CIA ALERT

Punjab election Archives - CIA Live

February 20, 2022
voting.jpg
1min589

આજરોજ તા.20મી ફેબ્રુઆરી 2022ને રવિવારે સવારે 8 કલાકથી પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો તેમજ ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. આરંભના બે કલાકમાં જ 12થી 15 ટકા મતદાન થઇ ચૂક્યું હોવાના અહેવાલો મળ્યા હતા. ક્યાંયથી કોઇ અનિચ્છનીય ઘટનાના સમાચાર મળ્યા નથી. બન્ને રાજ્યોમાં ત્રીપાંખીયો જંગ ખેલાઇ રહ્યો છે.

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આજે રવિવારે સવારે મતદાનની ઝડપ સામાન્ય કરતા વધુ નોંધાઇ હતી. પંજાબમાં લગભગ 2.14 કરોડ મતદારો રાજ્યની 117 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 1,304 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે મતદાન કરી રહ્યા છે. આ ઉમેદવારોમાં 93 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસના અધિકારીએ જણાવ્યું કે મતદાન સવારે 8 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ ચૂક્યું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને મતગણતરી 10 માર્ચે થશે. પંજાબમાં આ વખતે કોંગ્રેસ, AAP, SAD-BSP ગઠબંધન, BJP-PLC-SAD (યુનાઇટેડ) અને સંયુક્ત સમાજ મોરચા વચ્ચે બહુકોણીય મુકાબલો છે.

સાથોસાથે ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 16 જિલ્લાની 59 સીટો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. 59 સીટો પર 627 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં 4 યોગીના અને એક કેન્દ્રીય મંત્રી છે. 2.15 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજનું મતદાન કેટલાક દિગ્ગજો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે. જેમાં સૌથી વધુ ચર્ચા છે કરહલ વિધાનસભા સીટની, જ્યાંથી સપા પ્રમુખ અખિલેશ મેદાનમાં છે. તેઓ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બિકરુ કાંડવાળા કાનપુર અને આવકવેરાના દરોડાથી ચર્ચામાં આવેલા અત્તરના વેપારીવાળા કન્નૌજમાં પણ વોટિંગ આજે થઈ રહ્યું છે.

પોતાની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહેલી શાસક કોંગ્રેસને ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓ પર વિવિધ રાજકીય વિરોધીઓના આકરા હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. પંજાબમાં કોંગ્રેસ સામે સૌથી મોટા હરીફ તરીકે ઉભરી રહેલી AAP આ વખતે સત્તામાં આવવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. તેણીનું દિલ્હી મોડેલ રજૂ કરીને, તે રાજ્યમાં સરકાર બનાવવા માટે સખત મહેનત કરી રહી છે.

આ વખતે પંજાબમાં ચૂંટણી પ્રચાર ખૂબ જ હાઈપ્રોફાઈલ રહ્યો છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિતના દિગ્ગજોએ એડી ચોટીનું જોર લગાવીને પોત પોતાના પક્ષ માટે પ્રચાર કર્યો છે.

January 8, 2022
voting.jpg
1min474

યુપીમાં તમામ સાત, પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં એક જ્યારે મણીપુરમાં બે તબક્કામાં થશે મતદાન

2022માં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરી દેવાયો છે. તમામ પાંચ રાજ્યની ચૂંટણી સાત તબક્કામાં પૂર્ણ થશે. પહેલા તબક્કામાં યુપીમાં 10 ફેબ્રુઆરીએ વોટિંગ શરુ થશે. બીજા તબક્કામાં યુપીની સાથે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ ચૂંટણી યોજાશે. આ ત્રણેય રાજ્યોમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. જ્યારે યુપીમાં તમામ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મણીપુરમાં બે તબક્કામાં વોટિંગ થશે. 07 માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે, જ્યારે 10 માર્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ યુપી સહિતના રાજ્યોનો કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી રોડશો, પદયાત્રા, કોઈપણ પ્રકારની રેલી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારબાદ કમિશન સ્થિતિની સમીક્ષા કરીને આ નિયંત્રણોને લંબાવવા કે કેમ તેની સમીક્ષા કરશે. આ ઉપરાંત, રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી પણ પ્રચાર નહીં કરી શકાય. પંચે નુક્કડ સભા પર પણ હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ વખતે 24.9 લાખ મતદાતા પહેલીવાર વોટિંગ કરશે. કુલ 18 કરોડ મતદારોમાં 8.5 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. CEC સુશીલ ચંદ્રાના જણાવ્યા અનુસાર, યુપીની 403, પંજાબની 117, ઉત્તરાખંડની 70 જ્યારે મણીપુર અને ગોવાની 40-40 બેઠકો પર મતદાન યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, કોરોનાના સતત વધતા કેસ વચ્ચે પંચ દ્વારા હોમ સેક્રેટરી તેમજ હેલ્થ સેક્રેટરી ઉપરાંત હેલ્થ એક્સપર્ટ્સ સાથે સલાહ-મસલત કરવામાં આવી હતી. સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ તમામ તકેદારી સાથે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હોવાની માહિતી તેમણે આપી હતી. આ ઉપરાંત, 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતા પોસ્ટલ બેલટથી મતદાન કરી શકશે. દરેક બુથ પર સેનિટાઈઝર અને માસ્કની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી પંજાબ સિવાયના તમામ ચાર રાજ્યોમાં ભાજપ હાલ સત્તા પર છે. જેમાં યુપીની ચૂંટણી ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાંચેય રાજ્યોમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મચી પડ્યા છે. ખાસ કરીને યુપીમાં ઉપરાછાપરી નેતાઓની વિશાળ રેલીઓ થઈ રહી છે. પીએમ મોદી પણ યુપીમાં અત્યારસુધી અનેક રેલી કરી ચૂક્યા છે.