CIA ALERT
05. May 2024
May 30, 20191min2520

Related Articles



આજથી વન-ડે વર્લ્ડ કપ

Share On :
Print Friendly, PDF & Email

બૅટિંગના વિક્રમો અને સિદ્ધિઓને લીધે અત્યારથી જ ક્રિકેટ-લેજન્ડ બની ગયા પછી હવે અહીં આજે શરૂ થયેલા વન-ડે વર્લ્ડ કપના ચૅમ્પિયનપદની ઉપલબ્ધિ ‘કિંગ’ વિરાટ કોહલીના મુગટ પર ‘કોહિનૂર’ સાબિત થશે.

વિરાટ ટેસ્ટ અને વન-ડેમાં ઘણા મહિનાઓથી વર્લ્ડ નંબર-વન છે અને તેના સુકાનમાં ભારત ટેસ્ટ તથા વન-ડેમાં અનુક્રમે નંબર-વન તથા નંબર-ટૂ બન્યું તો બન્યું જ છે, હવે તેણે પોતાની કૅપ્ટન્સીમાં વન-ડે જગતનો તાજ પહેરવાનું સપનું સેવ્યું છે, પરંતુ સૌથી વધુ બે હરીફ ખેલાડીઓ તેના માટે અવરોધ બની શકે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને ભૂતપૂર્વ વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર ગયા વર્ષના બૉલ-ટૅમ્પરિંગના બનાવને પગલે 12 મહિનાનો પ્રતિબંધ ભોગવ્યા બાદ હવે ફરી ઑસ્ટ્રેલિયાને વિશ્ર્વવિજેતા બનાવીને ભૂલનો સૌથી મોટો બદલો ચૂકવવા સંકલ્પિત છે.

યજમાન ઇંગ્લૅન્ડનો આયલેન્ડમાં જન્મેલો કૅપ્ટન ઓઇન મૉર્ગન પણ પોતાની ટીમને અને પોતાના દેશ ઇંગ્લૅન્ડને અનેરી સિદ્ધિ અપાવવા થનગની રહ્યો છે. 1975માં વર્લ્ડ કપ યોજાવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય ઇંગ્લૅન્ડે વિજેતાપદ નથી મેળવ્યું, પણ મૉર્ગન ટૅલન્ટેડ અને મહત્ત્વકાંક્ષી ખેલાડીઓથી ભરેલી પોતાની ટીમના ટેકાથી 44 વર્ષથી અધૂરું રહેલું એ સપનું હવે સાકાર કરાવવા મક્કમ છે.આવતા સાડા-છ અઠવાડિયા (46 દિવસ) દરમિયાન વન-ડેની ટોચની 10 રૅન્કવાળી ટીમો વન-ડે જગતના નવા શહેનશાહ બનવા એકમેક સામે એક લીગ મૅચ રમશે અને એ જંગની શરૂઆત આજે અહીં કેનિંગ્ટન ઓવલમાં યજમાન ઇંગ્લૅન્ડ અને ફૅફ ડુ પ્લેસીના સુકાનવાળી સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચેના મુકાબલા (ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યાથી) સાથે થશે. ઇંગ્લૅન્ડમાં તેમ જ એના જ હિસ્સા ગણાતા વેલ્સ ટાપુના કાર્ડિફનું મેદાન મળીને કુલ મળીને 11 સ્થળે વિશ્ર્વકપના કુલ 45 લીગ મુકાબલાઓ થશે અને ત્યાર પછી સેમી ફાઇનલ તથા ફાઇનલ રમાશે.

સેમી ફાઇનલ થવા માટે ક્વૉલિફાય થવા કોઈ પણ દેશની ટીમે ઓછામાં ઓછી પાંચ લીગ મૅચ જીતવી જરૂરી છે અને પ્રત્યેક ટીમનો સૌથી પહેલો લક્ષ્યાંક એ જ હશે.

ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા આ વખતે ચૅમ્પિયન બનવા ઘણા ક્રિકેટ-નિષ્ણાતોમાં પહેલેથી જ ફેવરિટ છે, ન્યૂ ઝીલૅન્ડની ‘શિસ્તબદ્ધ’ ટીમ તેમ જ તરંગી અને લહેરી પાકિસ્તાનની ટીમ અને ‘ભભકાવાળી’ અને ‘દમામદાર’ વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ ચૅમ્પિયન બનવા સક્ષમ છે.

બૅટ્સમેનોમાં કોણ કેટલું સફળ થાય છે એનો આધાર કેટલાક ટોચના બોલરોની સફળતા પર નિર્ભર રહેશે. ભારતીય બોલરોની વાત કરીએ તો વન-ડેનો વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ તેમ જ ટોચના બે રિસ્ટ-સ્પિનરો કુલદીપ યાદવ તથા યુઝવેન્દ્ર ચહલ હુકમના પત્તાં બની રહેશે. ભારતની બૅટિંગ લાઇન-અપ વિરાટ ઉપરાંત વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ-સેન્ચુરી ફટકારી ચૂકેલા રોહિત શર્મા તેના ઓપનિંગના સાથી શિખર ધવન, પીઢ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની તેમ જ નંબર-ચાર પર ફિક્સ થઈ ગયેલા કે. એલ. રાહુલ અને આક્રમક બૅટ્સમૅન હાર્દિક પંડ્યા પર ટીમને સૌથી વધુ આધાર રહેશે.

ધોની ચોથો અને આખરી વર્લ્ડ કપ રમી રહ્યો હોવાથી ભારતીય ટીમ તેને ચૅમ્પિયનપદની ભેટ આપવા કોઈ કસર બાકી નહીં રાખે. મિડલ-ઑર્ડરની બૅટિંગ ભારત માટે ચિંતાનો વિષય જરૂર છે, પરંતુ સેમી ફાઇનલ સુધી પહોંચી શકાય એમ છે જ.

ગયા વખતના વિજેતા અને કુલ પાંચ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા ઑસ્ટ્રેલિયાને સ્મિથ-વૉર્નર ઉપરાંત ઉસ્માન ખ્વાજા, કૅપ્ટન ઍરોન ફિન્ચ, પેસ બોલરો પૅટ કમિન્સ તથા મિચલ સ્ટાર્ક, સ્પિનરો નૅથન લાયન અને ઍડમ ઝેમ્પા વર્લ્ડ કપ અપાવી શકે.

યજમાન ઇંગ્લૅન્ડનો સૌથી વધુ આધાર જૉસ બટલર, જૉ રૂટ, જૉની બેરસ્ટૉવ તેમ જ ઑલરાઉન્ડર જોફરા આર્ચર, બેન સ્ટૉક્સ તેમ જ માર્ક વૂડ અને સ્પિનરો મોઇન અલી તથા આદિલ રશીદ પર છે.

છેલ્લી લાગલગાટ 10 વન-ડે હારીને ઇંગ્લૅન્ડ આવેલી પાકિસ્તાની ટીમમાં રહી-રહીને મોહંમદ આમિર અને વહાબ રિયાઝનો સમાવેશ કરાયો છે. ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, પીઢ પ્લેયરો શોએબ મલિક તથા મોહંમદ હફીઝ અને બાબર આઝમ પણ પાક માટે મૅચ-વિનર બની શકે.

કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ માર્ટિન ગપ્ટિલ તથા કૉલિન મન્રોની મદદથી કેટલાક આંચકા સર્જીને સેમી ફાઇનલ સુધી પહોંચી શકે એમ છે. આ ટીમને બહુ સારું ફૉર્મ ધરાવતા ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટ તેમ જ ઑલરાઉન્ડરો જિમ્મી નીશૅમ અને કૉલિન ડી’ગ્રેન્ડહમનો સારો ટેકો મળી શકે એમ છે.

કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર અને એમાં પણ આઇપીએલ-2019ના સ્ટાર આન્દ્રે રસેલ પર તેમ જ ‘યુનિવર્સ બૉસ’ તરીકે જાણીતા ક્રિસ ગેઇલ પર રહેશે. રસેલે આ વખતની આઇપીએલમાં સૌથી વધુ 50થી પણ વધુ સિક્સર ફટકારી હતી.

સાઉથ આફ્રિકા વતી ડેલ સ્ટેન ઈજાને કારણે પહેલી મૅચ નહીં રમી શકે, પણ કૅગિસો રબાડાની પેસ તથા ઇમરાન તાહિરના સ્પિન આ ટીમને જિતાડી શકે.

અફઘાનિસ્તાનની ટીમ વન-ડે ક્રિકેટના વર્લ્ડ નંબર-થ્રી અને ટી-ટ્વેન્ટીના નંબર-વન બોલર રશીદ ખાન પર સૌથી મોટો મદાર રાખશે.

મશરફી મોર્તઝાના નેતૃત્વમાં બંગલાદેશની ટીમ મંગળવારે ભારત સામેની પ્રૅક્ટિસ-મૅચ હારી જતાં થોડી હતાશ જરૂર હશે, પરંતુ એ લડાયક ટીમ આ સ્પર્ધામાં એકાદ-બે અપસેટ તો કરી જ શકે એમ છે.

10 ટીમમાં ટચ વિનાની મનાતી એકમાત્ર ટીમ શ્રીલંકાની છે જેમાં બોલિંગ કે બૅટિંગમાં જરાય ડેપ્થ નથી દેખાતી. દિમુથ કરુણારત્નેના સુકાનવાળી આ ટીમ પાસે લસિથ મલિન્ગાના રૂપમાં અનુભવી ફાસ્ટ બોલર છે, પણ 1996માં જેમ અર્જુન રણતુંગાના નેતૃત્વમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ટીમમાં જેમ માહેલા જયવર્દને, સનથ જયસૂર્યા, અરવિંદ ડી’સિલ્વા હતા એમ આ વખતની ટીમમાં એવા કોઈ કાબેલ ખેલાડી નથી.

જોકે, ક્રિકેટમાં ક્યારેય પણ કંઈ પણ બની શકે. શક્તિશાળી ગણાતી ટીમ નબળી પુરવાર થાય, જ્યારે નિસ્તેજ ટીમ ભલભલી મોટી ટીમને નિશાન બનાવીને સ્પર્ધામાં પ્રગતિ કરતી રહે એવું પણ બની શકે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :