CIA ALERT

ભારત વર્ષ ક્રિષ્ણ જન્મોત્સવમાં લીન, વાંચો ક્રિષ્ણાવતારની અજાણી વાતો

Share On :

જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે! વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે.

દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. આ વખતે આકાશવાણી થાય છે. “તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.” કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા. એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો.

શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો. ભગવાનનો પ્રાદુર્ભાવ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો.

પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. “મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો.” અને વસુદેવ-દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ (બાવન) દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. “यदा यदा हि धर्मस्य…” આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો.

જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં! શ્રી કૃષ્ણ એટલે કૌસ્તુભમણિ. સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.” વસુદેવ યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા. આ બાલિકા શ્રી વિષ્ણુની નાની બહેન મહામાયા જ હતી.

જન્માષ્ટમી પ્રભુ કીર્તન, પ્રભુ સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન પાપને તત્કાળ દૂર કરે

બ્રહ્મ સંબંધ થતાં બેડી તૂટેલી. માયાનો સંસર્ગ થવાથી તેમના હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ. કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા. સો ટચના સોનાનો કદી આકાર થતો નથી. ચોખા વાવે તો ચોખા ન થાય. તે માટે તો ડાંગર જ વાવવી પડે. આવરણ સાથે બ્રહ્મ નિહાળે તેને મુક્તિ મળતી નથી. આ બધા પ્રસંગો તો અવતાર ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યાં હતા.

દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યાં. શ્રી કૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યાં હતા. તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાશવી નૃત્ય ચાલી રહ્યું હતું. રાક્ષસી પૂતના, રાક્ષસો શકરાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, વ્યોમાસુર વગેરે ભગવાન શ્રી કૃષ્ણના અપૂર્વ બળ આગળ ટકી શકતા નથી. વ્રજ ગોપીઓ પ્રત્યેના અલૌકિક પ્રેમનો અને રાસલીલાનો પ્રસંગ અદભુત છે.

વ્રજના કણ કણમાં આ ઉત્સવ ઉજવાયો છે. શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. 

દશાફલ વ્રત (શ્રાવણ વદ આઠમ) અન્ય વ્રત કરતાં જુદું જ છે. ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે કરાય છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે. આ વ્રત કરનારને ખરાબ દશા આવતી નથી, માટે સૌએ આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ. ઈશ્વરનું પ્રાગટ્ય કે પ્રાદુર્ભાવ એટલે મહોત્સવ.

પ્રભુ કીર્તન, પ્રભુ સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે. નંદબાબાએ ગૌદાન અને ગુપ્ત દાન કરીને સૌને પ્રસન્ન કર્યા હતા. ધન-સંપત્તિને ધોવાની સારી પ્રક્રિયા દાન છે. અન્નદાન, વિદ્યાદાન વગેરે દાન દ્વારા ધન ધોવાય છે. આ દાન સુપાત્ર હોવું જરૂરી છે. દેવતાઓ વિવિધ સ્વરૂપે દર્શને આવ્યા છે. સૌંદર્ય એ આંખનો ઉત્સવ છે. સંતોષ એ આનંદનો ઉત્સવ છે. ધ્યાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ છે. ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે. શિવજી પણ પધાર્યા છે. હરિ-હરની નજર એક બને છે.

શિવજી તો આનંદવિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે. બાલસ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થાય છે. પ્રભુએ બાળલીલામાં કોટિ કોટિ બ્રહ્માંદના દર્શન કરાવ્યા છે. કંસ પૂતના રાક્ષસીને મોકલે છે. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના એ મનનો દોષ છે. મનમાં રહેલી અવિદ્યા છે. પૂતના એ અહંકાર અને વિકાર છે.

પવિત્રમાં પવિત્ર વૃત્તિને ઘસડી લઈ જાય તે પાપનું નામ પૂતના. સ્તનપાન કરાવવાના ધરી આવે છે. શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે. પૂતના અજ્ઞાનતાનું પ્રતીક છે, વાસનાનું પ્રતીક છે. માણસની આંખમાં પૂતના રહેલી છે. પરસ્ત્રીનું સૌંદર્ય જોનારની આંખમાં પૂતનાનો વાસ છે. પૂતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ છે. તે કામચારિણી અને નિશાચારિણી હતી. પાપ પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે, પરંતુ તે પુણ્યનો આંચળો ઓઢીને આવે છે તે ઓળખવું દુષ્કર છે. 

શ્રી કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાંખ્યાં હતા. સંસાર રૂપી અખાડામાં કામ-ક્રોધ રૂપી મહામલ્લો જીવને મારતાં આવ્યાં છે. કંસ વધની કથાનું રહસ્ય એ છે કે, સંસાર એક અખાડો છે, મલ્લ “ચાણુર” કામનું પ્રતીક છે અને “મુષ્ટિક” એ ક્રોધનું પ્રતીક છે. કામ અને ક્રોધ બે મહામલ્લો છે, જે અનાદિકાળથી જીવને મારતાં આવ્યાં છે.

શ્રી કૃષ્ણે કંસ દ્વારા મોકલવામાં આવેલ “કુવલયાપીડ” હાથી એ અભિમાનનું પ્રતીક છે. જે પૂર્ણ તૃપ્તિ આપે તે પ્રિય કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ બીજ છે. આ બીજનું જો જીવનમાં બીજારોપણ કરવામાં આવે તો ભાવમય સૃષ્ટિનું સર્જન થાય છે. ગોપીઓ કહે છે: અમારા સાચા પતિ તમે જ છો. અમને એવું જ્ઞાનામૃત આપો કે જેથી તમારો વિયોગ જ ન થાય. ગોપી એ હ્રદયનો શુદ્ધ ભાવ છે.

ગોપીની પરિભાષા એ છે કે, “પરમાત્મા દર્શન કરતી વખતે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાવ ભૂલે એ ગોપી!” ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને દિવ્ય રસનું, અદ્વૈત રસનું પાન કરાવે છે. ગોપીઓને પ્રમાનંદન પ્રાપ્ત થાય છે. જીવ અને ઈશ્વર ઐક્ય સાધે છે. વ્રજાંગનાઓના મંડળમાં પ્રભુનું ખોવાઈ જાય છે. જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજવાસીઓના પાપને હરનારું છે. આ તિથિનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે. એક વખત બ્રહ્માદિ દેવોને થયું કે, કૃષ્ણ ગોપીઓ સાથે નાચે-કૂદે, રાસ લે એ ઠીક ન કહેવાય. આ નિષ્કામ લીલા મર્યાદા વિરુદ્ધ ગણાય. પ્રભુ પોતે પરસ્ત્રી સાથે નાચે-કૂદે તે યોગ્ય નથી. આવું બ્રહ્માજી વિચારી રહ્યા છે, ત્યાં તો તેમને જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ દેખાયા ! 

ગોપીઓના પ્રેમપરાગ પાસે પ્રભુ વેચાઈ ગયા છે. રાસમાં ગોપીઓના શરીર સાથેનું રમણ ન હતું. આ તો ગોપીઓના આધ્યાત્મિક સ્વરૂપનું મિલન હતું. આ આધ્યાત્મિક મિલન માટે પણ સૌએ જન્માષ્ટમીનું વ્રત કરવું આવશ્યક છે. રાસલીલામાં આત્માનું આત્મા સાથે રમણ છે. આ તો ભક્તિમાર્ગના ઉચ્ચ જીવાત્માઓ સાથે નટવરનું નૃત્ય છે. રાસોત્સવ મહાન છે. ગોપીઓ (સ્ત્રી અને પુરુષો બંને) ભક્તિમાર્ગના સાધકો છે.

ભગવાન શ્રી કૃષ્ણે રસબ્રહ્મની અનુભૂતિ કરાવીને પરમાનંદ રસના માધ્યમથી રસની લહાણ કરી છે. આ સર્વે ગોપીઓ નિષ્કામ ભક્તિમાર્ગની પ્રવાસીઓ છે. ભગવાન શ્રી કૃષ્ણે શંખચૂડ, અરિષ્ટાસુર, કેશી દૈત્ય, વ્યોમાસુર વગેરેનો તેમજ કંસનો વધ કર્યો હતો. ત્યાર પછી પ્રભુ કારાગૃહમાં માતા-પિતાને મળવા જાય છે, પ્રણામ કરી તેમને મુક્ત કરે છે. કંસનો ઉદ્ધાર કરી તેનું રાજ્ય શ્રી કૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનને અર્પણ કર્યું હતું. 

ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ ચાલી હતી, અને પછી પ્રભુ મથુરા પધાર્યા હતા. કંસ વધ કરી શ્રી કૃષ્ણ જ્યારે દેવકીજીને તેમને પોતાના ખોળામાં બેસાડી હ્રદય પૂર્વક રૂદન કરે છે. પિતા વસુદેવનો વાત્સલ્ય પ્રેમ પણ અતૂટ છે, તેમની આંખો પણ અશ્રુભીની થાય છે. વસુદેવજી કૃષ્ણ-બલદેવને આલિંગન આપી ગદગદ કંઠે કહે છે કે, આજે મારો જન્મ સાર્થક થયો છે, મારું જીવન સફળ થયું છે. આજે મને મારા બંને પુત્રો મળ્યા છે તેથી મારા આનંદની સીમા અસીમ છે. 

જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. આ પાપનાશક વ્રતનો મહિમા ઘણો છે. આ દિવસે શ્રી કૃષ્ણલીલા અને ચરિત્રોનું શ્રવણ-પઠન કરવું, ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. આ સેવા ત્રણ પ્રકારની છે – (૧) માનસી સેવા (૨) તનુજા સેવા અને (૩) વિત્તજા સેવા. જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને “માનસી સેવા” કહે છે. તનુ એટલે દેહ. દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ “તનુજા સેવા”. વત્તિ એટલે ધન. ધનથી જે સેવા થાય તેનું નામ “વિત્તજા સેવા”. સેવા, ધર્મ અને ધર્મબળ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે. જ્યારે શ્રી કૃષ્ણ અને વસુદેવ-દેવકીજીનું કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આંસુની ભાષા શરૂ થાય છે. માતા-પિતા પુત્ર પાસે એવું માગે છે કે, અમને માયા સતાવે નહિ. અમને માયાજાળથી અલિપ્ત રાખજો. એમને દૈવી સંસ્કૃતિનો ભારતવર્ષમાં ફેલાવો કરવાની અભીપ્સા છે માટે એવું સામર્થ્ય માગે છે. એમને રાજ્યધૂરાને લીધે માયામાં ડૂબી જવું નથી. ઉન્નતિની આંધળી લિપ્સા નથી જોઇતી, એમને તો અમી થઈને વરસતા વાદળ જેવું જીવન આ વૃદ્ધાવસ્થામાં જોઇએ છીએ. 

ભલે હો અલ્પ, કિન્તુ માનવી જેવું જીવન દેજે;            

ઉરે હો જે ભાવ, એવું મનન દેજે…કનૈયા !

મારે મોક્ષ નથી જોઇતો, નિષ્કામ ભક્તિ જોઇએ છે. માતા-પિતાને કૃષ્ણ દર્શનથી મોક્ષનો મોહ પણ ઊતરી ગયો છે. માટે એવી ભક્તિ માગે છે કે,

 “ઊતરી જાયે મોક્ષનાય પણ મોહ !” હે ગોપાલ ! ભક્તિ કેવળ કોરી નહિ, કર્મ સ્વરૂપે આપજે.

મોહ એ માનસ રોગોનું મૂળ છે. ધર્મ એ અમૃત છે. આપત્તિમાં વિવિધ વ્રતો દ્વારા પ્રભુ-સ્મરણ કરવું એ અમૃત છે. વ્રત કર્યા પછી સંપત્તિનો વિનોયોગ કીર્તિ દાનમાં નહિ પરંતુ ગુપ્ત દાનમાં કરવો એ ધર્મ છે. આચાર અને વિચારનો સુભગ સમન્વય કરી વ્રતધારીએ પોતાના વચનને વર્તન દ્વારા સમૃદ્ધ બનાવવું એ સાચું વ્રત છે. આપણું આજીવિકાનું સાધન શુદ્ધ હોવું જોઇએ અને તેના દ્વારા જીવાતું જીવન અને દાન-દક્ષિણા પણ શુદ્ધ હોવા જોઇએ. ધર્મના માર્ગે જે દ્રવ્યોપાર્જન થાય છે, તે વ્રત-ઉત્સવમાં ખર્ચાય તે યોગ્ય વિનિમય કહેવાય. 

આ ધન જીવનમાં સાધુતાને અને સદગુણોને નષ્ટ થવા દેવું જે સાચો વ્રતધારી છે, જે ત્યાગી છે, જે તપસ્વી છે, જે સંન્યાસી છે તેને ધનની જરૂર પડતી જ નથી. લક્ષ્મીજી તેમની પાછળ પાછળ દોડે છે. તેઓ સદકાર્ય માટે ધન જેમ-જેમ આપતા જાય છે, વાપરતાં જાય છે, તેમ-તેમ ધન આપનારા વધતાં જાય છે. વ્રત-ઉપાસના એ પ્રાચીન પરંપરા છે, તે મૂર્ધન્ય સંસ્કૃતિ છે. સર્વ ધર્મનો નિચોડ વ્રત-ઉપાસનામાં નવનીત (માખણ) રૂપે આવી જાય છે. વિધિ વ્રતો જ્ઞાન અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે. વ્રતો સ્ત્રી-પુરુષો માટે પારા જેવા છે. પારો પચે નહિ તો આખા શરીરમાં ફૂટી નીકળે. વ્રત દરમિયાન આત્મધર્મ સાથે દેહધર્મ બજાવવો જોઇએ. શરીરને વસ્ત્ર ઢાંકે છે, તેમ આત્માને વાસના ઢાંકે છે. આ વાસનાનું આવરણ દૂર કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે. 

જન્માષ્ટમીનું વ્રત કરવાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધિઓ યોગમાર્ગની નહિ, પણ ભક્તિમાર્ગની છે. અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત એ અમોઘ સાધન છે. પ્રેમી અને પ્રેમાસ્પદે પ્રભુ પ્રત્યે આ દિવસે પ્રીતિની ગાંઠ બાંધવી જોઇએ.

દેવકી-વસુદેવમાં વાત્સલ્યનું પરમ માધુર્ય પાછું આવે છે. અદ્વૈત બુદ્ધિ જાગૃત થાય છે અને માહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ જાય છે. ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે. આ સંબંધના ચાર ભાગ છે: દાસ ભાવ, વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ અને પ્રિયા-પ્રિયતમનો સંબંધ.

ક્યારેક કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે, આ એમની અસીમ કરુણા છે, કૃપા છે. ‘વ્રત’ એ ભક્તિ માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં તોડવાનું છે, છોડવાનું છે અને ભક્તિમાર્ગમાં બાંધવાનું છે. યશોદાજી વાત્સલ્યના માધુર્યમાં કૃષ્ણ જન્મને લીધે બંધાઈ ગયા છે. આ શરણાગતિ અને આત્મનિવેદન છે. ભગવાન લૌકિક દોરડાથી બંધાતા નથી, એ તો પ્રેમરૂપી દોરડાથી જ બંધાય છે. જે વ્રતીના અંતઃકરણમાં બ્રહ્મવાદ અને ભક્તિ સ્થિર હોય, જીવન-જગતને ભગવાનની દેન માને તે પરમ ભગવદીય છે. વ્રત-ઉપાસના ચિત્તને એકાગ્ર બનાવનારી અને ચિંતારૂપી ચિતાનો નાશ કરનારી છે. જેને વ્રતમાં શ્રદ્ધા છે, તેનું મન સ્થિર રહે છે. વિશ્વાસ એ માનવ અંતઃકરણની મૂર્તિ છે. વ્રતીના વિશ્વાસની યાત્રા શ્રદ્ધા સુધી જવી જોઇએ. શ્રદ્ધા અને વિશ્વાસનો જો સુભગ સમન્વય થાય તો જ વ્રત પરિપૂર્ણ થાય છે. વ્રત-ઉપાસનામાં ચિત્તવૃત્તિ સ્થિર બને તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધાને સ્થિર રાખવા સંયમ જોઇએ, તપ જોઇએ. ભક્તિ એ વ્રતની સમૃદ્ધિ છે. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, બુધવાર, ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી. શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરી, પુણ્યાત્માઓની રક્ષા કરવા, અસુરોનો ધ્વંસ કરી, ગાયો, બ્રાહ્મણો અને સંત-મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો. આ પરમ પવિત્ર દિવસે જન્માષ્તમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, અને સુખ-શાંતિ ભર્યું જીવન જીવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે. પૂર્વે યદુના વંશમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. શ્રી શુકદેવજી કહે છે: “कृष्णस्तु भगवान स्वयं” – કૃષ્ણ પોતે જ ભગવાન છે. દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત ઉપવાસ કરવાથી પ્રસન્ન થાય છે. આ વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. આ વ્રતના પ્રભાતે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :