CIA ALERT
06. May 2024
December 19, 20191min13810

Related Articles



સૂરતીઓને દારુની પરમિટ 8-10 હજારમાં મળતી થાય એવા દિવસો આવી ગયા છે

Share On :
Print Friendly, PDF & Email

સૂરતમાં દારૂની પરમિટમાં વચેટીયાઓના લાખોના ભ્રષ્ટાચાર પર સરકારનું સ્ટીમ રોલર

સૂરતમાં કેટલાક લોકો દારુના શોખીન છે અને એ વાતમાં કોઇ નાનમ કે શરમ નથી. ગુજરાતમાં દારુબંધી છે એટલે શોખીનો એકયા બીજા કારણોસર દારુની પરમિટ લઇને પોતાનો શોખ, ટેવને પૂરી કરે છે. દારુની પરમિટ અપાવવાના નામે નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા કેટલાક લોકોએ રીતસર પરમિટ અપાવવાનો ધંધો શરૂ કરી દીધો હતો અને આ વચેટીયાઓ એટલી હિંમત કરી કે સિવિલ હોસ્પિટલમાં જ પોતાના માણસને બેસાડીને પરમિટ દીઠ રૂ.15-20 હજારની પોતાની કટકીના ઉઘરાણા શરૂ કરી દીધા હતા અને આ અંગે એક નહીં બબ્બે વખત સ્ટીંગ ઓપરેશન કરીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓને સૂરતમાં દારૂની પરમિટમાં થતાં ભ્રષ્ટાચારથી વાકેફ કર્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઇને દારૂની પરમિટ માટે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની પુરાવા સમેતની ફરીયાદોને પગલે એ પોસ્ટ પર ડો. ગણેશ ગોવેકરને રાતોરાત ખસેડીને બાહોશ અને પ્રમાણિક એવા ડો.પ્રીતિ કાપડીયાની નિમણૂંક કરી દઇને લિકર પરમીટમાં વચેટીયાઓ દ્વારા આચરવામાં આવતા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર પર સ્ટીમ રોલર ફેરવી નાંખ્યું છે.

રાજ્ય સરકાર જો દારૂની પરમિટ અપાવતા વચેટીયાઓને તાબે નહીં થાય તો એ દિવસો દૂર નથી કે શોખીન સૂરતીઓને દારૂની પરમિટ રૂ.8-10 હજાર જેટલી રકમમાં મળતી થાય. હવે સૂરતીઓએ જોવાનું છે કે સરકાર દબાણમાં આવીને નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે દારુની પરમિટ કઢાવી આપતા વચેટીયાઓના માનીતા ને ન બેસાડી દે.

જો સરકાર સૂરતની નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેડન્ટ પદે ફરીથી કોઇ વચેટીયાઓના માનીતાને બેસાડી દેશે તો દારુની પરમિટ માટે સૂરતીઓએ બિનજરૂરી રૂ.30 હજાર સુધીની રકમ ખર્ચવી પડશે.

હાલ તુરત તો રાજ્યના આરોગ્ય વિભાગે કોઇપણ પ્રકારના દબાણોથી પર રહીને સૂરત સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ અપાવવાના નામે ચાલતા ગોરખધંધો પર સ્ટીમ રોલર ફેરવતું હિંમતભર્યું પગલું લીધું છે એ કાબિલેતારીફ છે, અત્યાર સુધી કોઇએ દારૂની પરમિટમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ગંભીર ફરીયાદો હતી છતાં સિસ્ટમમાં સુધારા કર્યા ન હતા. પરંતુ, હાલના ઉચ્ચાધિકારીએ સૂરત સિવિલમાં દારૂની પરમિટમાં થતો બેરોકટોક અને બેફામ ભ્રષ્ટાચાર પર રાતોરાત બંધ કરાવી દઇને રાજ્ય સરકારની પણ છબી ખરડાતી બચાવી છે.

File Photo liquor Permit

રાજ્ય સરકારે સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટમાં આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ભરેલા પગલાંથી દારૂની પરમિટ અપાવવાનો ગેરકાનૂની ધંધો કરી રહેલા તત્વોના પેટમાં તેલ રેડાયું છે. તેમણે સૂરત સિવિલમાં તેમજ તબીબી જગત સાથે સંકળેયાલા કેટલાક લોકો મારફતે સરકાર પર દબાણ લાવવાનું શરૂ કરીને ફરીથી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે પોતાના માનીતાને બેસાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વચેટીયાઓએ દારૂની પરમિટનો ભાવ રૂ.30 હજારે પહોંચાડી દીધો

