સુપ્રીમ કોર્ટે આજરોજ તા.18મી ઓગસ્ટે આપેલા એક મહત્વના ચુકાદામાં મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. આ આદેશ ૫ સપ્ટેમ્બરે યોજાનારી એનડીએની પરીક્ષાથી જ લાગુ થશે.
આ મામલે સુનાવણી દરમિયાન સેનાએ કહ્યું કે, એનડીએ પરીક્ષામાં મહિલાઓને સામેલ ન કરવી પોલિસી નિર્ણય છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ પોલિસી નિર્ણય છે તો તે ભેદભાવપૂર્ણ છે. જો કે, ૫ સપ્ટેમ્બરે પરીક્ષામાં બેસવાનો આદેશ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે.
અગાઉ, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે મહિલાઓને એનડીએની પરીક્ષામાં સામેલ કરવામાં આવે. સાથે અરજીમાં એવો ઉલ્લેખ પણ કરાયો હતો કે, લિંગના આધાર પર મહિલાઓને એનડીએમાં સામેલ કરવામાં આવતી નથી, જેથી તે સમાનતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કહી શકાય.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ૧૨ પાસ કરનારી મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે NDA અને નૌસેની એકેડમી પરીક્ષા આપવાના અવસરથી વંચિત કરી દેવામાં આવે છે. જેના લીધે યોગ્ય પાત્રતા ધરાવતી મહિલા ઉમેદવારોને પ્રવેશ મેળવવાનો કોઈ માર્ગ નથી. જ્યારે સમાન શિક્ષણ પ્રાપ્ત કરનાર પુરુષ ઉમેદવારોને પરીક્ષા આપવાનો અવસર મળે છે.
મહિલાઓનું સૅલ્ફ-હૅલ્પ ગ્રુપ ગામડાંઓને સમૃદ્ધિ સાથે જોડી શકે તે માટેનું વાતાવરણ સરકાર સતત ઊભું કરી રહી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા.12 ઓગસ્ટ 2021ને ગુરુવારે કહ્યું હતું. મહિલાઓનાં આવાં ચાર લાખ કરતાં પણ વધુ સૅલ્ફ-હૅલ્પ ગ્રુપને આર્થિક ટેકો આપવા વડા પ્રધાને રૂ. ૧૬૨૫ કરોડ ફાળવ્યા હતા.
‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ શીર્ષક હેઠળ મહિલાઓનાં સૅલ્ફ-હૅલ્પ ગ્રૂપ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે બદલાતા ભારતમાં મહિલાઓ માટે આગળ આવવાની તક વધી રહી છે.
છેલ્લાં છ-સાત વર્ષમાં મહિલાઓનાં સૅલ્ફ-હૅલ્પ ગ્રૂપની ગતિવિધિઓ વધી છે અને આ ગ્રૂપની ૭૦ લાખ કરતા પણ વધુ મહિલાઓ દેશભરમાં કામ કરી રહી છે. આ આંકડો અગાઉ કરતા ત્રણગણો હોવાનું તેમણે કહ્યું હતું.
આ ગ્રૂપ સાથે દેશની આઠ કરોડ કરતા પણ વધુ મહિલાઓ સંકળાયેલી છે, એમ તેમણે કહ્યું હતું. મિનિસ્ટ્રી ઑફ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝની પ્રાઈમ મિનિસ્ટર ફૉર્માલાઈઝેશન ઑફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઍન્ટરપ્રાઈસિસ (પીએમએફએમઈ) યોજના હેઠળ એસએચજીના ૭૫૦૦ સભ્ય માટે રોકાણ માટે મોદીએ પચીસ કરોડ અને ૭૫ એફપીઓ (ફાર્મર પ્રોડ્યૂસર ઑર્ગેનાઈઝેશન) માટે ૪.૧૩ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહૂડ મિશન હેઠળ એસએચજી ગ્રૂપને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
ગેરશિસ્ત મુદ્દે ફોગાટને અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી. તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ ગેમ્સમાં ત્યાં સુધી રમી નહીં શકે જ્યાં સુધી નોટિસનો જવાબ નહીં આપે
ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ગેરશિસ્ત આચરવા સામે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ દેશની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટને અચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરી દીધી છે. ફેડરેશનને ફોગાટની સાથી પહેલવાન સોનમ મલિકને પણ નોટિસ ફટકારી છે. વિનેશ ફોગાટે ફેડરેશનની કાર્યવાહી હેઠળ 16 ઓગસ્ટ સુધી પોતાની ગેરવર્તૂંણક કરવા પાછળની સ્પષ્ટતા આપવાની રહેશે. એમાં પણ વિનેશના જવાબ આપ્યા પછી છેલ્લો નિર્ણય ફેડરેશનનો રહેશે.
વિનેશે ટોકિયો ઓલિમ્પિક દરમિયાન ત્યાં રહીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ સાથે તાલીમ લેવાથી ઇનકાર કરી દીધો હતો. માહિતી મુજબ વિનેશ ફોગાટે ભારતીય પહેલવાન સાથે તાલીમ લેવાથી ઇનકાર કર્યો હતો. એના વર્તન પરથી લાગતું હતું કે તે ભારતીય દળ સાથે નહીં પરંતુ હંગરી ટીમ સાથે આવી હતી. આ સિવાય તેણે સ્પોન્સરની ટી-શર્ટ પહેરવાથી પણ ઇનકાર કરી દીધો હતો. મેચ દરમિયાન તે Nikeની ટી-શર્ટ પહેરની મેદાનમાં ઉતરી હતી. ટોકિયો ઓલિમ્પિકમાં હાજર અધિકારીઓ મુજબ ફોગાટે એ સમયે પણ હંગામો કર્યો હતો જ્યારે તેને ભારતીયો સાથે એક રુમની ફાલવણી કરવામાં આવી હતી. તેનું કહેવું હતું કે સાથે રહેવાથી તેની પર કોરોના સંક્રમણનું જોખમ વધી જશે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ વિનેશને ગેરશિસ્ત મુદ્દે અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની કુશ્તી પર રોક લગાવી દેવામાં આવી છે. વિનેશ ફેડરેશનની નોટિસનો જવાબ નહીં આપે ત્યાં સુધી તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.
રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધિરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્ર્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પૂરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે.
રૂપાણીએ આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે. જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે આપણે અનેક નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોંચાડ્યા છે.
નારીશક્તિનું મહિમામંડન કરતા રૂપાણીએ કહ્યું હતું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે.
સ્પોર્ટ્સના મહાકુંભ ગણાતા ઑલિમ્પિક્સ આડે ગણતરીના દિવસો બચ્યા છે. જાપાનના ટાકિયોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારી ઓલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે કોણ કોણ ઉતરશે તેના ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યા છે ને રોજ જ કોઈ ને કોઈ ભારતીય ખેલાડી ક્વોલિફાઈ થયાના સારા સમાચાર આવે છે. શુક્રવારે બહુ સારા સમાચાર અને વાસ્તવમાં તો ઐતિહાસિક સમાચાર એ આવ્યા કે, સ્વિમર માના પટેલ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ છે. આ સમાચાર આપણા માટે બહુ સારા એ રીતે છે કે, માના પટેલ ગુજરાતી છોકરી છે ને ઐતિહાસિક એ રીતે છે કે, ઑલિમ્પિક્સના ઈતિહાસમાં ભારતની કોઈ છોકરી સ્વિમિંગ માટે ક્વોલિફાઈ થઈ હોય એવું પહેલી વાર બન્યું છે.
માના પટેલે એ રીતે પણ ઈતિહાસ રચ્યો છે કે, ઑલિમ્પિક્સ માટે પસંદ થનારી પહેલી ગુજરાતી છોકરી બની છે. બલ્કે હજુ સુધી કોઈ ગુજરાતી ઑલિમ્પિક્સમાં રમ્યો જ નથી એ જોતાં માના ઑલિમ્પિક્સના સ્વિમિંગ પૂલમાં ઉતરશે એ સાથે વધુ એક ઈતિહાસ રચાશે. ૨૧ વર્ષની માનાએ દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે એવો ઈતિહાસ રચી દીધો છે. ભારત વતી આમ તો શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ એ બે સ્વિમર પહેલાં જ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. માના ભારત વતી ક્વોલિફાઈ થનારી ત્રીજી સ્વિમર છે પણ પહેલી છોકરી છે.
માના ઑલિમ્પિક્સમાં યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ક્વોલિફાઈ થઈ છે. આ ક્વોટા હેઠળ કોઈ પણ દેશમાંથી એક પુરુષ અને એક મહિલા ખેલાડીની ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે પસંદગી કરાય છે. વિશ્ર્વમાં તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સના આયોજન માટે ઈન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી (આઈઓસી) દ્વારા માન્ય એસોસિયેશન સફિના’ છે. ફિના’ એ ઈન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના ફ્રેન્ચ નામ ફેદરેશાં ઈન્તરનેશના દ નેશનનું ટૂંકું સ્વરૂપ છે. ‘ફિના’ ઑલિમ્પિક સીલેક્શન ટાઈમના આધારે કયા કયા સ્વિમર ઑેલિમ્પિક્સમાં રમશે એ નક્કી કરે છે. એ માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ્સ યોજાય છે અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને ઑલિમ્પિક્સમાં રમવાની તક મળે છે.
‘ફિના’ ઑલિમ્પિક સિલેક્શન ટાઈમના આધારે પણ કેટલાક સ્વિમર્સને ઑલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે નિમંત્રણ મોકલે છે. કોઈ દેશમાંથી આ બંનેમાંથી કોઈ પણ રીતે એક પણ સ્વિમર ક્વોલિફાઈ ના થયો હોય પણ તેનો ટ્રેક રેકોર્ડ જોરદાર હોય તો ‘ફિના’ એ દેશના એક પુરુષ તથા એક મહિલાને યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ કરે છે. માના પટેલ આ ક્વોટા હેઠળ ક્વોલિફાય થઈ હોવાથી કોઈને તેની સિદ્ધિ બહુ મોટી ના લાગે પણ એ વાત ભૂલવા જેવી નથી કે, ‘ફિના’ પણ યુનિવર્સાલિટી ક્વોટા હેળ ગમે તેને પસંદ કરતું નથી. ટ્રેક રેકોર્ડ જોરદાર હોય ને જેમણે નજીકના ભૂતકાળમાં ઑલિમ્પિક્સમાં ઉતરવા જેવો દેખાવ કર્યો હોય એવા સ્વિમર જ આ ક્વોટા હેઠળ પસંદ થાય છે. માનાએ ઉઝબેકિસ્તાન ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ વખતે તેણે ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થવા જરૂરી સમય લીધો હતો. સર્બિયા અને ઈટાલીમાં તેણે વધારે સારો દેખાવ કર્યો તેના કારણે તેને ઑલિમ્પિક્સમાં તક મળી છે. માનાએ એ રીતે પોતાના સારા દેખાવના જોરે જ ઓલિમ્પિક્સમાં રમવાની તક મેળવી છે. ઑલિમ્પિક્સમાં તક મેળવવી એ બચ્ચાંના ખેલ નથી જ ને ફાસફૂસિયાઓને એ તક મળતી નથી તેથી માનાની સિદ્ધિ ગર્વ અનુભવવા જેવી છે જ તેમાં કોઈ શંકા નથી.
ગુજરાતીઓ માટે તો આ સમાચાર વધારે મોટા છે કેમ કે ગુજરાતીઓમાં તો સ્પોર્ટ્સનું કલ્ચર જ નથી. આમ તો આપણા દેશમાં ક્યાંય સ્પોર્ટ્સનું કલ્ચર નથી કેમ કે આપણે શરીરને નહીં પણ આત્માને પૂજનારી પ્રજા છીએ. આપણા કહેવાતા સાધુ-સંતો ને ધર્મગુરુઓએ આત્માના ઉધ્ધારની ને લખ ચોરાસીના ફેરામાંથી છૂટવાની વાતો કરી કરીને આપણને એ હદે માયકાંગલા બનાવી દીધા છે કે, આપણે આપણા જ ઋષિઓ કહી ગયેલી વાત ભૂલી ગયા કે, વીરો દુનિયામાં બધે પૂજાય છે. વીરતાનો સંબંધ શારીરિક ને માનસિક બંને પ્રકારની વીરતા સાથે છે ને સ્પોર્ટ્સમાં બંને પ્રકારની વીરતા જોઈએ. આપણે બાવાજીઓ જે ચૂરણ ચટાડે છે તે ચાટી ચાટીને આત્માના ઉધ્ધાર માટે મથ્યા કરીએ છીએ પણ માનસિક ને શારીરિક રીતે વીર થવા માટે પ્રયત્ન સુધ્ધાં કરતા નથી તેના કારણે સાવ માયકાંગલા રહી ગયા છીએ.
ભારતમાં કેટલાંક રાજ્યોમાં સુધારો થયો છે ને સ્પોર્ટ્સનું કલ્ચર વિકસી રહ્યું છે પણ ગુજરાત એ રાજ્યોમાં નથી જ. પંજાબ, હરિયાણા, મણિપુર જેવાં નાનાં નાનાં રાજ્યો આ કેટેગરીમાં આવે પણ ગુજરાત ના આવે. ગુજરાતીઓને તો સ્પોર્ટ્સમાં રસ લઈને કલ્ચર વિકસાવવાનું છોડો પણ સ્પોર્ટ્સ જોવામાં પણ રસ નથી પડતો. આપણે સ્પોર્ટ્સના નામે ક્રિકેટ જોયા કરીએ છીએ ને તેના પર સટ્ટો રમ્યા કરીએ છીએ. આપણું સ્પોર્ટ્સ કલ્ચર તેનાથી આગળ વધતું નથી. આ માહોલ હોય ત્યાં એક છોકરી સ્પોર્ટસમાં આગળ આવે ને ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ થવાની સિદ્ધિ મેળવે એ વાત બહુ મોટી છે.
માનાની મહેનતને તો તેના માટે જશ આપવો જ જોઈએ પણ સાથે સાથે તેનાં મા-બાપને પણ સલામ કરવી જોઈએ કે જેમણે પોતાની દીકરીને સ્પોર્ટ્સમાં મહેનત કરવા માટે પ્રોત્સાહન આપ્યું, તેને આગળ વધવાની તક આપી. બાકી મોટા ભાગનાં મા-બાપ તો છોકરી સ્પોર્ટસમાં આગળ જવા માગતી હોય તેમાં જ ભડકી જતાં હોય છે ને તેને છણકો કરીને બેસાડી દેતાં હોય છે. માનામાં માતા-પિતા અને તેનો પરિવાર એ રીતે ખરેખર સલામને લાયક છે, સન્માનને લાયક છે. છોકરી સ્વિમિંગ જેવી રમતમાં આગળ વધવા માગતી હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવા બહુ સમજદારી જોઈએ, બહુ ધીરજ જોઈએ. માનાનાં માતા-પિતામાં એ સમજદારી, એ ધીરજ છે એ આનંદની વાત કહેવાય. રાજીવ પટેલ અને આનલ પટેલ પણ માનાની સિદ્ધિમાં જશનાં પૂરાં ભાગીદાર છે.
માનાએ આ સ્તરે પહોંચવા જે મહેનત કરી તેની વાત કરી શકાય તેમ નથી. શારીરિક રીતે તો તેણે કાળી મજૂરી કરી જ છે પણ માનસિક રીતે પણ તેણે જે સંઘર્ષ કર્યો હશે તેના માટે ગજવેલનું હૈયું જોઈએ. માના અમદાવાદમાં રહે છે પણ અમદાવાદ હોય કે મુંબઈ હોય કે ગુજરાતીઓનાં બીજાં કોઈ પણ શહેર હોય, સ્પોર્ટ્સ માટેની સવલતો કેવી છે એ આપણે જાણીએ છીએ. સારા કોચ બધે હોય છે પણ સવલતો વિના એ બિચારા પણ કરે શું ? આ કારણે ઘણા સારા ખેલાડી હાંફીને ઘરે બેસી જતા હોય છે. સ્વિમિંગ જેવી રમતને તો જરાય પ્રોત્સાહન ના મળે તેથી નાની ઉંમરનાં છોકરાં અડધાં તો તેમાં હતાશ થઈ જાય. ક્રિકેટ રમતા હો તો પબ્લિસિટી મળે, તાળીઓ પણ મળે ને ભવિષ્યમાં આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળશે તો બેડો પાર થઈ જશે એવી આશા પણ હોય. સ્વિમિંગમાં તો આમાંનું કશું ના હોય ને ખાલી મહેનત જ કર્યા કરવાની હોય ને લોકો આપણા પર હસે એ તો અલગ. માનાએ તેનાથી વિચલિત થયા વિના તર્યા કર્યું એ મોટી વાત છે. ઑલિમ્પિક્સમાં માનાનું શું થશે એ ખબર નથી પણ માના પટેલ ભારતને ઑલિમ્પિક્સ મેડલ અપાવીને વધુ ગૌરવ અપાવી શકે છે. ભારત પાસે વિશાળ દરિયાકિનારો છે, મોટી મોટી નદીઓ છે પણ દુનિયામાં સ્વિમિંગમાં ભારતની કોઈ ગણતરી જ નથી. ઑલિમ્પિક્સની વાત છોડો પણ એશિયન ગેમ્સમાં પણ ભારત સ્વિમિંગમાં જીતી શકતું નથી. ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય સ્વિમરની વાત નીકળે ત્યારે વીરધવલ ખાડે સિવાય બીજું કોઈ નામ જ યાદ ના આવે એવી હાલત છે. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બીજી બધી રમતોની જેમ સ્વિમિંગમાં પણ આપણે સાવ કંગાળ જ છીએ.
માના પટેલ આ કંગાલિયત દૂર કરીને દેશને મેડલ અપાવશે તો એ મોટી સિદ્ધિ હશે. માનાની વય ૨૧ વર્ષની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનો તેનો રેકોર્ડ ઑલિમ્પિક્સ મેડલ પાકો જ લાગે એવી આશા આપનારો નથી એ કબૂલવું પડે પણ સ્પોર્ટ્સમાં કશું ભૂતકાળના આધારે થતું નથી. મેદાન પર ઊતરે ત્યારે કમાલ કરી જાય તેનો દિવસ હોય છે ને જેમની પાસેથી આશા પણ ના હોય એવા ખેલાડીઓ કમાલ કરીને ઈતિહાસ રચી દેતા હોય છે. માના તો આશા રાખી શકાય એવી છોકરી છે ને આ આશા ફળે તો માનાની સિદ્ધિ અમૂલ્ય થઈ જાય.
ઇન્ડિયન આર્મી દ્વારા ફક્ત મહિલા ઉમેદવારો માટે મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વર્ગમાં ધો.10 પાસ હોય તેવી મહિલાઓને ભરતી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન ગઇ તા.6 જુન 2021થી શરૂ થઇ ચૂક્યા છે અને તા.20 જુલાઇ 2021 રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ છે.
ઈન્ડિયન આર્મીમાં સોલ્જર જનરલ ડ્યુટી (વુમેન મિલિટ્રી પોલીસ)માં જોડાવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની અરજી કરવા સંબંધિત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છૂટછાટ, પરીક્ષા પદ્ધતિની વિગતો, ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ, પરીક્ષા ફી વગેરે સંબંધિત તમામ સૂચનાઓ http://joinindianarmy.nic.in વેબસાઈટ પરથી મેળવી શકાશે.
મહિલા મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયાના નોટિફિકેશનના પહેલા બે પેજ અહીં પ્રસ્તુત છે
આ ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન પીડીએફ ફાઇલ ડાઉન લોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો
નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની આવી જ મહિલા કર્મયોગીઓની જેઓએ બાળકોની સારસંભાળ, ઘર-પરિવારની દેખરેખ સાથે RTPCR ટેસ્ટીંગની અભુતપૂર્વ કામગીરી કરી નારીશક્તિના દર્શન કરાવ્યાં છે. તેમણે કોરોનાની બન્ને લહેરમાં ૨.૬૫ લાખથી વધુ RTPCR ટેસ્ટ કર્યા છે, અને કોરોનાની સારવાર માટેના પ્રથમ પગલાંરૂપ ટેસ્ટીંગની કામગીરી માટે ઘડીયાળના કાંટાઓ જોયા વિના ૧૨ થી ૧૫ કલાક કામ કર્યું છે. કામનું ત્રણ શિફ્ટમાં વિભાજન હોવા છતાં કામના ભારણના લીધેઓવરટાઈમ કરીને પણ ૨૪ કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કર્યા છે.
આ લેબનું જમાપાસું એ છે કે અહીં તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટર, સર્વન્ટ સહિતના ૯૦ના સ્ટાફગણમાં ૮૦ મહિલાઓ અને ૧૦ પુરૂષો ફરજ બજાવી રહ્યાં છે. સ્ટાફમાં ૯૦ ટકા મહિલા કર્મયોગીઓ છે, જેઓ RT-PCR ટેસ્ટીંગ લેબમાં જીવના જોખમે કાર્યરત છે અને દૈનિક ૨૫૦૦ થી ૩૦૦૦ નમૂનાઓનું પરીક્ષણ કરે છે.
દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે. જેથી માઈક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઈન્ટેઈનની જવાબદારી પણ વધી ગઈ છે.
વિગતો આપતા માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.સુમેયા મુલ્લાં જણાવે છે કે, લેબ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં આજદિન સુધીમાં ૨.૬૫ લાખ જેટલા RTPCR ટેસ્ટ કર્યા છે. જેમાં માર્ચ-૨૦૨૦ થી લઈને ફેબ્રુઆરી-૨૦૨૧ સુધીમાં ૧.૩૯ લાખ તથા માર્ચ-૨૦૨૧ થી આજ સુધીમાં ૧.૨૬ લાખ જેટલા ટેસ્ટ કર્યા છે. ૯૦ ટકા જેટલી બહુમતીમાં મહિલા સ્ટાફગણ જીવની પરવા કર્યા વિના ૧૦ થી ૧૨ કલાક પીપીઈ કીટ પહેરીને ફરજ નિભાવે છે. ડિપાર્ટમેન્ટમાં ૩૮ ટેકનિકલ સ્ટાફ, ૦૮ સર્વન્ટ, ૧૧ ડોકટર, ૦૪ VRDL સ્ટાફ મળી કુલ ૯૦ સ્ટાફગણ ફરજ બજાવી રહ્યાં છે. જેમાંથી ૧૦ જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા, અને તમામ સ્વસ્થ થઈને ફરી પાછા ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે.
વધુમાં ડો. સુમેયા કહે છે કે, જ્યારે ૨૦૨૦ના વર્ષમાં માર્ચ મહિના દરમિયાન કોરોના કેસોમાં વધારો થતા તાબતતોડ ICMRની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં અમદાવાદ, જામનગર બાદ ત્રીજી લેબ શરૂ કરવાં સુરતની સિવિલને મંજૂરી આપવામાં આવી હતી, શરૂઆતના એ સમયે સુરત શહેરથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કોરોના દર્દીઓના રોજના ૮૦૦ થી લઈ ૧૨૦૦ ટેસ્ટ કરવામાં આવતા હતા. પછી તબક્કાવાર સ્મીમેર અને શહેર, જિલ્લાની અન્ય ખાનગી લેબોને મંજૂરી મળતા ટેસ્ટીંગ શરૂ થયા હતા. ત્યાં સુધી અમારા વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાતની કોવિડ ટેસ્ટીંગ જવાબદારી બખૂબી નિભાવી અને આજપર્યંત અમારૂં કામ ૨૪x ૭ રાઉન્ડ ધ ક્લોક અવિરત છે.’
કોરોનાની બીજી લહેરમાં પણ માત્ર ત્રણ મહિનાના ટુંકાગાળામાં ૧.૨૬ લાખ જેટલા ટેસ્ટ કર્યા છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે, હાલમાં અમે મ્યુકરમાયકોસિસના રોજના ૧૦ સેમ્પલનું પરીક્ષણ કરીએ છીએ. તબીબોથી લઈને સર્વન્ટ સુધીના સ્ટાફના ટીમવર્કથી ટેસ્ટીંગ કાર્ય ચાલી રહ્યું છે. સિવિલની આ લેબમાં ટેસ્ટીંગ માટે ૧૦ મશીનો, બે RNA એક્સટ્રેકશન મશીન ઉપલબ્ધ છે. જયારે જયારે જરૂર પડી ત્યારે રાજ્ય સરકારે તમામ આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
કોવિડ ટેસ્ટીંગ માટેના નોડલ ઓફિસર અને પ્રોફેસર ડો.નીતા ખંડેલવાલ જણાવે છે કે, સેમ્પલ આવ્યાં બાદ સૌ પ્રથમ વાઈરલ ટ્રાન્સપોર્ટ મિડીયમમાં આવેલ સેમ્પલમાં વાઈરસને લાઈસીસ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ વાઈરસમાં રહેલા RNAને RNA એક્સટ્રેકશન મશીનમાં એક્સટ્રેક્ટ (અલગ) કરવામાં આવે છે. ત્યારબાદ PCR ચેમ્બરમાં અલગ-અલગ કરેલા RNAને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રિએજન્ટમાં ઉમેરી કોવિડ-૧૯ વાઈરસ છે કે નહી તે જોવા માટે RT-PCR મશીનમાં બે કલાક મૂકવામાં આવે છે. RT-PCR મશીનમાં ગ્રાફ જોઈને આ વાઈરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે. આ એક ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા સુધી આશરે ૦૮ થી ૦૯ કલાક જેટલો સમય લાગે છે. રાજ્ય સરકાર અને કેન્દ્રના ICMRના પોર્ટલ પર દરરોજની નિશ્ચિત સમયાવધિમાં ડેટા એન્ટ્રી કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયા માટે બાયોસેફટી કેબિનેટ કલાસ ટુએ, RT-PCR અને RNA એક્સટ્રેકશન મશીન, માઈનસ ૨૦ ડિગ્રી રેફ્રિજરેટર (જેમાં ૦૬ માસથી પણ વધુ સમય સુધી સેમ્પલ સાચવી શકાય છે) સેન્ટ્રીફ્યુઝ, પીસીઆર સ્ટ્રીપ રોટર, મીની સ્પિન જેવા અતિ આધુનિક સાધનોની જરૂર પડે છે એમ તેઓ જણાવે છે.
ડો. નીતાએ ઉમેર્યું કે દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ અને નવસારીમાં નવી RT PCR લેબ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ અહીંના તબીબો દ્વારા તેમના સ્ટાફગણને ટેસ્ટીંગ માટે ICMR અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર પદ્ધતિસરની તાલીમ પણ આપવામાં આવી હતી.સિવિલમાં અમે ઈન્ફેકશન કંટ્રોલ ટીમનું પણ ગઠન કર્યું છે. જે વિવિધ વિભાગોમાં તબીબો, નર્સિંગ અને મેડિકલ સ્ટાફમાં સંક્રમણ અટકાવવાં માટે પણ સતત કાર્યરત છે.
વિભાગીય વડા ડો.સુમેયા મુલ્લાંના માર્ગદર્શન હેઠળ અહીં કાર્યરત ડો. ઉલ્લાસ ભાભોર અને ડો.ગીતા વાઘેલા કોવિડ ઇન્ફેકશન કંટ્રોલ, ડો.સંગીતા રેવડીવાલા અને ડો.યોગિતા મિસ્ત્રી મેડિકલ સ્ટાફને તાલીમ, ડો.દિપલ અને ડો.પૂર્વી ગાંધી કોવિડ કામગીરીની તાલીમ, બાયોમેડિકલ વેસ્ટના નિકાલ, રેસિડેન્ટ ડોક્ટર્સ અને સ્ટાફગણને સેલ્ફ કેર, ડો.તન્વી પાનવાલા અને ડો.વિભૂતિ સેમ્પલ ટેસ્ટીંગમાં ક્વોલિટી કંટ્રોલ, અન્ય જિલ્લાની લેબના સ્ટાફને તાલીમ અને ડો.અલ્પા પટેલ, ડો.ઉલ્લાસ અને ડો.દીપિકા મ્યુકર માયકોસિસના નમૂનાનું પરીક્ષણ, સિનીયર લેબ ટેક્નિશ્યન હેતલ નાયક પણ ટેસ્ટીંગ માટે મહત્વની જવાબદારી નિભાવે છે.
આમ, કોવિડ પરીક્ષણ માટે માઈક્રોબાયોલોજી વિભાગનું નમૂનેદાર માઈક્રોમેનેજમેન્ટ રહ્યું છે. જેમાં નારીશક્તિઓએ કાબેલિયત થકી ‘પુરૂષ સમોવડી નારી’નું બિરૂદ સાર્થક કર્યું છે.
RT PCR એટલે શું? તે કઈ રીતે થાય છે?
RT PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેઈન રિએકશન ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેસ્ટમાં વાયરસના આરએનએની તપાસ કરવામાં આવે છે. જેમાં શરીરના મોટા ભાગે નાક અને ગળામાંથી મ્યૂકોઝાની અંદરના સ્તરથી સ્વાઈબ લેવામાં આવે છે. પછી સેમ્પલમાંથી RNA ને અલગ કરવામાં આવે છે. RNA ને માસ્ટર મિક્સ રિએજન્ટની અંદર મિક્સ કરવામાં આવે છે. હવે એ પ્લેટને RTPCR મશીનની અંદર મુકવામાં આવે છે. ૨ કલાક પછી RTPCR મશીન તેના નેગેટિવ કે પોઝિટિવ પરિણામ આપે છે. આ ટેસ્ટ થકી સંક્રમણ કેટલું ગંભીર છે અને આગળ જતાં ઘાતક બની શકે છે કે નહીં તે પણ જાણી શકાય છે. આ ટેસ્ટ દુનિયાના દરેક દેશોમાં ૧૦૦ ટકા વિશ્વસનીય ગણાય છે.
સુરતની નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની કોરોનાની બન્ને લહેરમાં ૨.૬૫ લાખથી વધુ RTPCR ટેસ્ટીંગની અભુતપૂર્વ કામગીરી
ઓલિમ્પિક ટિકિટ મેળવી ચૂકેલી વિનેશ ફોગાટ અને અંશુ મલિકે દમદાર પ્રદર્શન સાથે એશિયન ચેમ્પિયનશિપના ફાઇનલમાં પોતાના મુકાબલા જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ઘણા મોટા ખેલાડીઓ વિના આયોજિત આ પ્રતિયોગિતામાં વિનેશે દબદબો કાયમ રાખ્યો હતો અને 53 કિલો વર્ગમાં અંક ગુમાવ્યા વિના એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત પ્રતિયોગિતામાં કાંસ્ય પદક જીતનારી વિનેશે ફાઇનલમાં તાઈપેની મેંગ હસિહ સામે 6-0થી બઢત મેળવી હતી. આ પ્રતિયોગિતામાં તાઇપેની મેગ સામે વિનેશની બીજી જીત છે જ્યારે અંશુએ ફાઇનલમાં બત્સેત્સેગ અલ્ટાંસેટસેગને 3-0થી પછાડીને સીનિયર વર્ગમાં વધુ એક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં મંગોલિયન ખેલાડી પાસે અંશુના આક્રમણનો કોઈ જવાબ નહોતો. વિનેશે શરૂઆતી ચરણમાં મંગોલિયાની ખેલાડી અને તાઈપેની ખેલાડી સામે ટેકનિકલ શ્રેષ્ઠતાથી જીત મેળવી હતી જ્યારે સેમીફાઈનલમાં પ્રતિદ્વંદ્વી હુનયોન્ગ ઓહ ઈજાના કારણે રિંગમાં ઉતરી શકી નહોતી.
ચંડીગઢથી ભાજપના સાંસદ અને બોલીવુડની અભિનેત્રી કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત હોવાની વાત ખુદ તેમના પતિ અભિનેતા અનુપમ ખેરે જાહેર કરી છે. અનુપમ ખેરે ટ્વિટ કરીને પત્નીને કેન્સર હોવાની વાતની પુષ્ટિ કરી છે. સાથે જ હેલ્થ અપડેટ આપી છે.
અનુપમ ખેરે ગુરુવારે ટ્વિટ પર એક લાંબી નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે, “આ એટલા માટે જણાવી રહ્યો છું જેથી અફવાઓ વધુ ના ફેલાય. સિકંદર અને હું જણાવવા માગીએ છીએ કે કિરણને મલ્ટીપલ માયલોમા (multiple myloma)નું નિદાન થયું છે. જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને અમને ખાતરી છે કે તે આમાંથી વધુ મજબૂત બનીને બહાર આવશે. અમે નસીબદાર છીએ કે, કિરણની સારવાર ખૂબ શ્રેષ્ઠ ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. તે હંમેશાથી ફાઈટર રહી છે અને લડત આપતી રહી છે. કિરણ જે કંઈ કરે છે તે દિલથી કરે છે માટે જ લોકો તેને ચાહે છે. તમારો પ્રેમ તેને મોકલતા રહો અને તેને તમારી પ્રાર્થનામાં રાખજો. તેની રિકવરી સારી રીતે થઈ રહી છે અને તમારા સૌના પ્રેમ અને સહકાર માટે આભાર.”
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.