CIA ALERT
02. May 2024
May 30, 20213min365

Related Articles



કોરોનાથી અનાથ બનેલા બાળકો માટે કલ્યાણ યોજના

Share On :
Print Friendly, PDF & Email

ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર બીજી મુદતનું બીજું વરસ પૂરી કરી રહી હોવાની પૂર્વસંધ્યાએ એટલે કે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને કારણે માતાપિતા ગુમાવનાર બાળકોના કલ્યાણ માટે અનેક પગલાંઓની જાહેરાત કરી હતી જેમાં તેમને શિક્ષણ આપવા સહિત તેઓ ૧૮ વર્ષના થાય ત્યારે તેમને રૂ. ૧૦ લાખનું કૉર્પસ આપવાનો પણ સમાવેશ થાય છે. કોરોનાને કારણે માતાપિતાને ગુમાવનાર બાળકોને મદદરૂપ થવા લેવામાં આવનારાં સંભવિત પંગલાંઓ અંગે ચર્ચા કરવા યોજાયેલી બેઠકનું અધ્યક્ષપદ સંભાળતા મોદીએ કહ્યું હતું કે ‘પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન’ યોજના અંતર્ગત આવા બાળકોને મદદ કરવામાં આવશે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આવા બાળકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ખોલવામાં આવશે.

વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત પીએમ કેર્સ ફંડ મારફતે યોગદાન આપી આવું પ્રત્યેક બાળક જ્યારે ૧૮ વર્ષનું થશે ત્યારે તેના માટે રૂ. ૧૦ લાખનું કૉર્પસ ઊભું કરવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આ કૉર્પસનો ઉપયોગ બાળક ૧૮ વર્ષનું થાય ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસના સમયગાળા દરમિયાન તેની અંગત જરૂરિયાત પૂરી કરવા માટે પાંચ વર્ષ સુધી તેને માસિક આર્થિક સહાય કે સ્ટાયપન્ડ આપવા ઉપયોગમાં લેવામાં આવશે.

બાળક ૨૩ વર્ષનું થયા બાદ અંગત કે વ્યાવસાયિક ઉપયોગ માટે આ કૉર્પસની રકમ તેને આપવામાં આવશે.

આ જાહેરાત કરતી વખતે મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

સરકાર તેમની સુરક્ષા અને સહાય માટે બનતું બધું જ કરશે જેથી કરીને આ બાળકો દેશના સશક્ત નાગરિકો બને અને તેમનું ભવિષ્ય ઉજળું રહે, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે કટોકટીના આવા સમયમાં એક સમાજ તરીકે બાળકોની કાળજી લઈ તેમનામાં ઉજળા ભવિષ્યની આશાનું નિરુપણ કરવું એ આપણી ફરજ છે.

તમામ બાળકો જેમણે કોરોનાને કારણે માતાપિતા કે તેમને દત્તક લેનાર પાલક માતાપિતા બંને ગુમાવ્યા હોય તેમને આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આવા બાળકોના શિક્ષણ અંગે લેવામાં આવનારાં પગલાં પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે ૧૦ વર્ષથી નાના બાળકોને નજીકના કેન્દ્રીય વિદ્યાલય કે ખાનગી શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

૧૧થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને સૈનિક સ્કૂલ, નવોદયા વિદ્યાલય જેવી કેન્દ્ર સરકારની કોઈપણ શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

જો બાળકને ખાનગી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હશે તો રાઈટ ટૂ ઍજ્યૂકેશન ઍક્ટની જોગવાઈ મુજબ તેની ફી, સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો અને નૉટબુકનો ખર્ચ પીએમ કૅર ફંડમાંથી આપવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

હાલના નિયમાનુસાર ઉચ્ચ શિક્ષણ માટે આવા બાળકોને ભારતમાં પ્રોફેશનલ કૉર્સ કે ઉચ્ચ શિક્ષણ માટે ઍજ્યૂકેશન લૉન મેળવવામાં પણ મદદ કરવામાં આવશે અને તેનું વ્યાજ પીએમ કેર ફંડમાંથી ભરવામાં આવશે.

વિકલ્પરૂપે આવા બાળકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજના હેઠળ વૉકેશનલ કૉર્સ કે અન્ડર ગ્રૅજ્યૂએટ કૉર્સની ટ્યૂશન ફીના પ્રમાણમાં સ્કૉલરશિપ આપવામાં આવશે.

આવા તમામ બાળકોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના તેમ જ આયુષમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને પાંચ લાખ રૂપિયાનું વીમાકવચ પણ આપવામાં આવશે.

આ બાળકો ૧૮ વર્ષના થાય ત્યાં સુધી વીમાનું પ્રીમિયમ પીએમ કેર ફડમાંથી ભરવામાં આવશે.

કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં ૫૭૭ બાળક અનાથ થયા છે, એમ મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. (એજન્સી)

આશ્રિતોને પૅન્શન અપાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ને લીધે મરણ પામેલાના આશ્રિતોને પૅન્શન આપવા સહિત જે કુટુંબની કમાતી વ્યક્તિનું મરણ કોરોનાને કારણે થયું હોય એવા કુટુંબોને મદદરૂપ થાય એવા અનેક પગલાંની જાહેરાત શનિવારે કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ફૅમિલી પૅન્શનની ઉપરાંત ઍમપ્લોયી ડિપોઝિટ-લિંક્ડ ઇન્સ્યુરન્સ (ઇડીએલઆઇ) યોજનાને વધુ ઉદાર અને વિસ્તારીત કરાઇ છે. આ પગલાં એવા કુટુંબોની નાણાકીય સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે. મોદીએ જણાવ્યું હતું કે મારી સરકાર આવા કુટુંબોની સહાયતા માટે એમની પડખે ઊભી છે. આવા કુટુંબો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે ઇએસઆઇસી પૅન્શન યોજનાને કોવિડને કારણે મરણ પામેલી વ્યક્તિઓ માટે પણ વિસ્તારીત કરાઇ હોવાની વાત પીએમઓ કાર્યાલયે જણાવી હતી.

આવી વ્યક્તિના આશ્રિતો સરેરાશ મેળવતા દૈનિક વેતનના ૯૦ ટકા જેટલું પૅન્શન મેળવી શકશે. આ યોજનાનો લાભ ૨૪મી માર્ચ ૨૦૨૦થી ૨૪મી માર્ચ ૨૦૨૨ સુધીના આવા બધા જ કેસ માટે અમલમાં રહેશે.

ઇડીએલઆઇ વીમાના લાભ વધારવાનો લાભ કોરોનાને લીધે મરણ પામેલા કર્મચારીઓના કુટુંબીઓને મળશે. વીમાના મહત્તમ લાભની રકમ છ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવી છે અને ઓછામાં ઓછી રકમ અઢી લાખ રૂપિયા ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦થી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

પીએમઓ કાર્યાલયે વધુમાં જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ વિશેની વિસ્તૃત માહિતી જાહેર કરશે. (પીટીઆઇ)

ડેટા અપલોડ થશે

નવી દિલ્હી: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)એ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની મહામારીમાં માતાપિતા બંને અથવા માતાપિતામાંથી એક જણ ગુમાવનાર બાળકોનો ડેટા એમના પોર્ટલ પર અપલોડ કરવા જણાવ્યું છે.

મહિલા અને બાળકલ્યાણ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાનીએ મંગળવારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગત એક એપ્રિલથી પચીસ માર્ચ સુધીના રિપોર્ટના આધારે જણાવ્યું હતું કે દેશભરમાં ૫૭૭ બાળકો અનાથ થયા હતા. સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા

અધિકારીઓને બાળ સ્વરાજ પોર્ટલ પર કોવિડ કેર લિંક હેઠળ ૨૪ કલાકની અંદર અનાથ બાળકોનો ડેટા ભરવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ સર્વોચ્ચ બાળ અધિકાર સંસ્થા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

બાળ સ્વરાજ એ એનસીપીસીઆરનું ઓનલાઇન ટ્રેકીંગ પોર્ટલ છે જે સુરક્ષા અને સંભાળની જરૂરિયાતવાળા બાળકો પર ધ્યાન આપે છે. (પીટીઆઇ)

તમિળનાડુ સરકાર

₹ પાંચ લાખ આપશે

ચેન્નઇ: તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનારા બાળકો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની શનિવારે જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ગ્રેજ્યુએશન સુધી તેમના શિક્ષણ અને છાત્રાલયનો ખર્ચ ઉઠાવશે. માતા અને પિતામાંથી એક ગુમાવનારા બાળકોને ત્રણ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. એમ. કે. સ્ટાલિનની એઅધ્યક્ષતાવાળી બેઠકમાં

બાળકોના ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે તેમને આજીવિકા માટે મદદરૂપ થશે. બાળકો ૧૮ વર્ષના થાય ત્યાર પછી જમા કરેલી રકમ વ્યાજની રકમ સાથે બાળકને આપવામાં આવશે. સરકારી મકાનોમાં આ બાળકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

તમિળનાડુ સરકારે માતાપિતા ગુમાવનારા બાળકોની દેખરેખ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આસામ સરકાર નાણાકીય સહાયતા કરશે: સીએમ

ગુવાહાટી: કોવિડ-૧૯ને લીધે અનાથ થયેલા દરેક બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચ માટે આસામ સરકાર એમનાં વાલીઓને દર મહિને બાળકદીઠ રૂ. ૩૫૦૦ની નાણાકીય સહાયતા કરશે.

આસામના મુખ્ય પ્રધાન હિમંતા સર્માએ આ જાહેરાત કરવા સાથે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જે બાળકોનું કોઇ સગું નહીં હોય એમને આશ્રમશાળા

અથવા એવી સંસ્થામાં મોકલવામાં આવશે અને એમનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે.

કોરોનાના રોગચાળાને લીધે જે બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે, એ બધા આગળ જઇને પગભર થઇ શકે એ માટે એમને કુશળતા કેળવી શકાય એવા તાલીમ આપવામાં આવશે.

આ માટે રવિવારે મુખ્ય પ્રધાનની શીશુ સેવા યોજના અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :