ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી, 9 મહિનામાં બીજું વર્લ્ડ ટાઇટલ

- ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી હવે ન્યુઝીલેન્ડને હરાવી વન-ડે ક્રિકેટમાં પણ વર્ચસ્વ સ્થાપ્યું
- પ્લેયર ઓફ ધ મેચ રોહિત શર્માની કેપ્ટન ઈનિંગ, ૮૩ બોલમાં સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે ૭૬ ઃ ભારતીય સ્પિનરોના મેજિક સામે ન્યુઝીલેન્ડના ૭ વિકેટે ૨૫૧
- ભારતને ચેમ્પિયન બનવા બદલ રૂા. ૨૦ કરોડનું ઈનામ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વગર વિજેતા બન્યું
- ભારતે ટાર્ગેટ ૪૯ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી પાર પાડયો
- રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની અટકળો ફગાવી
ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતતા આજે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને એક ઓવર બાકી હતી ત્યારે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરોમાં ૭ વિકેટે ૨૫૧ રન કર્યા હતા. ભારતે ૬ વિકેટે ૨૫૪ રન ૪૯ ઓવરોમાં નોંધાવી ટાર્ગેટ પાર પાડયું હતું. પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન રોહિત શર્માએ ૮૩ બોલમાં ૭ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ઓપનિંગમાં આવીને આક્રમક ૭૬ રનની ઈનિંગ રમતા તેમજ કુલદિપ યાદવે રવીન્દ્ર (૩૭) વિલિયમસનની (૧૧)ની ઝડપેલી કિંમતી વિકેટ તેમજ વરૂણ ચક્રવર્તીની બે અને જાડેજાની ૧૦ ઓવરોમાં ૩૦ રન જ આપીને એક વિકેટ ઝડપતી બોલિંગનું આ વિજયમાં મહત્વનું પ્રદાન રહ્યું હતું. શમી ખર્ચાળ સાબીત થયો હતો અને તેણે નવ ઓવરોમાં ૭૪ રનમાં ૧ વિકેટ ઝડપી હતી.
ભારતે આ અગાઉ ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે ૧૨ વર્ષે ફરી ટાઈટલ તેના નામે કર્યું હતું. ભારતને ચેમ્પિયન્સ બનવા બદલ રૂ. ૨૦ કરોડનું ઇનામ આપવામાં આવ્યું હતું.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડ તરફથી મિચેલ ૬૩ (૧૦૧ બોલ), બ્રેસવેલ ૫૩ અણનમ (૪૦ બોલ), ફીલીપ્સ ૩૪ (૫૨ બોલ) અને રવીન્દ્ર ૩૭ (૨૯ બોલ)ની ઈનિંગને લીધે ૫૦ ઓવરોમાં ૭ વિકેટે ૨૫૧ રનનો સ્કોર શક્ય બન્યો હતો.
ભારતે ૨૫૨નો ટાર્ગેટ ઝીલવા ઉતર્યું ત્યારે રોહિત શર્માએ જોખમ ઉઠાવતા તેની આગવી શૈલી પ્રમાણે આક્રમક બેટિંગ કરી હતી. સામાન્ય રીતે આવી શરૂઆત કર્યા પછી તે ૩૦-૪૦ રન કે તે પહેલા આઉટ થઈ જતો હોય છે પણ આજે તે મોટી ઈનિંગ રમવામાં સફળ થયો હતો. ગીલે તેને સ્ટ્રાઈક આપતા રહી સાથ આપ્યો હતો.
ગીલ (૩૧) સાન્ટનરની બોલિંગમાં ફિલિપ્સના શોર્ટ એકસ્ટ્રા કવર પર હવામાં ડાઇવિંગ અદ્ભૂત કેચ દ્વારા આઉટ થતા ભારતની પ્રથમ વિકેટ પડી હતી. ૧૮.૪ ઓવરોમાં જ ૧૦૫ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાઈ હતી.
તેના પછીની ઓવરના (૧૯.૧) પહેલા જ બ્રેસવેલના બોલમાં કોહલીના પેડની નીચે ડિફેન્સ ચુકતા બોલ અથડાયો હતો અને બે જ બોલ રમી ૧ રને આઉટ થયો હતો. રોહિત શર્મા ક્રીઝની બહાર આવી રવીન્દ્રના બોલને બાઉન્ડ્રી બહાર મોકલવાના આવેગમાં ટર્નિંગ બોલ ચૂક્યો અને લાથમે તેનું સ્ટમ્પીંગ કર્યું હતું. વીના વિકેટે ૧૦૫થી ૧૨૬ રને ૩ વિકેટનો સ્કોર થઈ જતા ન્યુઝીલેન્ડની ટીમમાં ઉત્સાહ વધ્યો હતો.
પણ શ્રેયસ ઐયર ૬૨ બોલમાં ૪૮ અને અક્ષર પટેલના ૪૦ બોલમાં ૨૯ રનની ઈનિંગ ખૂબ જ મહત્વના પૂરવાર થયેલ. ૬૧ રન ચોથી વિકેટની ભાગીદારીમાં ઉમેર્યા હતા.
જોકે બંને વધુ ૨૦ રનના ઉમેરા સુધીમાં આઉટ થતા ચાહકો ફરી ચિંતામાં ગરકાવ થઈ ગયેલ કે.એલ. રાહુલે ૩૩ બોલમાં ૩૪ અણનમ રન સાથે એક છેડો જાળવી રાખતા અપસેટ નહોતો થયો.
નાજુક પળોમાં દબાણ હળવું કરતા હાર્દિક પંડયાએ ૧ ચોગ્ગો એક છગ્ગા સાથે ૧૮ રન કર્યા હતા.જાડેજાએ ૪૯મી ઓવરના આખરી બોલે ઓ’રોઉર્કેના બોલમાં વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.એ પણ ખરૂં કે ૧૮.૩ ઓવરોમાં વીના વિકેટે ૧૦૫ રનનો સ્કોર હતો ત્યારે એવું લાગતું હતું કે એકતરફી બની ચુકેલ મેચ ૪૦થી ૪૫ ઓવરમાં જ પુરી થશે પણ ન્યુઝીલેન્ડે સાવ હતાશ સ્થિતિ છતાં જુસ્સો જાળવી રાખ્યો અને ૪૯ ઓવરો સુધી મેચ ચાલી. ન્યુઝીલેન્ડ માટે એવું કહેવાતું કે રવીન્દ્ર અને વિલિયમસન ભારતના ટાઈટલ વચ્ચે પહાડની જેમ ઉભા રહી શકે તેવા ફોર્મમાં છે.
પણ ૧૧મી ઓવરમાં કેપ્ટન રોહિત શર્માએ કુલદીપ યાદવને બોલિંગ આપી અને તેના પહેલા જ બોલે ચોથી સ્ટમ્પ પરનો બોલ અંદર તરફ સ્પિન થતો હતો અને રવીન્દ્ર તેને ઓફ સાઇડ પર ફટકારવા જતા બોલ્ડ થયો હતો તે પછીની કુલદીપની ઓવરમાં બીજા બોલે (૧૨.૨) વિલિયમસન લોંગ ઓન તરફ રમવાના પ્રયત્નમાં દ્વીધા સાથે થાપ ખાઈ ગયો અને કુલદિપને જ કેચ આપી બેઠો. યંગ તો અગાઉ વરૂણનો શિકાર બની જ ગયેલો. ૭૫ રનમાં ૩ કિંમતી વિકેટ પડી જતા ન્યુઝીલેન્ડ સાવધ થઈ ગયું. હવે તેઓનો રન રેટ પણ દબાણ હેઠળ ઘટતો જતો મિચેલ અને ફીલીપ્સે ૫૭ રનની ભાગીદારી સાથે આક્રમણનું પ્લેટફોર્મ ખડું કર્યું હતું પણ વરૂણે ફીલીપ્સને બોલ્ડ કર્યો હતો. ન્યુઝીલેન્ડના ૨૨૦ની આસપાસ રન થાય તેમ લાગતું હતું પણ મિચેલ (૬૩) અને તે પછી આખરી ઓવરોમાં બ્રેસવેલે ૪૦ બોલમાં ૫૩ અણનમની ઈનિંગ રમતા ન્યુઝીલેન્ડ કંઈક લડત આપી શકે તેવો સ્કોર બનાવી શક્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
