CIA ALERT
03. May 2024
July 23, 20191min4070

Related Articles



Mumbai : ૪૧૫ જર્જરિત બિલ્ડિગ ૩૦,૦૦૦ રહેવાસીઓને જાનનું જોખમ

Share On :
Print Friendly, PDF & Email

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ૪૯૯ બિલ્ડિંગોને સી-૧ કેટેગરીમાં નાખવામાં આવી છે. એનો અર્થ એવો થાય છે કે આ બધી જ બિલ્ડિંગો રહેવા માટે અત્યંત જોખમી છે. આ જોખમી બિલ્ડિંગોમાંથી ફક્ત ૧૪ બિલ્ડિંગોને તોડી પાડવામાં આવી છે અને ૭૦ બિલ્ડિંગોને ખાલી કરાવવામાં આવી છે. બાકી બચેલી ૪૧૫ બિલ્ડિંગોમાં ૩૦,૦૦૦ જેટલા મુંબઈગરાઓ જાનને જોખમે રહે છે. ડોંગરીમાં બિલ્ડિંગ હોનારત થયા બાદ પણ આ લોકો હજી સુધી બિલ્ડિંગો ખાલી કરવા તૈયાર નથી. 

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે ચોમાસા પહેલાં જોખમી બિલ્ડિંગોની યાદી તૈયાર કરવામાં આવે છે અને આવી બિલ્ડિંગોને આવશ્યકતા મુજબ ખાલી કરાવીને તોડી પાડવાની હોય છે, પરંતુ જે ૪૧૫ બિલ્ડિંગો ખાલી કરાવવામાં નથી આવી એમાંથી કેટલીક બિલ્ડિંગોના રહેવાસીઓ કોર્ટમાં ગયા છે અને અનેક બિલ્ડિંગના રહેવાસીઓ જર્જરિત બિલ્ડિંગ છોડવા માગતા ન હોવાથી તેમને બળપૂર્વક બહાર કાઢવા માટે પોલીસની મદદ માગવામાં આવી છે, જે ન મળી હોવાથી તેને ખાલી કરાવી શકાઈ નથી. 

બિલ્ડિંગમાં રહેવાનું જોખમી હોવા છતાં આવી બિલ્ડિંગોમાં રહેવાસીઓ કેમ રહે છે એ બાબતે તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના રહેવાસીઓ સરકાર અને વહીવટી તંત્ર પર ભરોસો ન હોવાને કારણે બિલ્ડિંગો ખાલી કરતા નથી, કેમ કે એક વખત બિલ્ડિંગ ખાલી કરવામાં આવે પછી પાછું ઘર મળવાની કોઈ ગેરેન્ટી નથી હોતી. બીજી તરફ બિલ્ડિંગ ખાલી કરતી વખતે જે ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેવાસીઓને મોકલવામાં આવે છે ત્યાં પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોય છે અને માનવી વસવાટ ન કરી શકે એવી સ્થિતિ હોવાથી લોકો બિલ્ડિંગો ખાલી કરતાં નથી. 

મુંબઈ જેવા સમુદ્રકિનારાની નજીક આવેલાં શહેરોમાં બિલ્ડિંગની લાઈફ લાંબી નથી હોતી. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરેક બિલ્ડિંગની લાઈફ ૩૦ વર્ષની ગણવામાં આવે છે. ચોમાસાપૂર્વે ૩૦ વર્ષથી વધુ જૂની બધી જ બિલ્ડિંગની તપાસ કરવામાં આવે છે અને સર્વેક્ષણને આધારે તેમને સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાની અને અહેવાલ બીએમસીને રજૂ કરવાની સલાહ આપવામાં આવે છે. જર્જરિત બિલ્ડિંગના લાઈટ અને પાણી કાપી નાખ્યા બાદ પોલીસને બિલ્ડિંગ ખાલી કરાવવા માટે પત્ર લખવામાં આવે છે અને બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવે છે, એમ મુંબઈ સમાચારને જણાવતાં મુંબઈ મનપાના એક સિનિયર અધિકારીએ ઉમેર્યંુ હતું કે ઘણી વખત રહેવાસીઓ કોર્ટમાં જઈને સ્ટે લાવતા હોવાથી બિલ્ડિંગો ખાલી કરાવી શકાતી નથી. રિડેવલપમેન્ટમાં રહેલી શંકા બિલ્ડિંગ ખાલી ન કરવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે. ભાડૂતો અને મકાનમાલિકો વચ્ચે રિડેવલપમેન્ટના કામમાં વિલંબ થતો હોવાથી આવી શંકા-કુશંકા રહેવાસીઓના મનમાં આવતી હોય છે.

બીજી તરફ મુંબઈમનપાના કમિશનરે કહ્યું હતું કે મ્હાડા જેવી સંસ્થાને સાથે લઈને મુંબઈની જર્જરિત ઈમારતોના રહેવાસીઓનું પુનર્વસન કરવા માટેની યોજના ઘડી કાઢવામાં આવશે. 

નિષ્ણાતોના મતે જર્જરિત બિલ્ડિંગોની સમસ્યાનું નિવારણ કરવા માટે સરકારે પણ નવો દૃષ્ટિકોણ અપનાવવાની આવશ્યકતા છે. એડવોકેટ વિનોદ સંપટે મુંબઈ સમાચારને કહ્યું હતું કે જર્જરિત બિલ્ડિંગની સમસ્યા માટે ભાડૂતો અને મકાનમાલિક બંને સરખા જવાબદાર છે. જો નિયમિત રીતે બિલ્ડિંગનું સમારકામ કરવા પર ધ્યાન આપવામાં આવે તો કોઈ બિલ્ડિંગ અચાનક તૂટી ન પડે. જેટલું ધ્યાન લોકો પોતાના ઘરની અંદરની જાળવણી માટે આપતાં હોય છે એટલું આખી બિલ્ડિંગની જાળવણી માટે આપે તો તેની લાઈફ ઘણી વધી શકે. બીજું લોકો એક વખત ઘર ખરીદે કે ભાડે રહેવા જાય કે એવું માની લે છે કે આખી જિંદગી માટે આ ઘર તેમનું થઈ ગયું છે. લોકોએ સમજવું જોઈએ કે બિલ્ડિંગની લાઈફ ૫૦ વર્ષથી વધુ નથી હોતી. સરકારે પણ એવો કાયદો કરવો ૫૦-૬૦ વર્ષ બાદ બિલ્ડિંગને તોડી પાડવી, જેથી આગામી સમયમાં મુંબઈમાં આવી હોનારતો ન થાય.

————————

૧૪,૦૦૦ સેસ્ડ બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ માટે આવશે વટહુકમ?

મુંબઈમાં ગયા અઠવાડિયે ડોંગરીમાં એક બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર અચાનક સેસ્ડ બિલ્ડિંગોની સમસ્યા બાબતે ગંભીર થઈ છે અને શહેરની ૧૪,૦૦૦ જેટલી સેસ્ડ બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ માટે એક વટહુકમ કાઢવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી આઠ સભ્યોની સમિતિએ શહેરની બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ અને ક્લસ્ટર ડેવલપમેન્ટ સંબંધી નિયમોનો અભ્યાસ કર્યો હતો અને રાજ્યની ૧૪,૦૦૦ સેસ્ડ બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય એના પરનો અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપ્યો હતો. સરકારે અત્યારે સેલ્ફ રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનું વિચાર્યું છે, પરંતુ આ યોજનાને યોગ્ય પ્રતિસાદ ન મળે તો આ મુદ્દે વટહુકમ કાઢીને બધી બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ મ્હાડાને સોંપી દેવાનો વિચાર ચાલી રહ્યો છે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :