SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે SITEX – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’નું આયોજન કરાયું છે.
SGCCI ના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧૧મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે. ‘સીટેક્ષ’ એ ખરેખર વિકસિત ભારત %ર૦૪૭ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ટેક્ષ્ટાઇલ ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.
ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટીંગ સાથેના ૩ર હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડકટીવિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી છે. ૩ર હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને ત્યારબાદ સુરતમાં ઇન્સ્ટોલ થવા જઇ રહી છે. આ ટેકનોલોજીમાં અત્યાર સુધી ર થી ૧૬ હેડ સુધીની પોઝીશન ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીનો સમાવેશ થતો હતો ત્યારે સુરતમાં પ્રથમ વખત ૩ર હેડવાળી આ મશીનરી પર એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિસ્કોસ જેકાર્ડનું સારી રીતે પ્રોડકશન લઇ શકાશે. ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે સુરતમાં હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત વેગ મળશે.
આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા વોટરજેટ મશીન, મેક ઇન ઇન્ડિયા હાઇ સ્પીડ રેપિયર મશીન અને શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરીનું પ્રથમ વખત સુરતના સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરીથી વેલ્યુ એડેડ ફેબ્રિકનું પ્રોડકશન લઇ શકાય છે. સોના–ચાંદીના તારના ઉપયોગથી પ્યોર સિલ્ક અને સેમી સિલ્કનું કપડું બનાવી શકાય છે. શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરી હાલ દક્ષિણ ભારત તથા બનારસ ખાતે જ ઉપલબ્ધ છે. સુરતમાં પ્રથમ વખત આ મશીનરીને સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવશે અને ત્યારબાદ સુરતના વિવર્સ આ મશીનરીના ઉપયોગથી વેલ્યુ એડેડ ફેબ્રિક બનાવી શકશે.
ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પણ પ્રદર્શન કરાશે. આ મશીનરી પર હાઈ કવોલિટી વેલ્વેટનું પ્રોડકશન લઇ શકાશે. અત્યારે કોરિયાથી હાઇ કવોલિટી વેલ્વેટની આયાત કરવામાં આવે છે, જેનું આ મશીનરી પર પ્રોડકશન લઇ શકાશે. આ ઉપરાંત સીટેક્ષ એકઝીબીશનમાં ઇન્ટરેકટીવ સોફટવેરની પણ વિઝીટર્સને માહિતી આપવામાં આવશે. રેપિયર જેકાર્ડ મશીન માટે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફટવેરની મદદથી મોબાઇલ, લેપટોપ તથા ઓન સ્ક્રીન પર પ્રોડકશનને લાઇવ જોઇ શકાય છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૦ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેમાં ઉદ્ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલજી પધારશે અને તેમના વરદ્ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સરકયુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
SGCCI દ્વારા સુરત – ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસીએશનોને સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે, જેથી સુરત ઉપરાંત બહારના રાજ્યોના વિવર્સ મોટી સંખ્યામાં સીટેક્ષ એકઝીબીશનની વિઝીટ કરશે.
સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી ડોમમાં તથા બહાર બનાવવામાં આવેલા ડોમમાં ૮૯ જેટલા એકઝીબીટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે.
વધુમાં, સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના કો–ચેરમેનો શ્રી મયુર ગોળવાલા અને શ્રી રિતેશ બોડાવાલાએ એકઝીબીશનના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૪ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.