30/4/25: આજથી ચારધામ યાત્રાનો આરંભ
- પહલગામ હુમલા વચ્ચે ચારધામ યાત્રા સ્થળોએ આતંકવાદ વિરોધી સ્ક્વોડ તૈનાત
- 6 હજારથી વધુ પોલીસ જવાનો, અર્ધ સૈન્ય દળોની 10 કંપનીઓ, 17 પીએસી કંપનીઓ તૈનાત, એસડીઆરએફની 63 પોસ્ટ તૈયાર
- 15 સુપર ઝોનમાં બે હજારથી વધુ સીસીટીવી કેમેરા તૈનાત, પર્યટન સ્થળોએ વિશેષ સુરક્ષાની તૈયારી કરાઇ
- 30 એપ્રીલે યમુનોત્રી-ગંગોત્રી જ્યારે 2 મેના રોજ કેદારનાથ અને 4 મેના બદ્રીનાથ ધામના કપાટ ખોલાશે
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ પર્યટકોને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. આ હુમલાને લઇને સમગ્ર તંત્ર એલર્ટ પર છે. એવામાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થવા જઇ રહી છે. ૩૦મી એપ્રીલથી ઉત્તરાખંડમાં ભારે સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો પ્રારંભ થશે. હાલ વેકેશનનો સમયગાળો છે, એવામાં બહુ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં સામેલ થાય તેવા અહેવાલો છે. આતંકી હુમલો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને યાત્રાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પહલગામ હુમલા બાદ ઉત્તરાખંડમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ યાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે છ હજારથી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. આ ઉપરાંત ૧૭ પીએસી કંપની, ૧૦ અર્ધ સૈન્ય દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. ૧૫ સુપર ઝોનમાં બે હજારથી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ વખતે ચારેય ધામોમાં એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ પણ તૈનાત કરાશે. કોઇ પણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૬૩ પોસ્ટ બનાવવામાં આવી છે.
એવા અહેવાલો છે કે આ વખતે અગાઉ કરતા પણ વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ આવી શકે છે અને સંખ્યા ૬૦ લાખ સુધી પહોંચી શકે છે. સુરક્ષા અંગે માહિતી આપતા રાજ્યના ડીજીપી દીપમ સેઠે કહ્યું હતું કે જવાનોની તૈનાતીની સાથે ગુપ્ત એજન્સીઓ પણ એલર્ટ પર છે. ચાર ધામ યાત્રા બુધવારે ૩૦ એપ્રીલના રોજ શરૂ થવા જઇ રહી છે. ૨૮મી એપ્રીલથી ઓફલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાયું હતું. જે માટે ૨૦ કાઉંટર તૈયાર કરાયા છે. ૬૦ ટકા રજિસ્ટ્રેશન ઓનલાઇન જ્યારે બાકીનું ૪૦ ટકા રજિસ્ટ્રેશન ઓફલાઇન કરવાનો નિર્ણય લેવાયો છે.
પહેલા દિવસે ઓફલાઇન રજિસ્ટ્રેશન માટે ૧૦૦૦નો સ્લોટ ફાળવવામાં આવ્યો છે. ૩૦ એપ્રીલના રોજ અક્ષય તૃતીયાથી યાત્રાનો આરંભ થશે અને બુધવારે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ પણ ખોલવામાં આવશે. જે બાદ બીજી મેના રોજ કેદારનાથ અને પછી ચાર મેના રોજ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવશે. જાણકારી અનુસાર ચાર ધામની યાત્રા માટે આશરે ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આ ચાર ધામ યાત્રામાં હિમાલયી ક્ષેત્રના હિન્દુ ધાર્મિક પવિત્ર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે. યાત્રાના શરૂઆતના પોઇન્ટ હરિદ્વારમાં પણ ઓફલાઇન રજિસ્ટ્રેશન કેન્દ્ર તૈયાર કરાયું છે જ્યાં ૨૦ કાઉન્ટર તૈનાત છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે બહુ જ જાણીતુ પર્યટન સ્થળ છે, એવામાં હાલ દેશના પર્યટન સ્થળોએ પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચારધામ યાત્રાના પર્યટન સ્થળોએ પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
