બે વખત નીટ-જેઇઇ લેવાની યોજના એટલે ધો.13
જયેશ બ્રહ્મભટ્ટ
ભારતમાં એમબીબીએસ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરીક્ષા તેમજ એનઆઇટી, આઇઆઇટી જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન પરીક્ષા એક કેલેન્ડર વર્ષમાં બે વખત લેવાની જાહેરાત બાદ દેશમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે. કેમકે નીટ અને જેઇઇ બે વખત લેવાથી ફાયદો કોને થશે?, જાન્યુઆરીમાં નીટ આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશ ક્યારે અને કેવી રીતે મળશે? , ધો.12ની જે તે બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લેવાતી હોય ત્યારે એ પહેલા જેઇઇ કે નીટની પરીક્ષા કોણ આપશે? વગેરે સવાલોના કોઇ જવાબ કેન્દ્ર સરકાર આપી શકતી નથી. નીટ અને જેઇઇ પરીક્ષા બે વખત લેવાની જાહેરાત બાદ યોગ્ય ગાઇડન્સના અભાવે સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉલ્ટાની વધુ ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે.
વિદ્યાર્થીઓ 12મું નહીં 13મું ધોરણ ભણતા થઇ જશે
સામાન્ય રીતે ભારતમાં ધો.10 માધ્યમિક અને ધો.11-12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓને તેમના રસના વિષયો અનુસાર ગ્રેજ્યુએશન માટે કોલેજમાં પ્રવેશ મળે છે. પરંતુ, બે વખત નીટ અને જેઇઇ લેવાથી એક ભયસ્થાન એ પણ ઉપસ્થિત થયું છે કે વિદ્યાર્થીઓ વધુ એક ચાન્સ મળે તેવી આશા સાથે ડિસેમ્બરની પરીક્ષા આપશે એટલે તેમનું એક વધારાનું વર્ષ શાળાકીય સ્કુલમાં વ્યતિત થશે અને એ રીતે ધો.12ની જગ્યાએ વધુ એક વર્ષ એટલે કે 13મું વર્ષ પણ ભણશે.
નીટ અને જેઇઇના પરીણામો જોયા પછી પણ વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી
હકીકતમાં નીટ અને જેઇઇ પરીક્ષાનું પરીણામ જોતા હાયર મેરિટ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને જ આઇઆઇટી કે એનઆઇટીમાં પ્રવેશ મળે છે. આ એક રિયાલિટી છે, વાસ્તવિક સ્થિતિ એવી પણ છે કે દર વર્ષે આઇઆઇટી, એનઆઇટીમાં ગુજરાતના ફક્ત 100 વિદ્યાર્થીઓ જ પ્રવેશ પામી શકે છે, આમ છતાં હજારો વિદ્યાર્થીઓ ધો.11-12માં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસની કરોડો રૂપિયાની ફી ચૂકવે છે અને છેલ્લે 96 ટકા વિદ્યાર્થીઓએ જીટીયુ એફિલિયેટેડ કોલેજોમાં જ ગુજકેટને આધારે પ્રવેશ લેવો પડે છે. આવું દર વર્ષે જોવા મળે છે. આમ છતાં પછીના વર્ષના વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી અને તમામ જેઇઇ નીટની તૈયારીમાં કરોડો રૂપિયા વ્યય કરી બેસે છે.
હજુ સુધી જેનું કાગળ પર પણ અસ્તિત્વ નથી એવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)જ એનઇઇટી, જેઇઇ અને નેટના એન્ટ્રેન્સ એક્ઝામ કરાવશે. જે લોકો આ પરીક્ષા આપવા માગે છે તેમને વધુ ચાન્સ મળી રહે તેવો આશય તેમાં રહેલો છે, તેમ કેન્દ્રીય માનવ સંશાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું હતું. પરંતુ, આવી જાહેરાતને પગલે જે સવાલો ઉપસ્થિત થયા છે એ પેચીદા બન્યા છે.
સવાલ-1
ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇની પરીક્ષા આપશે કોણ? કેમકે ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરશે કે નીટ કે જેઇઇ પરીક્ષા આપશે?
સવાલ-2
ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇ પરીક્ષા આપ્યા બાદ જાન્યુઆરીમાં રિઝલ્ટ જાહેર થશે અને તેમાં સારો રેન્ક ધરાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ કોણ આપશે, અધવચ્ચેથી પ્રવેશ અપાશે તો સીટ્સ ક્યાંથી ઉપલબ્ધ થશે. અને જો શૈક્ષણિક વર્ષ અનુસાર જૂનમાં પ્રવેશ અપાશે તો વિદ્યાર્થીને ફાયદો શું થશે?
સવાલ-3
બે વખત નીટ કે જેઇઇ પરીક્ષા લેવાની યોજના ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે અસ્તિત્વમાં લાવવામાં છે કે જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છે?
સવાલ-4
ધો.12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ બીજી વખતની નીટ કે જેઇઇની પરીક્ષામાં સારો સ્કોર લાવશે ત્યારે તેના મેરિટની ગણતરી બીજા વર્ષના ફ્રેશર્સ વિદ્યાર્થીઓની સાથે કેવી રીતે સરખામણી કરાશે?
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
