આપણી ઉંચી ઉડાનનો મજબૂત આધાર છે. મહિલા નાણામંત્રી તરીકે નિર્મલાજીએ નવમી વખત દેશનું બજેટ રજુ કરીને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ બજેટ દેશની નારી શક્તિનું સશક્ત પ્રતિબિંબ છે, અપાર અવસરોનો રાજમાર્ગ છે, જે વર્તમાન સપનાઓને સાકાર કરે છે અને ભારતના ઉજ્જ્વળ ભવિષ્યનો પાયો મજબૂત કરે છે. આ બજેટ 2047ના વિકસિત ભારતની ઉંચી ઉડાનનો મજબૂત આધાર છે. આજે ભારત જે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે આ બજેટથી તેને નવી ઉર્જા અને ગતિ મળશે. આ બજેટ મોંઘવારીને કાબુ કરનારુ અને રાજકોષીય ખાધ ઘટાડનારું છે. સાથે જ એમએસએમઇને લોકલથી ગ્લોબલ બનાવવાની તાકાત આ બજેટમાં છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે વિશ્વમાં વિશ્વાસપાત્ર અને ક્વોલિટી સપ્લાયર તરીકે ભારતની ભૂમિકા વધી રહી છે. તાજેતરમાં જ ભારતે જ મોટી મોટી ટ્રેડ ડીલ કરી છે (મધર ઓફ ઓલ ડીલ) વગેરેનો સૌથી મોટો લાભ ભારતીય યુવાઓને મળશે. ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને થશે. બજેટ ભારતની ગ્લોબલ ભૂમિકાને વધુ મજબુત બનાવે છે.

ભારતની 1.4 અબજ જનતા માત્ર ઝડપથી વીકસી રહેલી અર્થ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી, તેઓ ભારતને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા પણ ઇચ્છે છે જે લાખો દેશવાસીઓનો સંકલ્પ પણ છે. આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને સશક્ત કરનારું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :