ચારધામ યાત્રા બંધ કરવી પડી, 400 યાત્રાળુ ફસાયા
ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં ચારધામ યાત્રા બંધ કરવાની ફરજ પડી હતી. ૪૦૦ જેટલાં યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. આમાંથી મોટાભાગના યાત્રાળુઓ રાજસ્થાનના છે. ઉત્તર ભારતમાં હજુય વરસાદની આગાહી કરવામાં આવી છે. યેલ્લો એલર્ટ જારી કરાયો છે.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂસ્ખલન થયું હતું, ત્યાં ૪૦ યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. જિલ્લા સરકારી તંત્રએ આખા રસ્તા પર તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. ઉત્તરકાશીમાં ગંગોત્રીધામથી પાછા ફરતા ૪૦૦ યાત્રાળુઓ ભૂસ્ખલનના કારણે ફસાઈ ગયા હતા. એક મોટી પહાડીમાંથી ભૂસ્ખલન થયું હતું, તેનો વીડિયો પણ યાત્રાળુએ બનાવ્યો હતો. જોકે, સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી. ભારે વરસાદ અને ભૂસ્ખલન પછી જ્યાં સુધી રસ્તો ચાલુ ન થાય ત્યાં સુધી ચારધામ યાત્રા અટકાવી દેવાની ફરજ પડી હતી. ચારધામ માટે નીકળેલા યાત્રાળુઓને સાવધાન રહેવાની સલાહ સરકારે આપી હતી. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા જેવા રાજ્યોમાં યેલ્લો એલર્ટ જારી કરાયો હતો. ઉત્તર ભારતની કેટલીય નદીઓમાં પાણીનો જથ્થો વધી ગયો હતો, તેના કારણે નીચાળવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા હતા. મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોએ ચોમાસું પાક હજુ ઉતાર્યો નથી. ઉભા પાકને ભારે વરસાદથી નુકસાન થઈ રહ્યું હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી હતી. રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ આસામ, મેઘાલય, અરૂણાચલ, બિહાર સહિતના રાજ્યોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડયા હતા.
બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતાં જનજીવન ખોરવાયું હતું. કેટલાય રસ્તાઓમાં પાણી ભરાઈ જતાં વાહનો ફસાઈ ગયા હતા. ગુરૂગ્રામમાં એક કેબ સર્વિસ રોડમાં ફસાઈ ગઈ હતી. કેબમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં કેબમાં સવાર પેસેન્જરે છતમાં ચડવું પડયું હતું. એ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિક પોલીસે ડિવાઈડર, ડાઈવર્ઝન વગેરેની એડવાઈઝરી બહાર પાડી હતી. મુંબઈના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડયો હતો. જોકે, પાણી ભરાયા ન હોવાથી જાહેર પરિવહનને કોઈ અસર પહોંચી ન હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
