CIA ALERT
26. April 2024
May 13, 20191min3660

Related Articles



મુંબઈ ચૅમ્પિયન ઑફ ચૅમ્પિયન્સ

Share On :
Print Friendly, PDF & Email

મુંબઈ ઇન્ડિયન્સે  ચેન્નઈ સુપર કિંગ્સને આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ૧૨મી સિઝનની દિલધડક ફાઇનલના છેલ્લા બૉલ પર એક રનના માર્જિનથી હરાવીને ચોથી વાર વિજેતાપદ મેળવ્યું હતું. આઇપીએલના ૧૨ વર્ષના ઇતિહાસમાં આ નવો વિક્રમ છે. મુંબઈએ ચોથા ચૅમ્પિયનપદ સાથે અગાઉ ત્રણ વિજેતાપદ મેળવનાર ચેન્નઈને બીજા નંબર પર ધકેલી દીધું હતું. ચારેય વિજેતાપદ રોહિત શર્માના સુકાનમાં મળ્યા છે.

ફક્ત બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો લસિથ મલિન્ગા (૪-૦-૪૯-૧) સુપર-બોલર સાબિત થયો હતો. તેણે સ્પર્ધાની છેલ્લી ઓવરમાં ચેન્નઈને જરૂરી ૯ રન નહોતા થવા દીધા. ફાઇનલના અંતિમ બૉલમાં શાર્દુલ ઠાકુરે ચેન્નઈને જિતાડવા બે રન બનાવવાના હતા, પણ મલિન્ગાના સ્લો, યૉર્કર અને લેગ સ્ટમ્પ પરના બૉલમાં ઠાકુર એલબીડબ્લ્યુ થઈ ગયો હતો અને મુંબઈનો એક રનથી રોમાંચક વિજય થયો હતો.

મુંબઈએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૯ રન બનાવીને આપેલા ૧૫૦ રનના લક્ષ્યાંક સામે ચેન્નઈ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૮ રન બનાવી શક્યું હતું.

૪ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા ફાઇનલના સ્પેશિયાલિસ્ટ ખેલાડી શેન વૉટ્સન (૮૦ રન, ૫૯ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ની બધી મહેનત પાણીમાં ગઈ હતી. ગયા વર્ષની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આઇપીએલ ફાઇનલમાં વૉટ્સને ૮ સિક્સર, ૧૧ ફોરની મદદથી અણનમ ૧૧૭ રન બનાવીને ચેન્નઈને ચૅમ્પિયન બનાવ્યું હતું, પણ ગઈ કાલે તે ત્રણ જીવતદાન મળવા છતાં છેવટે કૃણાલ પંડ્યાના થ્રો બાદ વિકેટકીપર ડી’કૉકના હાથે રનઆઉટ થઈ ગયો હતો.

આ વખતની આઇપીએલમાં મુંબઈએ ત્રણેય વાર ચેન્નઈને હરાવ્યું હતું જેનો બદલો ધોની ઍન્ડ કંપનીએ ફાઇનલના વિજય સાથે મેળવી લેવાનો હતો, પણ આ ચોથા મુકાબલામાં પણ ચેન્નઈએ હાર જોવી પડી હતી. ડ્વેઇન બ્રાવો ૧૫ રન, ઓપનર ફૅફ ડુ પ્લેસી ૨૬ રન અને કૅપ્ટન ધોની બે રન બનાવી શક્યો હતો. મુંબઈ વતી બુમરાહે બે તેમ જ રાહુલ ચહર, મલિન્ગા અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. મિચલ મૅક્લેનઍગન તથા હાર્દિકને વિકેટ નહોતી મળી.

કૅપ્શન રોહિત શર્માએ ગઈ કાલે બોલિંગમાં થોડી ભૂલો કરી હતી. હાર્દિક પંડ્યાની એક ઓવરમાં ફક્ત ત્રણ રન બન્યા છતાં રોહિતે તેને વધુ ઓવર ન આપીને મલિન્ગા પર ભરોસો રાખ્યો હતો અને વૉટ્સન સામે અગાઉ તે નિષ્ફળ રહ્યો હોવા છતાં તેને વધુ એક ઓવર આપી હતી જેમાં વૉટ્સને બે સિક્સર, બે ફોર સહિત ૨૦ રન ઝૂડી કાઢ્યા હતા. એ ઓવરે ચેન્નઈની તરફેણમાં બાજી લાવી દીધી હતી. પછીથી કૃણાલ પંડ્યાની ૧૮મી ઓવરમાં વૉટ્સને હૅટ-ટ્રિક સિક્સર ફટકારતાં એ ઓવરમાં પણ ૨૦ રન બન્યા હતા. જોકે, છેલ્લી ઓવરમાં મલિન્ગાએ કૅપ્ટન રોહિત શર્માએ પોતાના પર મૂકેલા વિશ્ર્વાસને સાર્થક ઠરાવ્યો હતો.

૩૭ વર્ષનો શેન વૉટ્સન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. ગઈ કાલે યાદગાર ઇનિંગ્સમાં તેનો ત્રણ વખત કૅચ છૂટ્યો હતો. ૯મી ઓવરમાં તે ૩૩ રને હતો ત્યારે મલિન્ગાએ તેનો ઊંચો કૅચ પડતો મૂક્યો હતો. વૉટ્સન ૧૪મી ઓવરમાં ૪૨ રને હતો ત્યારે બોલર ખુદ રાહુલ ચહેર તેનો કૅચ નહોતો પકડી શક્યો. ૧૭મી ઓવર બુમરાહે કરી હતી જેમાં રાહુલ ફરી વૉટ્સનનો ઊંચો કૅચ હાથમાં આવી ગયા બાદ છોડ્યો હતો.

કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રનઆઉટનો વિવાદ થયો હતો. અનેક વખત રિપ્લે બતાવાયા બાદ છેવટે થર્ડ અમ્પાયર નાઇજેલ લૉન્ગે ધોનીને આઉટ આપ્યો હતો. અગાઉ ઇશાન કિશને તેને રનઆઉટ કરવાનો મોકો ગુમાવ્યો હતો, પણ આ વખતે તેને રનઆઉટ કરવાની તક ઝડપી લીધી હતી.

એ પહેલાં, મુંબઈએ જે ૮ વિકેટે જે ૧૪૯ રન બનાવ્યા હતા એમાં પોલાર્ડના અણનમ ૪૧ રન અને ડી’કૉકના ૨૯ રન, ઇશાન કિશનના ૨૩ રન, હાર્દિકના ૧૬ રન, રેાહિત તથા સૂર્યકુમારના ૧૫-૧૫ રનનો સમાવેશ હતો. ચેન્નઈના બોલરોમાંથી દીપક ચહરે ત્રણ, શાર્દુલે બે અને ઇમરાન તાહિરે બે વિકેટ લીધી હતી.

ઇમરાન તાહિરે સ્પર્ધામાં સૌથી ૨૬ વિકેટ લીધી હોવાથી તેને પર્પલ કૅપ મળી હતી. બૅટ્સમેનોમાં વૉર્નર (૬૯૨ રન)ને ઑરેન્જ કૅપનો વિજેતા જાહેર કરાયો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :