CIA ALERT
26. April 2024
May 24, 20191min3180

Related Articles



સૌરાષ્ટ્રમાં બધેબધ ભાજપનો વિજય, કોંગ્રેસનું કાંગરું યે ના રહ્યું

Share On :
Print Friendly, PDF & Email

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને કેંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. આ વખતે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપ માટે કપરાં ચઢાણ હતા. ખાસ કરીને અમરેલી બેઠક ઉપર વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા એટલે કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક મનાતી હતી પણ ત્યાં પણ ધાનાણીની હારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

જૂનાગઢમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહાર આવી હતી અને ભાજપની નારાજગીના કારણે જૂનાગઢ બેઠક ભાજપ માટે જીતવી કપરી મનાતી હતી ત્યાં પણ ભાજપની જીત થતાં કોંગ્રેસમાં અપસેટ સર્જાયો છે. એવી રીતે સુરેન્દ્રનગરમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્યાં પણ ભાજપે જીત મેળવતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

રાજકોટમાં મોહન કુંડારીયા 3.68 લાખની લીડથી જીત્યા

સૌરાષ્ટ્રની સાત બેઠકમાંથી રાજકોટ બેઠકની વાત કરીએ તો મોહનભાઈ કુંડારીયાએ સૌથી વધારે ઐતિહાસિક લીડ મેળવી હતી. મોહનભાઈ કુંડારીયાને 7,58,645 મત મળ્યા છે જ્યારે કેંગ્રેસના હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાને 3,90,238 મત મળ્યા છે. એ હિસાબે મોહનભાઈ કુંડારીયા 3,68,407ની જંગી સરસાઈથી વિજેતા બન્યા છે. લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના શોકમાં રાજકોટ ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો નહોતો. રાજકોટ આમ પણ પહેલેથી ભાજપનો ગઢ મનાય છે એટલે અહીં ભાજપની જીત અપેક્ષિત હતી.

જામનગરમાં પૂનમ માડમે વિક્રમી સરસાઇથી વિજય હાંસલ કર્યો

રાજકોટની જેમ જામનગર બેઠક પણ ભાજપની જીત માટે અપેક્ષિત હતી. 2014ની ચૂંટણીમાં અત્યાર સુધીના જામનગરના ઈતિહાસમાં પૂનમબેન માડમે 1,75,289 મતોની સરસાઈ મેળવી વિક્રમ સ્થાપ્યો હતો. 2019ની આ ચૂંટણીમાં તેમણે પોતાનો જ આ વિક્રમ તોડીને 2,33,681 મતોની સરસાઈ મેળવવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને 5,86,357 મત અને મૂળુભાઈ કંડોરિયાને 3,52,676 મત મળ્યા હતા.

ભાવનગરમાં ડો.ભારતી શિયાળ વિજયી નિવડ્યા

ભાવનગર બેઠક પણ ભાજપનો ગઢ મનાય છે પણ આ વખતે કોળી અને પાટીદાર ઉમેદવારો હતા એટલે ચૂંટણી જંગ જોરદાર મનાતો હતો છતાં ભાવનગરમાં પણ અપેક્ષિત પરિણામ જ આવ્યું છે અને ભાજપના ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મનહર પટેલનો પરાજય થયો છે.

પોરબંદરમાં રમેશ ધડૂકનો આસાન વિજય

પોરબંદર બેઠક વિવાદિત બેઠક મનાય છે. આ વખતે અનુભવી ધારાસભ્ય લલિત વસોયા સામે ભાજપના નવા ચહેરા રમેશ ધડૂકને આ બેઠક કેવી રીતે ફળશે ? તેના તારણો કાઢવામાં આવતા હતા પણ અંતે આજે આ બેઠકના પરિણામો સામે આવતાં ભાજપના રમેશ ધડૂકનો વિજય થયો છે. જો કે, રમેશભાઈના વિજય પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જેતપુરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની મહેનતે પણ ભૂમિકા ભજવી છે.

સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોંગ્રેસને આશા હતી પણ એ ધૂળધાણી થઇ ગઇ

સૌરાષ્ટ્રની જે બે બેઠકો ઉપર કોંગ્રેસને ભારોભાર અપેક્ષા હતી તે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ ભાજપના જ ઉમેદવારો વિજેતા બન્યા છે અને કોંગ્રેસની આ ચપટીક આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અમરેલીની વાત કરીએ તો આ બેઠક ઉપર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા. પરેશ ધાનાણીની’ યુવા લડાયક નેતાની છાપ અને તેની સામે ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા પ્રત્યે આંતરિક નારાજગી કોંગ્રેસને બેઠક અપાવશે તેમ મનાતું હતું. આ બેઠક માટે રાહુલ ગાંધીએ સભા કરી ત્યારે પણ ધૂમ તડકે મેદની ઉમેટી હતી, એ જોતાં અમરેલી બેઠક ભાજપના હાથમાંથી સરકતી નજરે આવતી હતી.

 

સુરેન્દ્રનગરમાં ગયા વખતે ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરા વિજેતા થયા હતા. આ વખતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે દેવજી ફતેપરાના બદલે હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ભાજપે ટિકિટ આપતાં આશ્ચર્ય સર્જાયું હતું અને દેવજીભાઈ નારાજ થયા હતા. એવી રીતે કોંગ્રેસ લાલજીભાઈ મેરના બદલે કદાવર નેતા સોમાભાઈ પટેલને ટિકિટ આપતાં લાલજીભાઈ નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેના કારણે આ બેઠકનો જંગ રસપ્રદ બની રહ્યો હતો. આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો મેદાનમાં હતા. સુરેન્દ્રનગર બેઠક માટે વડાપ્રધાન મોદીએ સભા પણ ગજવી હતી. અંતે આજે આ બેઠક ઉપર મોદી લહેર ચાલી ગઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.

સૌરાષ્ટ્રની લોકસભાની સાત બેઠક ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકની પેટા ચૂંટણી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને માણાવદર એ ત્રણેય બેઠક ઉપર ભાજપના વિજય વાવટા ફરક્યા છે. માણાવદરના કેંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયા બાદ આ ચૂંટણી થઈ હતી અને તેમાં તેમનો વિજય થયો હતો. જ્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે ભાજપ તરફથી લડયા હતા અને વિજેતા બન્યા હતા.

એવી રીતે જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઈ પટેલ અને કેંગ્રેસના જેન્તી સભાયા વચ્ચે જંગ હતો જેમાં ભાજપના રાઘવજીભાઈની જીત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની ત્રણેય વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :