CIA ALERT
24. April 2024

hurrycanes Archives - CIA Live

September 26, 2022
.jpg
1min193

મહાશક્તિશાળી વાવાઝોડાનાં કારણે લાખો લોકોનાં જીવ તાળવે
– મોટાપાયે સ્થળાંતર, વીજ પુરવઠો ખોરવાયો અને વૃક્ષોનો સોંથ

અત્યારે દુનિયાનાં ત્રણ દેશ પ્રાકૃતિક આફત સામે ઝૂઝી રહ્યાં છે. અમેરિકા, ફિલિપીન્સ અને કેનેડામાં ત્રણ અલગ ચક્રવાતોએ કોહરામ મચાવી દીધો છે. ત્રણેય દેશ પોતાનાં નાગરિકો માટે ચેતવણીઓ પણ જારી કરી ચૂક્યાં છે. અમેરિકાનાં ફ્લોરિડામાં ઈયાન ચક્રવાતનાં કારણે કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને ત્યાં મદદ પહોંચાડવા માટેનાં આદેશો પણ છોડી દીધા છે. તો કેનેડામાં પણ હાલત ચિંતાજનક છે. શનિવારે ત્રાટકેલા તોફાન ફિઓનાનાં કારણે ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે. જ્યારે ફિલિપીન્સમાં હાલત નાજુક છે.

નોરુ વાવાઝોડું ધસમસી રહ્યું હોવાનાં કારણે રાજધાની મનિલા સહિતનાં વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યાં છે.
અમેરિકાનાં ફ્લોરિડામાં ઈયાન વાવાઝોડાનાં કારણે દહેશત છે. આ ચક્રવાત વધુ શક્તિશાળી બનવાની ભીતિ છે. કેમેન દ્વીપ સમૂહ પાસેથી પસાર થયેલો ચક્રવાત ગ્રેડ-3માંથી હવે 4માં તબદિલ થવાની આશંકા છે. આ તોફાનની તાકાતને ધ્યાને લેતા નાગરિકોને તમામ પ્રકારની તૈયારીઓ રાખવાની તાકીદ કરી દેવામાં આવેલી છે. આ ચક્રવાતનાં માર્ગમાં આવતાં તમામ રાજ્ય અને સ્થાનિક સરકારી તંત્રોને સંકલન સાધવાની સૂચનાઓ આપવામાં આવી છે.

કેનેડામાં આવેલા ભયંકર તોફાને શનિવારે સવારે જમીન ઉપર પ્રવેશ કર્યો હતો અને તેનાં હિસાબે પૂર્વ કેનેડામાં તેજ હવા અને તોફાની વરસાદથી પાંચ લાખ લોકોનાં ઘરની વીજળી ગુલ થઈ ગઈ છે. આ તોફાનનાં કારણે પ્યૂર્ટો રિકો અને ડોમિનિક ગણરાજ્યમાં આઠ લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળે છે. ચક્રવાતનાં માર્ગમાં આવેલા વિસ્તારોમાં મોટાપાયે ઝાડનો સોંથ વળી ગયો છે.

સુપર ટાઈફૂન નોરુ ઝડપથી ફિલિપીન્સ ભણી ધસમસી રહ્યું છે. આકલન મુજબ આ મહાતોફાનમાં 240 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની ભીતિ છે. જે વધીને 300 કિ.મી. પ્રતિકલાક પણ થઈ શકે તેવી આશંકા છે. ફિલિપીન્સનાં તટરક્ષક દળનાં જણાવ્યા અનુસાર મનિલાનાં દક્ષિણ બંદરોમાં 1200થી વધુ યાત્રીઓ અને 28 જહાજો અટવાઈ ગયેલા છે. ફિલિપીન્સમાં ભારતીય સમુદાયનાં લોકોની સંખ્યા 1.30 લાખ જેટલી છે અને તેમાં 1પ હજાર જેટલા છાત્ર છે. જે મનિલા સહિતનાં શહેરોમાં અભ્યાસ કરી રહ્યાં છે.