ધનવાન, શોખીન સૂરતીઓને દારુની પરમિટ અપાવવાના ધંધામાં મહિને લાખો રૂપિયાની કમાણી જોઇ ગયેલા કેટલાક વચેટીયાએએ રાજ્ય સરકારનું ભારે દબાણ છે, પરમિટ નહીં મળે એવો ડોળ ઉભો કરીને તાજેતરમાં નવી હેલ્થ લિકર પરમિટનો ભાવ રૂ.30 હજાર પર પહોંચાડી દીધો છે. હકીકતમાં કાયદેસર રીતે લિકર પરમિટ માટે રાજ્ય સરકારને ફક્ત રૂ.2000 અને રોગી કલ્યાણ ફંડમાં નવી પરમિટના રૂ.8,000 અને રિન્યુઅલના રૂ.4,000 ચૂકવવાના થાય અને એ સિવાય પ્રોસેસિંગના ખર્ચ થાય પરંતુ, દારૂની પરમિટ અપાવતા વચેટીયાઓએ પોતપોતાના હિસ્સાઓ ભેગા કરીને એક પરમિટ પર વાસ્તવિક ખર્ચ કરતા ચાર ગણા રૂપિયા લેવાનું શરૂ કરી દેતા પાપ છાપરે ચઢીને પોકાર્યું છે.

રોગી કલ્યાણ ફંડમાં જાય તેનાથી 3 ગણા રૂપિયા વચેટીયાઓ હજમ કરી જાય છે

કેટલાક સૂરતીઓ દારૂના શોખીન છે અને પોતાના શોખ, ટેવને લીધે ક્યારેક પોલીસ અડફેટે ન ચઢી જવાય એ માટે કાયદેસર લિકર પરમિટ રાખવાનું મુનાસિબ માને છે. એટલે લિકર પરમિટ નવી લેવા કે રિન્યુ કરાવવા માટે વચેટીયાએ જેટલા રૂપિયા માંગે તેટલા સૂરતીઓ ખુશી ખુશી આપે દે છે. સૂરતના ધનવાનો, શોખીનોની આ કમાણીમાંથી નવી સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ ફંડમાં જેટલા રૂપિયા જાય છે તેનાથી ત્રણ ગણા રૂપિયાઓ પરમિટ અપાવવાનો ધંધો કરતા લોકો હજમ કરી જાય છે.

સૂરતના બે ધારાસભ્યો, બે તબીબો સૂરત સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડટ બદલવા માટે સરકારને રજૂઆત કરી ચૂક્યા છે

દારુની પરમિટ માટે જરૂરી હેલ્થ રિપોર્ટ આપવાના બદલામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાનું પ્રકરણ છાપરે ચઢીને પોકારતા રાજ્યના આરોગ્ય વિભાગે સૂરત સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે બાહોશ અને પ્રમાણિક તબીબની છાપ ધરાવતા ડો. પ્રીતિ કાપડીયાની ઇન્ચાર્જ તરીકે નિયુક્તિ કરી છે. હજુ ત્રણ દિવસ પૂર્વે નવી સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડન્ટ પદે થયેલી આ બદલીને દૂર કરાવવા માટે સૂરતના બે ધારાસભ્યો અને બે તબીબો રાજ્ય સરકારને રજૂઆત કરી ચૂક્યા છે. અમે હાલ તુરત અહીં એમના નામ પ્રકાશિત નથી કરી રહ્યા.

સરકારે સિવિલ હોસ્પિટલના કેટલાક સ્થાપિત હિતોને આઇસોલેટ કરવાનો વખત આવી ગયો છે

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ટેન્ડરથી લઇને દારૂની પરમિટ અપાવવા જેવા અનેક કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની સંગીન ફરીયાદોને પગલે રાજ્ય સરકારે હવે નવી સિવિલ હોસ્પિટલમાં સ્થાપિત હિતોની સાફસૂફીનું મન બનાવી લીધું હોવાનું જણાય છે. હકીકતમાં રાજ્ય સરકારે આવા સ્થાપિત હિતોને ઓળખી કાઢીને વીણી વીણીને તેમને આઇસોલેટ કરવાનો સમય આવી ગયો છે. યોગાનુંયોગ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી ખુદ સૂરતના છે. નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા તત્વોએ આરોગ્ય મંત્રી તેમજ ડો.નીતિન પટેલને પણ ગેરમાર્ગે દોરીને પોતાના સ્થાપિત હિતોને નુકસાન ન થાય એ માટે પ્રયાસો કરી જોયા છે. પરંતુ, આરોગ્ય મંત્રી શ્રી કાનાણીએ આવા તત્વોની એક કારી ચાલવા દીધી નથી. હવે એ સમય આવી ગયો છે કે નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા લોકોને દૂર કરીને તંત્રને ચોખ્ખું કરી દેવામાં આવે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :