CIA ALERT
06. May 2024
December 24, 20181min5490

Related Articles



ઇન્ડોનેશિયામાં સુનામી: ૨૨૨નાં મોત

Share On :
Print Friendly, PDF & Email

જ્વાળામુખી ફાટતા ઊંચા મોજાં ઊછળ્યાં: ૮૪૩ ઘાયલ, ૨૮ લાપતા

ઇન્ડોનેશિયાના કેરિટા ટાપુ પર જ્વાળામુખી ફાટવાની સાથે સુનામી આવતા સુંદા સામુદ્રધુનીની આસપાસના કાંઠાના વિસ્તારમાં અંદાજે ૨૨૨ લોકો માર્યા ગયા હતા. સપ્તાહના અંતે દરિયાકિનારે સેંકડો લોકો રજા માણી રહ્યા હતા ત્યારે આવેલા સુનામીમાં અનેક ઘર અને હૉટેલ નાશ પામ્યા હતા.

ડિઝાસ્ટર મૅનૅજમૅન્ટ ઍજન્સીએ જણાવ્યું હતું કે શનિવારે તા.22 ડિસેમ્બર 2018ની રાતે ૯.૨૭ વાગ્યે આવેલા સુનામીમાં ૮૪૩થી વધુ લોકો ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછા ૨૮ જણ લાપતા છે.

ક્રાકાટાઉ જ્વાળામુખી દ્વારા નજીકમાં જ રચાયેલા જ્વાળામુખીવાળા ટાપુ અનાક ક્રાકાટોઆ ખાતે દરિયામાં ભેખડો ધસી પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. પૂનમને લીધે દરિયામાં રાતે ભરતી પણ હતી. સોશિયલ મીડિયા પર મુકાયેલા ફૂટૅજ મુજબ એક સ્થાનિક વિદ્યુત કંપનીના

કર્મચારીઓ માટે દરિયાકાંઠે તંબુમાં ‘સૅવનટીન’ નામનું પૉપ બૅન્ડ કાર્યક્રમ આપી રહ્યું હતું, મંચ પર ફ્લૅશ લાઇટ હતી, એક બાળક ટોળાની વચ્ચે ફરતું હતું, દરિયાકાંઠે સફેદ કાપડ સાથેના ટૅબલ ગોઠવ્યા હતા, બીજા ગીતની શરૂઆત થઇ હતી, ડ્રમરે ડ્રમ વગાડવાનો પ્રારંભ કર્યો હતો ત્યારે સુનામી આવતા મંચ પરના બધા લોકો સંગીતના સાધનો દર્શકો પર ફેંકીને નાસી ગયા હતા.

બૅન્ડે નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા બાસ પ્લૅયર અને રૉડ મૅનૅજર મૃતાવસ્થામાં મળ્યા હતા, જ્યારે બૅન્ડના અન્ય ત્રણ સભ્ય અને એક કલાકારની પત્ની લાપતા છે.

દરિયાના મોજાં બહુ જ ઊંચે સુધી ઊછળ્યાં હતાં અને દરિયાકાંઠા પરના અનેક લોકોને ખેંચીને લઇ ગયા હતા.

નાતાલની રજા માણવા અહીંના દરિયાકિનારે આવેલા અનેક પર્યટક પણ મોતને ભેટ્યા હતા.

ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડે જણાવ્યું હતું કે અમારા કોઇ નાગરિક મૃત્યુ પામ્યા હોવાની હજી માહિતી નથી મળી, પરંતુ અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

નોર્વેના એક પર્યટકે ફૅસબુક પર લખ્યું હતું કે સુનામીના મોજાં કાંઠાના ૧૫થી ૨૦ મીટર સુધીના વિસ્તારમાં આવ્યા હોવાથી મારે જીવ બચાવવા દોડવું પડ્યું હતું. હું જ્વાળામુખીના ફૉટા પાડતો હતો ત્યારે અચાનક મોટું મોજું મારા ભણી ધસી આવ્યું હતું. હું જે હૉટેલમાં રહેતો હતો તે વિસ્તાર સુધી બીજું મોજું આવ્યું હતું. હું મારા પરિવારની સાથે જંગલના માર્ગે અને ગામડાંમાં થઇને સલામતસ્થળે પહોંચ્યો હતો અને ત્યાં સ્થાનિક લોકોએ અમારું ધ્યાન રાખ્યું હતું.

જાવામાં બાન્ટેન પ્રાંતના પાંડેગ્લાંગ વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું હતું. આ પ્રદેશમાં ઉગુંગ કુલોન રાષ્ટ્રીય ઉદ્યાન અને લોકપ્રિય દરિયાકાંઠા છે.

દક્ષિણ સુમાત્રાના બંદર લમ્પુંગ શહેરમાં સેંકડો લોકોએ સરકારી કચેરીમાં આશ્રય લીધો હતો.

સુંદા સામુદ્રધુનીમાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી આવેલો છે. આ સામુદ્રધુની હિંદ મહાસાગર અને જાવાના સમુદ્રને જોડે છે. આ જ્વાળામુખી સુનામીની અંદાજે ૨૪ મિનિટ પહેલાં ફાટ્યો હતો.

રાજધાની જાકાર્તાના વાયવ્યમાં અંદાજે ૨૦૦ કિલોમીટર દૂર આવેલો આ જ્વાળામુખી ૩૦૫ મીટર ઊંચો છે અને તેમાંથી જૂનથી લાવા નીકળી રહ્યો છે.

સુનામીને લીધે ૪૩૦ ઘર, ૯ હૉટેલ, ૧૦ જહાજને ભારે નુકસાન પહોંચ્યું હતું. અનેક રસ્તા પર ઊંધા વળી ગયેલા વાહન જોવા મળતા હતા.

અગાઉ, ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી અને સુનામીને લીધે જાનમાલની ભારે હાનિ થઇ હતી.

સુનામી લાવનારો જ્વાળામુખી ૯૦ વર્ષ પહેલાં તૈયાર થયો હતો

ઇન્ડોનેશિયામાં શનિવારે રાતે સુનામી લાવનારો જ્વાળામુખી અનાક ક્રાકાટોઆ મૂળ ક્રાકાટોઆમાંથી ૯૦ વર્ષ પહેલાં તૈયાર થયો હતો અને તે ગયા જૂનથી અંશત: સક્રિય છે. જ્વાળામુખીવાળા ટાપુ ક્રાકાટોઆ પર

૧૮૮૩થી જ્વાળામુખી ફાટી રહ્યા છે અને અનાક ક્રાકાટોઓ ૧૯૨૮માં એટલે કે આજથી ૯૦ વર્ષ પહેલાં તૈયાર થયો હતો અને લાવાને લીધે તે જ્વાળામુખીનો નાનો ટાપુ જ બની ગયો છે. તે દરિયાની જળસપાટીથી અંદાજે ૩૦૦ મીટર (૧,૦૦૦ ફૂટ) ઊંચો છે. અનાકા ક્રાકાટોઆ

તૈયાર થયા બાદ દર બેથી ત્રણ વર્ષે ફાટે છે. જ્વાળામુખી ફાટે ત્યારે દરિયામાં પણ ભેખડો ધસી પડે છે અથવા ધરતીકંપ થાય છે અને તેને લીધે સુનામી પણ આવી શકે છે.

જ્વાળામુખીવાળા આ ટાપુ પર કોઇ નથી રહેતું, પરંતુ પર્યટકો અને જ્વાળામુખીના અભ્યાસાર્થીઓ તેની આસપાસ જાય છે.

મૂળ ક્રાકાટોઆ ૧૮૮૩ની ૨૭મી ઑગસ્ટે ફાટ્યો હતો અને ૨૦ કિલોમીટરથી વધુ વિસ્તારમાં રાખ ફેલાઇ હતી. આ જ્વાળામુખી ફાટવાનો અવાજ ઑસ્ટ્રેલિયા અને મોરિશિયસ સુધી સંભળાયો હોવાનું પણ કહેવાય છે.

સુનામીને લીધે અગાઉ ૩૬,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને મોટા પાયે જાનમાલની હાનિ થઇ હતી. પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઑફ ફાયર’ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા દેશોમાં ૧૩૦ સક્રિય જ્વાળામુખી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :